Opinion Magazine
Number of visits: 9507889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોની સરકાર …

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|4 October 2014

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના બંધારણને એક વાર વાંચવું જોઈએ. બંધારણના પાંચમા વિભાગના પહેલા પ્રકરણમાં કેન્દ્રની વાત કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારના સ્વરૂપ વિશેની વાત આ પ્રકરણના 74મા આર્ટિકલમાં કરવામાં આવી છે. બંધારણના આર્ટિકલ 74 મુજબ કેન્દ્ર સરકાર એટલે કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ, જેનું વડાપ્રધાન નેતૃત્વ કરે છે. બંધારણમાં કોઈ જગ્યાએ વડાપ્રધાનની સરકાર એવું કહેવામાં આવ્યું નથી, જે પ્રમુખશાહીમાં કહેવામાં આવે છે. ઓબામા વહીવટી તંત્ર અને નરેન્દ્ર મોદીની સરકાર એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે બંધારણ મુજબ એનો અર્થ અલગ થાય છે. ઓબામા વહીવટી તંત્ર અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને જવાબદાર છે, જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર એ કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ છે, જેનું વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી નેતૃત્વ કરે છે અને એ સંસદને જવાબ આપવા બંધાયેલી છે. એટલે નરેન્દ્ર મોદીની સરકાર એ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર છે, મોદી વહીવટી તંત્ર નથી.

પ્રમુખશાહીવાળા લોકતંત્રમાં અને સંસદીય લોકશાહીમાં આ ફરક છે. અમેરિકન પ્રમુખને નાગરિકો સીધા ચૂંટે છે, એટલે નાગરિકોની સત્તા કે સાર્વભૌમત્વ સીધાં પ્રમુખને મળે છે. સંસદીય લોકશાહીમાં નાગરિકોની સત્તા લોકપ્રતિનિધિ દ્વારા સંસદને મળે છે, વડાપ્રધાનને નથી મળતી. ચૂંટાયેલાં સભ્યોમાંથી જે સભ્ય ગૃહનો વિશ્વાસ ધરાવતા હોય અથવા બીજા શબ્દોમાં બહુમતી ધરાવતા હોય એ પ્રધાનમંડળની રચના કરે છે, જેનું વડાપ્રધાન માત્ર નેતૃત્વ કરે છે. આમ, કેન્દ્રનું વહીવટી તંત્ર એ કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સનું વહીવટી તંત્ર છે, વડાપ્રધાનનું નથી. નરેન્દ્ર મોદીની સરકાર એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે એ શુદ્ધ બંધારણીય રીતે ખોટી ઓળખ છે. બંધારણ માટે તો માત્ર કેન્દ્ર સરકાર; કેન્દ્ર સરકાર પણ નહીં, સંઘ સરકાર (યુનિયન ગવર્નમેન્ટ) અસ્તિત્વ ધરાવે છે.

આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર એ લોકસભાના બહુમતી જૂથે રચેલી સરકાર છે, જેનું નેતૃત્વ વડાપ્રધાન કરે છે અને એ સંસદને અને સંસદ દ્વારા પ્રજાને જવાબદાર છે. આનો બીજો અર્થ એ થયો કે વડાપ્રધાન કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સમાં ફર્સ્ટ અમંગ ઇક્વલ છે. માટે તો સંસદીય લોકશાહી પદ્ધતિવાળી વ્યવસ્થાને કૅબિનેટ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધારણના આર્ટિકલ 74 (1)માં આ મુજબ કહેવામાં આવ્યું છે :  There shall be a Council of Ministers with the Prime Minister at the head to aid and advise the President who shall, in the exercise of his functions, act in accordance with such advice. એ પછી આર્ટિકલ 75(3)માં બંધારણ કહે છે : The Council of Ministers shall be collectively responsible to the House of the People. બંધારણ કહે છે કે સંઘ સરકાર સંયુક્તપણે સંસદને જવાબદાર છે, વડાપ્રધાનને જવાબદાર નથી અને એકલા વડાપ્રધાન સંસદને જવાબદાર નથી.

1975ની 25 જૂનના દિવસે મોડી રાતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી લાદવાનો નિર્ણય લીધો હતો. ઇમર્જન્સી માટેના જાહેરનામા પર રાષ્ટ્રપતિની સહી લેવા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રાયને મોકલવામાં આવ્યા હતા. મોડી રાતે ઉઠાડવામાં આવેલા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ બંધારણની જોગવાઈ ટાંકીને કહી શક્યા હોત કે દેશમાં ઇમર્જન્સી લાદવાના ઠરાવને કૅબિનેટની મંજૂરી હજી સુધી નથી, એટલે રાષ્ટ્રપતિ ઇમર્જન્સી લાદવાના જાહેરનામા પર સહી કરવા બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની ઇચ્છા અને સલાહ મુજબ ન વર્તી શકે અને સલાહ ઠુકરાવી શકે છે. એ સમય એવો હતો અને રાષ્ટ્રપતિ એવા વામણા હતા કે તેઓ બંધારણની જોગવાઈ ટાંકવાની પણ હિંમત કરી શક્યા નહોતા. રાષ્ટ્રપતિને કહેવામાં આવ્યું હતું કે સવારે કૅબિનેટની બેઠક બોલાવીને મંજૂરી લઈ લેવામાં આવશે. ઇન્દિરા ગાંધીના વ્યક્તિગત નિર્ણયને કૅબિનેટ મંજૂરી આપે અને એ નિર્ણય ભારત સરકારનો નિર્ણય બને, એ પહેલાં તો જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ સહિત વિરોધપક્ષના નેતાઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. એ સમયે જેલમાં જનારાઓમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. બીજા દિવસે વહેલી સવારે કૅબિનેટની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી અને ઇમર્જન્સીના ઠરાવ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળના સભ્યો વિરોધ નહોતા કરી શક્યા.

ઇન્દિરા ગાંધીએ માત્ર લોકતંત્રનું કાસળ નહોતું કાઢ્યું, કૅબિનેટ સિસ્ટમનું પણ કાસળ કાઢ્યું હતું અને લોકતંત્રનું કાસળ એ જ કાઢી શકે અને ત્યારે જ કાઢી શકે, જ્યારે કૅબિનેટ સિસ્ટમનું કાસળ કાઢવામાં આવે. બંધારણમાં કહેવામાં આવ્યું છે એમ વડાપ્રધાન જ્યાં સુધી કૅબિનેટને જવાબદાર હોય, ફર્સ્ટ અમંગ ઇક્વલ હોય અને કૅબિનેટ સંયુક્તપણે સંસદને જવાબદાર હોય, ત્યાં સુધી લોકતંત્રનું ગળું ઘોંટવું આસાન નથી. આસાન શું અશક્ય છે. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં એ પછીથી ધીરે-ધીરે તેમણે કૅબિનેટને રબરસ્ટૅમ્પ બનાવવા માંડી હતી અને ઇમર્જન્સી એની ચરમસીમા હતી. એ યુગમાં રમૂજમાં એમ કહેવામાં આવતું હતું કે ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં ઇન્દિરા ગાંધી જ એક મર્દ છે અને બાકીના સભ્યો પુરુષ હોવા છતાં સ્ત્રી છે. (આ રમૂજમાં નારીનું અપમાન થઈ રહ્યું છે, એ માટે ક્ષમા.)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ઇન્દિરા ગાંધીને અનુસરી રહ્યા હોય એવા સંકેત અવારનવાર જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૅબિનેટની ઉપેક્ષા કરી રહ્યા છે. સંઘ સરકારની કૅબિનેટ રબરસ્ટૅમ્પ બની રહી છે. પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકદિને વડાપ્રધાન દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા હતા અને એનું લાઇવ પ્રસારણ દેશભરની સ્કૂલોમાં પરાણે કરાવવામાં આવ્યું, ત્યારે એક વિદ્યાર્થીએ નરેન્દ્ર મોદીને પૂછેલો સવાલ સૂચક હતો. તે વિદ્યાર્થીએ નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે તમે વડાપ્રધાન તરીકે હેડમાસ્ટરની જેમ વર્તી રહ્યા છો. દેખીતી રીતે ખાસ પુછાવડાવવામાં આવેલો એ પ્રશ્ન સાંભળીને વડાપ્રધાનનો ચહેરો રાજીપાથી પહોળો થઈ ગયો હતો અને તેમના ચહેરા પર પોરસાતા હોય એવો ભાવ નજરે પડતો હતો. તેમને એમ હતું કે તેઓ ટાસ્ક માસ્ટરની ઇમેજ ધરાવે છે અને હવે તો વિદ્યાર્થીઓ પણ આ જાણે છે. તેમની જગ્યાએ જો જવાહરલાલ નેહરુ હોત, તો તેમણે પોરસાવાની જગ્યાએ વિદ્યાર્થીના મનમાં અને દેશની પ્રજામાં પોતાના વિશે પેદા થઈ રહેલી ખોટી ઇમેજને અને વડાપ્રધાનના હોદ્દા વિશેની ખોટી સમજને સુધારવાનો પ્રયાસ કર્યો હોત. તેમની જગ્યાએ લાલબહાદુર શાસ્ત્રી જેવા નમ્ર માણસ હોત, તો રાજી થવાની જગ્યાએ સંકોચ અનુભવ્યો હોત.

આ તો નરેન્દ્ર મોદી છે. તેમને વડાપ્રધાન હોવા છતાં વડાપ્રધાનપદથી સંતોષ નથી. તેમને એક જ સમયે અમેરિકન પ્રમુખ પણ બનવું છે અને દિલ્હીના સલ્તનતકાલીન કે મુગલકાલીન બાદશાહ પણ બનવું છે. નરેન્દ્ર મોદી જપૅનની મુલાકાતે ગયા, ત્યારે તેમના રસાલામાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજનો સમાવેશ નહોતો થયો, પરંતુ તેમના ફૅશન-કન્સલ્ટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે તેમને જુદા-જુદા કાર્યક્રમમાં કયાં કપડાં પહેરવાં એની સલાહ આપે. જૂના જમાનામાં રાજા-મહારાજાઓ અને નવાબો પ્રવાસમાં સાથે પાઘડી બાંધનારાઓ, અચકન પહેરાવનારાઓ, ઇત્ર છાંટનારાઓ અને શિકાર માટે તમંચો ઊંચકનારા લોકોને સાથે લઈ જતા એમ. વડાપ્રધાનના વિદેશપ્રવાસમાં વિદેશપ્રધાન સાથે ન હોય એવું ભારતના ઇતિહાસમાં આ પહેલાં ક્યારે ય બન્યું નથી. વડાપ્રધાન એ પહેલાં બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા) દેશોના વડાઓની શિખર પરિષદમાં ભાગ લેવા ગયા, ત્યારે તેઓ વિદેશપ્રધાનને સાથે લઈ ગયેલા નહોતા એમ નહોતા વાણિજ્યપ્રધાનને સાથે લઈ ગયેલા. સફળતાના શ્રેયમાં બીજું કોઈ ભાગ ન પડાવે એ આની પાછળનું કારણ છે. આટલી હદે તો ઇન્દિરા ગાંધીએ પણ સત્તાની અને શ્રેયની ભૂખ નહોતી બતાવી.

ઇન્દિરા ગાંધી કૅબિનેટની ઉપેક્ષા કરતાં હતાં, પરંતુ તેમની કૅબિનેટના સભ્યો આવડતવાળા હતા અને જાહેરજીવનમાં દિગ્ગજ હતા. તેઓ આપખુદશાહી માનસ ધરાવતાં હતાં, પણ લઘુતાગ્રંથિથી નહોતાં પીડાતાં. દિગ્ગજો પર એકાધિકારશાહી ચલાવવી એમાં ભલે લોકતંત્રનો હ્રાસ થતો હતો, પરંતુ એમાં એક પ્રકારની મર્દાનગી હતી. નરેન્દ્ર મોદીની કૅબિનેટ વામણા અને નિસ્તેજ લોકોની છે, જેના પર તેઓ એકાધિકારશાહી ચલાવી રહ્યા છે. માનસશાસ્ત્ર એમ કહે છે કે લઘુતાગ્રંથિ ધરાવનારા લોકો લઘુતાગ્રંથિને છુપાવવા ગુરુતાગ્રંથિનું પ્રદર્શન કરે છે. આત્મવિશ્વાસની કસોટી તમે સમકક્ષ સાથે કેવો વહેવાર કરો છો અને તેજસ્વીને તેજ બતાવવાની કેટલી તક આપો છો એમાં છે. અકબર, શિવાજી અને નેહરુને મહાન શાસક એટલા માટે ગણવામાં આવે છે કે તેમના દરબારમાં કે કૅબિનેટમાં રત્નો હતાં અને તેમણે રત્નોને દબાવ્યા વિના ચળકવાની તક આપી હતી. વામણાઓ પર આધિપત્ય જમાવવું એમાં કોઈ મર્દાનગી નથી.

વડાપ્રધાન જપૅનથી પાછા આવ્યા, ત્યારે વિમાનમથકે બીજા કોઈ પ્રધાનને નહીં, વિદેશપ્રધાન સુષમા સ્વરાજને વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ તો દાઝ્યા પર ડામ જેવી ઘટના હતી. વિદેશવ્યવહાર એ મુખ્યત્વે વિદેશપ્રધાનનો અખત્યાર છે. જે વ્યક્તિ વડાપ્રધાનની સાથે હોવી જોઈતી હતી અને જે વડાપ્રધાનને સલાહ આપવા ઉપસ્થિત હોવી જોઈતી હતી, એ વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની ઉપેક્ષા કરનાર નેતાનું સ્વાગત કરવા અને અભિનંદન આપવા જાય એ તો સમકક્ષ પ્રધાનનું અપમાન છે. સુષમા સ્વરાજમાં જરા પણ સ્વમાન હોય, તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચાર દરમિયાન રાજીવ ગાંધીએ કઈ રીતે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ટી. અન્જૈયાનું અપમાન કર્યું હતું, એનો દાખલો આપતા હતા. તેમનો ઇરાદો ગાંધીપરિવાર કેટલી તુમાખી ધરાવે છે, એ સાબિત કરવાનો હતો. નરેન્દ્ર મોદીએ ગૃહપ્રધાન રાજનાથ સિંહના અધિકારો આંચકી લીધા છે અને રાજનાથ સિંહ લાફો મારીને પોતાનો ગાલ લાલ રાખી રહ્યા છે. કેન્દ્રના કોઈ પ્રધાનને સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નથી. તેઓ પોતાના સ્ટાફની નિમણૂક પણ કરી શકતા નથી. નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના પ્રધાનો પણ એવા નિસ્તેજ છે કે પાંચ-છ પ્રધાનોને છોડીને બાકીનાં નામ અને ખાતાં પણ યાદ રહેતાં નથી. આ લખનારને દર વખતે ગૂગલ પર સર્ચ કરવું પડે છે.

દેશમાં નરેન્દ્ર મોદીની કૅબિનેટનું શાસન નથી, નરેન્દ્ર મોદીનું શાસન છે. એકાધિકારશાહીની શરૂઆત કૅબિનેટ સિસ્ટમનું ગળું ઘોંટીને થાય છે, જેનો અનુભવ ઇન્દિરા ગાંધીના વખતમાં થયો હતો અને એ દેશ માટે શરમજનક કડવો અનુભવ હતો. લક્ષણો તો એવાં દેખાય છે.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.03-04

Loading

4 October 2014 admin
← દર્શકનો શતાબ્દી સાદ
કિવિસ બ્રિટાનિક્સ સુમ : ભાંગ્યું ભાંગ્યું તો ય બ્રિટન →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved