જેમની જન્મશતાબ્દી મનાવી રહ્યા છીએ તે દર્શકદાદાએ કટોકટીની આસપાસ જ ‘સૉક્રેટિસ’ નવલકથાનું સર્જન કરેલું. જેમાં કેટલાક વેપારીઓ યુદ્ધની સંભાવના ન હોવા છતાં યુદ્ધ ઊભું કરવાની કોશિશ કરે છે. જો એમ થાય તો નૌકાઓનો કૉન્ટ્રેક્ટ મળે! વળી, આ વેપારીઓ રાજ્યના કર્તાહર્તાના જન્મદાતા પણ છે. વર્ષો પૂર્વેના ગણતંત્રની વાત કરતી વેળાએ પણ આ રીતે દર્શકે ઉદ્યોગપતિઓ અને એમના દલાલ જેવા રાજ્યકર્તાઓની વાત છેડી હતી. આજે આપણે મરણાસન્ન મૂડીવાદના યુગમાં છીએ, જેમાં જનઆંદોલન સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. કેન્દ્રો હો કે રાજ્ય, આવા દલાલોથી ચિક્કાર છે. એમને પાછા વળવાની વાત કરનાર એકાદ કનુભાઈ કલસરિયા જેવા વિભીષણ પણ આ ભીષણ દિવસોમાં છે પણ બારમાથાળા રાવણો એમની વાત સાંભળતા નથી! મુરારિબાપુના મહુવાના આ યાદગાર કાર્યકરે મેળાપી મૂડીવાદને પડકાર્યો છે.
આ મેળાપી મૂડીવાદ હિંદુસ્તાન કે પાકિસ્તાન નહીં પણ ‘રિચીસ્તાન’નું સર્જન કરશે. અમેરિકાના અર્થતંત્રને ઝીણી નજરે તપાસનાર રૉબર્ટ ફ્રેંકે ૨૦૦૭માં એક ગ્રંથ આપ્યો છે, જેનું નામ જ છે ‘રિચીસ્તાન’ ! મેળાપી મૂડીવાદ અને રિચીસ્તાન વિશે આ વૈશ્વિકીકરણના માહોલમાં જાગૃત નાગરિકોએ જાણવું જ પડશે, નહિતર ઊંઘતા ઝડપાઈ જઈશું.
‘ક્રોની’ શબ્દ ૧૮મી સદીમાં પ્રચલનમાં આવ્યો, જે ગ્રીક શબ્દ ‘ક્રોનિયસ’ પરથી બનેલો છે. જેનો અર્થ હતો દીર્ઘાયુષ્ય ધરાવનાર. પરંતુ મૂડીવાદ સાથે એ વિશેષ રૂપે જોડાતા એ શબ્દની પડતી શરૂ થઈ ! ‘કારસેવા’ જેવા પવિત્ર શબ્દની પણ જે હાલત થઈ ગઈ છે, તેવી રીતે અહીં ‘ક્રોની’નો અર્થ એવો થવા માંડ્યો કે રાજકારણમાં પડેલો એવો મિત્ર કે જે પોતાના ‘મિત્રો’ને (એમને વળી મિત્રો થોડા હોય! ચમચાઓને) યોગ્યતા વગર રાજ્ય લૂંટવાનો પરવાનો આપે! એવા મૉડેલનું હમણાં – હમણાં ભારતમાં નામ છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. બસ તમારી ડ્રાઇવર અમારો, બસસ્ટૅન્ડ તમારું જગ્યા અમારી, રેલવે તમારી વહીવટ અમારો, ઍરોડ્રામ તમારું વહીવટ અમારો. અમે તમને અબજોનું ચૂંટણીફંડ આપીશું. તમે અમને માત્ર દરિયો આપો, નદીઓ આપો, લગડી જેવી જમીન આપો. લખનૌના નવલકથાકાર અખિલેશની નવી નવલકથાનું નામ છે, જે રસિકોની જાણ સારું.
આનાં દુષ્પરિણામો સમાજે ભોગવવા પડે છે. મોટા ભાગના લોકોની રોજગારીની તકો આ મૉડલથી છીનવાઈ જાય છે. ‘અચ્છે દિન આને વાલે હૈ, મહંગાઈ લાનેવાલે હૈ’ એમ સૂત્ર ચૂંટણી પછી બદલાઈ જાય છે. ખાંડની કિંમતમાં ભાવવધારો થયો તો રામવિલાસ પાસવાને (ખાદ્યમંત્રીશ્રી) જાહેર કર્યું કે સટ્ટાબજારનું પરિણામ છે. આમાં સરકારની જવાબદારી નથી! રાજનેતાનાં ખિસ્સાં ગરમ કરનાર ઉદ્યોગપતિઓ સમાજને ચારે બાજુથી લૂંટે છે. ઇ.સ. ૧૯૯૮થી જાહેર સાહસો પાણીનાં દામે વેચાઈ રહ્યાં છે. છેલ્લી ચૂંટણીમાં મેળાપી મૂડીવાદનું સ્વરૂપ ખુલ્લેઆમ જોવા મળ્યું છે. રેલવેના ખાનગીકરણની શરૂ થયેલી વાતો એનું તાજું ઉદાહરણ છે. અરુણ શૌરીના મંત્રાલયનું કામ જ આ હતું કે જાહેર સાહસો લાગતાવળગતા એવા માણસોને આપવાં કે જેમાંથી લખલૂટ પૈસા મળે. કોલસો, ખાણઉદ્યોગ, તેલ, બૅંકિંગ અને સંદેશાવ્યવહારનું ક્ષેત્ર એમને માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. ઘણાં વર્ષો પહેલાં રિઝર્વ બૅંકના હાલના ચૅરમેન રઘુરામ રાજને બૉમ્બે ચેમ્બર્સ ઑફ કૉમર્સમાં આપેલ ભાષણમાં વનસંપદા અને ખનીજઉદ્યોગમાં ઉદ્યોગપતિ અને રાજકારણીઓની મિલીભગતનો સદૃષ્ટાંત ઉલ્લેખ હતો. બ્રિટિશ સાપ્તાહિક ‘ધ ઇકોનૉમિસ્ટ’માં પણ કર્ણાટકના ખાણમાફિયાઓના કિસ્સાઓમાં સરકારી અમલદારો અને રાજનેતાઓ હોવાથી તેઓ અબજોપતિ બન્યાનાં ઉદાહરણો નોંધાયાં હતાં. એકવીસમી સદીમાં આગળ આવેલા ઉદ્યોગપતિઓને તો વિશેષ શંકાની નજરથી જોવાની જરૂર છે. રઘુરામ રાજને આ અર્થમાં જ કહ્યું હતું કે ‘અનેક જૂથો માત્ર સરકારની નજીક હોવાથી વધુ ધનિક બન્યાં છે.’
રેલવેભાડામાં થયેલો ૧૪.૨ ટકા જેટલો વધારો દાયકાનો ઐતિહાસિક વધારો છે અને એ અંગે ઊહાપોહ પણ થયો. જ્યારે રેલવેની માલવાહનગાડીઓમાં થયેલો ૬.૫ ટકા વધારો વધુ ભયાનક છે. એના કારણે બધી જ જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થાય છે. રાંધણગૅસના ભાવવધારા પાછળ પણ કંપનીઓને લાભ આપવાની સીધી ગણતરીઓ છે. હજુ આ તો નવી સરકારની ‘હનીમુન ગિફ્ટ’ જ છે ! ખરો ખેલ જી.ઈ.ઢ.નો હવે આવવાનો છે. ‘આપ’ના અરવિંદ કેજરીવાલે તો ગૅસના ભાવવધારા માટે મોદી-અંબાણી મૈત્રીને જ જવાબદાર ગણાવી છે. સરદાર ડેમની ઊંચાઈ ૧૬.૭૬ મીટર વધવાની વધાઈમાં આ વાતો દબાઈ જશે ! સરદાર ડેમની આ ઊંચાઈ બીજાં ૨૪૫ ગામડાંઓને ડુબાડશે એની કોઈ વાત નથી કરતું, એનું કારણ પણ આપણે માનવતાહીન વિકાસગ્રસ્ત થઈ ગયા છીએ, એ છે.
આની વચ્ચે જ કોઈક ઉદયવીરસિંહ જેવા કર્મચારીની જરૂર છે, જેણે યદુરપ્પા વિરુદ્ધ ૨૫૦૦૦ પૃષ્ઠનો અહેવાલ તૈયાર કર્યો છે કે કઈ રીતે આ પાર્ટી, પરિવારવાદવાળી પાર્ટી ભ્રષ્ટાચારગ્રસ્ત છે. વર્તમાન સરકાર સાથેની એમની નિકટતા પણ જરા ય ઓછી નથી.
‘રિચીસ્તાન’ પુસ્તકમાં આવા જ ધનિકોની વાત છે. અમેરિકામાં ૧૯૮૦ પછી એક દેશમાં બે દેશ થઈ જાય છે. વંચિતો અને સમૃદ્ધોની અલગ દુનિયા. મૂડીવાદના પ્રારંભથી જ આના અણસાર હશે. બેન્જામિન ડિઝરાયલીની નવલકથા ‘સિવિલ’નું ઉપશીર્ષક જ ‘ટુ નૅશન’ હતું. એમિલ ઝોલાની નવલકથા જે પૅરિસ, રોમ પર આધારિત છે. તેમાં ય આ મળે છે. ઇંગ્લૅન્ડમાં ચાર્લ્ચ ડિકન્સની નવલકથામાં આ જોવા મળ્યું છે. ભારતીય સાહિત્યકારે આ બે રાષ્ટ્રો ઓળખવાની જવાબદારી લેવી પડશે. નવ ધનાઢ્ય જૂથો જે રાજનીતિ પર ઝળુંબી રહ્યાં છે, તે ‘રિચીસ્તાન’ના નાગરિકો છે. જે કેવળ આર્થિક જ નહીં, સાંસ્કૃિતક ભેદભાવ પણ ઊભો કરશે. મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોનારો, રાજધાનીમાં કે વૉલ્વોમાં પ્રવાસ કરનારો એક વર્ગ અને ખખડધજ બસમાં પ્રવાસ કરતો બીજો વર્ગ. રિચીસ્તાનના નાગરિકને ખર્ચ કરવા ખાતર ખર્ચ કરવામાં રસ નથી, બીજાને બતાવવામાં રસ છે કે પોતે ખર્ચ કરી શકે છે. ગાડી ખખડધજ ન હોય, તોયે વેચી જ દેવાની, જેથી નવા મૉડેલમાં વટ પડે. રિચીસ્તાનનો આ સાંસ્કૃિતક પ્રભાવ આપણા મધ્યમવર્ગ પર પડ્યો છે. બધા પાસે હોય એ જ એને નથી જોઈતું, બધાથી વિશિષ્ટ, મોંઘું જોઈએ છે. ખાસ કરીને જેનો ઉપયોગ જનસાધારણ કરતો હોય, તે તો નહીં જ નહીં. તેથી એને ચિત્રની સમજ ન હોય તો ય ઘરમાં મોટા કળાકારનાં ચિત્રોથી સજાવટ કરે છે! આ સાંસ્કૃિતક ભારત પર કંપનીઓની ઝીણી નજર છે, તેથી એમને રિચીસ્તાની નાગરિકોનું બજાર ઝડપભેર પોતાનું કરી લેવા રાજકીય મિત્રોની અત્યંત જરૂર હોય છે. ભલે પછી ચૂંટણીમાં પોતાનાં વિમાનો એમને થોડા દિવસ ભાડે આપવાં પડે ! થોડા દિવસ એ રાજનેતાને હવામાં તરતા રાખે છે. પછી રાજનેતા સંસદને વંદન કરીને સંસદમાં પ્રવેશે છે. વંદન પછીના ક્રમે ચંદન જે ટાટા, અંબાણી, અદાણીને કરવામાં આવ્યા છે. આવા વેંતિયા દલાલ નેતાઓ માટે રઘુવીર સહાયે એક કવિતા ‘મેરા પ્રતિનિધિ’ લખેલી. જેમાં એમણે લખેલું –
‘સિંહાસન બડા હૈ
સભાધ્યક્ષ છોટા હૈ …’
આઝાદીના દિવસોમાં ભારતની લખલૂટ સંપત્તિ બ્રિટિશસત્તા કઈ રીતે ઓહિયા કરી રહી છે, તે રમેશચંદ્ર દત્ત અને દાદાભાઈ નવરોજીએ બતાવેલું. દાદાભાઈએ એનું નામ ‘ડ્રેનેજ થિયરી’ આપેલું. આજે ભારતના મજૂરોના પરસેવાની મલાઈ ખાનારા મૂડીવાદી ઉદ્યોગપતિઓની ‘ડ્રેનેજ થિયરી’ નવા અર્થશાસ્ત્રીઓએ બતાવવી પડશે.
વ્યક્તિગત આવકની દૃષ્ટિએ ભારતનો વિશ્વમાં ૧૩૩મો નંબર છે. (વળી, એનું અર્થશાસ્ત્ર ય જબરું છે. ટાટાની અને મજૂરની આવકની સરેરાશ કાઢવાની !) સામા પક્ષે ભારતમાં અબજોપતિ ઝડપભેર વધી રહ્યા છે. નવમાં દાયકામાં ડૉલર અબજોપતિઓ બે જ હતા. જ્યારે દસમા દાયકામાં એની સંખ્યા છ ની થઈ અને ૨૦૧૪ સુધી આવતા-આવતા એમની સંખ્યા ૫૮ની થઈ છે. જે સંખ્યા અમેરિકા, ચીન, રશિયા અને જર્મની પછીના પાંચમાં ક્રમે આવે છે. આ છે આજની ‘ડ્રેનેજ થિયરી’. અબજોપતિમાં પાંચમાં ક્રમે આવતા ભારતમાં દારુણ ગરીબી કેમ છે? સ્પષ્ટ છે કે દેશનાં નાણાં ક્યાં જાય છે! રાજકર્તાઓ કેવળ દલાલની ભૂમિકામાં આવી ગયા છે.
૨૦૦૩માં ભારતની કુલ સંપત્તિના ૧.૮ ટકા આ ડૉલર અબજપતિઓનો હિસ્સો હતો. કેવળ પાંચ વર્ષમાં, ૨૦૦૮માં આ ટકાવારી ૨૬ની થઈ! એટલે કે ૧૨૦ કરોડની વસ્તીવાળા દેશની આવકનો એક ચતુર્થાંશ ભાગ ભારતના ૫૦-૫૫ પરિવારો પાસે છે. આ પરિવારવાદ સામે કૉંગ્રેસને કે સંઘપરિવારને કોઈ વાંધો હોય તેવું ક્યારે ય દેખાતું નથી. ભારત સૌથી વધુ ગરીબ અને તીવ્ર અસમાનતાવાળા દેશોમાંનો એક દેશ છે. ભારતના પ્રમુખ રાજકીય પક્ષોની ચિંતાનો આ વિષય જ નથી. બલકે આ સ્થિતિ ઊભી કરવામાં, વધુ વકરાવવામાં એમની ભૂમિકા છે.
જો કે વિશ્વમાં આર્થિક સંમેલન, જે જાન્યુઆરી, ૨૦૧૪માં દેવોસ(સ્વિટઝર્લેન્ડ)માં મળ્યું, એમાં જે દેશોમાં વિકાસશીલ નવી આર્થિક વ્યવસ્થાની પ્રગતિ ગણાવી છે, તેમાં અસમાનતા ઘટવાના બદલે વધી છે, એ ચેતવણી અપાઈ છે. આમ, આ મેળાપી, સહભાગી, મળતિયા કે યારાના મૂડીવાદે ‘વિકાસ’ને અસમાનતાજનક બનાવ્યો છે. જે દેશમાં સાચેસાચ ભ્રષ્ટાચાર ઓછો હોય એ દેશોમાં પણ યારાના મૂડીવાદનો આતંક ઓછો નથી. જાપાનની કૂકુશિમા દુર્ઘટનાના કારણે ત્યાં લોકો પરમાણુવીજની વિરુદ્ધ હતા. પૂર્વપ્રધાનમંત્રી પણ પરમાણુવીજના પૂરા પ્રતિબંધના પક્ષમાં હતા છતાં પરમાણુલૉબી એટલી મજબૂત હતી કે નવા પ્રધાનમંત્રીએ પરમાણુવીજ જ ચાલુ રાખવાની જ વાત કરી રહ્યા છે ! યારાના મૂડીવાદની આવી ઘણી બધી ‘સત્યકથાઓ’ ટાટા, મિત્તલ, ઝિંદાલ, વેદાંત, જે.પી., અંબાણી, અદાણીજૂથની પણ છે. ‘કર લો સરકાર મુઠ્ઠી મે’નું સૂત્ર અંબાણીનું છે. અંબાણીજૂથના યારાના મૂડીવાદની રસપ્રદ વાતો હવે પછી …
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2014, પૃ. 04-05