કાળિયાનું સપનું
 
એક રાતે કાળિયા'ન સપનું આયું 
ન કાળિયો નાઠો 
ગોદડી હોત ઊડવા માડ્યો
હેઠે આખી વસ્તી દેખાય ને કાળિયો જાય ઊડ્યો ઉપર છેક ઉપર 
રોજ રાતે ઘર્રર્ર્ર્ર લઈને ઊડતું વિમાન યાદ આયું  
હેઠે દેખાતી વસ્તી જોઈ'ન !
સપનામાં એક કોળિયો ન એની પાછળ કાળિયો.
હૂતો'તો તાણ રગો તૂટતી'તી ન હારું સપનામાં તો ચેવું 
પગ ન જાણે રોકેટની પાંખો આઈ  
આગળ કોળિયો ને પાછળ કાળિયો 
હાથ લાંબો કરી પકડવા મથે પણ 
કોળિયો તો એકથી બીજા ન બીજાથી તીજા ઘરે ફર્યા કરે.
આડો દન હોત તો કાળિયો'ય થાકીન બેહી જાત હેઠો 
પણ હાહરાન ખબર પડી જઈ ક આતો સપનું સ 
મજા આવવા માડી 
કાનમાં વાગવા માડ્યા પિચ્ચરનાં ગીતો 
હવારમાં ગલ્લે વાગતા હોય સ એવા. 
દોડીદોડી'ન કાળિયો થાક્યો, ઊભો રયો જરાક 
તો કોળિયો ય ગેલ્સપ્પો ઊભો રહી જ્યો. 
હાથમાં બિસ્કીટનું પડીકું હોય ન કૂતરું નખ જેટલું જરીક જરીક ખહ'અ ન 
એમ ખહવા માંડ્યો કાળિયો કોળિયા ભણી 
જીભ એક વારકી બાર કાઢી'ન પાછી મઈ નાખી પલળેલી 
એન'અ  એમ ક હમણાં મન'અ બુચ્ચ કઈન બોલાવશે 
પણ કોળિયો ઘોડીનો ઊભો રઈ જ્યો એક ઘર આગર.
હવ તો તાવ આઈ જ્યો હોય ન એવું થ્યું.
નખ નખ જેટલું આગળ વધતો કાળિયો થાંભલો થઈ જ્યો 
ઘડીક વાર કોળિયો ભૂલી ન તાકી જ રહ્યો ઘર હામુ
ગમ ન પડી ન માથું ખંજવાળ્યું તો મૈથી જુ નેકરી કાળી મેંશ
હજુ તો જુ ન નખમાં દબાવઅ એ પેલા કોળિયો ઘુસી જ્યો ઘર મ
કાળિયો તો જોતો જ રહી જ્યો …
માથું જોરથી ખંજવાળ્યું તો જુયોનો ઢગલો થઈ જ્યો કમાડ આગળ 
હાહરું ઘર ચાક જોયેલું સ પણ યાદ ચમ નહિ આવતું ?
ઢગલો થઈ હેઠ પડેલી જુયો પાછી માથે ચડવા માડી 
ન તો ય કાળિયો તો બાઘો થઈન જોઈ જ રયો ઘર હામે
શી ખબર ચેટલો વખત જ્યો 
કોક કલાકાર ચિત્ર હામે જોઈ રે ન એમ 
મઈ ઘુસી જયેલા કોળિયાને ભૂલી  
કાળિયાએ ઘૂર્યા કર્યું ઘર હામે 
"બાર શું ઠોયાની જેમ ઈભા સો મૈ આવો ન" અવાજ આયો
ન કાળિયાને ગનાન લાદ્યું …. "આ તો રમ્લી …" 
"એની માન'અ …. આતો મારું જ ઘર સ લ્યા!
હારું સપના મ સપનું સ ક, કોકે માતા મેલી હશે?" 
કાળિયા ન કઈ કરતા કઈ હમજ્યુ જ નઈ
મઈ જઈ ન ધારી ધારી જ જોવા માડ્યો એનું પોતાનું ઘર
કમાડ કાઢી નાખ્યું આખું પેલ્લા
ડામચિયો ફેંદી નાખ્યો 
નળિયા ખસેડ્યા
ખોતરી ભીતો 
વેરણછેરણ કરી નાખ્યું આખું ય ઘર 
છાબડીમાં બળી'ન કાળી થયેલી રોટલાની હુક્કી પતરી મળી 
ધારી ધારી ન જોઈ ન પાછો યાદ આયો કોળિયો 
અહીં જ ઘુસ્યો તો … ચાં જ્યો માદરબખત ? 
આ બૂમ મારી'ન રમ્લી ચાં નાહી જઈ ? 
બેય કાન'ન ભેગા કરી દેવાના હોય એમ 
કચકચાવીન હાથ દાબી'ન ઊભો રહી જ્યો ઘર વચાળે 
ડામચિયાના ચાર ગોદડા ઊડીન ચોંટ્યા એન'અ 
ભીંતો ઓગળવા માડી ન મૈથી નેક્ર્યું જુયોનું લશ્કર
એક દો તીન ચાર કરી'ન હેંડવા માડ્યું બા'ર  
ઉંબરાએ આળસ ખાધી'ન કમાડ થઈ જ્યું રસ્તો 
નળિયા પડ્યા બધા માથે 
બધું ય થવા માંડ્યું ઝાંખું
પીધેલું પાણી એની મેળે મુતર થઈ જાય ન એમ 
ખાધેલું એની મેળે ગૂ થઈ જાય ન એમ 
કાળિયાની જાણ બાર બધું ય થઈ જ્યું હતું એવું
ખાલી એક ગોદડી રઈ 
ન ગોદડીમાં એનું ડિલ 
આકાશમાંથી તારો ખર'ન
એમ કાળિયો ભફફ દઇન સડસડાટ ગોદડી હોત પડ્યો હેઠો
બે ચાર ધાબેથી હાથ લાંબા થયા 
આંગળીઓ ઊઠી પાંચ-છો 
ને કોકે માગી લીધાં વરદાન તારો ખર્યાની વેળે 
ઘડીક થઈ ન રાત ખરી પડી 
રોજની જેમ.
રોજ પડ સ એમ પાસી પડી જઈ હવાર
કશુ ખર્યાનું કોઈ નિશાન ના રયું
હશે, સપનું જોવામાંથી ય છૂટ્યો કાળિયો !
13 સપ્ટેમ્બર 2014
સૌજન્ય : http://communitication.blogspot.in/2014/09/blog-post_15.html
 

