હે મતદાતા, ભારત ભાગ્યવિધાતા, તારા ગુપ્ત મતદાન પર આ દેશના આગામી પાંચ વર્ષ દાવ પર લાગેલા છે એટલે આજે મારે તારી સાથે જરાક ગોઠડી માંડવી છે. તારી ચોપાસ ચૂંટણીના માંડવા રોપાઈ ગયા છે, જાતભાતનાં વાજાં વાગવાની સાથે ભૂંગળી પણ વાગી રહી છે. આપણા દેશની આ સૌથી મોટી ભવાઈમાં ભાગ લેનારાઓ વાઘા સજીને પટમાં ઊથરી ચૂક્યા છે. જેના ભાગે જે વેશ આવ્યો છે એ ભજવવામાં પૂરા ગુલતાન થઈને ભજવી રહ્યા છે. હાકલા પડકારા વચ્ચે, વચનોની લહાણી વચ્ચે તારો અવાજ સાંભળવો તો દૂર, તારા અસ્તિત્વ બાબતે પણ આ તમામ નેતાઓ બેપરવા છે. ગરીબોના બેલી બની બેઠેલાઓ, પોતપોતાના લાભ અનુસાર બીજાને ભાંડવા બેઠેલાઓ આ તમામ (હા, દોસ્ત તમામ)ને તારી કે મારી ઝાઝી ચિંતા નથી. એટલે જ હવે આપણે આમ આદમીએ નિરાંતજીવે વિચારી લેવા જેવું છે કે આ ભવાઈમાં સૌથી મહત્ત્વનો વેશ તો આપણે જ ભજવવાનો હોય છે ને એટલે દોસ્ત આપણે જાગવું પડશે, સાવધાન થવું પડશે.
હવે આ જામેલા રંગમાં થોડા દા'ડા નેતાઓનાં ધોડાપૂર આવશે, મન ફાવે તેવી તડાફડી કરશે, જાતભાતના નાટક ભજવાશે, ખરાખરીનો ખેલ થાશે… અને હા, તારી ફરતે મહિનો દા'ડા ગરબે ફરનારા આ તમામ તારા મનને પણ ગરબે ફેરવવા મથશે. માટે સાવધાન… જોજે આ મતની વરવી રાજનીતિ તારી સ્થિર બુદ્ધિને ડગાવી ના દે, તારા સારાસારના વિવેકને ભગાવી ના દે. તારે તારું મન અને હૈયું બેઉ સાબૂત રાખવાનાં છે. ભવાયા તો વેશ ભજવીને જતા રહેશે દોસ્ત પણ આપણે તો આપણા રોજના પ્રશ્નોનું, આપણા દેશનું વિચારવું પડશે ને?
તને અને મને બેઉને ખબર છે દોસ્ત કે આપણે સાવ સામાન્ય માણસ છીએ. આપણે સૌ રોજનું લાવીને રોજ ખાનારા, સાંજ પડ્યે ઊંચા જીવે સ્વજનોની રાહ જોનારાઓ, નાનાં-નાનાં સપનાઓ જોનારાઓ સામાન્ય માણસો… આપણને ખબર છે કે મંદિર-મસ્જિદની લડાઈઓથી આપણા ઘરમાં ચૂલો નથી પેટાતો. આપણે સૌ એ પણ સમજીએ છીએ કે આપણા દેશની પ્રજા હંમેશાં ભાષા અને પ્રદેશથી ઓળખાતી આવી છે, ધર્મથી નહીં. એની પહેલી ઓળખ ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી છે, હિંદુ કે મુસ્લિમ તો એની બીજી કે ત્રીજી ઓળખ હોઈ શકે. તો પછી શા માટે આવાં આગઝરતાં ભાષણો? વાણી સ્વાતંત્ર્યનો આવો બેફામ દુરુપયોગ આ દેશને કેવા ભરચક ભાવિ બાજુ લઈ જશે એનો વિચાર આ ટૂંકી દૃષ્ટિના નેતાઓ નથી કરતા એમને માત્ર ચૂંટણીમાં થતાં લાભ જ દેખાય છે. એટલે જ દોસ્ત તારા-મારા જેવા આમ ભારતીયોએ હૈયા પર હાથ મૂકી થોડાક પ્રશ્નો જાતને પૂછવા જરૂરી છે : શું ખરેખર જ આપણા દેશને એક વધારાના મંદિર કે મસ્જિદની જરૂર છે ખરી? આજ સુધીમાં મંદિર-મસ્જિદે આપણાં કોઈ પ્રશ્નો ઉકેલ્યા છે ખરા? (હા, વધાર્યા ચોક્કસ છે) ધર્મ જેવી અંગત લાગણીને આપણે આમ સરેબજાર ઉછાળતા કેમ થયા? આપણા બધાની લાગણી માત્ર સ્થળ કે પથ્થરની દીવાલો પૂરતી જ ઉછળે કે ઘવાય? જીવતા માણસના મરવાથી આપણને કોઈ ફરક ના પડે? હિંદુ હોય કે મુસ્લિમ, માણસ મરવાની કે પાયમાલ થવાની પીડામાં ફરક હશે ખરો? એક સામાન્ય હિંદુ કે એક સામાન્ય મુસ્લિમને એકબીજા સાથે નથી ફાવતું એવું છે ખરું? જો એવું નથી તો ક્યાં સુધી આપણને આ નેતાઓ મંદિર-મસ્જિદ, ધર્મ કે જાતિના નામે લડાવ્યા રાખશે? આપણી શ્રદ્ધા અને આસ્થા કેમ આટલાં તકલાદી નીકળ્યાં? ધર્મ જોડવાને બદલે તોડવાનું કામ કરે છે એમાં ધર્મકારણની સાથે ભળી ગયેલું રાજકારણ તો જવાબદાર છે જ, પણ દોસ્ત હું અને તું – સામાન્ય ભારતીયો – પણ ઓછા જવાબદાર નથી. કેમ આપણે નેતાઓની ચાલમાં, એની વિષભરી વાણીમાં, કે પછી લાલચમાં આવી સારાસારનો વિવેક ખોઈ બેસીએ છીએ? કેમ આપણે ઘરમાં બેસી રહીએ છીએ પણ મત આપવા નથી જતાં? કેમ આપણે માત્ર માણસ તરીકે, સાચા ભારતીય તરીકે નથી વિચારતા? કેમ આપણે ભૂલી બેસીએ છીએ કે આપણો ધર્મ કોઈ પણ હોઈ શકે પણ આપણી સંસ્કૃતિ તો એક જ છે.
આમ તો આપણે સૌ સમજીએ છીએ કે જિંદગીના સપના જેવા ઘર કે ધંધા પળ વારમાં બળીને રાખ થઈ જાય ત્યારે રામ કે રહીમની પીડા સરખી જ હોવાની. દોસ્ત, આટલાં વર્ષોનો આપણો અનુભવ છે કે પલીતા ચાંપનારાઓ નિરાંતજીવે ખસી જાય છે ને પાયમાલ તો આમઆદમી જ થતો આવ્યો છે. આપણે તો જાણીએ પણ છીએ અને સમજીએ પણ છીએ કે ઈશ્વર કણેકણમાં વસેલો છે. જડ અને ચેતનમાં તારામાં અને મારામાં એક જ તત્ત્વ વસે છે. જો રામ અને રહીમ, ઈશ્વર અને અલ્લાહ એક જ હોય તો પછી ખુદાના ઘર માટે આટલી લડાઈઓ શા માટે? ઈશ્વરના નામે આટલું ઝનૂન, આટલી હિંસા શા માટે? ને દોસ્ત મતની આ વરવી રાજનીતિમાં, ચૂંટણીની આ ભવાઈ વખતે જ આ મંદિર મસ્જિદ કે હિંદુ-મુસ્લિમની રમત રમાય છે ને એક વાર મત મળ્યા પછી કોણ તું અને કોણ હું? -નો ઘાટ આટલાં વર્ષોથી થતો આવ્યો છે છતાં આપણે સમજતાં કેમ નથી? ગાંધીના એક આહ્વાને ભડકઓ શાંત થઈ જતાં. જ્યારે આજે? આજના નેતાઓના એક લલકારે શહેરો ભડકે બળે છે, ધંધારોજગાર ચોપટ થઈ જાય છે ને વેઠવાનું તો તારે-મારે એક આદમીના ભાગે જ આવે છે ને? એટલે દોસ્ત હવે તો ગાંઠે બાંધવું જ પડશે કે આ દેશને હિંદુ મુસ્લિમ, શીખ-ઈસાઈની જરૂર નથી, આ દેશને સાચા ભારતીયોની જરૂર છે. સો ટચના સોના જેવા માણસોની જરૂર છે. પહેલાં વતન, પહેલાં દેશ, પહેલાં માનવતા, પહેલાં સંસ્કૃતિને પછી તારો કે મારો ધર્મ આવે… બસ, મત આપતાં પહેલાં દરેકે આટલું યાદ રાખવું જરૂરી છે. ધર્મ તો તારા-મારા ઊંબરાની અંદર રહેતી અંગત ભાવના છે. વાતે વાતે એને બજારમાં ઉછાળતા લોકોની વાતમાં ન આવીશ. અસગર વજાહતના નાટક 'જિન્હે લાહૌર નંઈ દેખ્યા…'નો પેલો ડાયલોગ યાદ કર : "તુમ દુસરોં કે મઝહબ કો બૂરા ન કહો, તાકિ વહ તુમ્હારે મઝહબ કો બૂરા ના કહે, તુમ દૂસરોં કે ખુદા કો બૂરા ના કહો તાકિ વહ તુમ્હારે ખુદા કો બૂરા ન કહે." તો વાત આમ છે દોસ્ત… આપણે ત્યાં હોળીધૂળેટીના રંગમાં જન્માષ્ટમીના જુગારમાં, નવરાત્રિના ગરબામાં, દીવાળીના દીવામાં, ગાડાદોડ, મેળા કે રમતોમાં ક્યાંય ધર્મ આડો આવે છે ખરો? તાજિયા હેઠળથી ગરકતો / નીકળતો મારા દેશનો હિંદુ અજમેરશરીફ કે હાજીપીર જઈ ચાદર ચડાવે છે, અને શીતળામાને પગે લાગતો આ દેશનો મુસ્લિમ રામલીલામાં પાત્ર ભજવી શકે છે. આપણી ભાષા, સંગીત, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, આપણી સંસ્કૃતિ એક જ છે ને દોસ્ત દુનિયાના કોઈ પણ ધર્મ કરતાં સંસ્કૃતિ હંમેશાં ચડિયાતી જ હોય, ધર્મ તોડે પણ સંસ્કૃતિ જોડે.
ચૌદસો વર્ષના સહજીવને આપણને કેવી અદ્ભુત મિશ્ર સંસ્કૃત આપી છે? ઉત્તમ સાહિત્યકારો, સંગીતકારો, કલાકારો અને ઉત્તમ મનુષ્યો 'મન તરપત હરિદર્શન કો આજ…' જેવું ગીત હોય, તાજમહાલ કે અજન્તા હોય, લાલ કિલ્લો કે જોધપુરનો કિલ્લો હોય, જામા મસ્જિદ કે ફતેહપુર સિક્રીની લાવણ્યમયી રેખાઓ હોય કે કોણાર્કના મંદિરની ભવ્યતા, ગંગા-યમુનાની શીતળતા કે અજમેર શરીફની દઝાડતી રેતી… આ બધા પ્રત્યેની આપણી લાગણી, આપણો ભાવ એકસરખો નથી? મારા દેશની આ ધરોહર છે અને એના માટેનું મારુ ગુમાન, મારી મગરૂરી એકસરખી જ હોવાની.
એટલે દોસ્ત, મત આપતી વખતે એટલું યાદ રાખજે કે મારા-તારા જેવા સામાન્ય માણસોથી બનેલા આ દેશમાં બીજી અનેક સમસ્યાઓ છે : આપણા પ્રશ્નો રોટી-કપડા-મકાન, નોકરી સારવાર… અનંત છે પણ ઉકેલી શકાય એવા છે. એના ઉકેલ માટે બસ ખરી દાનત હોવી જરૂર છે. તું સ્વસ્થ ચિત્તે, સ્થિરબુદ્ધિએ નક્કી કર કે હું માણસ છું, ભારત નામના મહાન દેશનો વારસદાર છું અને એનું ભાવિ નક્કી કરવા માટે હું સાચા ઉમેદવારને જ મત આપીશ. હું જાતિ-સંપ્રદાય, ધર્મ જેવા વાડાઓમાં અટવાઈશ નહીં. હું જોઈશ કે મારી રોજેરોજની જિંદગીની સમસ્યાઓમાં કોને રસ છે. હું એવો ભારતીય છું જેને સચીન કે યુવરાજ છક્કો મારે કે ઇરફાન કે ઝાહિર છક્કો મારે – મારો આનંદ સરખો જ હોવાનો કારણ કે એ છક્કો મારા દેશના ખાતામાં જમા થાય છે. એટલે હવે કોઈ ગમે તેટલો ભડકાવશે, બહેકાવશે,… હું નહીં ભડકું, નહીં બહેકું… હું માત્ર ભારતીય તરીકે વિચારીશ, ભારતીય તરીકે વર્તીશ અને મત પણ એક ભારતીય તરીકે જ આપીશ. ને મત તો આપીશ જ. કારણ મને મારા મતની કિંમત સમજાઈ ગઈ છે. બસ દોસ્ત, જો આટલું થશે ને તો તારામારા – જેવા સામાન્ય માણસોનો ઉદ્ધાર નક્કી જ છે ને તો પછી આ દેશને આગળ વધતો કોઈ નહીં અટકાવી શકે એ પણ હું તને ત્રાંબાના પતરે લખી આપવા તૈયાર છું, જા લઈ આવ પતરું.