Opinion Magazine
Number of visits: 9448508
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિતારાદેવી રોકસ્ટાર ફ્રી સ્પિરિટ બોલ્ડ – કથકસમ્રાજ્ઞી : સિતારાદેવી

તેજસ વૈદ્ય|Profile|3 December 2014

કથક નૃત્ય કરતાં સિતારાદેવીને જુઓ એટલે આંખનું મટકું મારવાનું મન ન થાય. નજર ચૂકી જાવ તો કેટલીક સિક્વન્સ છૂટી જાય. તેઓ જે ત્વરાથી નૃત્ય કરતાં એ જોઈને થાય કે તેમનું શરીર છે કે વીજળી! એ રીતે તેમનું નામ સિતારાદેવી યોગ્ય હતું. લપકઝપક વીજળીની જેમ નાચતાં નૃત્યાંગના સિતારાદેવી ૯૪ વર્ષે ધરતી છોડીને આસમાનનો સિતારો બની ગયાં

સિતારાના ફિલ્મી ચમકારા

  • સિતારા દેવીએ દિલીપ કુમારને ભાઈ બનાવ્યા હતા અને તેમને રાખડી બાંધતાં હતાં.
  • એક સમયે રાજ કપૂર આર.કે. સ્ટુડિયોમાં મોટા પાયે હોળીની ઉજવણીનું આયોજન કરતા હતા. જેમાં સિતારાદેવી હાજર ન હોય એવું ભાગ્યે જ બનતું હતું.
  • શાહીદ કપૂરની માતા નીલિમા આઝિમ કથક નૃત્યાંગના છે. નીલિમાએ પંડિત બિરજુ મહારાજ પાસે કથકની તાલીમ લીધી છે. નીલિમા આઝીમ સિતારાદેવીને અત્યંત આદર આપતી હતી. સિતારાદેવીએ તેને કથક પ્રિન્સેસની ઉપમા આપી હતી.
  • હિન્દી સિનેમામાં આજે કથકની જે કંઈ બોલબાલા છે એમાં સૌથી મોટું પ્રદાન સિતારાદેવીનું છે. મીનાકુમારી, રેખા, મધુબાલા, માલાસિંહા જેવી અભિનેત્રીને કથકના સ્ટેપ્સ ફિલ્મોમાં સિતારાદેવીએ શીખવ્યા છે.
  • 'મધુબન મેં રાધિકા નાચે રે ..' ,'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે ..' જેવાં ગીતોમાં કોરિયોગ્રાફી સિતારાદેવીની છે.
  • રવીન્દ્રનાથ ઠાકુર, શેખ અબ્દુલ્લા સિતારાના કથકના દીવાના

પચાસ વર્ષની ઉંમરે સિતારાદેવીએ સતત બાર કલાક નૃત્ય કર્યું હતું.

ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરે સિતારાદેવીને 'કથક ક્વીન'ની ઉપમા આપી હતી. ટીનેજર હતા ત્યારે સિતારાદેવીએ રવીન્દ્રનાથ ઠાકુર સામે કથક રજૂ કર્યું હતું. ઈનામરૂપે ઠાકુરે તેમને શાલ અને ૫૦ રૂપિયા આપ્યા હતા. એ લેવાની સિતારાદેવીએ ના પાડી હતી અને કહ્યું હતું કે "મને તમારા આશીર્વાદ આપો." એ પ્રસંગ સિતારાદેવી તમામ એવોર્ડ કરતાં અદકેરો લાગતો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધીથી લઈને અનેક રાજકીય વડાઓએ સિતારાદેવીને શ્રદ્ધાંજલિ આપી હતી. કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા સિતારાદેવીના જબરા ફેન હતા.

