આ કથા સત્યનારાયણની નથી; પરન્તુ મારી, ‘સત્યનારાયણદાસ’ ઉર્ફે ‘ભોગીલાલ કઠિયારા’ની છે. અમેરિકાનું જીવન જ એવું છે ને કે સામાન્ય જીવની વાર્તા પણ કથામાં પરિણમે. વળી, આ કથાનું અનુસન્ધાન મારા ધન્ધાના વિકાસ સાથે છે. અમેરિકાના હિન્દુ ધર્મનો ઇતિહાસ પણ એમાં સમાયેલો છે.
અમેરિકામાં હું તે જમાનામાં આવ્યો હતો કે જ્યારે ન્યુ યોર્કમાં ફીફ્થ એવન્યુ પર સાડી પહેરીને જતી ભારતીય સ્ત્રીને અમેરિકન લોકો ફોટો પાડવા ઊભી રાખતા. તે વખતે ન્યુયોર્કમાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સમાં લેડીઝને ખાવાનો ગુન્દર, અમૃતાંજન બામ કે પાર્લેનાં બિસ્કીટ નહોતાં મળતાં. અરે ! ગ્રોસરી સ્ટોર્સ જ નહોતાં. ત્યારે મન્દિરો તો ક્યાંથી હોય ?
હું ભોગીલાલ કઠિયારા, બી.કૉમ.ની ડિગ્રી પર ગ્રીન કાર્ડ લઈને અમેરિકા આવી ગયો હતો. નોકરી મળતી નહોતી. ન્યુયોર્કમાં ‘સીક્સ હન્ડ્રેડ વેસ્ટ’માં રહેતા બધા કોલમ્બિયા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પાસેથી ઉધાર લઈને થાક્યો હતો. તે ટાણે મને મારો ટ્રાવેલ એજન્ટ યાદ આવતો હતો. મારા ટ્રાવેલ એજન્ટે કહ્યું હતું : ‘ભાઈ કઠિયારા, અમેરિકામાં જો તમે ભણેલા હશો તો સુખી થશો. અને નહીં ભણ્યા હો તો પૈસાવાળા થશો. અને તમે બી.કૉમ થયા છો એટલે પૈસાવાળા થશો.’
તે દિવસથી મેં તેને મારો ગુરુ માન્યો હતો. મારે પણ ભગવાન દત્તાત્રેય જેટલા ગુરુ હતા. વાત એમ છે કે આપણી આગળ ઘણા લોકો સલાહને નામે લવારા કરી જાય છે. જેના લવારા કામ લાગે તેને ગુરુ ગણવા; જેના લવારા કામ ન લાગે તેને દોઢડાહ્યા ગણવા.
ગીતામાં ભગવાને કહ્યું છે કે જ્યારે જીવનમાં અંધકાર લાગે, આજુબાજુ કોઈ આશાનું કિરણ નજરે ન પડે ત્યારે ધર્મને શરણે જવું. તે પ્રમાણે મેં બ્રુકલિનમાં આવેલ હરેકૃષ્ણના મન્દિરનો આશરો લીધો. કામ બહુ સરળ હતું. સવારે શીરાનો બ્રેકફાસ્ટ, બપોરે શીરાપૂરી અને સમોસાંનો લંચ અને રાતે શીરાપૂરી, સમોસાં અને કઢીભાતનો મહાપ્રસાદમ્. બદલામાં ‘હરે રામ, હરે કૃષ્ણ’ બોલી બોલીને કૂદવાનું. શરૂઆતમાં આંખ મીંચીને કૂદકા મારવાનું નહોતું ફાવતું; પરન્તુ થોડા સમયમાં જ હું નિષ્ણાત થઈ ગયો હતો. જ્યારે આજુબાજુ ગોરી અમેરિકન છોકરીઓ કૂદતી, ત્યારે આંખ ખૂલી જતી. આમાં મારે મન ધર્મને કાંઈ લેવાદેવા નહોતી. ધર્મનો ઉપયોગ જીવન ટકાવવા માટે કરવો હતો. બાકી જીવનનો ઉપયોગ ધર્મ માટે વ્યય કરવાનો મારો ઈરાદો હતો જ નહીં. મને તો બિયર પીવાનો પણ શોખ હતો. આ મન્દિરમાં એની તક નહોતી; પરન્તુ ઍરપોર્ટ કે સેન્ટ્રલ પાર્કમાં અમે ફંડફાળો ઉઘરાવવા જતા ત્યારે ગાપચી મારીને હોટડૉગ અને બિયર ઝાપટી લેતો. આ મન્દિરમાં બીજા ભક્તો આંખો બન્ધ કરીને ભગવાનનું ધ્યાન ધરતાં; ત્યારે હું આ દેશમાં – આ નવા દેશમાં કેવી રીતે ટકવું અથવા મારે કયો ધન્ધો કરવો જોઈએ તેનું પ્લાનિંગ કરતો. જીવન ધીમે ધીમે ઠેકાણે પડવા માંડ્યું. ત્યાં એક ચમત્કાર થયો.
એક ગુજરાતી પરિવારને સત્યનારાયણની કથા કહેવા માટે પંડિતની જરૂર હતી. તેમને થયું કે આ ‘હરે રામ હરે કૃષ્ણ’ના મન્દિરમાં કોઈક તો હશે જ અને તેઓ સાચા પડ્યા. મન્દિરમાં હું, ભોગીલાલ તેમને મળ્યો. મારા ગામના પાડોશી રણછોડ શુક્લ મને નાનપણથી કહેતા : ‘તક, તૈયારી તે તાલેવાન, મળે કીર્તિ ને માનપાન.’ જ્યારે તક આવે અને તક ઝડપવા તૈયાર રહીએ તો પૈસા અને માનપાન મળે. કહેવાની જરૂર નથી કે રણછોડ શુક્લને હું ગુરુ માનતો હતો. અમેરિકા આવવા નીકળ્યો ત્યારે રણછોડ શુક્લે મને સુરતના ‘હરિહર પુસ્તકાલય’ની લખોટા જેવા અક્ષરવાળી ‘શ્રી સત્યનારાણની કથા’ની ચોપડી ભેટ આપી હતી. આમ અમે બ્રાહ્મણ નહીં; પણ રણછોડ શુક્લના પાડોશીને નાતે હું અડધો બ્રાહ્મણ ઇન્ડિયામાં થયેલો. બાકીનો અડધો અમેરિકામાં આવીને થઈ ગયો.
સત્યનારાયણની કથા કહેવામાં મુશ્કેલીઓ બહુ પડી. પૂજા કરનાર સ્ત્રી–પુરુષમાંથી જમણી બાજુ કોણ બેસે ત્યાંથી જ મુશ્કેલી ચાલુ થઈ. કંકુ, ચોખા અને ફૂલથી વધુ પૂજાપાની ગતાગમ મને નહોતી. પૈસા ક્યારે ચડાવવાનું કહેવાનું તેનું પણ જ્ઞાન નહોતું અને એ નબળાઈ તો પોસાય તેમ જ નહોતી. પરન્તુ હરે રામ હરે કૃષ્ણ મન્દિરની ટ્રેનિંગ અહીં કામ લાગી. મારી નૈતિક હિમ્મત વધી ગઈ હતી. મેં વિચાર્યું, આ નવા ઇમિગ્રન્ટ્સમાં કંઈ ભક્તિનો ધોધ વહ્યો જતો નથી. આ તે જ પ્રજા છે જે દેશમાં વરસમાં ભાગ્યે જ એકાદ સત્યનારાયણની કથામાં હાજરી આપે છે. આ એ જ પ્રજા છે કે જે બૂટ, ચમ્પલ થેલીમાં મુકીને ભગવાનના મન્દિરમાં આરતી ટાણે અન્દર જવાનું પસન્દ કરે છે. દેશમાં હું એવા બ્રાહ્મણોને જાણું છું કે જેઓ જન્માષ્ટમીને દિવસે કૃષ્ણજન્મની ઘડી માણવા માટે ઍલાર્મ મુકીને સૂતા. ઘણા બુદ્ધિવાળા જન્માષ્ટમીની રાતે 9 થી 12ના શૉમાં ફિલ્મ જોવા જતાં. મેં વિચાર્યું આ નવા ઇમિગ્રન્ટ્સ એમનાં બાળકોને ભક્તિભાવની ગતાગમ થાય અને ધર્મના સંસ્કાર પડે એટલે જ આ પૂજાના નામે પાર્ટી કરે છે. બાકી નથી તેઓમાં ધર્મનિષ્ઠા કે નથી તેઓને ધર્મમાં શ્રદ્ધા. જો દીકરો પાસ થાય કે ખોવાયેલું ગ્રીનકાર્ડ મળે તો સત્યનારાયણની પૂજા માને.
હવે આ લોકોને માટે મારા કરતાં વધુ લાયકાતવાળા ગુરુની જરૂર પણ નહોતી. મારા મોટા ભાગના યજમાન મને કહેતા કે ‘મહારાજ જલદી પતાવજો.’ તેમને ક્યાં ખબર હતી કે મને જ કથા કહેવાનો કંટાળો હતો ? મારી કથા ચાલતી હોય ત્યારે થોડીઘણી વાતો થતી હોય તો તે હું ચાલવા દેતો. પૂજા માટે એક વસ્તુની જરૂર હોય તો તે લેવા ચાર જણ જાય અને એક જણ વસ્તુ લઈને પાછું આવે. યજમાન દમ્પતીને કથા કહેવડાવ્યાનો અને ભૂલથી લીધેલું વ્રત પૂરું થયાનો સંતોષ થાય. મને આરતીમાં રસ, બીજાં બધાંને આરતી ક્યારે પૂરી થાય એમાં રસ. તેમાં પણ પ્રસાદનો લહાવો જ અલગ. સત્યનારાયણની કથા લખનાર વ્યક્તિ પોતે જ જમવામાં નિષ્ણાત હશે. તેથી જ તેણે ખાંડ અને ઘીથી લચપચ યુનિવર્સલ ટેસ્ટવાળી રેસિપિ કથામાં જ ઘુસાડી દીધી.
મને મારી મૂંઝવણનો ઉકેલ મળી ગયો. મેં જોયું કે ધર્મની લાઈન પકડી રાખીશું તો સુખી અને પૈસાવાળા થઈશું. આહાર, નિદ્રા અને કામ પશુમાં અને મનુષ્યમાં હોય છે. બાકી ધર્મ એ એવી વસ્તુ છે જે મનુષ્યને પશુથી જુદો પાડે છે.
માનવજાત જાણેઅજાણ્યે પાપ કરે છે અને પાપને ધોવા ભગવાનનો ઉપયોગ કરે છે. આપણે ભગવાન પાસે બેઠા હોઈશું તો ન્યાલ થઈ જઈશું. મેં નિર્ણય કર્યો કે મારે આ જ બિઝનેસમાં પડવું. આમાં ધંધાના વિકાસની શક્યતા હતી. આપણા લોકો ‘કૃષ્ણમન્દિર’થી નહીં સંતોષાય. તેમને શ્રીનાથજીનું જુદું મન્દિર જોઈશે. ગોવર્ધનજીના ભક્તને શ્રીનાથજીના મન્દિરમાં ચક્કર આવશે અને રણછોડજીના ભગતનો ગોવર્ધનજીના મન્દિરમાં શ્વાસ રુંધાશે. પછીથી તેમાં જાતજાતનાં માતાજીઓનાં મન્દિર થશે. ગણપતી અને હનુમાનજીને તો જુદા કાઢ્યા ને પછી રામ, લક્ષ્મણ અને સીતાજીના પણ અલગ મન્દિર પાંચ દસ વરસમાં બંધાય તો મને એની નવાઈ નહીં લાગે. આમાં તો બિઝનેસની તકો જ તકો છે. રિસેશનની કોઈ શક્યતા જ નથી. તેથી ઊલટું બહાર રિસેશન થશે તો લોકો મન્દિર તરફ જ દોડશે ! આ ધંધામાં ધર્મસેવા, પ્રભુસેવા, સમાજસેવા જેવી કેટલી ય સેવાઓ સમાયેલી છે. આપણા લોકોમાં મને વિશ્વાસ હતો કે તેઓ કોઈ ‘ગેસ્ટહાઉસ’ કે ‘કૉમ્યુિનટી હૉલ’ બાંધીને પૈસાનો વ્યય નહીં કરે; પરન્તુ કોઈ પણ ભગવાનનું મન્દિર બાંધવા અચૂક પૈસા આપશે. આપણને એ બેહદ પસન્દ હતું.
હું ભોગીલાલ કઠિયારા, ભગવાન સત્યનારાયણની સેવામાં કમાવા લાગ્યો. કમાણી તદ્દન ટેક્સ ફ્રી; યજમાનને ઘેર સારું જમવાનું; શનિવારની સાંજનો પ્રશ્ન ઉકલી ગયો. સારા સારા લોકોને મળવાનું થાય. કથામાં થોડુંક સંસ્કૃત આવે એવું લોકો પસન્દ કરે. તેથી ‘શાન્તાકારમ્’ અને ‘શ્રીરામચન્દ્ર કૃપાલુ ભજ મન’ ગદ્યમાં બોલી જતો. યજમાન દમ્પતીને પહેલેથી જ કહેતો કે ‘ભગવાનને ક્વાર્ટર ચઢાવવા હોય તો ક્વાર્ટર અને ડૉલર ચઢાવવા હોય તો ડૉલર … પછી જેવી તમારી શ્રદ્ધા.’ યજમાનની ભક્તિને ચેલેન્જ આપો એટલે પૈસા ચઢાવવામાં કચાશ જ ન રહેતી. બેઝીક પૂજા કરાવીને લીલાવતી કલાવતીની વાર્તા જ ચાલુ કરી દઉં. પછીથી પાંચ મિનિટની આરતીના ચાલીસ પચાસ ડૉલર તો ખરા જ!
એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું … ને આપણી ગાડી ચાલી. શનિવારની સાંજનો નહીં; પરન્તુ રવિવારની બપોરનો પ્રશ્ન પણ ઉકલી ગયો. મારી માંગ વધી ગઈ. ખરી વાત તો એ હતી કે મારે કોઈ કૉમ્પીટિશન જ નહોતી. મારા ધંધાના વિકાસમાં મારું નામ નડતું હતું. આ દુનિયામાં યોગી, ભોગી હોઈ શકે; પણ કોઈ ભોગીથી યોગી ન બનાય. આ લોકો મને ‘સત્યનારાયણવાળા મહારાજ’ કહેતા હતા એટલે સત્યનારાયણ નામ ગમી ગયું. મહારાજ, દેવ, મુની, આચાર્ય ઘણાંયે બીરુદ હતાં તેમાંનું એકેય બીરુદ લઉં તો લોકો શંકા કરે અને ‘ભગવાન’ નામ રાખું તો ઈન્કમટેક્સવાળા પાછળ પડે. આમ વિચારીને ‘દાસ’ રાખ્યું. ‘સત્યનારાયણદાસ.’ સીધે સીધું નામ; વહેમ ન પડે તેવું સાદું નામ. મે ‘ૐ’વાળા બિઝનેસ કાર્ડ પણ છપાવી દીધા. આપણા લોકોનો સ્વભાવ જાણું એટલે ‘એઈટ હંડ્રેડ’ વાળો ફ્રી ટેલિફોન નમ્બર રાખ્યો. હરિહર પુસ્તકાલયની જાતજાતની વિધિનાં પુસ્તકો પણ મંગાવી લીધાં. નવી દુકાનનું ઉદ્દઘાટન, બાબરી ઉતારવાનો વિધિ, ઘરનું વાસ્તુ અને નવી ઇમિગ્રન્ટ સ્ત્રીઓનાં સીમંત વિધિ પણ કરાવવા લાગ્યો. આ ધંધામાં લાયસન્સ જેવું એક લાલ ટીલું પણ કપાળ પર કરવા લાગ્યો.
તમને એક વાત કરવાની રહી ગઈ. મને આરતીનો ચસકો લાગ્યો હતો કે ઉપરના દરેક પ્રસંગે અચૂક આરતી કરાવતો … ને આવેલા મહેમાનો પાસેથી ટેક્સ ઉઘરાવી લેતો. આપણે ખોટું અભિમાન નથી કરતા; પરન્તુ એન્જીિનયર કરતાં તો વધુ કમાતા જ હતા. રોલ્સ રોઈસ વસાવવાની હોંશ નહોતી; પણ લિન્કન તો લગાવવી જ હતી. ઘણી વાર વિચાર આવતો કે માંસ–મટન ખાઉં છું, બિયર પીઉં છું તે સારું ન કહેવાય. પણ વળી પાછો બીજો વિચાર આવતો કે હું તો નિમિત્ત માત્ર છું. બીચારા લોકો એમની જાતે પાપ કરે છે અને એમની જાતે આ પ્રભુભક્તિનું શુભ કાર્ય કરી પાપમાંથી મુક્તિ મેળવે છે. તે સાથે મારા હેમબર્ગર અને બિયરને શી લેવાદેવા ? બાકી મારું પ્લાનિંગ બરાબર જ હતું. એક આર્ષદ્રષ્ટાના વિચારો હતા. આમ છતાં મારી આ કૂચમાં રૂકાવટ આવી.
વાત એમ બની કે લગ્નવિધિના અન્તે વરકન્યા પાસે હું આરતી કરાવતો હતો. ત્યારે મહેમાનોમાંથી રેશમી ઝભ્ભો–કુર્તો પહેરેલા એક સજ્જન મારી પાસે આવ્યા. બોડકું માથું અને કપાળ પરના તીલક પરથી લાગ્યું કે તેઓ સન્યાસી હતા. તેમણે મને પૂછયું : ‘તમે હિન્દુ છો ?’ મેં હા પાડી. તો તેઓ કહે : ‘તમે કોઈ દિવસ હિન્દુ લગ્ન જોયું છે ?’ પાંત્રીસ વરસે પણ હું કુંવારો હતો. મેં ડોકું ધુણાવી ના પાડી. ‘તો પછી લગ્ન કરાવવા કેમ નીકળી પડ્યા છો ? અને લગ્નમાં કદી આરતી કરાવાય ?’ એ સજ્જન ગુસ્સે થઈને બોલ્યા. હું તો તેમને જોતો જ રહ્યો. શો પ્રતાપી અવાજ ! શી એમની પ્રતિભા ! મેં જેમ તેમ આરતી પૂરી કરાવી. અને એ સજ્જન પાસે ગયો. મને કોઈકે કહ્યું : ‘આ તો બાળ બ્રહ્મચારી પરમ પૂજ્ય ગુરુ શ્રી ચરિત્રાનન્દ છે.’ હું ગુંચવાયો; છતાં તેમને પગે લાગ્યો. હું કેટલા ય લોકોને મળ્યો છું. પરન્તુ આમનો તો પ્રભાવ જ જુદો હતો. એમના મોં પર કંઈ જુદું જ તેજ હતું. તેમણે મને કહ્યું : ‘તમે માણસ સારા દેખાવ છો. પછી આવા ધંધા કેમ કરો છો ?’ મને થયું કે ‘આમને મારા પોલની જાણ એક જ ધડાકે ક્યાંથી થઈ ગઈ ?’ તેમ છતાં મેં હિમ્મત રાખીને તેમને કહ્યું : ‘ગુરુજી ! આ પ્રવૃત્તિ તો આ દેશમાં ટકવા માટે જ કરી રહ્યો છું. મારી દૃષ્ટિએ એમાં કશું ખોટું નથી.’
‘તમે ભગવાનનો ડર ન રાખો તો કંઈ નહીં પરન્તુ ઇન્કમટેક્સવાળાથી તો ડરો. આ અમેરિકન સરકાર તમને સળિયા ગણતા કરી દેશે.’ મને લાગ્યું કે આમની સાથે દલીલ કરવામાં માલ નથી. ત્યાં તો ગુરુ શ્રી ચરિત્રાનન્દજી બોલ્યા : ‘એક કામ કરો. આવતા શનિવારે આપણા મન્દિરમાં આવો. ધર્મ શું છે તે જુઓ. અને આવો તો મને જરૂર મળજો.’ આ ઊલટતપાસ પૂરી થાય એટલા માટે જ હું મન્દિર જવા સહમત થયો.
અઠવાડિયું પસાર થઈ ગયું. બાળબ્રહ્મચારી શ્રી ચરિત્રાનન્દે મને મળવા બોલાવ્યો છે તે મને યાદ હતું. શનિવારે તેમના લોંગ આયલેન્ડના મન્દિરે પહોંચી ગયો. મન્દિર શું હતું ! વૈકુન્ઠ હતું, વૈકુન્ઠ ! જેટલો સમય મેં મન્દિરમાં ગાળ્યો તેટલો મારી વિચારસરણીનાં પરિવર્તન માટે અગત્યનો નીવડ્યો.
મન્દિરમાં કોઈ ઓચ્છવ મનાવાઈ રહ્યો હતો. કયો પ્રસંગ હતો તેની કાંઈ ખબર ન પડી. આપણા કોટિ કોટિ દેવતાઓમાંથી કોઈને કોઈનો જન્મપ્રસંગ 365 દિવસમાં જરૂર હોય જ અને ન હોય તો અગિયારસ કે પૂનમ તો ખરી જ ! ભગવાં વસ્ત્રોમાં બાળબ્રહ્મચારીશ્રી હારમોનિયમ વગાડી રહ્યા હતા. આજુબાજુ પાંચ દસ અમેરિકન ગોરાં છોકરા–છોકરીઓ પદ્માસન લગાવી બેઠાં હતાં. ન સમજાય એવા શબ્દોમાં ગાતાં હતાં. મને થયું ક્યાં મારી ધર્મપ્રવૃત્તિ ને ક્યાં આ મહાત્મા ! ભારતવર્ષનો ઝંડો ફરકાવવા શ્રી વિવેકાનન્દ જેવી વિભૂતિ પછી આજે બીજો આત્મા અમેરિકામાં આવ્યો. ભજન–કીર્તન બેત્રણ કલાક ચાલ્યાં. પછી મહાપૂજા. ભજન–કીર્તન પછી તેઓ મને મળ્યા. મને કહ્યું : ‘મહાપૂજા પછી મને મળીને જજો.’ મહાપૂજા તેમણે સ્વહસ્તે કરી. પેલાં અમેરિકન છોકરા–છોકરીઓ શું સરસ રીતે કામ કરી રહ્યાં હતાં ! તેમાંની બે ઈન્દ્ર દરબારની અપ્સરા જેવી લાગતી છોકરીઓ તો મન્દિરના ગર્ભાગારમાં પણ કામ કરતી હતી. સ્વામી ચરિત્રાનન્દ મને મન્દિરના ઉપરના ભાગમાં લઈ ગયા. ત્યાં તેમના સિવાય બીજું કોઈ પ્રવેશી શકતું નહીં. તે તેમનું રહેઠાણ અને પર્સનલાઈઝ્ડ દેવમન્દિર હતું. તેમણે મને કહ્યું : ‘હું તમારા જેવા માણસની શોધમાં છું જે આ મન્દિરનો કારભાર કરે.’ મેં સ્વપ્ને પણ ધાર્યું નહોતું કે બાળબ્રહ્મચારી મહારાજ મને આવી તક આપશે. હું તો ચમકી જ ગયો. મેં કહ્યું : ‘પ્રભુ ! હું તમારા મન્દિરને લાયક નથી.’ તેઓ બોલ્યા : ‘તમે પરણેલા છો ?’ મેં કહ્યું : ‘પાત્રીસ વરસે પણ હું હજી કુંવારો છું.’ તો તેઓ બોલ્યા : ‘જુઓ, ગૃહસ્થ લોકો કુંવારા હોય. સાધુ તો બાળ બ્રહ્મચારી હોય.’ હું તેમને જોઈ જ રહ્યો.
તેમણે કહ્યું : ‘તમે આ જવાબદારી સંભાળો. હું તમને ધાર્મિક સંસ્કાર આપીશ; તમને શાસ્ત્રીય સંગીત શીખવીશ; તમે હાલ કમાઓ છો તેથી વધારે પૈસા આપીશ. શરત ફક્ત એટલી કે જુગાર નહીં રમવાનો; સિગરેટ નહીં પીવાની; માંસ નહીં ખાવાનું અને પરણો નહીં ત્યાં લગી સ્ત્રી–સમ્બન્ધ નહીં રાખવાનો.’ મેં કહ્યું : ‘શરૂઆતની શરતો માન્ય છે; પરન્તુ છેલ્લી શરત વિચારવી પડશે.’
ઘેર આવ્યો. આખી રાત વિચારમાં ગઈ. એક બાજુ મારો વધતો જતો બિઝનેસ અને બીજી બાજુ સાચા ધર્મસંસ્કાર, સાચો ધાર્મિક વારસો અને સાચી જનસેવા. એક બાજુ મારી કમ્ફર્ટેબલ લાઈફ સ્ટાઈલ અને બીજી બાજુ બાળ બ્રહ્મચારીનું નીતિનિયમોવાળું જીવન. હું શું કરું ? બાળ બ્રહ્મચારી ચરિત્રાનન્દજીને મળવું અને મારા વિચારો દર્શાવવા. મતલબ, મારે મારી પોલ જાતે જ ખોલવાની ! પછીથી મારે એનો અભિપ્રાય પૂછવો અને નિર્ણય લેવો.
આખી રાત ઊંઘ નહોતી આવી, એટલે બીજે દિવસે સવારે આઠ વાગ્યે મન્દિરે પહોંચ્યો. ભવિષ્યના નિર્ણય માટે ચરિત્રાનન્દનો અભિપ્રાય અગત્યનો હતો. આગળનું દ્વાર ખુલ્લું હતું. કોઈ વહેલી સવારે મન્દિરમાંથી બહાર ગયું હશે. રાતના ઓચ્છવની સામગ્રી ચારે બાજુ વેરવિખેર પડી હતી. કૃષ્ણ–રાધાની મૂર્તિ આડે પડદો પાડી દીધો હતો. લાગ્યું કે ભગવાન પણ રવિવારે ઊંઘતા જ હશે.
ઉપર શ્રી ચરિત્રાનન્દજીના રહેઠાણમાંથી અવાજ આવતો લાગ્યો. મન્દિર પાછળના ભાગ પરના દાદર પરથી હું ઉપર પહોંચ્યો. જોયું તો તેમના ‘અંગત ભક્તિખંડ’માંથી કોઈક અન્દર હોય એવો અવાજ આવતો હતો. બારણું બંધ હતું. મેં બારણે ટકોરા માર્યા. ‘બ્રહ્મચારીજી ! આપ અન્દર છો ?’ અન્દરથી કંઈક ગુસપુસ થતી હોય એવા અવાજ સંભળાયા. મેં બારણાંને સહેજ ધક્કો માર્યો તો બારણાં ખૂલી ગયાં. મેં જોયું તો અમેરિકન શિષ્યા એક ખૂણામાં તેના બ્લાઉઝનાં બટન બીડી રહી હતી. અને ત્યાં જ સીંગલ બેડ પર શ્રી બાળ બ્રહ્મચારી આખા શરીરે ચાદર ખેંચી, ઊંચું ડોકું કરી, મારી સામે આંખો ફાડી ફાડીને જોતા હતા.
તેમણે અભિપ્રાય આપી દીધો. – અને મેં મારો નિર્ણય લઈ લીધો.
(સૌજન્ય : 2003માં પ્રકાશિત થયેલા, લેખકના હાસ્ય વાર્તાસંગ્રહ ‘સુધન’ – પ્રકાશક ઃ રંગદ્વાર પ્રકાશન, 15, યુનીવર્સીટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ 380 009 – પૃષ્ઠ સંખ્યા : 180 – મૂલ્ય : 100)
લેખક–સમ્પર્ક : 4, Pleasant Drive, YARDVILLE, NJ – 08620 USA
E-Mail : harnishjani5@gmail.com –
સૌજન્ય : http://govindmaru.wordpress.com/2014/10/31/harnish-jani-6/
આ લખાણ, પહેલવહેલા, "ઓપિનિયન"ના 26 જૂન 1998ના અંકમાં છેલ્લે તેમ જ 19મે પાને પ્રગટ થયું હતું.