Opinion Magazine
Number of visits: 9447116
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચિંતનનો ચંદરવો : સંવેદના, નિષ્ઠા અને અભ્યાસનો સુભગ સમન્વય

ગિરીશ પટેલ|Opinion - Opinion|4 October 2014

પ્રોફેસર રોહિત શુક્લનું આ પુસ્તક ‘ચિંતનનો ચંદરવો’ વાંચતાં મને એક જૂનું કાર્ટૂન યાદ આવ્યું. ઝાડ પર વાંદરાંઓ બેઠાં હતાં અને નીચે માણસો બેઠા હતા. માણસો ચર્ચા કરતા હતા કે આ વાંદરાંઓ આપણા પૂર્વજો કેવી રીતે હોઈ શકે? ક્યાં આપણે અને ક્યાં આ વાંદરાંઓ! ત્યારે બીજી બાજુએ વાંદરાંઓ અંદર-અંદર ધીમે ધીમેથી વાતો કરતાં હતાં, “આ માણસજાત આપણા વંશજો કેવી રીતે હોઈ શકે ?”

એક બાજુ માણસ પોતાની જાતને અત્યંત બુદ્ધિશાળી સમજે છે અને પોતાની બુદ્ધિથી એક નવી દુનિયા બનાવવાનો દાવો કરે છે, પરંતુ ખરેખર તો આ જ માણસ પોતાની સમગ્ર જાતનું નિકંદન કાઢવા બેઠો છે. અને સાથે-સાથે સમગ્ર જગતનો નાશ કરવાની દિશામાં દોટ મૂકી રહ્યો છે. આ જ વાત લેખકે આ પુસ્તકમાં વાંદરાઓ વચ્ચેના સંવાદમાં બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. મને લાગે છે કે માણસજાતની ગંભીર સમસ્યાઓની આવી સહજ અને સંવેદનશીલ ચર્ચા માત્ર વાંદરાંઓ જ કરી શકે, માણસ નહિ. અને એટલે જ લેખકે આ માધ્યમ પસંદ કર્યું છે.

સો પાનના આ નાના પુસ્તકમાં રોહિતભાઈએ જગતના રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃિતક અને વૈશ્વિક જેવા વિરાટ પ્રશ્નો ઊભા કર્યા છે અને તેના જવાબો શોધવાની દિશા પણ બતાવી છે. લોકશાહી, ફાસીવાદ, સામ્રાજ્યવાદ, મૂડીવાદ, સ્વતંત્રતા, સમાનતા, ચૂંટણી, કન્ઝ્યુમરિઝમ, યુદ્ધો અને જુલમો, મુક્તબજાર અને કલ્યાણકારી રાજ્ય, સ્ત્રીઓ ઉપરના જુલમો, ગરીબી અને શોષણ, પર્યાવરણ, શહેરો અને ગામડાંઓ – કોઈ જ પ્રશ્ન બાકી રાખ્યો નથી; અને એ પણ કેટલી સુંદર અને સરળતાથી ચર્ચ્યા છે !

દુનિયામાં ચારેબાજુ શાસનકર્તાઓ લોકશાહીની બાંગો પુકારે છે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર ચૂંટાઈ તો લોકશાહીનો વિજય, બીજી ચૂંટાઈ તો વોટબૅંક – Vote Bank અને ગોટાળાની વાતો ! સરમુખત્યારશાહી અને આપખુદ દેશોને ટેકો આપીને અમેરિકા દુનિયામાં  લોકશાહી સ્થાપવા માગે છે. અને આ લોકશાહી માટે બીજાં રાજ્યોની સરકારો તોડવાનું તાંડવ ચલાવે છે, ત્યારે લેખકે વેધક સવાલ ઊભો કર્યો છે –

‘લોકશાહી એટલે લોકોનું રાજ્ય. પણ આ લોકો  એટલે કોણ ?’ આ લોકશાહીમાં લોકોનું રાજ્ય હોય છે ખરું ? ચૂંટણી માટે લોકો, પરંતુ ચૂંટાયા પછી લોકોની ઐસીતૈસી ! પછી તો સરકાર એ જ લોકશાહી. લેખક સરસ લખે છે – ‘એક વાર તમે મત આપો અને પાંચ વરસ સૂઈ રહો. જો જાગો તો ખબરદાર. તમને મારા સમ. લોકાયુક્ત અને લોકપાલ, આશારામ કે એશ્શારામ, મચ્છરની ફૅક્ટરી જેવાં ખાબોચિયાં કે દોજખ જેવી જિંદગી જીવનારા એંશી કે સો કરોડ ભારતવાસી, કોઈને યાદમાં પણ બરકવાના નહીં. બસ એક વાર સત્તાની વરમાળા લઈને હાથણી કળશ ઢોળે પછી જોઈ લો મજા.’

એકવીસમી સદીનો આ ગહન પ્રશ્ન છે. લોકશાહી એટલે માત્ર ચૂંટણી જ કે ચૂંટાયેલી સરકાર કે પાર્લામેન્ટ જ નહીં, પરંતુ લોકોની ભાગીદારીવાળું શાસન. જ્યાં લોકો સક્રિય નાગરિકો હોય, જ્યાં પ્રજાના પ્રશ્નો વિશે સતત સંવાદ, વિચાર-વિનિમય, ચર્ચા અને વિવાદો જીવંત રીતે ચાલતાં હોય, જ્યાં દરેક નીતિની બારીકાઈથી તપાસણી થાય અને જ્યાં લોકોનો અવાજ છેક ઉપર સુધી સંભળાતો હોય. પરંતુ આ શક્ય કેવી રીતે અને ક્યારે બને ? ભૂખ્યા-તરસ્યા માણસો પોતાની ભૂખની કે તરસની ચિંતા કરે કે સમાજના પ્રશ્નોની ચિંતા કરે ? રોજી-રોટી માટે ઝઝૂમતો માણસ દેશની આર્થિક નીતિની ચિંતા ક્યારે કરે ? પોતાના પ્રશ્નોની સભાનતા હોવા છતાં એક નિરક્ષર પુરુષ કે સ્ત્રી કહેવાતા ભણેલાઓ વચ્ચે શું સંવાદ કરી શકે ? ગરીબી અને અસમાનતા સાચી લોકશાહીના દુશ્મન છે. જ્યાં સુધી આ ગરીબી અને અસમાનતા નાબૂદ ન કરવામાં આવે, ત્યાં સુધી લોકોની ભાગીદારીવાળી લોકશાહી સ્થાપી શકાશે નહિ. પરંતુ આ ગરીબી, અસમાનતા દૂર કોણ કરશે ? ઉપરથી કોઈ પયગંબર કે મસીહા તો નહિ આવે. ક્રાંતિ કે સંક્રાંતિ, હિંસા કે અહિંસા, એકહથ્થુ શાસન કે લોકશાહી માળખું; આ પ્રશ્ન હજુ અનુત્તર જ રહ્યો છે.

ચારેબાજુથી આનો એક જ જવાબ સંભળાય છે – ‘વિકાસ’. લેખક પૂછે છે –

આ વિકાસ એટલે શું ? માત્ર આર્થિક વિકાસ ? માત્ર જી.ડી.પી.માં વધારો ? અમેરિકાની જી.ડી.પી. તો સૌથી વધારે છે, છતાં ત્યાં ગરીબી, બેઘરપણું, બેકારી, અસમાનતા, અધૂરું શિક્ષણ વગેરે વ્યાપક છે. કાળા કહેવાતા લોકો પરનો અત્યાચાર, ભ્રષ્ટાચાર, હિંસા, વગેરેનું શું ? પોતાનું જીવનધોરણ ટકાવી રાખવા માટે સવારથી સાંજ સુધી દોડમદોડ કરતા લાખો લોકોના આનંદનું શું ? શાંતિનું શું ? વિકાસની ભ્રામક દોડમાં આપણે પણ રસ્તાઓ, ફ્લાયઓવરો અને અન્ડરબ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા, મોટી-મોટી ઇમારતો અને આલીશાન હોટલો અને સામે ઝૂંપડપટ્ટીમાં અને ફૂટપાથ પર રહેતાં હજારો કુટુંબો, રસ્તામાં ભીખ માંગતાં નાનાં, કુમળાં ગરીબ બાળકો, આમથી તેમ ભાગમભાગ કરતા ફેરિયાઓ, ગાડાં ખેંચતી વૃદ્ધ સ્ત્રીઓ, ખખડી ગયેલી મ્યુિનસિપલ પ્રાથમિક શાળાઓ, છેલ્લામાં છેલ્લી ટેક્નોલૉજીથી અભ્યાસ કરતા, કહેવાતી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શાળાઓના, ગાડીઓવાળા વિદ્યાર્થીઓ અને સામે સ્લેટ-પેનથી ભણતાં અભ્યાસવાંચ્છું ગરીબ બાળકો, મોટા-મોટા મોલો સામે ઝઝૂમતા ફેરિયાઓ-નાના દુકાનદારો, શું આને આપણો વિકાસ કહીશું ? આ શું તમારું ‘ગુજરાત મોડેલ’ છે ?

કહેવાતા વિકાસની રોહિતભાઈએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. સાચો વિકાસ અને ખરી પ્રગતિ આપણે કોને કહીશું ? આ સવાલ આપણા જેવા દેશો માટે ઘણો અગત્યનો છે. માત્ર નકામી વસ્તુઓ પેદા કરનારો અને માનવીને માત્ર consumer બનાવનાર અમેરિકન મૂડીવાદ અને આવા જ ખોટા રસ્તે ગયેલો રશિયન સામ્યવાદ અને ચીની સમાજવાદ આ પ્રશ્નનો સાચો જવાબ આપી શકશે ? ત્યારે કરીશું શું ? માત્ર ગાંધીવાદ તરફ આંગળી ચીંધીને બેસી શકાશે નહીં. દરેક માનવીનું સાચું સુખ શેમાં છે, તે વિશે ઊંડો વિચાર કરવો પડશે. માણસની મૂળભૂત જરૂરિયાત કેન્દ્રમાં હોવી જોઈએ. તેને સંતોષવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. તે પદ્ધતિ માણસના મૂળભૂત સ્વભાવો અને સમાજ અને કુદરત વચ્ચે સુમેળ કરનારી હોવી જોઈએ. ઈવાન ઈલીચે કહ્યું છે કે આપણો સવાલ મૂળ જરૂરિયાતો અને તેને સંતોષવાની પદ્ધતિ બંનેને સમરૂપ ગણવાનો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા-આવવાની પદ્ધતિ બંનેને સમરૂપ ગણવાનો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા-આવવાની માણસની મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ તેને માટે ખાનગી મોટરકારો જ હોવી જરૂરી નથી. રહેવા માટે ઘર જોઈએ, પરંતુ તે air-condition અને ઇલેક્ટ્રિક લાઇટોવાળું હોય તે જરૂરી નથી. નર્મદા બચાવો આંદોલન મુદ્દે મુંબઈમાં સચિવાલય સમક્ષ ધરણાં વખતે એક આદિવાસીએ પ્રશ્ન ઊભો કરેલો : ‘ગિરીશભાઈ, દરિયાની સામે આટલી હવા હોવા છતાં અને સૂરજનો પ્રકાશ હોવા છતાં આ ઊંચાં-ઊંચાં બિલ્ડિંગોમાં ધોળા દિવસે અંદર લાઇટો ચાલુ છે અને બારીઓ બંધ છે, તેવું કેમ ?’ અમારા મિત્રે જવાબ આપેલો કે આને આધુનિક મકાનો કહેવાય અને આવાં આધુનિક મકાનો માટે જોઈતી વીજળી તો તમારાં મકાનો ને ખેતરો ડુબાડીને બંધોમાંથી લાવવાની છે. આને વિકાસ અને પ્રગતિ કહેવાય. આદિવાસીએ પૂછ્યું કે આ વિકાસ અને પ્રગતિ અમારા ભોગે કેમ ? આનો જવાબ તો આપણે જ શોધવો પડશે.

પણ આવા પ્રશ્નો તો રોહિતભાઈએ ઠેર-ઠેર ઊભા કર્યા છે ઃ

‘તમારે વર્તમાન જોઈએ છે, પણ ભવિષ્ય શું ?’ ‘મને કહો તો ખરા કે અમે સાત પેઢીથી ગરીબના ગરીબ કેમ રહ્યા ?’ ‘અને તમારાં આટઆટલાં બજેટડાં અને યોજનાઓના ગુબ્બારા પછી પણ આવું કેમ ?’ ‘એ તો જરા કહો કે આ દેશમાં સૌ કોઈને ગરીબ બનાવી દેવામાં કેટલી યોજનાઓની જરૂર પડશે ?’ ‘જગતમાં સુખી થવાના કારસાની પાછળ શોષણ, છેતરપિંડી અને નાઇન્સાફી જ શા માટે હોવાં જોઈએ ?’