પંડિત બિરજુ મહારાજ

"મને સિતારાની એ વાત હંમેશાં પ્રેરિત કરતી રહી કે તેણે શરૂઆતના તબક્કે ક્યારે ય કથકની ફોર્મલ તાલીમ લીધી નહોતી. જે શીખ્યું એ તેના પિતા પાસેથી શીખ્યું, અને શું અજબ શીખ્યું! સિતારાની એક ખૂબી એ પણ હતી કે તે મંચ ઉપર જ નહીં મંચ સિવાય પણ એ વાતનો ખ્યાલ રાખતી કે પોતે કથક ડાન્સર છે. તે પોતાના પહેરવેશ અને આભૂષણનો હંમેશાં ખ્યાલ રાખતી કે એ તેના વ્યક્તિત્વ સાથે સુસંગત છે કે નહીં. એ તેનો દેખાડો ન હતો, પણ એક કલાકારનો પોતાની કલા પ્રત્યેનો પ્રેમાદર હતો. જેને ૨૪ કલાક પોતાની કલાની જ ફિકર હોય તે એની આસપાસ જ પોતાનો સંસાર રચી લે છે."

ભાગીરથી ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ થયું ત્યારે શંકર ભગવાને તેને પોતાની જટામાં ઝીલી હતી. એ પછી ગંગા પૃથ્વી પર વહેતી થઈ એવી કથા છે. સિતારાદેવી વિશે કહી શકાય કે કથક નૃત્ય પણ જ્યારે ગેબમાંથી પૃથ્વી પર આવ્યું હશે ત્યારે તેણે સિતારાદેવીનો દેહ ધારણ કર્યો હશે. કથક સિતારાદેવી હતું કે સિતારાદેવી કથક હતાં એ ભેદ જ તેમના વ્યક્તિત્વમાં ખરી પડતો હતો. સિતારાદેવી ૯૪ વર્ષની ઉંમરે ય હંમેશાં નાકમાં નથણી, આંખમાં કાજળ, લાલ ઘેરો ચાંદલો, કાનમાં ઝૂમખાં, ચહેરા પર નૃત્યાંગના ટાઇપનો ભભકદાર મેકઅપ અને એવી જ ઝાકમઝોળ સાડીમાં જોવા મળતાં કે જાણે આખું જીવન તેમના માટે મંચ છે અને દરેક ક્ષણે તેઓ કથક પરફોર્મ કરે છે. તેમના માટે સ્ટેજ નહીં પણ જીવન કથક હતું. કોઈ પણ ચીજની છાલક એવી વાગવી જોઈએ કે પછી આખું જીવન એને એ રીતે સર્મિપત થઈ જાય કે કલાકાર અને કલાને અલગ જ ન કરી શકાય. સિતારાદેવી એવી લગનનું જ નામ હતાં.

કથક આજે ઘણી યુવતીઓ શીખે છે. દેશનાં નાનાંમોટાં અનેક શહેરોમાં કથક શીખવતા ક્લાસીસ છે. વિદેશમાં પણ કથકનો પ્રસાર વધ્યો છે. માધુરી દિક્ષીતે તો એના માટે ઓનલાઈન ડાન્સ એકેડેમી શરૂ કરી છે. સંજય લીલા ભણસાલીએ ફિલ્મ 'દેવદાસ'માં ગીત 'માર ડાલા …'માં કથક ફિલ્માવ્યું હતું તેમ જ એક ઠુમરી પણ કથકદિગ્ગજ પંડિત બિરજુ મહારાજ પાસે ગવડાવી હતી. એવી જ રીતે ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'માં એક ડાન્સ સિકવન્સમાં માધુરી જે કથકના સ્ટેપ્સ લે છે એ પંડિત બિરજુ મહારાજે તેમને શીખવ્યા હતા. ટૂંકમાં, કથક શાસ્ત્રીય નૃત્યોનું પોપ્યુલર ફોર્મ છે. એ પોપ્યુલર થયું છે એમાં સિતારાદેવી અને બિરજુ મહારાજનો મોટો રોલ છે. આપણે ત્યાં જે કલા ફિલ્મો સાથે જોડાઈ જાય એ કલા પ્રત્યે લોકોનો ઝુકાવ આપોઆપ વધે છે. કથકની વ્યાપક લોકપ્રિયતામાં સિતારાદેવીનું નામ એટલા માટે સૌથી પહેલા લેવામાં આવે કે ફિલ્મોમાં કથકને પોપ્યુલારિટી મળવાનું શ્રેય તેમને ફાળે જાય છે. તેમના અગાઉ ફિલ્મોમાં એક્ટર મહેમૂદના પિતા મુમતાઝ અલી કથક પરફોર્મ કરતા પણ એ છૂટાછવાયા પ્રયાસ હતા. સિતારાદેવી કથકને ફિલ્મોમાં સતત પ્લેટફોર્મ આપતાં રહ્યાં અને કથક ફિલ્મોના માધ્યમથી આમ જનતામાં પણ પોપ્યુલારિટી હાંસલ કરતું ગયું. ૧૯૪૦ના દાયકાથી સિતારાદેવી ફિલ્મોમાં હિરોઈન તરીકે ચમકતાં હતાં. એક્ટર તરીકે તેમના પરફોર્મન્સમાં કથકનું આગવું સ્થાન હતું.

તેમણે કાર્યક્રમોમાં અને ફિલ્મોમાં કથક પરફોર્મ કર્યું એટલું જ નહીં, મીનાકુમારી, મધુબાલા, રેખા જેવી કેટલી ય અભિનેત્રીઓ તેમની પાસેથી ફિલ્મના ખપ પૂરતું કથક શીખી હતી. તેથી ફિલ્મોમાં કથક કરતી હિરોઈનોની પરંપરામાં પણ તેમનો રોલ છે.

સિતારાદેવી કથકસમ્રાજ્ઞી હતાં. તેમણે ભારતનાટયમ્ અને રશિયન બેલે પણ શીખ્યું હતું. તેઓ કહેતાં કે એક કલાકાર તરીકે મને વિવિધ નાટયફોર્મની સૂઝ-સમજ હોવી જરૂરી છે. મને બધું આવડે છે એ બતાવી દેવા એ નહોતી શીખી.

અલ્લડ ઔરત

અંગ્રેજીમાં 'ફ્રી સ્પિરિટ' નામનો એક શબ્દપ્રયોગ છે. જેનો અર્થ થાય છે એવી વ્યક્તિ જેને દુનિયાની કોઈ તમા નથી અને મનમસ્તીપૂર્વક જીવે છે. સૂફીઓ જેને ફાંકામસ્તી કહે છે અને સંતપરંપરા જેને અવધૂત કહે છે એને અંગ્રેજીમાં કેટલેક અંશે ફ્રી સ્પિરિટ કહી શકાય. પ્રિન્સેસ ડાયેનાએ કહ્યું હતું કે "આઈ લાઇક ટુ બી અ ફ્રી સ્પિરિટ. સમ પીપલ ડઝન્ટ લાઈક ધેટ, બટ ધેટ્સ ધ વે આઈ એમ."

સિતારાદેવી ફ્રી સ્પિરિટનાં બ્રાન્ડ એમ્બેસેડર હતાં. ઔપચારિકતા નામનો શબ્દ તેમણે ક્યારે ય સાંભળ્યો જ ન હતો. તેઓ જેવાં હતાં એવાં જ વ્યક્ત થતાં હતાં. ગોઠવી ગોઠવીને બોલવું કે વિચારી વિચારીને પગલું માંડવું એવું ૯૪ વર્ષ સુધીની ઉંમરમાં ક્યારે ય સમજ્યાં જ નહોતાં. મંચ પર ભાષણ કરવા ઊભાં થયાં હોય તો પણ સિતારાદેવી કાર્યક્રમની ઐસીતૈસી કરીને પોતાને જે લાગે તે બેધડક બોલી દેતાં. એવા લોકોની સંખ્યા ખૂબ મોટી છે જે સિતારા દેવીથી ડરતા હોય. જે લોકોએ રણબીર કપૂરની ફિલ્મ 'રોકસ્ટાર' જોઈ હશે એમાં રણબીરને જે બેધડક બતાવવામાં આવ્યો છે એનાથી ચાર ચાસણી વધારે બેધડક અને બેખૌફ સિતારાદેવી હતાં. જે વખતમાં કન્યાઓ ઘરની બહાર પગ નહોતી મૂકતી અને નૃત્યમાં પણ પુરુષોનો ઈજારો હતો એ વખતે સિતારાદેવી નૃત્યાંગના બન્યાં હતાં. નાચનારીઓને ગણિકા કે વેશ્યા કહેવામાં આવતી એ દૌરમાં સિતારાદેવી નૃત્યાંગના થયાં હતાં. સિતારાદેવી એ દૌરમાં નૃત્યાંગના બન્યાં જ્યારે કન્યાઓને નૃત્યનું શિક્ષણ અપાતું નહોતું. નૃત્યને નીચી નજરે જોવાતું હતું.

દરેક પરર્ફોમિંગ આર્ટ ભરપૂર રિયાઝ એટલે કે રિહર્સલ્સ માગે છે. એમાંય કલાકારની ઉંમર વધે પછી તો એ રિયાઝના કલાકો પણ વધારવા પડે છે. કલા ક્યારે ય સમાધાનમાં માનતી નથી. વધતી ઉંમર સાથે શરીર નબળું પડી રહ્યું હોય ત્યારે કલાના ક્ષેત્રમાં કલાકારને દર્શકો તરફથી સહાનુભૂતિના કૃપાગુણ ન મળે. સિતારાદેવીએ પચાસ વર્ષની ઉંમરે બાર કલાક સળંગ કથક પરફોર્મ કર્યું હતું. એના પરથી તેમના રિયાઝ અને લગનનો અંદાજ મળે છે. પંડિત બિરજુ મહારાજ કહે છે કે "મારા ખ્યાલ મુજબ એવો એક પણ દિવસ નહીં ગયો હોય જ્યારે સિતારાએ રિયાઝ ન કર્યો હોય." બિરજુ મહારાજે જે વાત કહી એ જ વાત ઉર્દૂના મહાન લેખક સઆદત હસન મન્ટોની બિન્ધાસ્ત શૈલીમાં વાંચો. મન્ટો લખે છે "સિતારા સવારે વહેલી ઊઠીને કમસેકમ એક કલાક વ્યાયામ અને નૃત્યકળાનો અભ્યાસ કરતી હતી. એ અભ્યાસ અસાધારણ હતો. એક કલાક સળંગ નાચવાથી હાડકાં થાકી જાય પણ સિતારા મને ક્યારે ય થાકેલી દેખાઈ નહોતી. એ થાકે એવા જીન્સ(જનીન)ની નહોતી. બીજા લોકો થાકી જાય પણ એ એવી ને એવી જ રહેશે જાણે તેણે કોઈ પરિશ્રમ જ ન કર્યો હોય."

આગળનું વાંચીને ચોંકશો નહીં !

મન્ટો આગળ લખે છે, "તેને પોતાની કળા પ્રત્યે જેવો પ્રેમ છે એવો જ ઘનિષ્ઠ પ્રેમ તેને વિભિન્ન પુરુષો પ્રત્યે પણ છે." સિતારાદેવીના વ્યક્તિત્વનું બીજું પાસું એ હતું કે તે એવી ભરપૂર ઔરત હતી કે તેને એક પુરુષથી સંતોષ ન થાય. તેના મિજાજીપણા વિશે મન્ટો લખે છે કે "જે સ્ત્રી માત્ર એક પુરુષથી સંતુષ્ટ ન રહેતી હોય એનો શું ઈલાજ? હું એમાં સિતારાનો કોઈ વાંક જોતો નથી. જે કંઈ પણ તેની સાથે થયું એ તેની પ્રકૃતિને અનુરૂપ જ હતું. કુદરતે તેને ઘડી જ એવી છે કે તે સેંકડો હાથનો જામ બની રહે. પ્રયાસ કરવા છતાં ય તે પોતાની ફિતરતની વિરુદ્ધ નથી જઈ શકતી."

કે. આસિફ, પ્રતાપ બારોટ સાથે સિતારાનાં અલગ અલગ તબક્કે લગ્ન થયાં હતાં. એ સિવાય ફિલ્મમેકર મહેબૂબ, પ્રોડયુસર પી.એન. અરોરા, એક્ટર નઝીર વગેરે સાથે સિતારાદેવીને સંબંધ હતા. મન્ટો લખે છે "તે ઘણી વાર ખતરનાક રીતે બીમાર પડી હતી. તેને એવી બીમારીઓ થઈ હતી કે એ જો અન્ય કોઈ સાધારણ સ્ત્રીને થઈ હોય તો એ બચે નહીં. પણ સિતારા એવી સખત જાન હતી કે દર વખતે મોતને દગો આપતી રહી. મને એમ કે આટલી બીમારીઓ પછી તેની નાચવાની શક્તિ શિથિલ પડી જશે, પણ તે અત્યારે પણ યુવાન વય હોય એ રીતે જ નાચે છે. રોજ કલાકો સુધી નૃત્યનો રિયાઝ કરે છે. માલીશવાળા પાસે માલીશ કરાવે છે અને એ બધું જ કરે છે જે અગાઉ કરતી આવી છે. એ મને કેવો માણસ સમજે છે એ મને ખબર નથી પણ હું તેને એવી ઔરત સમજું છું જે સો વર્ષે ભાગ્યે જ એકાદ વાર જન્મે છે."

સિતારાદેવી ખરેખર ભાગ્યે જ જન્મે એવી ઔરત હતાં. ૯૦ની વય વટાવ્યા પછી પણ જે મહિલા સ્ટેજ પર ડાન્સના કાર્યક્રમ આપવા થનગનતી હોય તો એ જેવીતેવી ઔરત ન હોઈ શકે. તેઓ છેલ્લાં વર્ષોમાં તો વ્હિલચેર પર જ હતાં. જે વ્યક્તિનું જીવન જ નાચ હોય એ વ્હિલચેરભેર થઈ જાય તો જીવન એને કેવું કરડવા દોડતું હશે? આવો સવાલ તમારા મનમાં થાય તો એ સવાલ ખંખેરી નાખો, કારણ કે સિતારાદેવી ભરપૂર બાઈ હતાં. તેણે જીવન સામે ક્યારે ય શરતો અને શિકાયતો માંડી નહોતી.

વ્હિલચેર પર પણ તેઓ સરસ સજીધજીને એવી રીતે જોવા મળતાં જાણે ઊભાં થઈને નાચવાનાં હોય. હાય! હવે ઉંમર જવાબ દઈ ગઈ છે. હવે તો મારાથી નાચ પણ નથી થતો. એવી શિકાયતો તેમણે કરી નહોતી. તબિયતની નાજુકતાને લીધે ડોક્ટરે તેમને નાચવાની ના પાડી ત્યારે તેઓ બેસીને કથકની ભાવભંગિમા પ્રસ્તુત કરતાં હતાં.

સિતારાદેવીના પહેલુની એવી પણ કેટલીક બાબતો હતી જેની સાથે સહમત થવું મુશ્કેલ થઈ શકે. અન્ય કલાકારો પર તે છવાઈ જતાં હતાં. તેમનો ગુસ્સો ખતરનાક હતો. તેમણે દુશ્મનોની ટીમ ઊભી કરી હતી. જો કે, કોઈ પણ કલાકારનું આકલન તેની કલાને આધારે થાય છે. એ જ યોગ્ય માપદંડ છે. તેનાં નખરાં કે ગુસ્સા કે સંબંધોને આધારે નહીં. લોકો મંચ પર સિતારાદેવીની કલા જોવા આવતા હતા. એ કલાએ દર્શકોને નિરાશ નથી કર્યા. તેમનાં ગુસ્સા કે નખરાં કે ઈતર બાબતો સાથે લોકોને લેવાદેવા નથી હોતી.

સિતારા કદાચ આ યુગની એવી છેલ્લી શખ્સિયત હતી જે મન્ટો, રાજ કપૂર, દિલીપ કુમાર, પંડિત કિશન મહારાજ, કે. આસિફ, લતા મંગેશકર, બિરજુ મહારાજ, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન, ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન, ઉસ્તાદ અલ્લારખા ખાન, ઉસ્તાદ ઝાકીર હુસૈન, મેહંદી હસન, ઉસ્તાદ એહમદ હુસૈન – મોહમ્મદ હુસૈન જેવાં દિગ્ગજોની નજીક હતાં. તેણે સંગીતમાં ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનથી માંડીને રણજિત બારોટ સુધીની પેઢી જોઈ છે. રણજિત બારોટ તેમનો પુત્ર છે.

સિતારાદેવી સાથેના સંસ્મરણો

કુમુદિની લાખિયા (પદ્મભૂષણ સન્માનિત કથક નૃત્યાંગના અને અમદાવાદમાં સંચાલિત કથકને સમર્પિત નૃત્ય-સંગીત સંસ્થા 'કદમ્બ'નાં સ્થાપક)

સિતારાદેવી સાથે કુમુદિનીબહેનનાં ઘણાં સંસ્મરણો છે એ જણાવતાં તેઓ કહે છે કે "સિતારાદેવીનું સમગ્ર જીવન કથકમય હતું. તેઓ ડાન્સનું મૂર્તિમંત સ્વરૂપ હતાં. તેમને કાર્યક્રમમાં પણ ડાન્સ કરવો હોય, પાર્ટીમાં પણ ડાન્સ કરવો હોય, ઘરમાં પણ તેમને ડાન્સ કરતાં જ કલ્પી શકાય. તેમના પિતાજી સુખદેવ મહારાજ પાસે તેઓ કથક શીખ્યાં હતાં. એ ઉપરાંત અન્ય કેટલાંક ગુરુઓ પાસેથી પણ તેમણે જ્ઞાન મેળવ્યું હતું.

સામાન્ય રીતે સિતારાદેવીનો પ્રેમ અન્ય કથકકારો પ્રત્યે ઝટ પ્રગટ ન થતો પણ મારા પ્રત્યે તેઓ સરળતાથી પ્રેમ વ્યક્ત કરતાં હતાં. કોલકાત્તા કોન્ફરન્સમાં તેમ જ દિલ્હી કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે "યે કુમુદ જો કથક કરતી હૈ વહ મુજે બહુત અચ્છા લગતા હૈ". મુંબઈ હું જાઉં એટલે તેમના ઘરે મને બોલાવતાં હતાં. અમદાવાદ કાર્યક્રમ આપવા આવે ત્યારે પણ મને ફોન કરીને કહેતાં કે "કુમુદ, તૂ આ રહી હૈ ના? તુજે આના હૈ." તેઓ હક જતાવીને વાત કરતાં હતાં. એક સરસ પ્રસંગ છે. મારો મુંબઈમાં કાર્યક્રમ હતો. હું દિલ્હીથી મુંબઈ પહોંચવાની હતી અને સાજીંદાઓ અમદાવાદથી પહોંચવાના હતા. હું તો મુંબઈ પહોંચી ગઈ પણ ભારે વરસાદને પગલે સાજીંદાઓની ટ્રેન સુરત અટકી પડી. મેં કાર્યક્રમના આયોજક બ્રિજનારાયણજીને કહ્યું કે આવી સમસ્યા ઊભી થઈ છે. તેમણે સિતારાદેવીને વાત કરી. સિતારાદેવીએ મને ફોન પર કહ્યું કે કંઈ વાંધો નહીં. અહીં મુંબઈમાં ઘણાં સાજીંદાઓ છે. તેઓ મારી પાસે આવ્યાં. અમે બંનેએ ટેક્સી લીધી અને મુંબઈ ફરીને તબલાં, પખવાજ અને સારંગીવાદકોને લઈ આવ્યાં અને રિહર્સલ્સ કર્યાં. કાર્યક્રમ શરૂ થયો ત્યારે હાથમાં સિતારાદેવીએ મંજીરા લીધા, કથકના સંગીત-ટુકડા બોલવા માંડયાં અને હું એના પર કથક નૃત્ય કરવા માંડી. દર્શકો ઘડીકમાં મને નિહાળે અને ઘડીકમાં સિતારાદેવીને. મને ખબર ન પડી કે એ મારો કાર્યક્રમ હતો કે સિતારાદેવીનો. સિતારાદેવી એવાં જ હતાં. જન્મજાત કલાકાર હતાં.

મંજુ મહેતા (૧૯૮૦માં અમદાવાદમાં શરૂ થયેલી ભારતીય શાસ્ત્રીય સંગીતને સમર્પિત સ્કૂલ અને સંસ્થા 'સપ્તક'નાં સ્થાપક)

'સપ્તક' સાથેનાં સંસ્મરણ વાગોળતાં મંજુ મહેતા કહે છે કે "દર વર્ષે યોજાતા સપ્તકના શાસ્ત્રીય સંગીત જલસામાં થોડાં વર્ષ પહેલાં સિતારાદેવીના કથકનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંપંડિત કિશન મહારાજ સાથે તેમણે તબલાંસંગત કરી હતી. અભિનય, લયકારી અને તાલનો અદ્દભુત સમન્વય તેમનામાં હતો. તેમને વાતો કરવી ખૂબ ગમતી હતી. કાર્યક્રમ અગાઉ ઘરે જમવા આવ્યાં ત્યારે સંગીત અને નૃત્ય વિશે ખૂબ વાતો કરી હતી."

મંજુ મહેતાના પતિ અને સપ્તકના સ્થાપક સ્વ. નંદન મહેતા પ્રત્યે તેમને ખૂબ આદર હતો. નંદન મહેતા બનારસઘરાણાના તબલિયા હતા અને સિતારાદેવી પણ બનારસ સાથે નાતો ધરાવતાં હતાં. નંદન મહેતા અને સિતારાદેવી જ્યારે પણ મળતાં ત્યારે બનારસી હિન્દીમાં વાત કરતાં હતાં.

વૈષ્ણવ અને મુઘલ પરંપરાને જોડતી કડી કથક

કથક નૃત્યમાં ભાવભંગીમા અને સંગીતના માધ્યમથી કથા અને પ્રસંગો પ્રસ્તુત થાય છે.

૧૨મી સદીમાં કથકનો ઉદ્દભવ થયો એમાં વૈષ્ણવ પરંપરાના મંદિરો અને ગામોનો મોટો ફાળો હતો. કૃષ્ણ-રાધાના પ્રસંગોની રજૂઆત કરવાનું પ્રચલન કથકના ઉદ્દભવથી આજ સુધી અકબંધ છે. જે વૈષ્ણવ પરંપરાની દેણ છે. કથકનો ઉદ્દભવ ૧૨મી સદીમાં થયો પણ એનો વિકાસ ૧૬મી સદીમાં મુઘલ પરંપરામાં થયો. ૧૬મી સદીમાં કથક મંદિરોની બહાર નીકળીને મુસ્લિમ રાજાઓના દરબારમાં રજૂ થતું હતું. એ રીતે કથક માત્ર મંદિર પરંપરાનું નૃત્ય ન રહેતાં મનોરંજનનું પણ માધ્યમ બન્યું હતું. કથક વૈષ્ણવ અને મુઘલ પરંપરાને જોડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતીય સંસ્કૃિતની વિશેષતા એ છે કે તેમાં ક્યારે ય સાંપ્રદાયિક ભેદ હતા જ નહીં. આજે કેટલાંક સંગઠનો સંસ્કૃિતના નામે અલગતાવાદી ડંડો પછાડે છે એ ખરેખર તો સંસ્કૃિત વિરુદ્ધનું કૃત્ય છે. આ વાત હિન્દુ અને મુસ્લિમ બંનેને લાગુ પડે છે.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કટાર, “સંદેશ”, 03 ડિસેમ્બર 2014

http://www.sandesh.com/article.aspx?newsid=3016411

Loading

3 December 2014 admin
← અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે
A Glimpse in Past →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved