Opinion Magazine
Number of visits: 9448504
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ખોવાયેલો અવસર ભારતીય ઇસ્લામ અને આજનું સંકટ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|14 October 2014

પોતાની અદ્ભુત અને અલાયદી ઓળખ ધરાવતા દુનિયાના પ્રત્યેક ચોથા મુસલમાનને પોતાનો કેડો કંડારવા દીધો હોત તો આજે ભારતીય ઉપખંડનો અને દુનિયાનો ઇતિહાસ જુદો હોત. ભારતીય મુસલમાન મુસ્લિમવિશ્વ માટે દીવાદાંડી બની શક્યો હોત અને મુસ્લિમવિશ્વને સંકટમાં સરકતાં બચાવી શક્યો હોત

ભારતનું વિભાજન સહઅસ્તિત્વની બાંયધરી આપનારા ગંગા-જમની વિશેષતા ધરાવતા ભારતીય ઇસ્લામને નકારવાના કારણે થયું હતું. પાકિસ્તાનનું વિભાજન પૂર્વ પાકિસ્તાનના મુસલમાનોની બંગાળી અસ્મિતાને નકારવાના કારણે થયું હતું. પાકિસ્તાનની આજની અવદશા સલાફી ઇસ્લામ સિવાયના બીજી ઇસ્લામિક માન્યતા ને અસ્મિતાને નકારવાના લીધે થઈ છે

મુસ્લિમ માનસ એ રીતે ઘડાયું છે કે એ સામાજિક પરિબળોના કારણે પડતી પ્રત્યેક થપ્પડનો ખુલાસો અને ઉકેલ કુરાન અને હદીસમાં શોધે છે અને પરિણામે વધારે થપ્પડ ખાય છે. જગતના અનેક મુસ્લિમ બહુમતી દેશોમાં મુસલમાનો આત્મઘાત કરી રહ્યા છે. અત્યારે ઇસ્લામ જગતનો એકમાત્ર ધર્મ છે જેમાં આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે અને મુસલમાનો મુસલમાનોને મારી રહ્યા છે. રોજ લગભગ ૫૦૦ જેટલા મુસલમાનો કહેવાતા ધર્મયુદ્ધમાં રહેંસાઈ રહ્યા છે. પરિસ્થિતિના ઉકેલ માટેનો મુસ્લિમવિમર્શ ક્યાં ય જોવા મળતો નથી. જે છે એ ગણ્યાગાંઠ્યા સોશ્યિલ મીડિયા પર છે અને એ પણ જેવો અને જેટલો હોવો જોઈએ એવો નથી. પ્રગતિશીલ સેક્યુલર મુસલમાનો ડરના માર્યા ચૂપ રહે છે અને સાધનસંપન્ન મુસલમાનો પશ્ચિમના સેક્યુલર અને ખુલ્લો સમાજ ધરાવતા દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. સામાન્ય મુસલમાનને અલ્લાહના અને અલ્લાહના ઠેકેદારોના ભરોસે છોડી દેવાયા છે. કોઈનો અંતરાત્મા વલોવાતો નથી અને જો વલોવાય છે તો એનો અવાજ સંભળાતો નથી. ઇસ્લામ અને મુસલમાનો આજે અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યા છે.

જગતના મુસલમાનો એક અપૂર્વ અવસર ચૂકી ગયા છે એ આજની સમસ્યાનાં કેટલાંક કારણોમાંનું એક, પણ મુખ્ય કારણ છે. એ અવસર ૧૯મી અને ૨૦મી સદીમાં ભારતીય ઉપખંડમાં સાંપડ્યો હતો જ્યારે ભારત પાશ્ચાત્ય આધુનિક સભ્યતાના સંપર્કમાં આવ્યું હતું અને ગુલામી ફગાવી દઈને એક આઝાદ અને ખુલ્લા સેક્યુલર લોકતંત્ર તરીકે સ્થાપિત થવા પ્રયત્નશીલ હતું. પાશ્ચાત્ય સભ્યતા પરત્વે મુસલમાનોનો અભિગમ, ભારતની આઝાદીની લડતમાં મુસ્લિમોનોનો સહયોગ અને અસહયોગ, ભારતનું વિભાજન, પાકિસ્તાનનું વિભાજન, પાકિસ્તાનની આજની હાલત અને ભારતમાં રહેલા મુસલમાનોની હાલત પર એક એક નજર કરશો તો એ ચૂકેલો અવસર કેવો અપૂર્વ હતો એનો ખ્યાલ આવશે. એ કઈ રીતે એ જરા વિગતે સમજવાની કોશિશ કરીએ.

૧૯મી સદી બેઠી ત્યારે ભારતમાં મુસ્લિમ શાસકોના શાસનનો અંત આવી ગયો હતો અને જગતભરના મુસલમાનો પર સીધી કે આડકતરી રીતે શાસન કરનારું ખલીફનું રાજ્ય (ઑટ્ટોમન ઍમ્પાયર) એની જર્જરિત અવસ્થામાં હતું. જગતભરના મુસલમાનો ઉપર ખલીફનું શાસન એ એ સમયે એક ભ્રાંત કલ્પના બનીને રહી ગઈ હતી, વાસ્તવિક નહોતું. ભારતમાં નહોતું હિંદુઓનું શાસન એમ નહોતું મુસલમાનોનું શાસન, પણ એક ત્રીજી જ પ્રજાનું શાસન હતું જે પોતાની સભ્યતા, મૂલ્યવ્યવસ્થા અને શોષણની યંત્રણા લઈને ભારતમાં આવી હતી. આ સ્થિતિમાં ભારતના હિંદુઓ અને મુસલમાનો સામે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે વિદેશી શાસન અને અજાણી સભ્યતા સાથે કેવી રીતે કામ પાડવું? આમાં હિન્દુઓએ તો પરંપરા અને આધુનિકતાની વચ્ચેની પસંદગીમાં લડી-ઝઘડીને કે મને-કમને થોડું અપનાવવાનો અને થોડું છોડવાનો સમાધાનકારી મધ્યમ માર્ગ અપનાવી લીધો હતો, પરંતુ મુસલમાનો સમાધાનકારી માર્ગ અપનાવી શક્યા નહોતા. અપૂર્વ અવસર ખોવાની શરૂઆત અહીંથી થઈ હતી જેની આજે જગતભરના મુસલમાનો કિંમત ચૂકવી રહ્યા છે.

બે વાત મહત્ત્વની હતી. એક તો એ કે જગતના કુલ મુસલમાનોમાં દર ચોથો મુસલમાન ભારતીય હતો અને બીજી એ કે ભારતીય મુસલમાનની પોતાની એક અલગ ઓળખ હતી. એ સમયે ભારતીય મુસલમાન સામે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે પોતાની અલાયદી ઓળખ ધરાવનારા દુનિયાના પ્રત્યેક ચોથા મુસલમાને પોતાનો રસ્તો કંડારવો જોઈએ કે પછી ખલીફાના જર્જરિત ઇસ્લામિક રાજ્યને બચાવવા માગતી અને જગતના પ્રત્યેક મુસલમાનને એક સરખા ચહેરામાં કંડારવા માગતી સલાફી વિચારધારાને અપનાવવી જોઈએ? સલાફી સ્કૂલના ઈસ્લામને સ્વીકારવો એટલે ભારતીય ઇસ્લામિક ઓળખને દફનાવવા જેવું થયું. એક બાજુ પાશ્ચાત્ય સભ્યતાને અપનાવવી કે ન અપનાવવી અને અપનાવવી હોય તો કેટલાં પ્રમાણમાં અપનાવવી એ પ્રશ્ન હતો અને બીજી બાજુ ભારતીય ઇસ્લામિક ઓળખ જાળવી રાખવી કે કહેવાતી વૈશ્વિક ઇસ્લામની ઓળખમાં ઓગળી જવું એ પડકારો હતા જેના વિષે એ સમયે મુસલમાનોએ નિર્ણય લેવાનો હતો.

૧૮મી સદીમાં શાહ વલીઉલાહ નામના એક મુસ્લિમ આલીમ (વિદ્વાન, ધર્મશાસ્ત્રી) થયા હતા જે સાઉદી અરેબિયા ગયા હતા અને સલાફી વિચારધારાના સંપર્કમાં આવ્યા હતા. સલાફીઓ હદીસનો હવાલો આપીને કહે છે જગતના મુસલમાને મૂળ તરફ પાછા ફરવું જોઈએ. હદીસમાં પયગંબર મોહમ્મદે કહ્યું છે કે તેમની પેઢીના મુસલમાનો સર્વશ્રેષ્ઠ મુસલમાનો છે. બીજી પેઢીના મુસલમાનો પ્રમાણમાં કનિષ્ટ મુસલમાનો છે અને ત્રીજી પેઢીના મુસલમાનો હજુ ઓછા સાચા મુસલમાનો હશે. સલાફીઓ કહે છે કે સાચા મુસલમાનની પવિત્ર ફરજ છે કે એ પયગંબરના ભયને ખોટો પાડે અને પયગંબરના યુગના મુસલમાનો જેવું જીવન જીવે. આનો અર્થ એ થયો કે મુસલમાન ૧૪૦૦ વર્ષ પહેલાના યુગમાં પાછા ફરે. આનો અર્થ એ થયો કે પરિવર્તન તેમને અસ્વીકાર્ય છે. આનો અર્થ એ થયો કે સ્થળ અને કાળનો પ્રભાવ તેમને અસ્વીકાર્ય છે. આનો અર્થ એ થયો કે ગેર ઇસ્લામિક પ્રભાવ કે સંસ્કાર તેમને અસ્વીકાર્ય છે. આનો અર્થ એ થયો કે મુસલમાને પ્રત્યેક નવા જે જુનાં ગેર ઇસ્લામિક સંસ્કાર કે મૂલ્યોનો પ્રતિકાર કરવો જોઈએ. આનો અર્થ એ થયો કે જગતના કોઈ પણ ખૂણામાં રહેનારા મુસલમાને સ્થાનિક પ્રજા સાથે ભળ્યા વિના પોતાની અલગ ઓળખ જાળવી રાખવી જોઈએ. આનો અર્થ એ થયો કે સમગ્ર વિશ્વના મુસલમાનોનું પોતાનું અલાયદું સમાજકારણ અને રાજકારણ છે જેને જે-તે સ્થળ કે પ્રદેશ સાથે લાગતું વળગતું નથી. આનો અર્થ એ થયો કે મુસલમાનોએ પોતાનું વૈશ્વિક (પાન-ઇસ્લામિક) રાજકારણ વિકસાવવું જોઈએ અને સ્થાનિક સહિયારા રાજકારણથી દૂર રહેવું જોઈએ. આ બધા જ સૂચિતાર્થો ધ્યાનમાં રાખજો કારણ કે ભારતના વિભાજનથી લઈને મુસ્લિમ દેશોમાં મુસલમાનોની આજની અવદશા સમજવા માટે એ મહત્ત્વના છે.

ભારત પાછા ફર્યા પછી શાહ વલીઉલ્લાહે સલાફી પ્રભાવ હેઠળ ભારતીય મુસલમાનોને સલાહ આપી હતી કે ઇસ્લામમાં સ્થાનિક ઓળખ ગૌણ છે અને પ્રત્યેક ભારતીય મુસલમાને સાચા મુસલમાન બનવું જોઈએ. સાચો મુસલમાન એ કહેવાય જે એક સરખા અને એક જ પ્રકારના સાચા ઇસ્લામમાં માનતો હોય. સાચો મુસલમાન એ કહેવાય જે પોતાની ઓળખ કહેવાતી વૈશ્વિક ઇસ્લામિક ઓળખમાં ઓગળી દે. સાચો મુસલમાન એ કહેવાય જે ગેરઇસ્લામિક ઓળખોને ત્યજી દે. શાહ વલીઉલ્લાહના પ્રભાવ હેઠળ પાછળથી દેવબંદની સ્કૂલ સ્થપાઈ હતી અને એ પછી તબલીગ આંદોલન શરૂ થયું હતું. આ આંદોલન ભારતીય મુસલમાનોની અંદર રહેલી ભારતીય ઓળખને છાટવાનું કામ કરે છે.

આ સ્થિતિમાં આગળ કહ્યું એમ ૧૯મી સદીમાં ભારતીય મુસલમાનો સામે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે અંગ્રેજ શાસકો અને પાશ્ચાત્ય સભ્યતા સાથે કેવી રીતે કામ પાડવું? હવે મુસલમાનોનું શાસન તો રહ્યું નથી તો સંખ્યાને કારણે નવી તાકાત મેળવનારા બહુમતી હિંદુઓ સાથે કેવી રીતે કામ પાડવું? વિડંબના એ છે કે ૯૫ ટકા ભારતીય મુસલમાનો ગ્રામીણ અને અભણ હતા જેને નહોતી સલાફીઝમની જાણ, નહોતું તેમણે શાહ વલીઉલ્લાહનું નામ સાંભળ્યું; નહોતી તેમને વૈશ્વિક ઇસ્લામની જાણ, નહોતી તેમને પાન-ઇસ્લામીઝમની જાણ કે નહોતી તેમને પાશ્ચત્ય સભ્યતાની જાણ. સામાન્ય ભારતીય મુસલમાન જે ધાર્મિક જીવન જીવતો હતો એ સલાફીઓની કલ્પનાના ધાર્મિક જીવન કરતાં જુદું હતું. તેમનો ઇસ્લામ ભારતીય ઇસ્લામ હતો જેમાં વધુ પ્રભાવ સૂફીઓનો હતો જે હિંદુ અને ઇસ્લામિક ધાર્મિક માન્યતાઓનો અને આધ્યાત્મિક પ્રવાહોના સમન્વયરૂપ હતો. આવું જ વિશ્વના બીજા દેશોમાં વત્તેઓછે અંશે જોવા મળતું હતું, પરંતુ વિશ્વનો પ્રત્યેક ચોથો મુસલમાન (ભારતીય મુસલમાન) દરેક અર્થમાં એક અલાયદી ઓળખ લઈને જીવતો હતો.

અવસર ચુકવાની શરૂઆત અહીંથી થાય છે. હિંદુઓમાં ધાર્મિક-સામાજિક સુધારાઓનું આંદોલન શરૂ થયું હતું જેમાં સ્વાભાવિકપણે સામાન્ય હિન્દુને સમજાવવો અને સાથે રાખવો જરૂરી હતું. મુસલમાનોમાં પાછા ફરવાનું આંદોલન શરૂ થયું હતું જેમાં સામાન્ય મુસલમાનનું માનસ બદલીને તેને કલ્પનાના વિશ્વમાં લઈ જવાનો હતો. સુધારાના આંદોલને મોટી ચર્ચા પેદા કરી હતી જેમાં વ્યાપક સહભાગ સ્વાભાવિક હતો. પાછા ફરવાના આંદોલને સામાન્ય ભારતીય મુસલમાનને આંગળિયાત બનાવી દીધો હતો. ૧૯મી સદી હિંદુઓ માટે પુનર્જાગરણની સદી હતી તો મુસલમાનોમાં ભારતની ભૂમિ દારુલ-હરબ (મુસલમાનો માટે શત્રુભૂમિ) છે કે દારુલ- ઉલૂમ (મુસલમાનોની ભૂમિ) એ વિષે નિરર્થક ચર્ચા ચાલતી હતી. સલાફી ઇસ્લામ મુજબ દારુલ-હરબમાં રહેતા મુસલમાન માટે બે વિકલ્પ છે; કાં તો એ હિજરત કરીને દારુલ-ઊલૂમમાં જતો રહે અને કાં દારુલ-હરબને દારુલ-ઊલૂમમાં ફેરવવા જિહાદ કરે. સલાફી ઇસ્લામથી દોરવાઈને સૈયદ અહમદ બરેલવી જેવા કેટલાક લોકોએ અંગ્રેજો સામે જિહાદ કરીને પ્રાણ ગુમાવ્યા હતા તો બીજા કેટલાક ગરીબ મુસલમાનો અફઘાનિસ્તાનમાં હિજરત કરીને પાયમાલ થઈ ગયા હતા.

આયાતી સલાફી ઈસ્લામે અલાયદી અને અદ્દભુત ઓળખ ધરાવનારા ભારતીય ઈસ્લામને નકાર્યો હતો. સલાફી ઈસ્લામના પ્રભાવ હેઠળ મૌલાનાઓએ સામાન્ય ભારતીય મુસલમાનોને ઝાહીલ ગણાવીને અધૂરા મુસલમાન ઠરાવ્યા હતા, એટલું જ નહીં, આંગળિયાત બનાવી દીધા હતા. સલાફી ઇસ્લામના પ્રભાવ હેઠળ અને કેટલીક વાર મજબુરીના કારણે ભારતીય મુસ્લિમ નેતાઓ ભારતની વિશિષ્ટ રાજકીય વાસ્તવિકતા સમજી નહોતા શક્યા અને જો સમજતા હતા તો આંખ આડા કાન કરતા હતા. પોતાની અદ્દભુત અને અલાયદી ઓળખ ધરાવતા દુનિયાના પ્રત્યેક ચોથા મુસલમાનને પોતાનો કેડો કંડારવા દીધો હોત તો આજે ભારતીય ઉપખંડનો અને દુનિયાનો ઇતિહાસ જુદો હોત. ભારતીય મુસલમાન મુસ્લિમ વિશ્વ માટે દીવાદાંડી બની શક્યો હોત અને મુસ્લિમ વિશ્વને સંકટમાં સરકતાં બચાવી શક્યો હોત. એ કઈ રીતે?

વિલ્ફ્રેડ કોન્ત્વેલ સ્મિથ નામના કેનેડિયન વિદ્વાને કહ્યું છે કે ભારતથી વિભાજીત થઈને ભારતીય મુસલમાનોએ લોકતાંત્રિક સેક્યુલર સમાજમાં પણ મુસલમાન ભાગીદાર બનીને રહી શકે છે એનો પ્રયોગ કરવાની તક ગુમાવી હતી. આવી તક ઇસ્લામિક વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય મુસલમાનોને મળી હતી. એ પહેલા જગતભરમાં મુસલમાનો કાં શાસકો હતા કાં શાસિત હતા. પહેલીવાર તેમની સામે ત્રીજો વિકલ્પ આવ્યો હતો જેમાં મુસલમાન ન શાસક હોય, ન શાસિત હોય; પણ પોતે જ પોતાના દેશમાં નાગરિક તરીકે રાજ્યમાં બરાબરનો ભાગીદાર હોય. ન રાજા, ન રૈયત પણ નાગરિક. ન ઉપર, ન નીચે પણ સમકક્ષ ભાગીદાર. સ્મિથ માનતા હતા કે મુસલમાનોએ આધુનિક સેક્યુલર લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થામાં મુસલમાનની જગ્યાએ નાગરિક બનીને રહેવાનો પ્રયોગ કરવો જોઈતો હતો. જો એ પ્રયોગ કરવામાં આવ્યો હોત અને એ સફળ નીવડ્યો હોત તો ભારતીય મુસલમાન સમગ્ર મુસ્લિમ પ્રજા માટે અનુકરણીય બની શક્યો હોત. આખરે જગતના મુસલમાનોમાં પ્રત્યેક ચોથો મુસલમાન ભારતીય છે.

હું વિલ્ફ્રેડ સ્મિથ કરતા હજુ આગળ જઉં છું. મુસ્લિમ લીગે ૧૯૪૦માં લાહોરમાં ભારતથી અલગ થવાનો ઠરવા કર્યો ત્યારે ભારતીય મુસલમાનોએ તક નહોતી ગુમાવી. તક ગુમાવવાની શરૂઆત તો ઘણી વહેલી થઈ હતી અને લાહોરનો મુસ્લિમ લીગનો ઠરાવ તો એની પરિણતી હતી, શરૂઆત નહોતી. શરૂઆત અરેબિયાના સલાફી ઈસ્લામને ભારતમાં આયાત કરવામાં આવ્યો અને અનોખા ભારતીય ઈસ્લામને નકારવામાં આવ્યો ત્યારે થઈ હતી.

ભારતીય ઇસ્લામ અનેક રસાયણોના મિશ્રણમાંથી બન્યો હતો. ભારતમાં ઇસ્લામ પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા અને ઉત્તર આફ્રિકાના એક ડઝન દેશોમાંથી આવ્યો છે. ભારતીય ઇસ્લામ પર કોઈ એક દેશનો પ્રભાવ નથી એટલે ભારતના મુસલમાનોએ એક ડઝન જેટલા દેશોના મુસલમાનોના સંસ્કાર અને સભ્યતા પોતાનામાં સમાવ્યા છે. બીજું, ભારતીય ઇસ્લામ પર એક ડઝન જેટલા સૂફી સિલસિલા(પરંપરા)નો પ્રભાવ છે અને ભારતીય ઇસ્લામનું એ મુખ્ય રસાયણ છે. મધ્યકાલીન યુગમાં સૂફીઓએ સહઅસ્તિત્વ અને સહિયારી સંસ્કૃિત માટેની ભૂમિકા રચી આપી હતી જેની ભારતીય મુસલમાનોને ૧૮૦૦ની સાલ પછી આધુનિક યુગમાં જરૂર પડવાની હતી. નસીબ તો જુઓ; નવા યુગ માટેનું આવું અનુકૂળ રસાયણ જગતના કોઈ મુસ્લિમ દેશમાં મુસલમાનોને ઉપલબ્ધ નહોતું એ કેવળ ભારતીય મુસલમાનોને ઉપલબ્ધ હતું. ત્રીજું, ૯૫ ટકા ભારતીય મુસલમાન પૂર્વાશ્રમમાં હિંદુ હતા. ભારત જેવા બહુઅસ્મિતાવાળા દેશમાં હિંદુ, હિંદુ મટીને મુસલમાન થઈ જાય એટલે ભારતીય નથી મટી જતો. ધર્માંતરણ એ કોઈ રેલવેનો ડબ્બો બદલવા જેવું હોતું નથી, જેમાં પાછલા ડબ્બાને ભૂલી જવાય. ભારતીય મુસલમાનોમાં પૂર્વાશ્રમના સંસ્કાર ક્યારેક પ્રબળ માત્રામાં અને ક્યારેક અવશેષ રૂપે કાયમ રહ્યા હતા અને એણે પણ ભારતીય ઇસ્લામનો ઘાટ ઘડવામાં યોગદાન આપ્યું હતું. માટે તો ભારતીય ઈસ્લામને ગંગા-જમની, સાઝા સંસ્કૃિતવાળા, સીન્ક્રેટીક ઇસ્લામ તરીકે ઓળખવામાં આવે છે.

નૈયાયીકો કહે છે એમ કોઈ પણ ચીજના નિર્માણમાં એક ઉપાદાન કારણ હોય છે અને બીજાં આનુષંગિક કે નિમિત્ત કારણ હોય છે. જેમ કે માટીના ઘડામાં માટી ઉપાદાન કારણ છે અને પાણી, અગ્નિ, ઘાસ વગેરે આનુષંગિક કારણ છે જ્યારે કુંભાર નિમિત્ત કારણ છે. પદાર્થમાંથી જયારે ઉપાદાન કારણ હટાવી દેવામાં આવે ત્યારે એ પદાર્થ ટકી શકતો નથી. માટી વિના ઘડાનું અસ્તિત્વ અશક્ય છે. ભારતીય મુસલમાનો માટે ગંગા-જમની ભારતીય ઇસ્લામ ઉપાદાન કારણ છે.

બન્યું એવું કે સલાફી પ્રભાવ હેઠળ ઉલેમાઓએ ભારતીય મુસલમાનોના ઉપાદાન કારણને જ નકારવાનું શરૂ કર્યું જેણે ભારતીય મુસલમાનોને અલાયદી ઓળખ આપી હતી અને નવા યુગમાં સહઅસ્તિત્વ માટેની ભૂમિકા રચી આપી હતી. ભારતીય મુસલમાનો પોતાની અલાયદી ઓળખ ધરાવતા હતા. બહુમતી ભારતીય મુસલમાનો પૂર્વાશ્રમમાં હિંદુ હતા અને હિન્દુઓની સાથે પડોશીનો સંબંધ ધરાવતા હતા. તેમનું હિંદુઓ સાથે પરસ્પરાવલંબન હતું. ભારતીય મુસલમાનો હવે તો અંગ્રેજોના કારણે પાશ્ચાત્ય સભ્યતાના અને મૂલ્યવ્યવસ્થાના સંપર્કમાં આવ્યા હતા અને એને સમજવાનો પ્રયાસ કરતા હતા. હિંદુઓ પાશ્ચાત્ય સભ્યતા સાથે કઈ રીતે કામ પાડી રહ્યા છે એ પણ સમજવાની તેઓ કોશિશ કરી રહ્યા હતા. તેમને માટે જો કોઈ સાવ અજાણ્યો પદાર્થ હોય તો એ સાઉદી સલાફી ઇસ્લામ હતો. ખ્રિસ્તી ધર્મ કરતા પણ વધારે અજાણ્યો.

ઉલેમાઓએ ઉપાદાન કારણને નકારીને; આનુષંગિક પણ ન કહેવાય એવા હદીસમાં આવતા પયગંબરના એક વાક્યને ઉપાદાન કારણ માનીને પાછા ફરવાનું આંદોલન શરૂ કર્યું હતું. સેંકડો વર્ષના પરિચિત પ્રદેશમાંથી ૧૪૦૦ વર્ષ જુના અજાણ્યા પ્રદેશમાં જવાનું એ આંદોલન હતું. આગ્રહો ભારતીય મુસલમાનનાં મૂળિયાં કાપી નાખે એવા હતા. પ્રશ્ન એ છે, પ્રશ્ન કરતા પણ આશ્ચર્ય એ વાતનું છે કે શા માટે કોઈ મુસ્લિમ નેતા કે વિદ્વાને આ અજાણ્યા પ્રદેશમાં લઈ જનારા અને ભારતીય મુસલમાનોના મૂળિયાં કાપનારા આંદોલનનો વિરોધ નહીં કર્યો? હિંદુઓમાં નવી વાસ્તવિકતા નહીં સ્વીકારનારા મૂળભૂતવાદી સનાતનીઓનો રાજા રામમોહન રોય અને બીજાઓએ મુલાબલો કર્યો હતો. હિંદુઓમાં પાશ્ચાત્ય ધર્મોની ભદ્દી નકલ કરનારા આર્યસમાજીઓના મૂળભૂતવાદનો વ્યવહારવાદી પ્રગતીશીલ હિન્દુઓએ મુકાબલો કર્યો હતો. હિંદુઓમાં હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોમવાદનો જોરદાર મુકાબલો કરવામાં આવ્યો હતો અને તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. દેશ આઝાદ થયો એનાં ઘણાં વર્ષ પહેલા દેશની બહુમતી હિંદુ પ્રજાએ મન બનાવી લીધું હતું કે સ્વતંત્ર ભારત લોકતાંત્રિક અને સેક્યુલર હશે. જે હિન્દુમાં શક્ય બન્યું એ મુસલમાનોમાં કેમ શક્ય ન બન્યું?

આનું કારણ એ છે કે મુસલમાનોના રાજકીય નેતાઓ (રાજકીય નેતાઓ, ઉલેમાઓ નહીં) ભારતીય ઇસ્લામ અને આયાતી મૂળભૂતવાદી સલાફી ઇસ્લામની ખૂબીઓ અને ખામીઓ વચ્ચે વિવેક કરી શક્યા નહોતા. સલાફી ઇસ્લામનો મુકાબલો થોડો ઘણો સૂફીઓએ કર્યો હતો જેમને રાજકીય નેતાઓએ ટેકો નહોતો આપ્યો. પૂર્વ અને પશ્ચિમ, પરંપરા અને આધુનિકતા, મૂળભૂતવાદ અને સુધારો આ વિષે જેટલી ચર્ચા અને ઊહાપોહ હિંદુઓમાં થયો હતો એનો દસમાં ભાગનો પણ ઊહાપોહ મુસલમાનોમાં નહોતો થયો. આનું બીજું કારણ એ છે કે ભારતમાં હિંદુઓ બહુમતીમાં હતા અને મુસલમાનો લઘુમતીમાં હતા અને દેશમાં કોમી ત્રિકોણમાં અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોનું રાજકારણ કરતા હતા. એ સમયના મુસલમાનોના રાજકીય નેતાઓને મુસલમાનને હિન્દુથી અળગો રાખીને અંગ્રેજો પાસેથી લાભ લેવા માટે સલાફી ઇસ્લામનો ખપ હતો. સર સૈયદ અહમદ ખાન અને એ પછીના મુસ્લિમ નેતાઓ અંગત જીવનમાં સેક્યુલર હોવા છતાં રાજકીય લાભ લેવા માટે નહોતા અનોખા ભારતીય ઇસ્લામના પડખે ઊભા રહ્યા કે નહોતો તેમણે ભારતીય મુસલમાનોના સલાફીકરણનો વિરોધ કર્યો.

સર સૈયદ અહમદ ખાન મુસલમાનોના પહેલા નેતા હતા જેમને મુસલમાનોના રાજા રામમોહન રોય તરીકે ઓળખાવવામાં આવે છે. આ તુલના બંધ બેસતી નથી. રાજા રામમોહન રોયે પૂર્વ અને પશ્ચિમ તેમ જ પરંપરા અને આધુનિકતા વચ્ચે નીરક્ષીર વિવેક કર્યો હતો. સર સૈયદ અહમદ ખાન ભારતીય ઇસ્લામ અને સલાફી ઇસ્લામ વચ્ચે નીરક્ષીર વિવેક કરી શક્યા નહોતા. તેમનો એજન્ડા મુસલમાનોમાં આધુનિક પાશ્ચાત્ય શિક્ષણનો પ્રસાર થાય, મુસલમાનો હિન્દુઓની બરાબરી કરી શકે અને મુસલમાનો અંગ્રેજોની નજીક જાય એટલો જ હતો. એ માટે તેમણે કુરાન અને હદીસનું પ્રગતિશીલ અર્થઘટન કર્યું હતું, પરંતુ એ ખપ પુરતું હતું. સર સૈયદને ભારતીય ઇસ્લામ તરફ પક્ષપાત હોય કે સ્લાફી ઇસ્લામની મર્યાદા સમજતા હોય એવું જોવા મળતું નથી. ઉલટું તેઓ પણ ભારતીય મુસલમાનોને ઝાહીલ સમજતા હતા. એ પછીના મુસ્લિમ નેતાઓનું વલણ પણ આવું જ હતું. તેઓ ગામડાઓમાં રહેતા આમ મુસલમાનથી દૂર રહેતા હતા એટલે આમ મુસલમાનને ઉલેમાઓને ભરોસે છોડવામાં આવ્યો હતો. એક બાજુ ઉલેમાઓ ભારતીય મુસલમાનોનાં મૂળિયાં કાપતા હતા અને તેમનું બ્રેઈનવોશીંગ કરતા હતા તો બીજી બાજુ ઉચ્ચ શિક્ષિત અને અંગત જીવનમાં સેક્યુલર મુસ્લિમ નેતાઓ આમ મુસલમાનથી અંતર રાખીને સલાફી ઇસ્લામનો કોમી લાભ લેતા હતા.

ઉલેમાઓના પક્ષે પોતાના વજૂદ ઉપર ઘા કરવાના વલણના કારણે અને નેતાઓના પક્ષે એવા વલણ તરફ ઉદાસીનતા દાખવવાને કારણે સહઅસ્તિત્વ અને સામંજસ્ય માટેની દરેક અનુકૂળતા હોવા છતાં એ અનુકૂળતાનો લાભ લેવામાં નહોતો આવ્યો. ભારતીય મુસલમાનો સુવર્ણ અવસર ચૂકી ગયા હતા. ભારતનું વિભાજન સહઅસ્તિત્વની બાંયધરી આપનારા ગંગા-જમની વિશેષતા ધરાવતા ભારતીય ઈસ્લામને નકારવાના કારણે થયું હતું. પાકિસ્તાનનું વિભાજન પૂર્વ પાકિસ્તાનના મુસલમાનોની બંગાળી અસ્મિતાને નકારવાના કારણે થયું હતું. પાકિસ્તાનની આજની અવદશા સલાફી ઇસ્લામ સિવાયના બીજી ઇસ્લામિક માન્યતા અને અસ્મિતાને નકારવાના કારણે થઈ છે. આ બીમારીનું આજનું સૌથી વિકૃત સ્વરૂપ અત્યારે સિરિયા અને ઈરાકમાં જોવા મળી રહ્યું છે. સલાફીઓ રાજ્યને હાઇજેક કરવા યુદ્ધે ચડ્યા છે.

ભારતીય મુસ્લિમ નેતાઓએ આવી ભૂલ ન કરી હોત અને પોતાના વજૂદને નકારનારી આત્મઘાતી પ્રવૃત્તિનો વિરોધ કર્યો હોત તો આજે ભારતીય ઉપખંડનો અને સમગ્ર મુસ્લિમ વિશ્વનો ઇતિહાસ જુદો હોત. વિલ્ફ્રેડ સ્મિથ કહે છે એમ મુસ્લિમ ઇતિહાસમાં પહેલીવાર ભારતીય મુસલમાનો માટે ન શાસક, ન શાસિત પણ નાગરિક તરીકે આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાજ્યમાં સહઅસ્તિત્વ માટેની તક મળી હતી. આવા સહઅસ્તિત્વની સંભાવના હિંદુઓ સાથેની હતી જે પ્રમાણમાં વધારે સહિષ્ણુ પ્રજા છે. ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે સેક્યુલર લોકતંત્ર માટેની પ્રતિબધ્ધતા જાહેર કરી દીધી હતી અને આઝાદી પહેલાં જ એ દિશમાં આગળ વધવાની તૈયારીઓ શરૂ કરી હતી. ભારતીય મુસ્લિમ નેતૃત્વએ અશ્રદ્ધા અને આશંકાની જગ્યાએ લોકતાંત્રિક સેક્યુલર રાજ્યમાં મુસ્લિમની જગ્યાએ નાગરિક બનીને નસીબ અજમાવવાનો એક પ્રયોગ કરવો જોઈતો હતો. જો એમ બન્યું હોત તો ભારતીય મુસલમાન સમગ્ર મુસ્લિમ વિશ્વ માટે દીવાદાંડી બની શક્યા હોત. જો એમ બન્યું હોત તો આધુનિકતા અને ઇસ્લામ વચ્ચે સામંજસ્યની ભૂમિકા રચાઈ શકી હોત. જો એમ બન્યું હોત તો આજે સલાફીઓ આધુનિક રાજ્યના બંધારણ સામે કુરાનને અને હદીસને મુસલમાનોના બંધારણ તરીકે રજૂ કરી રહ્યા છે એ મૂર્ખતા ટાળી શકાઈ હોત. આખરે જગતનો પ્રત્યેક ચોથો મુસલમાન ભારતીય હતો.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય : ‘નો-નૉનસેન્સ’ નામક લેખકની કટાર, ‘સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 28 સપ્ટેમ્બર 2014 તથા 05 અૉક્ટોબર 2014

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-28092014-2

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-05102014-3

Loading

14 October 2014 admin
← સફાઈમાં ખુદાઈ જોનારા લોકસેવક બબલભાઈ
ઇસ્લામિક રાજ્ય – કોને જોઈએ ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved