Opinion Magazine
Number of visits: 9567285
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બહુમુખી પ્રતિભા ધરાવતા યુગપુરુષ

દિનેશ શુક્લ|Opinion - Opinion|26 January 2015

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની મુખ્ય ત્રિપુટી, ગાંધી, સરદાર અને નેહરુને આપણે આજે વિવિધ કારણોસર યાદ કરીએ છીએ. ગાંધીજીને તેમના ઉદાત્ત આદર્શો અને તેમના પારદર્શક જીવન અને તેમાંથી પ્રગટ થતા સંદેશ માટે યાદ કરીએ છીએ. નેહરુને તેમનાં વિચારો, આધુનિક મૂલ્યો જેવાં કે સેક્યુલારિઝમ, રેશનાલિઝમ અને વૈજ્ઞાનિક અભિગમના આગ્રહ માટે યાદ કરીએ છીએ. તો સરદારને તેમણે કરેલ અનેક કાર્યો, એવા કાર્યો, જે તેમના સિવાય બીજું કોઈ કરી શક્યું ન હોત, તે માટે યાદ કરીએ છીએ.

૧૯૪૬થી ૧૯૫૦ સુધીનાં પાંચ વર્ષનો સમયગાળોનો ભારતના આધુનિક ઇતિહાસમાં સૌથી કઠિન અને નિર્ણાયક રહ્યો છે. એક નવા રાષ્ટ્ર-રાજ્યના જન્મસમયની બધી પ્રસૂતિ પીડાઓનો સામનો મુખ્યત્વે સરદાર અને નેહરુને કરવો પડ્યો હતો. આ સંધિકાળમાં આ ત્રણે નેતાઓની હાજરી અને તેમની દોરવણી પાછળ ભારત ભાગ્યવિધાતાનો કોઈ સંકેત હોવો જોઈએ !

નેહરુ સ્વાતંત્ર્યસંગ્રામના એક અગ્રણી લડવૈયા તો હતા જ. ઉપરાંત, તેઓ એક મહાન લેખક અને ખાસ તો ઇતિહાસના અભ્યાસી હતા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘Glimpses of World History’, ‘Discovery of India અને ‘Autobiography’ વગેરેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તે વખતના નેતાઓમાં જગતના ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય રાજકારણનો તેમણે જે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો, એટલો બીજા કોઈ નેતાએ કર્યો ન હતો.

તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. વચગાળાની સરકારમાં વડાપ્રધાન(૧૯૪૬)થી ૧૯૬૪માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી દેશનું સુકાન સંભાળનાર અને આધુનિક ભારતનો પાયો નાંખનાર મુઠ્ઠી ઊંચેરા રાજપુરુષ હતા. નેહરુ જેમ અચ્છા લેખક અને અભ્યાસી હતા, તેટલા જ પ્રભાવશાળી વક્તા પણ હતા. ૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ની મધ્યરાત્રિએ જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના પ્રતીક સમો ‘યુનિયન જેક’ (ધ્વજ) નીચે ઉતારવામાં આવ્યો અને આઝાદ ભારતનો તિરંગો ફરકાવવામાં આવ્યો ત્યારે તેમણે જે પ્રવચન આપેલ ‘Tryst with Destiny’ તે અવિસ્મરણીય છે. વિશ્વનાં યાદગાર પ્રવચનોમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. નેહરુ જ્યારે બોલતા ત્યારે તેમાં કવિતાનો રણકો સંભળાતો હતો. અંગ્રેજી ભાષા પરનો તેમનો કાબૂ, શબ્દોની પસંદગી અને તેના ઉચ્ચાર ભલભલા અંગ્રેજને પણ શરમાવે તેવા હતા.