દિલ્હીમાં એક ભણેલીગણેલી યુવતી ઉપર થયેલા બળાત્કાર અને તેના મૃત્યુથી હાલી ઊઠેલા સમાજને લેખક પૂછે છે,

‘મને કહો તો વર્ષ ૨૦૦૨માં જે ભયાનકતાઓ બની, ત્યારે સમગ્ર દેશના આ બધા લોકોના વલોપાતો ક્યાં હતા ? કૌસરબી વખતે પણ મારા આ ભવ્ય અને મહાન ભારતદેશનો આત્મા ન જ જાગ્યો. પાટણમાં ભણતી વિદ્યાર્થિની વખતે પણ આ દેશ ના જ જાગ્યો. મારા બાપ ! પેલી લઘુમતીની સ્ત્રીઓ, પાટણની દલિત કન્યા કે ગુના આચરનારાની બેગુનાહ પત્ની પણ થયેલા અત્યાચાર વખતે પણ મારા આ મહાન દેશની આવી સંવેદના કેમ પ્રગટી નહીં ?’

‘તારા આ આર્થિક વિકાસલક્ષી ભેજામાં ક્યારેક કોઈ નિર્ભેળ આનંદ નામના પંખીએ ટહુકો કર્યો છે ? અલ્યા, તને બધે રૂપિયા ભળાય છે, પણ જીવનનો સંતોષ અને આનંદ શું ચીજ છે, તેની તને ભનક પણ કદી આવે છે ખરી ?’

આ બધા પ્રશ્નોના જવાબો માણસોએ ખુદ આપવાના છે, એમ કહેતા લેખક કહે છે,

‘જો ભાઈ, ચિત્રગુપ્તનું અસ્તિત્વ હોય પણ ખરું અને કદાચ ના પણ હોય. તારાં ને મારાં આ જન્મોનાં કર્મોના વહીવંચા લખાતા હોય કે ના પણ લખાતા હોય, પણ યાદ રાખજે, એક સતત ફરતા રેંટિયા જેવો વહીવંચો તારી અને મારી અંદર ગુંજતો જ રહે છે. એ તને હંમેશાં એટલું જ પૂછે છે – ‘આ પાર કે પેલી પાર ?’ જ્યારે રણમેદાનમાં બૂંગિયો બજ્યો ત્યારે તમે ક્યાં હતા – રણમાં કે રાણીવાસમાં ? તારે જ તારી જાતને પૂછવાનું છે અને જવાબ પણ તારે જ આપવાનો છે – જ્યારે સત્તાખોરી, શોષણ અને છેતરપિંડીનો ઘટાટોપ જામ્યો છે, ત્યારે તને મદીબા, ગાંધી કે માર્ટિન લ્યુથર કિંગ ભળાય છે ? તને ઝૂંપડામાં ઠલવાતા લોકો, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની સુવિધાઓથી પણ વંચિત અને ગામ-ખેતર-ગોચર ગુમાવતા લોકોને બદલે વિકાસ નામનો કોઈ ઢૂંઢિયો રાક્ષસ તો નથી દેખાતોને? તારા વંશજો માટે તારે કેવું જગત મૂકી જવું છે, તે તારે જ નક્કી કરવાનું છે. આટલું તો કરીશને ?’

આ પડકાર આપણે જ ઝીલવાનો છે.

હાલના આ કહેવાતા ‘વિકાસ’ વિશે સવાલો ઊભા કરનારાઓને વિકાસવિરોધી તરીકે બદનામ કરવામાં આવે છે. સવાલ માત્ર એટલો જ છે ‘વિકાસ’ કોનો ? માનવીનો કે માત્ર સાધનોનો ? આ પ્રશ્ન વિકાસનો નથી, પણ વિકાસના ફોકસનો છે. લેખક સચોટ જવાબ આપ્યો છે –

‘જો આ બી.આર.ટી.એસ. અને રિવરફ્રન્ટ તારી નજરે ચઢે છે અને તારા મગજના કૅમેરામાં આ દૃશ્ય ઉપર ‘વિકાસ’ એવું લેબલ ચીપકી જાય છે. મને તારો કૅમેરા ક્યાં ફરે છે તેની ખાસ ચિંતા નથી. મારી ચિંતા તો એ છે કે તારા કૅમેરાનું ફોક્સ રોળાઈ ટોળાઈ જાય છે. તું વિકાસ નામના દૃશ્યમાં ચીજવસ્તુઓ અને સડકો કે મોટરગાડીઓ ઉપર ફોકસ કરે, ત્યારે પેલો રોળાઈ જતા માણસની મને ફિકર થાય જ છે. એક પેલો ગાંધીબાપુ નીકળ્યો હતો. તેણે દીધેલું તાવીજ મારી કને છે. જોઈએ તો તને બાંધું. એણે કહેલું – બેટા મૂંઝાય ત્યારે આને ચપટી ઘસી જોજે. તેમાંથી જે હવા નીકળે તેને પૂછજે – પેલો ગાંધીનો ગરીબ ક્યાં છે ? તેને જે રાંકડો, રોળાયેલો, ડરેલો અને સંકોચાયેલો ચહેરો મળે, તેને તારા વિકાસનું નૈવેદ્ય ધરાવજે. જો એ તારું નૈવેદ્ય આરોગે તો તારું સાચું માનજે, નહિ તો તેના સામે ય જોતો નહિ, ‘હિંદ સ્વરાજ’ માણસની ઉપર ફોકસ કરેલા કૅમેરામાંથી નીકળતા વિકાસની વાત કરે છે. તે તારા ‘બ્રેટનવુડ્ઝના’ – વિશ્વબૅંક અને નાણાભંડોળના કલ્પેલા વિકાસની પરીકથા કથતો નથી.’

અહીં મને જૂના જમાનાની એક જોક યાદ આવે છે. ‘એક માછીમાર નદીકિનારે શાંતિથી સૂતો હતો. ત્યાં વિકાસપુરુષ આવે છે અને પૂછે છે, ‘શાંતિથી કેમ સૂતો છે, વધારે માછલી પકડ!’ પેલા માણસે પૂછ્યું, ‘તારે શું ?’ ‘મોટી જાળી ખરીદ અને મોટી બોટ બનાવ અને વધારે માછલી પકડ અને પૈસા કમાવ અને સરસ બંગલો બનાવ, ગાડી ખરીદ.’ પેલાએ પૂછ્યું – ‘પછી શું કરવાનું ?’ જવાબ – ‘ખાઈપી ને આરામ કરવાનો.’ ‘તો હું અત્યારે શું કરું છું ? તેણે જવાબ આપ્યો. આ જોક આજે સત્ય બની ગઈ છે … માણસને માત્ર વસ્તુઓ પેદા કરનારું અને તેનો ઉપભોગ કરનારું પ્રાણી ન બનાવો. તેને સર્જનાત્મકથાથી સભર પૂર્ણ માણસ બનાવો. આ પુસ્તકનો સાર આ જ છે.’

વિશ્વના અને ભારતના વિવિધ પ્રશ્નોની આટલી સમતાથી અને પૂરા અભ્યાસ સાથે તથા નિસબતપૂર્વક લોકો સમક્ષ રજૂ કરે એવું પુસ્તક ભાગ્યે જ જોયું છે કે વાંચ્યું છે. ‘ચિંતનનો ચંદરવો’ પુસ્તક આવું છે. આ બધા પ્રશ્નોની ચર્ચા વાંદરાંઓએ કરી છે … શું માણસો આવી ચર્ચા કરી શકશે ? મને શંકા છે. અને એટલે જ કદાચ લેખકે આ માધ્યમ પસંદ કર્યું હશે.

આ પુસ્તક લખવા બદલ રોહિતભાઈને ધન્યવાદ. આ પુસ્તક કે તેની હારમાળા આ દેશનાં દરેક સ્ત્રી-પુરુષ અને બાળક માટે ફરજિયાત વાચન ગણાવું જોઈએ. આ પુસ્તક લખતી વેળા લેખકને જે મૂંઝવણ થઈ હશે, તેના કરતાં વધારે મૂંઝવણ તો મને આવા સુંદર પુસ્તકની પ્રસ્તાવના લખતાં થઈ છે. મારી આ પ્રસ્તાવના આ પુસ્તકને બરાબર ન્યાય ન આપી શકી હોય, તો વાચકો મને માફ કરે.        

૧૫ ઑગસ્ટ, ૨૦૧૪

[તા. ૧૨ ઑક્ટોબર, ’૧૪નો રોજ પ્રકાશિત થનારા પુસ્તક ‘ચિંતનનો ચંદરવો’માં]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.07-08

Loading

4 October 2014 admin
← દર્શકનો શતાબ્દી સાદ
કિવિસ બ્રિટાનિક્સ સુમ : ભાંગ્યું ભાંગ્યું તો ય બ્રિટન →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved