ગંભીર અને અગંભીરની રાજરમત!
ત્રણ બાબતો : હાઈકોર્ટ દ્વારા સુજ્ઞા ભટ્ટ તપાસ ખારિજ, નાણાવટી પંચના આખરી હેવાલના ભણકારા, કવિતા કરકરેની ચિરવિદાય
છેલ્લા પંદર સત્તર દિવસમાં આવી મળેલા ત્રણ સમાચાર સહજ જ એક કોલાજ રચી રહે છે, અને સંકેલાતા વિક્રમ સંવત્સરે નવવર્ષપ્રવેશ સંદર્ભે સંમિશ્ર પ્રતિભાવો જગવે છે. તરતના, છેલ્લા અઠવાડિયાના સમાચારથી શરૂ કરું તો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારે નીમેલી સ્નૂપગેટ ઈન્કવાયરીને ખારિજ કરી છે. હાઈકોર્ટે સંબંધિત પરિવાર (પ્રાણલાલ સોની)ની એ મતલબની રજૂઆત ગ્રાહ્ય રાખી છે કે અમારી જાણ અને માંગણીથી અમારા ઉપર નિગરાની રાખવામાં આવતી હતી. હવે, આટલે વરસે તમે એની તપાસ ઉખેળો એ અમારી ‘પ્રાઈવસી’નો ભંગ છે.
હાઈકોર્ટે સ્વાભાવિક ટેકનિકલ વલણ લીધું છે. સોની પિતાપુત્રીની જાણ અને માગણીનો મુદ્દો તેમ જ ‘સાહેબ’ની ભૂમિકા બેઉ બીજું કંઈ ન કહીએ તો પણ સંદિગ્ધ તો છે જ છે. આ તપાસમાં પ્રાઈવસીનો ભંગ જોવો કે પછી સ્નૂિપંગમાં એનો ભંગ જોવો, એ કદાચ યક્ષકોયડો છે. પણ નામદાર હાઈકોર્ટ બેલાશક હાઈકોર્ટ છે, અને તેણે કહ્યું તે સામાન્યપણે આંખ માથા પર જ હોય.
છતાં, એક સવાલ કમબખ્ત કેડો નથી મેલતો : એવું તે શું હતું આ પ્રકરણમાં કે સ્નૂિપંગ પ્રક્રિયામાં એ.ટી.એસ. કહેતાં એન્ટિ-ટેરરિસ્ટ સ્કવોડની સેવાઓ લેવામાં આવી હતી ?
ન્યાયમૂર્તિ સુજ્ઞા ભટ્ટ હસ્તક ઈન્કવાયરી પાર પડી હોત – આમ, આરે આવીને (31મી ઓકટોબરે મુદ્દત પૂરી થતી હતી) એનો સંકેલો ન થયો હોત તો આતંકવાદવિરોધી રાષ્ટ્રયજ્ઞ વિશે કોઈ પ્રકાશ પડ્યો હોત? સોની પિતાપુત્રીની પ્રાઈવસી અક્ષુણ્ણ રહી અને પેલું આતંકનું તત્ત્વ પણ ઓઝલ રહ્યું! કેવળ અનુમાનથી જ રોડવીએ તો આ પ્રકરણ આતંકવાદનું હતું જ નહીં, અને એ સંજોગોમાં જેમણે એ.ટી.એસ.ની સંડોવણી કરવાપણું જોયું તેઓ કદાચ વાસ્તવિક આતંક મુદ્દે એટલા ગંભીર હતા જ નહીં. એમનું આતંકવાદ પરત્વે આવા ને આટલા અગંભીર હોવું તે આપણે સારુ ખરેખાત જ એક ગંભીર સવાલ છે.
જેમ સુજ્ઞા ભટ્ટ ઈન્કવાયરી તેમ બીજી પણ એક તપાસની ઉત્તરોત્તર વધતી મુદ્દત ઘણું કરીને 31મી ઓકટોબરે જ પૂરી થવાની હતી – નાણાવટી પંચ. લંબાતી મુદ્દતોની આ દાસ્તાંમાં નોંધપાત્ર વાનું એ છે કે વચગાળાનો હેવાલ આપવાનું એણે કે’દીનું કરેલું છે, અને ગોધરા કાંડ પરત્વે રાજ્ય સરકારને કલીન ચિટ આપવામાં કોઈ કસર છોડી નથી. હવે 31મી ઓકટોબરે તેની મુદ્દત વાસ્તવમાં પૂરી થાય છે કે કેમ અને તેનો આખરી હેવાલ તૈયાર થાય છે કે કેમ તે જોવું રહે છે. આ હેવાલ ક્યારે સૂર્યપ્રકાશ જોશે તે આપણે અલબત્ત જાણતા નથી.
ગમે તેમ પણ, આ તબક્કે વળીને પેલો ગંભીર સવાલ ઉઠાવવો રહે છે : વચગાળાના હેવાલમાં ‘કલીન ચિટ’ છતાં એક પાયાની બાબતે તેણે રાજ્ય સરકારના શીર્ષ નેતૃત્વથી માંડીને સત્તાપક્ષના સર્વસ્તરે જે મુદ્દે ગાજોવાજો અને ગોકીરો થયા કરતો હતો, એની અનુમોદના કરી નથી. 2002માં અહોરાત્ર સાંભળવા મળતું હતું કે આ એક આતંકવાદી ઘટના છે. નાણાવટી પંચે રાજ્ય સરકારને જો કલીન ચિટ આપી છે તો એણેનિર્ઘૃણ ગોધરા કાંડને કોઈ આતંકવાદી ઘટના તરીકે ઓળખાવવાનું મુનાસીબ નથી માન્યું એ પણ હકીકત છે.
વાસ્તવિકતા જો આ હોય તો એનો અર્થ એ થયો કે આપણને જે આતંકવાદ સામે લડવાનું અને જાગ્રત રહેવાનું કહેવામાં આવે છે તેના કરતાં આતંકવાદ વિશેની રાજ્ય સરકારની ભૂમિકા કંઈક જુદી બલકે રહસ્યમય છે. જ્યાં ગંભીર હોવું જોઈએ ત્યાં એ અગંભીર છે, અને તે આપણે માટે ખરેખર જ એક ગંભીર સવાલ ખડો કરે છે. સુજ્ઞા ભટ્ટ તપાસે અને નાણાવટી તપાસે ઉપસ્થિત કરેલા આ ગંભીર સવાલનો કંઈક જવાબ કદાચ કરકરે પ્રકરણમાંથી મળી શકે, એવું બને? હેમંત કરકરે મહારાષ્ટ્રમાં એ.ટી.એસ.ના વડા હતા અને એમના ગુજરાતી સમકક્ષ વણઝારા જો જેલગતિ પામ્યા છે.
તો કરકરે 26/11ની મુંબઈ ઘટનામાં વીરગતિ પામ્યા છે. 26/11નાં થોડાં જ અઠવાડિયાં પૂર્વે કરકરે, અડવાણી-ઠાકરે-મોદી સૌ તરફથી તાતાં તીરનો ભોગ બન્યા હતા. થાણે, વાશી, પનવેલની સીરીઅલ બોંબ ઘટનાનો ભેદ ઉકેલનાર કરકરે માલેગાંવ ઘટના પછી અડવાણી-ઠાકરે-મોદીના નિશાન પર એ કારણે હતા કે એમણે માલેગાંવમાં કથિત હિંદુ આતંકવાદની સંડોવણીના સગડ દબાવ્યા હતા. જો કે, હેતુ અને ધ્યેય પરત્વે સમર્પિત સુસંગતિપૂર્વક કરકરેએ 26/11ની કસબ ઘટનામાં મુકાબલો કરતાં જીવનની આહૂતિ આપી એ સાથે આ સૌ મોં છોભીલાં પડી ગયાં હતાં અને હોજ સે ગઈ બુંદએ બચાવવાની ચેષ્ટા રૂપે કરકરે કુટુંબને રૂપિયા એક કરોડ આપવાની ગુજરાત સરકારની જાહેરાતનો કુટુંબે સાદર અસ્વીકાર કર્યો હતો.
હમણાં હેમંત કરકરેનાં વિદુષી પત્ની કવિતા કરકરેનું િનધન થયું, અને આ બધી યાદોનો જખમ ફેરદૂઝતો અનુભવાયો. ગુજરાત મોડલ ભારત તખતે, કહો કે, સ્થાપિત થઈ ચૂક્યું છે. સર્વેક્ષણો મુજબ મહારાષ્ટ્ર અને હરિયાણા એમાં ઓર રંગપૂરણી કરવામાં છે, અને મુશર્રફ કાશ્મીરમાં ઉંબાડિયું ચાલુ રાખવાની પાક જરૂરત વિશે કશી દિલમોરી રાખ્યા વગર બોલ્યા છે ત્યારે હમણાં કહી તે ગંભીર અને અગંભીરની સંમિશ્ર રમત નાગરિક છેડેથી ચિંતાનો વિષય બની રહે છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 18 અૉક્ટોબર 2014