ભારતના બંધારણના ઘડવૈયાઓમાં તેઓ મોખરે હતા. બંધારણઘડતરમાં તેમનો ફાળો અમૂલ્ય હતો. બંધારણસભાની બેઠકોની શરૂઆતમાં તેમણે ‘Objective resolution’ રજૂ કરેલું, તેમાં દેશનું નવું બંધારણ ઘડવા પાછળ આપણા મુખ્ય ઉદ્દેશો કયા છે, તેની સ્પષ્ટતા કરવામાં આવેલી. તેમાં જે મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવેલા, તે બધાનો સમાવેશ ભારતના બંધારણના આરંભમાં મૂકવામાં આવેલ ‘આમુખ’માં થાય છે. બંધારણનાં આમુખ(બીજા શબ્દોમાં પ્રસ્તાવના)માં આપણે સ્વતંત્ર થયા પછી એક રાષ્ટ્ર-રાજ્ય તરીકે કયા ઉદ્દેશો અને આદર્શો ચરિતાર્થ કરવા માંગીએ છીએ, તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રસિદ્ધ રાજ્યશાસ્ત્રી અર્નેસ્ટ બાર્કરે જમાવ્યું છે કે ‘ઉદારમતવાદી લોકશાહીનાં મૂલ્યો અને આદર્શોની આટલી સચોટ અભિવ્યક્તિ તમને બીજે ક્યાં ય જોવા નહીં મળે’. બંધારણના આમુખને આપણે ‘Mission statement’ પણ કહી શકીએ.

નેહરુ એક અભ્યાસી લેખક અને પ્રભાવશાળી વક્તા તરીકે તે વખતના નેતાઓમાં આગવી ભાત પાડે છે, તેમ એક વિચારક તરીકે પણ અલગ તરી આવે છે. આપણે તેમને ‘માનવવાદી-રેશનાલિસ્ટ વિચારક’ કહી શકીએ. તેમની દાર્શનિક ભૂમિકા ‘અજ્ઞેયવાદી’ની હતી. અગાઉ ઉલ્લેખ કર્યો તે અનુસાર તેઓ જગતના ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ પુસ્તકમાં ઇતિહાસ વિશેની તેમની વિભાવનાનો પરિચય મળે છે. તેઓ માનતા કે ઇતિહાસ મુખ્યત્વે વસ્તુલક્ષી પરિબળોથી સંચાલિત થાય છે. છતાં ઇતિહાસને ચાલના આપનારાં પરિબળોમાં વ્યક્તિવિશેષના ફાળાનો ઇન્કાર કરતા નથી. ઇતિહાસના ‘વીરપુરુષો’ જેવા કે નેપોલિયન, ચંગીઝખાનના વ્યક્તિવિશેષોનો ઇતિહાસ ઘાટ આપવામાં જે ફાળો છે, તેનો પણ તેઓ સ્વીકાર કરે છે. કૉંગ્રેસ મહાસમિતિની બેઠકોમાં તે સમયના આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશે એક ખાસ ઠરાવ રજૂ કરવામાં આવતો અને ચર્ચા-વિચારણા બાદ તે પસાર કરવામાં આવતો. તે ઠરાવનો મુસદ્દો ઘડવાનું કામ નેહરુ કરતા. અને તે પરની ચર્ચામાં તેમનો મુખ્ય ફાળો રહેતો.

૧૯૨૭માં તેમણે સોવિયેત યુનિયનની મુલાકાત લીધેલી. તેનાથી તેઓ ઠીકઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા. તે વખતે સોવિયેત યુનિયનમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજિત અર્થતંત્રનો સ્વીકાર કરવામાં આવેલો, તેમાંથી પ્રેરણા લઈને આગળ જતાં સ્વાતંત્ર્ય મળ્યા બાદ આપણે ત્યાં આયોજન પંચની રચના કરવામાં આવેલી, જેનું મુખ્ય કામ પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરવાનું હતું.

નેહરુ માર્ક્સવાદ અને સામ્યવાદી વિચારોથી પ્રભાવિત થયેલા પણ માર્ક્સવાદ-સામ્યવાદની કંઠી નહીં બાંધેલી. તેમના આર્થિક વિચારો મહદંશે સમાજવાદી વિચારધારાથી પ્રભાવિત થયેલા, જેનો મુખ્ય સિદ્ધાંત છે કે ઉત્પાદનનાં સાધનોની ખાનગી માલિકીને બદલે સમાજની માલિકી હોવી જોઈએ. સાથે-સાથે નેહરુ સામાજિક-આર્થિક ન્યાયમાં માનતા હતા. આર્થિક વૃદ્ધિ સાથે સામાજિક-આર્થિક ન્યાયનો જો સ્વીકાર કરવામાં ન આવે અને તેને ચરિતાર્થ કરતી નીતિઓ અમલમાં મૂકવામાં ન આવે, તો સમાજમાં મોટા પ્રમાણમાં બેદિલી અને અન્યાયની લાગણી ઊભી થયા વિના રહે નહીં.

આઝાદીનાં આરંભિક વર્ષોમાં જુદાં-જુદાં રાજ્યોએ જમીનદારી નાબૂદીને લગતા કાયદાઓ પસાર કરેલા. આ કાયદાઓ મિલકતના મૂળભૂત અધિકારનો ભંગ કરે છે, એમ જણાવી જુદી-જુદી વડી અદાલતોએ એ કાયદાઓને ગેરબંધારણીય અને રદબાતલ જાહેર કરેલા. એ બધા કાયદાઓ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલો થઈ. સર્વોચ્ચ અદાલત પણ વડી અદાલતો જેવું વલણ લે તો જમીનદારી નાબૂદીને લગતા કાયદાનો અમલ થઈ શકે નહીં. સ્વાતંત્ર્ય આંદોલન વખતે અમે સત્તા પર આવીશું, તો જમીનદારી નાબૂદ કરીશું, એવાં વચનો કૉંગ્રેસે આવેલાં. હવે શું કરવું. ત્યારે નેહરુએ રસ્તો કાઢ્યો કે જમીનદારી નાબૂદીને લગતા બધા કાયદાઓને બંધારણના નવમા પરિશિષ્ટમાં જ સ્થાન આપવામાં આવે, એવી જોગવાઈ સાથે કે આ પરિશિષ્ટમાં કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેને ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહીં ! ટૂંકમાં નેહરુની દીર્ઘદૃષ્ટિને કારણે જમીનદારી નાબૂદીને લગતા પ્રગતિશીલ કાયદાઓને આ રીતે અદાલતી સમીક્ષાથી પર બનાવી દેવામાં આવ્યા.

ત્યાર બાદ ૧૯૫૫માં અવાડી ખાતે મળેલ કૉંગ્રેસના અધિવેશનમાં દેશમાં ‘સમાજવાદી ઢબની સમાજરચના’ સ્થાપિત કરવા સંબંધી ઠરાવ પસાર કરવામાં આવ્યો.

જો એક દેશ તરીકે અને સમાજ તરીકે ઝડપથી વિકાસ સાધવા ઇચ્છતા હોઈએ તો ‘રાજ્ય’ની ભૂમિકા નિર્ણાયક હોવી જોઈએ. તે સંદર્ભમાં બંધારણમાં ‘રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’નો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં રાજ્યે કઈ નીતિ ઘડવી તેનું માર્ગદર્શન આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. આ કામ ‘રાજ્યે’ કરવાનું છે, તે પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ સિદ્ધાંતોમાં કેટલાક ‘સમાજવાદી સિદ્ધાંતો’નો સમાવેશ થાય છે. તે પરની ચર્ચામાં નહેરુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે કેવો ભાવિ સમાજ સ્થાપવા માંગીએ છીએ, તેનું ‘માર્ગદર્શન’ આપે છે. એ અર્થમાં તે સિદ્ધાંતો ભારતીય સમાજના પરિવર્તનનો એજન્ડા છે. ઇચ્છિત દિશામાં પરિવર્તન સંબંધી માર્ગદર્શન આપતા આ સિદ્ધાંતો છે. ડૉ. આંબેડકરના શબ્દોમાં દેશના શાસનમાં આ સિદ્ધાંતો પાયારૂપ છે. ભલે અદાલતો દ્વારા તેમનો અમલ ન કરાવી શકાય.

નેહરુ માનતા હતા કે ભારત જેવા ‘ગરીબ’ અને પછાત દેશના અર્થતંત્રને મજબૂત પાયા પર સ્થાપિત કરવામાં ‘રાજ્યે’ નિર્ણાયક ભૂમિકા ભજવવી જોઈએ. અને તેથી કરીને દેશના ચાવીરૂપ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો ખાનગી વ્યક્તિઓના હાથમાં નહીં, પણ રાજ્ય હસ્તક હોવા જોઈએ અને તેથી નહેરુના શાસનકાળમાં જેને જાહેર ક્ષેત્ર (પબ્લિક સેક્ટર) કહેવામાં આવે છે તેનો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ થયો. બીજા શબ્દોમાં ખેતીપ્રધાન દેશમાં તેમણે ઔદ્યોગિક ભારતનો પાયો નાંખ્યો. સાથે સાથે, તેમના સમયમાં મોટા બંધો બાંધવામાં આવ્યા, લોખંડ-પોલાદનાં કારખાનાં, રાસાયણિક ખાતરનાં કારખાનાં નાંખવામાં આવ્યાં. આ બધાંને તેઓ ‘modern temples of  India’ કહેતા.

નેહરુ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના પ્રખર વિરોધી હતા. સાથે-સાથે વિશ્વભરમાં તે સમયે ચાલતી રાષ્ટ્રવાદી ચળવળોના સમર્થક હતા. દરેક રાષ્ટ્રીયતાને આત્મનિર્ણયનો હક હોવો જોઈએ, એવું માનતા હતા. રાષ્ટ્રીય એકીકરણ અને રાષ્ટ્રીય એકતાના તેઓ પુરસ્કર્તા હતા.

ભારતમાં સંસદીય લોકશાહીનો પાયો નાંખનાર નેહરુ હતા. સંસદીય પ્રણાલીઓ અને સંસદીય ગરિમાના તેઓ ચુસ્ત આગ્રહી હતા. ભારતમાં ઉદારમતવાદી-સંસદીય લોકશાહીનો મજબૂત પાયો નાખનાર તરીકે નહેરુનું યોગદાન કદાચ અદ્વિતીય હતું, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. શક્ય હોય ત્યાં સુધી નેહરુ સંસદમાં હાજર રહેતા. ખાસ તો વિરોધપક્ષના નેતા જ્યારે સંબોધન કરતા હોય ત્યારે શાંતિથી સાંભળતા અને તેમણે ઊભા કરેલા મુદ્દાઓનો તર્કબદ્ધ, પદ્ધતિસર જવાબ આપતા.

અગાઉ જણાવ્યું તેમ નેહરુ વિશ્વરાજકારણના ઊંડા અભ્યાસી હતા. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. પશ્ચિમ પણ ખાસ તો અમેરિકાના નેતૃત્વ હેઠળનું એક જૂથ તો સામે પક્ષે સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળનું બીજું જૂથ. બંને જૂથોએ લશ્કરી કરારો દ્વારા પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયાસ કર્યો. આવાં લશ્કરી જોડાણોનું અભિપ્રેત એક લક્ષણ એ હતું કે એક દેશ પર આક્રમણ થાય, તો તેની સાથે જૂથમાં જોડાયેલા દેશો પરનું આક્રમણ ગણાય. બંને જૂથો વચ્ચે એક પ્રકારનું ‘ઠંડું યુદ્ધ’ ચાલતું હતું.

નેહરુના માર્ગદર્શન હેઠળ ભારતે કોઈ પણ લશ્કરી જૂથમાં નહીં જોડાવાની – બિનજોડાણની નીતિ અપનાવી. ઘણા વિવેચકો માનતા હતા કે નેહરુ આદર્શવાદી હોવાથી તેણે કોઈ પણ જૂથમાં નહીં જોડાવાની બિનજોડાણની નીતિ અપનાવેલી. ખરેખર તો એ વાસ્તવદર્શી નીતિ હતી. ૧૯૪૭માં આપણે સ્વતંત્ર થયા, તે સમયનું વિશ્વરાજકારણ-શરૂ થયેલી અણુશાસ્ત્રોની સ્પર્ધા, સ્પર્ધાત્મક દ્વિધ્રુવી વિશ્વરાજકારણે, આ બધાં પરિબળોનાં લેખાંજોખાં લઈને નેહરુએ બિનજોડાણની વિદેશનીતિ  અપનાવી. બિનજોડાણની નીતિના મુખ્ય ઘટકો આ પ્રમાણે હતા : (૧) ઠંડા યુદ્ધ અને જૂથબંધીથી અળગા રહેવું. (૨) બંને મહાસત્તાઓ (અમેરિકા અને સોવિયત યુનિયન) સાથે સારા સંબંધો કેળવવા, લશ્કરી જોડાણોમાં સામેલ થવું નહીં. એટલું જ નહીં પણ કોઈ પણ મહાસત્તાને લશ્કરી થાણાં સ્થાપવા દેવાં નહીં. (૩) આર્થિક વિકાસ માટે બંને પાસેથી આર્થિક મદદ મેળવવી. (૪) કોઈ પણ મહાસત્તા પાસેથી લશ્કરી મદદ સ્વીકારવી નહીં. (૫) વિદેશનીતિના સંચાલનમાં લશ્કરી કે સત્તા-પ્રભાવના રાજકારણને સ્થાને શાંતિ અને સમાધાનના અભિગમને વધારે મહત્ત્વ આપવું. ટૂંકમાં, બેમાંથી એક પણ સત્તાજૂથ(લશ્કરી જૂથ)માં નહીં જોડાનાર રાષ્ટ્રોનું એક ત્રીજું જૂથ અથવા ત્રીજું બળ ઊભું કરવાનો તેમણે પ્રયાસ કર્યો અને તેમાં તેમને ઠીકઠીક પ્રમાણમાં સફળતા પણ મળી. બિનજોડાણવાદના મુખ્ય ઘટકોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ઠંડા યુદ્ધનો વિરોધ, લશ્કરી જૂથોથી અલિપ્ત રહેવું, લશ્કરી ઉપાયોને બદેલ શાંતિમય વાટાઘાટો દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવા પર ખાસ ભાર મૂકવો, વગેરે.

બિનજોડાણનો અર્થ ‘તટસ્થતા’ થતો નથી એવી સ્પષ્ટતા ખુદ નેહરુએ કરી છે. જ્યાં એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર પર પ્રભુત્વ જમાવવા આક્રમણ કરતું હોય, ત્યાં આપણે તટસ્થ કેવી રીતે રહી શકીએ. જ્યાં મોટા પ્રમાણમાં માનવહકોનું હનન થતું હોય, ત્યાં પણ તટસ્થ રહી શકીએ નહીં. ‘બિનજોડાણનો અર્થ છે કોઈ પણ લશ્કરી જોડાણમાં નહીં જોડાવું.’

બિનજોડાણની નીતિનો એક લાભ એ મળ્યો કે બંને સત્તાજૂથો અને તેમનાં મુખ્ય રાષ્ટ્રો તરફથી આપણને ઠીક ઠીક પ્રમાણમાં આર્થિક મદદ મળી. બંને સત્તાજૂથો ભારત જેવા મોટા ‘બિનજોડાયેલ’ રાષ્ટ્રને પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યાં, જેનો આપણને લાભ મળ્યો. એક સમયે તો નેહરુની ગણના વિશ્વસ્તરીય ત્રીજા રાજપુરુષ તરીકે થવા લાગી. બંને સત્તાજૂથોનાં મુખ્ય રાષ્ટ્રોના નેતાઓ – અમેરિકી પ્રમુખ, તો બીજી બાજુ સોવિયેત યુનિયનના સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી પોતપોતાના વિચારો નેહરુ મારફત સામેના નેતાને પહોંચાડતા.

રાષ્ટ્રો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો સ્થપાય અને તેનું જતન થાય તે માટે ‘પંચશીલના સિદ્ધાંતો’ ઘડવામાં અને તેને વાચા આપવામાં નેહરુનો ફાળો સૌથી મહત્ત્વનો છે. આ સિદ્ધાંતોમાં, પ્રાદેશિક અખંડિતતા, પરસ્પરના સાર્વભૌમત્વનો આદર, એકબીજા પર આક્રમણ ન કરવું, બીજા શબ્દોમાં બિનઆક્રમણ, એકબીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી, શાંતિમય સહઅસ્તિત્વ અને પરસ્પર આર્થિક સહકાર વગેરેનો સમાવેશ થાય છે.

નેહરુની વિદેશનીતિ અને તેના સંચાલનમાં બે-ત્રણ મુદ્દાઓની બાબતમાં તેમની ટીકા કરવામાં આવે છે, તેનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. એક ટીકા એ કરવામાં આવે છે કે નેહરુ ચીનને ઓળખવામાં થાપ થઈ ગયા. ૧૯૬૨માં ચીન ભારત પર શા માટે આક્રમણ કર્યું અને થોડા સમય બાદ ‘એકપક્ષીય યુદ્ધવિરામ’ જાહેર કરીને તેણે પોતાનાં દળો શા માટે પાછા ખેંચી લીધાં એ આજે પણ અણઉકેલ્યો કોયડો છે. આપણી લશ્કરી સજ્જતા કેટલી કાચી અથવા પોકળ હતી, તે પણ તેનાથી સ્પષ્ટ થયું. આજે પણ ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો જ પ્રદેશ માને છે. ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’નાં સૂત્રોમાં ચીનના ખરા ઇરાદા કયા હતા, તે આપણે જાણી શક્યા નહીં.

બીજી ટીકા કાશ્મીરના સંદર્ભમાં કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરનું જોડાણ રાજા હરિસિંહે ભારતીય સંઘ સાથે કર્યું, તેના થોડા જ સમયનાં જમ્મુ-કાશ્મીર પર કબાઇલીઓના વેશ પહેરીને પાકિસ્તાનના સૈનિકોએ હુમલો કર્યો. એ હુમલાને ખાળવા માટે તરત લશ્કર મોકલવાને બદલે નેહરુએ યુનાઈટેડ નેશન્સનો આશરો લીધો અને ત્યાં સલામતી સમિતિએ યુદ્ધવિરામ જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીરના પશ્ચિમ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પશ્ચિમ ભાગ ઉપર પાકિસ્તાનના લશ્કરે કબજો જમાવી દીધો હતો. આ બાબતે નેહરુ અને સરદાર વચ્ચે ઠીકઠીક પ્રમાણમાં મતભેદો ઊભા થયેલા.

એ જ રીતે તિબેટની બાબતમાં નેહરુએ ચીન ઉપર દબાણ લાવવા જેવું હતું. તિબેટ ચીનનો સ્વાયત્ત પ્રદેશ હતો, અને તેને પોતાનામાં ભેળવી દેવાનો પ્રયાસ કર્યો, તે વખતે ભારતે આગ્રહ રાખાવો જોઈતો હતો કે ભારત-તિબેટ વચ્ચેની સરહદોની સ્પષ્ટતા કરવામાં આવે ! સરદાર પટેલે આ સંદર્ભમાં નેહરુનું ધ્યાન પણ દોર્યું હતું. જ્યારે નેહરુ અને સરદારની તુલના કરવામાં આવે છે, ત્યારે એક એવું વિધાન કરવામાં આવે છે કે ‘આદર્શવાદી નેહરુ હવામાં ઉડનાર નેતા હતા’, જ્યારે સરદારના પગ નક્કર ધરતી પર રહેલા હતા.

નેહરુએ દેશમાં વૈજ્ઞાનિક સંશોધનસંસ્થાઓ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ વગેરેની સ્થાપના કરી અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપ્યું, તેની ખાસ નોંધ લેવી જોઈએ. અણુશક્તિના શાંતિમય ઉપયોગ માટેની સંસ્થાઓ સ્થાપીને, વૈજ્ઞાનિકોને ઘણું પ્રોત્સાહન પૂરું પાડ્યું. અવકાશ ક્ષેત્રે આપણે જે સિદ્ધિઓ મેળવી છે અને મેળવતા રહીએ છીએ, તેનો પાયો નેહરુએ નાખેલો.

ટૂંકમાં, ઉદારમતવાદી, પ્રાતિનિધિક સંસ્થાઓનાં નિર્માણ, જતન અને સંગોપન, આયોજન દ્વારા દેશના આર્થિક-સામાજિક વિકાસ પર ભાર, સિદ્ધાંતચુસ્ત સમાજવાદને બદલે લોકશાહી સમાજવાદનાં પુરસ્કાર વગેરે ક્ષેત્રોમાં તેમનો ફાળો અમૂલ્ય છે. ભાવિ ભારતનું એક દર્શન, તેમના વિચારોમાં પ્રતિબિંબિત થાય છે. એ અર્થમાં નહેરુને એક દૃષ્ટિવંત, રાજપુરુષ તરીકે વર્ણવી શકીએ. તેઓ એક બહુમુખી પ્રતિભા અને ભાતીગળ વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 4 – 6

Loading

26 January 2015 admin
← ના, હું તો મારા બાળકને ગુજરાતી માધ્યમની શાળામાં જ ભણાવીશ !
નેહરુ અને ભારતીય અર્થકારણ →

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved