સરકારે નોટબંધી જાહેર કરી અને ભારતીય જનજીવનમાં એક ઉલ્કાપાત થયો. આ ઘટનાને અનેક નિષ્ણાતો, મીડિયાકર્મીઓ, જાહેરજીવનના અગ્રણીઓ તેમ જ સામાન્ય જનસમુદાયે ભિન્નભિન્ન રીતે જોઈતપાસી છે. ૭૦ ઉપરાંત વ્યક્તિઓએ આત્મહત્યા કરી, નાના ધંધારોજગાર લગભગ પડી ભાંગ્યા, ખેતી અને ખેડૂતોની હાલાકી વધી ગઈ, વિદ્યાર્થીઓની ફી ભરવાથી માંડીને દવાખાનામાં બિલ ચૂકવવા સુધીની અને લગ્નથી માંડીને મરણની ક્રિયા સુધી રોકડ રકમ માટે લોકો ટળવળતા રહ્યા. ખાતાંઓમાં પૈસા હોવા છતાં તે ઘણાને કામ ન આવ્યા.
બીજી તરફ ‘કાળું’ નાણું ધરાવનારાઓ પૈકી કોઈકોઈએ તે નદીનાળામાં વહાવ્યા કે બાળી મૂક્યાના હેવાલો પણ આવ્યા. કાશ્મીરમાં ચાલતો તનાવ આ નોટો બંધ થવાની સાથે જ ઘટી ગયો – સરકારનાં અન્ય પગલાં કે ૧૫૦ દિવસના કરફ્યુને લીધે નહીં – એવું પણ કહેવાયું.
વિશ્લેષકોએ અભ્યાસપૂર્ણ રજૂઆત કરીને જણાવ્યું કે ભારતીય ચલણમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ નોટોનું ચલણ લગભગ રૂ. સત્તર લાખ કરોડનું છે, જે પૈકી મોટી નોટોનું પ્રમાણ ૮૬ ટકાથી પણ વધુ છે. વળી, દેશમાં નેવું ટકા સોદાઓ રોકડ રકમ દ્વારા થાય છે. આથી ૧૦મી નવેમ્બરથી જ બૅંકો તથા એ.ટી.એમ.માં મોટી કતારો જામી પડી. કદાચ જગતના ઇતિહાસમાં ભારત એકમાત્ર દેશ બન્યો કે જ્યાં વગર વેતને સૌને સો ટકા કામ મળ્યું – લાઇનોમાં ઊભા રહેવાનું !
નવમી નવેમ્બરથી આજ સુધી આવી અનેક વાતો ચર્ચાઈ ગઈ છે અને કદાચ હજુ લાંબા સમય સુધી ચર્ચાતી રહેશે. આ લેખનો ઇરાદો આ ચર્ચાઓની પુનરુક્તિ કરવાનો નથી. આ પગલાને એક લાંબી શૃંખલાની કડી રૂપે જોવું ઠીક રહેશે.
આ શ્રૃંખલાનું પ્રારંભબિંદુ કદાચ ૨૦૧૦માં છે. ૨૦૦૪માં ભા.જ.પ.ના નેતૃત્વવાળું ગઠબંધન હાર્યું, મનમોહનસિંહના નેતૃત્વવાળી સરકાર રચાઈ, જે ૨૦૦૯માં પણ વિજેતા નીવડી. આ સમયથી જ ભા.જ.પ. અને સમાન‘ધર્મી’ પક્ષોએ કૉંગ્રેસના નેતાઓના ચરિત્રહનન સહિતના પ્રયાસો હાથ ધર્યા હતા. હજુ ગુજરાતમાં ‘વિકાસ’ના મહોરા હેઠળ મતો એકઠા કરાતા હતા, ત્યારે રાજકારણના અઠંગ ખેલાડી અડવાણીને સત્તાપ્રાપ્તિની નવી નિસરણી ઘડવાનું સૂત્ર હાથ લાગી ગયું હતું. તેમને સમજાઈ ચૂક્યું હતું કે ‘વિકાસ’ જે થયો જ નથી; અથવા થઈ શકે તેમ નથી તેના આધારે લાંબું તરાશે નહીં. રામજન્મભૂમિના મુદ્દાને પણ બેમર્યાદ ઉછાળી શકાય તેમ ન હતો. વડાપ્રધાન બનવાની અદમ્ય લાલસા અને કુશાગ્ર બાજીમાંથી તેમને સાંપડેલો મુદ્દો હતો ભ્રષ્ટાચારનો. વિદેશોમાં મબલક કાળું ધન સંતાયેલું છે એવો તેમણે પોકાર કર્યો અને બાબા રામદેવે તેને તરત ઝીલ્યો. ૨૦૧૧માં બાબા રામદેવે દ્વારકાથી ‘ભારત સ્વાભિમાનયાત્રા’નો પ્રારંભ કર્યો. અલબત્ત, શરૂના તબક્કાવાર તેમાં રોગમુક્ત ભારત ઉપર ભાર હતો. પતંજલિની પેદાશો વેચવાનો પણ તેમાં અભિગમ હતો. આ પ્રથમ યાત્રાનો અંત ઉજ્જૈનમાં મહાકાળેશ્વરના મંદિરના દર્શનથી આવ્યો.
રામદેવની બીજી યાત્રાનો પ્રારંભ ઝાંસીથી થયો. દિલ્હીના રામલીલા મેદાનમાં આ વિશાળ જનમેદની અચાનક કેવી રીતે આવી હશે? મેદની એકઠી કરવામાં વિશેષ ફાવટ ધરાવનારા ભા.જ.પ.-આર.એસ.એસ. વગેરેની ભૂમિકા ક્યારેક સ્પષ્ટ થશે, ત્યારે જણાશે કે આ બધું અચાનક સ્વયંભૂ કે અનાયોજિત ન હતું.
તે સમયની મનમોહનસિંહની સરકાર એક ‘સિટિંગ ડક’થી વિશેષ ન હતી. તે સમયના સર સેનાપતિ અને ગૃહસચિવ, બંને ભા.જ.પ. પ્રેરિત નવી સરકારમાં મંત્રી સ્થાન શોભાવે છે, તે યાદ રાખીએ. ગુજરાતમાં જે કૅગના અહેવાલોની ઉપેક્ષા કરાય છે તે જ કૅગના ભારત સરકાર સામેના અહેવાલમાં ટુજી જેવા ‘ગોટાળા’ની વાત ચગાવવામાં આવી. કૉંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર એટલે ગરીબોને લૂંટનારા અને અમે શુદ્ધ જેવી વાતોને ભ્રષ્ટ નાણાં વડે ખરીદાઈ ગયેલાં માધ્યમો દ્વારા વારંવાર અને ભારપૂર્વક કહેવાઈ. આ વાતોમાં ક્યાં તો અતિશયોક્તિ હતી અથવા સાવ નિરાધાર પણ હતી. દા.ત. એમ કહેવાયું કે સ્વીસ બૅંકોમાં ભારતના ૧.૬ ટ્રિલિયન ડૉલર પડ્યા છે, પણ ત્યાંની સરકાર કહે છે કે આ રકમ માત્ર બે બિલિયન ડૉલર્સ જ છે. એક એવી પણ વાત ચલાવાઈ કે હસન અલી ખાન નામના માણસ પાસે ૬૦ બિલિયન રૂપિયા હતા, જે અદનાન ખાસ્સોગીના શસ્ત્રસોદામાં વપરાતા હતા. આ નાણાં યુ.બી.એસ. નામની બૅંકમાં હતાં એમ પણ કહેવાયું. બૅંકે પોતે સમગ્ર વાતને પાયાવિહોણી ગણાવી છે. ૨૦૦૭થી પ્રારંભાયેલો આ કેસ હજુ ‘જૈસે થે’ છે.
આમ, રામજન્મભૂમિ અને વિકાસના મુદ્દા બિનઉપજાઉ બની જતાં, ઇરાદાપૂર્વક કૉંગ્રેસને ભ્રષ્ટાચારી ગણાવી દઈને ચૂંટણીઓ જીતવાનો વ્યૂહ રચાયો છે. આ કહેવાનો મતલબ એ નથી જ કે કૉંગ્રેસ શુદ્ધ છે; ખરેખર તો રાજકારણમાં જનારા કોઈ સાધુ ‘સંત’ પણ હિરણ્યમય પાત્ર વડે ઢંકાયા વગર રહેતા નથી.
નોટબંધીનું પગલું ભ્રષ્ટાચારના મુદ્દાનો રાજકીય લાભ ઉઠાવવા વાસ્તે હતું, તે સમજવામાં ઉપયોગી થઈ પડે તેવા અન્ય પણ કેટલાક મુદ્દા તપાસીએઃ
મનમોહનસિંહની સરકાર બહુ ભ્રષ્ટ હતી એમ કહેવાય છે. પણ વાસ્તવ શું છે? ભારતની જી.ડી.પી.ના ૨૩થી ૨૬ ટકા આવી બ્લૅક, શેડો કે પૅરેલલ ઇકોનૉમીના છે. સમગ્ર એશિયાની સરાસરી ૨૮થી ૩૦ ટકાની છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં આ પ્રમાણ ૪૧થી ૪૪ ટકા છે. દુનિયાના વિકાસશીલ એવા ૯૬ દેશોની શેડો ઇકોનૉમીની સરાસરી ૩૮.૭ ટકા છે. ભારત આ સરાસરીથી ઘણું નીચું છે ત્યારે સરકારે અચાનક જ ૨૨ બિલિયન નોટોનાં કાગળિયાં કરી નાંખવાની જરૂરત જ નહોતી. વળી, કુલ ૧૭ લાખ કરોડ રૂપિયાની ચલણી નોટમાંથી રૂ. ૧૫.૪૪ લાખ કરોડની આવી નોટોને અચાનક ચલણમાંથી હડસેલી મૂકવાથી ભારે મોટા પ્રત્યાઘાત ઊભા થયા છે.
યુપીએ-૨ના કાળમાં ભ્રષ્ટાચાર સામેેની બુમરાણ મચાવવામાં આવી; અત્યારે પાર્લામેન્ટ ચાલવા દેવાની અપીલ કરનારી હાલની સરકારના પક્ષોએ તે સમયે આવી કોઈ જરૂર જોઈ ન હતી. છતાં સરકારે પ્રત્યક્ષ વૅરાના બોર્ડના ચૅરમેન એમ.સી. જોશીની અધ્યક્ષતામાં એક સમિતિ [૨૦૧૧] નીમી. આ સમિતિનાં કેટલાંક તારણો આ પ્રમાણે હતાં.
૧. ભારતના બે મોટા રાજકીય પક્ષો (કૉંગ્રેસ અને ભા.જ.પ.) પોતાના પક્ષની આવક અનુક્રમે પાંચ અને બે અબજ રૂપિયા દર્શાવે છે પણ તેમણે ૨૦૧૪ની ચૂંટણીમાં સો અને દોઢસો અબજ, ખર્ચ્યા હોવાનો સંભવ છે.
૨. આર્થિક બાબતોના ગુનેગારોની સજામાં વધારો કરો. તેમને સખત શ્રમની સજા કરો.
૩. સમગ્ર દેશમાં આવા ગુનાની કાયદેસરતા તપાસવા વાસ્તે એક ઑલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ રચો અને કરવેરા માટેની ટ્રિબ્યૂનલ્સ બનાવો.
૪. કાળાં નાણાં માટે એક માફીયોજના લાવો.
વધુ વિગતોમાં ઊતર્યા વગર સ્પષ્ટપણે દેખાતી કેટલીક બાબતો નોંધીએઃ
૧. તા. ૨૯ નવેમ્બરના એક અહેવાલ મુજબ સરકાર જે કરચોરોને ખરેખર પકડે છે, તેની પાસેથી વસૂલાત પેટે માંડ છ ટકા રકમ વસૂલ કરે છે.
૨. દેશના ન્યાયતંત્રની હાલત જ ચિંતાજનક છે. મુખ્ય ન્યાયમૂર્તિના કહેવા મુજબ ૪૫૦૦ કોર્ટોમાં ન્યાયાધીશો જ નથી. ત્યાં જ્યુડિશિયલ ટ્રિબ્યૂનલની તો વાત જ ક્યાંથી કરાય? વળી, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ના દિવસે પૂરી થયેલી યોજનામાં સરકારને માંડ રૂ. ૬૫,૨૫૦ કરોડ જ મળ્યા છે. તેની સામે સરકારનો લક્ષ્યાંક રૂ. બે લાખ કરોડનો હતો. તે યાદ રાખીએ! આ રકમમાંથી ટૅક્સ રૂપે રૂ. ૨૯,૨૬૨.૫ કરોડ જ મળ્યા છે.
નોટબંધી, કાળું નાણું અને રાજકારણના આ ગહન કાવાદાવામાં એક નાનકડો, પણ અગત્યનો ખૂણો નોટોની સંખ્યાનો છે. ૨૦૧૪ અને ૨૦૧૬નાં બે વર્ષના ટૂંકા ગાળામાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટોની સંખ્યામાં ૩૮ ટકાનો વધારો કરાયો છે.
આ સરકારના શાસનકાળમાં – માત્ર બે જ વર્ષમાં આ નોટોના ફેલાવામાં ૩૮ ટકા જેવો મોટો વધારો કેમ થયો? સાદું કારણ એ છે કે સરકાર મોંઘવારીની સમસ્યા હલ કરી શકી નથી. આથી મોટી નોટોની જરૂર વધી છે. બેકારી અને ગરીબીના નિવારણના મોરચે પણ ખાસ સફળતા સાંપડી નથી. યાદ રાખીએ, સત્તા ઉપર ન હતા, ત્યારે આ જ મહાનુભાવોએ મનરેગાનો વિરોધ કર્યો હતો.
આ મુદ્દાને એક અન્ય ખૂણેથી પણ તપાસીએ : ભારતની જી.ડી.પી. (ચાલુ ભાવે) રૂ. ૧૫,૧૭,૮૧,૦૦૦ કરોડ છે, જે પૈકી લગભગ રૂ. ૩૫,૦૦,૦૦૦ કરોડ (૨૨ ટકા) કાળું અર્થતંત્ર છે. આ અર્થતંત્ર લગભગ રૂ. અઢાર લાખ કરોડની નોટો વડે ચાલે છે, જે પૈકી લગભગ સાડા ત્રણ લાખ કરોડ, નોટોના સ્વરૂપે રહેલું કાળું નાણું હોવાનો અંદાજ છે. તા.૨૮-૧૧-૧૬ સુધીમાં કુલ લગભગ રૂ. સાડા આઠ લાખ કરોડ બૅંકોમાં જમા થઈ ચૂક્યા છે. હવે જોવાનું એ થાય છે કે આ પૈકી કેટલું પાછું આવે છે. અહીં એ પણ યાદ રાખીએ કે આપણા ઘણા એન.આર.આઈ. પાસે પણ ભારતીય ચલણ સંઘરાયેલું પડ્યું છે.
વાજબી રીતે પુછાય તેવો સવાલ એ પણ છે કે શું સરકારને કાળું નાણું ક્યાં અને કોની પાસે છે, તેની ખબર જ નથી? સરકારની રાજ ચલાવવાની ક્ષમતા સામે જ આ સવાલ શંકા ઊભી કરે છે. આ પ્રકારના ચલણમાં કે સંપત્તિ સ્વરૂપની અસ્કામતો વિદેશોમાં, સોનું-ઝવેરાત અને રિયલ એસ્ટેટમાં, હાથ ઉપરના વિદેશી ચલણમાં અને ચલણના સ્વરૂપે હોય છે. ખરેખર તો ચલણના સ્વરૂપે તો ઘણો નાનો હિસ્સો હોય છે.
આ સમગ્ર કવાયત અને દાવપેચ બાબતે ખાસ કરીને વિરોધ પક્ષો દ્વારા એક ટીકા એ થઈ છે કે સરકારે અત્યંત ગુપ્ત રીતે આ આખી રમતમાંથી પોતાના મળતિયા-સંપીલાને બચાવી લીધા છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ભા.જ.પ.ના એક નેતાએ રૂ. ૨૦૦૦/-ની નવી નોટોના બંડલ સાથેના સોશ્યલ મીડિયા ઉપર મૂકેલા ફોટાનો ઉલ્લેખ કર્યો છે. યાદ રાખીએ, આ ફોટા તા. ૮મી નવેમ્બર પહેલાંના છે.
આ બાબતે અન્ય બે બાબતોનો પણ ઉલ્લેખ કરવો રહ્યોઃ
૧. નવી સરકાર સ્થપાઈ તે પહેલાં ભારતમાંથી એક નાગરિક વિદેશમાં પંચોતેર હજાર ડૉલર મોકલી શકતો. સરકાર રચાયાના એક જ મહિનામાં આ રકમ વધારીને સવા લાખ ડૉલર કરાઈ અને હવે તે અઢી લાખ ડૉલર છે. એક દાખલો લઈએ. અમિતાભ બચ્ચન પોતાના કુટુંબના દરેક સભ્યની આવક ઉપર સચ્ચાઈથી વેરા તો ભરી દે, પણ પછી જો તે રકમ દેશમાં જ રાખે, તો તેની સંપત્તિ વધતી જ જાય અને તેની ઉપર પણ વેરા લાગી શકે. આથી દર વર્ષે અઢી લાખ ડૉલરના હિસાબે, પોતાના કુલ પાંચ માણસના મળીને સાડા બાર લાખ ડૉલરને જો તે પનામા ખાતે મોકલી દે તો ક્યાં ય વેરો લાગે નહીં. (યાદ કરીએ : દેશની ટોચની ગણાય તેવી ૨,૦૦૦ હસ્તીઓનાં નામ પનામાં પેપર્સમાં ખૂલ્યાં છે.)
૨. આર.એસ.એસ. જેવી સંસ્થાઓનાં બૅંકખાતાં હોવા બાબતે શંકા છે. બીજી તરફ દર વર્ષે દશેરા, ગુરુપૂર્ણિમા જેવા દિવસે લાખો સ્વયંસેવકો શાખામાં પૈસા આપે છે. આ પૈસા ક્યાં જતા હશે? તે કેવી રીતે સચવાતા હશે? તેનો વહીવટ કેવી રીતે થતો હશે? પેલી રેમિટન્સની મર્યાદાને પંચોતેર હજાર ડૉલરને વધારીને અઢી લાખ ડૉલર કરવાના પગલાને આની સાથે કોઈ સંબંધ હશે?
જેમની પાસે રોકડ સ્વરૂપે કાળુંનાળું છે, તેમની પાસે તેને સફેદ કરવાના પણ અનેક રસ્તા છે. જે થોડાકની જાણકારી સાંપડે છે તે આ પ્રમાણે છે :
૧. ઘણાં મંદિરો વીસ ટકા કાપીને કાળાનાં ધોળા કરી આપે છે.
૨. કેટલીક સહકારી બૅંકોએ પાછલી તારીખમાં થાપણો કરી આપી છે.
૩. ઘણાં શૂન્ય બૅલેન્સ ધરાવતા જનધન ખાતાંઓમાં પૈસા જમા કરાયા છે.
૪. કેટલાકે ગરીબોને તાત્કાલિક ‘ધિરાણ’ આપવા માંડ્યું છે.
૫. પેટ્રોલપંપો ઉપર સો-સોની નોટોથી પેટ્રોલ કે ડિઝલ ભરાવનારાનાં નાણાં રૂ. ૫૦૦-૧૦૦૦ની સામે કમિશન લઈને બદલાવામાં આવ્યાં છે.
૬. કેટલાકે સ્ટાફને આગોતરા પગાર ચૂક્વ્યા છે.
૭. રેલવે-રિઝર્વેશન કરાવી પછી તે કૅન્સલ કરીને પણ નાણાં બદલી લેવાયાં છે.
૮. ક્યાંક – જેમ, કોલકાતામાં ‘જમાખર્ચી’ નામથી કેટલીક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પેઢીઓએ કાળાંનાં ધોળાં કરી આપ્યાં છે.
૯. ખેતીની આવક કરપાત્ર ન હોવાથી તેનો પણ ખાસો લાભ લેવાયો છે.
તો પછી સવાલ એ ઊઠે છે કે નોટબંધીના આ પગલાને કારણે દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો ? વળી, સરકાર ક્યારે કાળાંનાણાં કે ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે દૂર થશે એમ કહેતી નથી; એ તો કહે છે – તેમાં ઘટાડો થશે. તો પછી સવાલ એ છે કે આ ઘટાડાનું પ્રમાણ કેટલું હશે, એક ટકો, પાંચ ટકા, દસ ટકા?
આ આખા સંદર્ભમાં વિચારવાના બે મુદ્દા તરફ હવે ધ્યાન આપીએ :
૧. સરકારને કાળાંબજારિયા કે ભ્રષ્ટાચારી કોણ છે, તેની ખબર જ હોતી નથી? હમણાં છ મહિના પહેલાં જ દેશભરમાં તુવેરની દાળ બસો રૂપિયે કિલો સુધી પહોંચી, ત્યારે તે કોના કારણે બન્યું તે સરકાર જાણતી નથી? જાણવું જોઈએ?
બધા જ જાણે છે કે આ બધી રચનામાં સરકાર, તેના રાજકીય પક્ષો, બાબુઓ અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ હોય છે. બીજી તરફ આ બધાના ભ્રષ્ટ વ્યવહારોને રોકવા માટે તંત્રગત પણ વ્યવસ્થા અને ઉપાયો છે જ. તેનો ઉપયોગ કેમ ન કરાયો?
૨. દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ચર્ચા વર્ષોથી ચાલે છે. તેના વ્યવસ્થિત ઉપાય તરીકે લોકપાલ અને લોકાયુક્તના તંત્રની હિમાયત થઈ જ છે. કર્ણાટકમાં તો જસ્ટિસ હેગડેએ દાખલો બેસે તેવી કામગીરી કરી બતાવી છે. સામે પક્ષે ભા.જ.પ.ના મધ્યપ્રદેશમાં ‘વ્યાપમ’ ગોટાળા બાબતે સરકારની નરી નિષ્ક્રિયતા પ્રવર્તે છે. સંસદમાં પ્રશ્નો પૂછવામાં લાંચ લેનારામાં ભા.જ.પ.ના સાંસદો પણ હતા અને ભા.જ.પ.ના એક પૂર્વ પ્રમુખ પણ ભ્રષ્ટાચારી હોવા બદલ મુશ્કેલીમાં મૂકાયેલા. આ સંજોગોમાં ભા.જ.પ. એક પક્ષ તરીકે શુદ્ધ હોવાનો દાવો કરે તો તે ટકી શકે તેમ નથી અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે બંધારણીય એવી લોકાયુક્ત – લોકપાલની કે પછી ન્યાયતંત્રમાં પૂરતી નિમણૂક જેવા માર્ગો પણ તે લેવા માંગતું નથી, આવું કેમ ?
આ તબક્કે આ પગલાની અસરકારકતા વિશે પણ વિચાર કરવો જોઈએ. એક ગણતરી અનુસાર રૂ. ૫૦૦-૧૦૦૦ની ચલણમાં રહેલી નોટોનું કુલ મૂલ્ય રૂ. ૧૫.૪૪ લાખ કરોડ છે. રિઝર્વ બૅંકમાં આંકડા અનુસાર, તા. ૨૮-૧૧-૧૬ સુધીમાં રૂ. ૮.૪૫ લાખ કરોડ પાછા આવી ગયા છે. આ ઉપરાંત, અન્ય બૅંકોના ક્રેડિટ રિઝર્વ રેશિયો(CRR)ના સ્વરૂપે, રિઝર્વ બેંક પાસે, રૂ. ૪.૦૬ લાખ કરોડ પડ્યા છે. આ રકમ મુખ્યત્વે રૂ. ૫૦૦-૧૦૦૦ની કિંમતની છે. આ ઉપરાંત બૅંકો પોતે પણ પોતાના રોજિંદા વ્યવહાર અર્થે હાથ ઉપર રોકડ રાખતી હોય છે. આ પૈકી મોટી નોટોમાં રખાતી નોટોનું મૂલ્ય આશરે રૂ. ૫૦,૦૦૦ કરોડ હોવાનો અંદાજ છે. આમ, (૮.૪૫ + ૪.૦૬ + ૦.૫૦) તમામ રકમો ગણતાં કુલ રૂ. ૧૩ લાખ કરોડ ઉપર થાય છે. અગાઉ નોંધ્યું તેમ રૂ. ૧૫.૪૪ લાખ કરોડથી આ ચલણી નોટોમાંથી, જેનો હિસાબ મળી ગયો છે, તેવી રૂ. ૧૩ લાખ કરોડની રકમ બાદ કરતાં એ બજારમાં કુલ રૂ. અઢી લાખ કરોડ બાકી રહે છે. આ રકમ પણ ડિસેમ્બરના છૂટના મહિના દરમિયાન પાછી ફરે તો? તો દેશમાં કાળું નાણું અને તેથી ભ્રષ્ટાચાર છે જ નહીં તેવું સરકાર જાહેર કરશે? અને પેલા નેવું અપમૃત્યુનું શું ? સરકાર તેમને માટે શું કરશે, તે તો સરકારમાં જ બેઠેલાની સંવેદનશીલતા ઉપર પણ આધાર રાખે છે. લોકસમુદાયે પણ આ પ્રશ્ન કરવાનો વારો આવશે.
આ સમગ્ર ચર્ચાના હજુ ઘણાં મુદ્દા અને પાસાં ચર્ચી શકાય છે, પણ સમાપન કરતાં પહેલાં તેની અર્થતંત્ર તથા વિવિધ વર્ગો ઉપર પડેલી અસરોની ટૂંકી ચર્ચા કરીએ :
આ પગલું સમગ્ર અર્થતંત્રને ખોરવી નાંખનારું છે. મુંબઈના ઝવેરી બજારમાં રોજનો વકરો રૂ. ૧૨૫ કરોડનો થતો; લગ્નસરા હોઈ તેમાં વધારો થવાનો જ હતો, પણ આ
૫૦૦-૧૦૦૦ની મોકાણમાં તે ઘટીને દૈનિક માત્ર રૂ. ૧૩ કરોડનો થઈ ગયો. પણ ઝવેરીની વાત છોડીએ – સામાન્ય ખેડૂત કપાસ-મગફળી-ડાંગર, વગેરે લઈને બજારમાં આવવામાં જ હતો. સરખા ભાવ મળે, તેની કશ્મકશ ચાલતી હતી; ત્યાં જ આ મરણતોલ અને બેરહમી ફટકો પડ્યો. રવિપાકના ઘઉં જેવા પાકના વાવેતર માટે જરૂરી ખાતર, બિયારણ, મજૂરી વગેરેની વ્યવસ્થા જ ખોટવાઈ ગઈ. આ વર્ષે ગુજરાતમાં માત્ર ૩૯ ટકા જમીનો ઉપર જ રવિપાકનું વાવેતર શક્ય બન્યું.
ગરીબોની હાલત કંગાલિયત તરફ વળી. ઝારખંડમાં એક માણસ દિવસના માત્ર ૩૫ રૂ.માં સાત માણસનું કુટુંબ નિભાવે છે, તે સમાચાર સૂચવે છે કે તેમને સૌને બી.પી.એલ.થી પણ નીચે ધકેલી દેવાયા છે.
ઝૂંપડપટ્ટીમાં રહીને નાનાંમોટાં કૌશલ્યો વડે ચામડાં, ભરતકામ, સિલાઈ, ફર્નિચર વગેરે જેવા જાતમહેનતના વ્યવહારો કરનારાને કાચો માલ મળતો નથી અને તૈયાર માલ વેચાતો નથી. મજૂરી ચૂકવવાના પણ પૈસા નથી. ‘સ્કિલ ઇન્ડિયા’ની ગુલબાંગો હાંકનારાઓએ દેશની પ્રવર્તમાન સ્કિલ ઉપર નભનારાનું પણ નખ્ખોદ કાઢી નાંખ્યું છે. આ તમામની હવે કેસ્કેિડંગ ઇફેક્ટ શરૂ થઈ છે. દેશનું અર્થતંત્ર પત્તાંના મહેલની માફક તૂટી રહ્યું છે. ૨૦૧૪ની ચૂંટણીઓમાં તાનમાં આવીને લલકારીને બોલ્યા હતા – ‘મનમોહનસિંહ ડૉક્ટર છે, પણ (ડૉલરની સામે) રૂપિયો પથારીએ પડ્યો છે.’ તે સમયે લગભગ રૂ. ૬૭નો ભાવ હતો; આજે રૂ. ૭૨નો ભાવ છે. શું કહીશું ? રૂપિયો મરણપથારીએ છે અને દાક્તરીની જગ્યાએ ઊંટવૈદું ચાલી રહ્યું છે?
અર્થતંત્રને લગતા આવા અનેક મુદ્દા છે, પણ હવે થોડીક ચર્ચા રાજકીય પરિપ્રેક્ષ્યની પણ કરીએ. પંજાબ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ગોવામાં ચૂંટણીઓ આવી રહી છે. ભારતની ચૂંટણીઓ હવે ઇન્દુચાચાની રીતે – નોટ આપો અને વોટ આપોની રીતે લડાતી નથી. આથી ‘સામેના’ પાસે પૈસાનું બળ ન રહે અને પોતે પૈસા વડે મેદાન મારી જાય તેવી ચાલબાજી ચાલે છે. પણ સામેના પણ ગાંજ્યા જાય તેવા હોતા નથી. જે પ્રમાણમાં ૫૦૦-૧૦૦૦ની નોટો પાછી ફરી છે, તે જોતાં તેની પ્રતીતિ થાય જ છે.
કોણ જાણે કેમ પણ હવે દરેક મુદ્દે રાષ્ટ્રવાદની દુહાઈ દેવાય છે. આથી એમ પણ કહેવાયુ કે આતંકવાદીઓ પાસે બનાવટી નોટો છે અને તેનો પણ હિંમતભર્યા પગલા સાથે ખાતમો થઈ જશે. દેશમાં ફરતું બનાવટી ચલણ કુલ ચલણના માત્ર ૦.૦૨૩ ટકા છે. આ અંગે અગાઉ તપાસ થઈ ત્યારે માલૂમ પડ્યું હતું કે તે માત્ર પાકિસ્તાનથી જ નથી પ્રવેશતું; શ્રીલંકા, બાંગ્લાદેશ તથા અન્ય પડોશી દેશો પણ તેનાં ઉગમસ્થાનો છે. અહીં રાષ્ટ્રવાદ, આતંકવાદ કે કાળાં નાણાંના સફાયાના મુદ્દાને સાંકળવાની જોગવાઈ જ થઈ શકે નથી.
તો પછી આ પગલાં વિશે શું કહેવું ? ચૂંટણી અને સત્તાકારણના મુદ્દાને બાજુએ રાખીએ તો પણ તેની પેશી પોતે જ, લોકશાહીને ચાહનારા સૌ કોઈ માટે આઘાતજનક છે. પૂરતી અને સંતોષકારક તથા ખાતરીપૂર્વક ચકાસાયેલી પૂર્વતૈયારી વગર સમગ્ર દેશને તળેઉપર કરી દેવાયો. સર્જિકલ-સ્ટ્રાઈકની વાહવાહ ઓછી પડી તે ફાઇનાન્સિયલ સેક્ટરમાં પણ આવું કદમ ભરાયું હોય તેવો જાણે કે લહાવો લેવાનો હોય તેવો ઉત્સાહ શરૂશરૂમાં વ્યક્ત થયો.
કમનસીબી એ છે કે લોકોની આવી અભૂતપૂર્વ બેહાલીના સમયે તેમને સાંત્વન આપવાની પણ સૂઝ પડતી નથી. અત્યંત માલદાર, સત્તાવાન અધિકારી અને કેટલાક રાજકીય વજૂદ ધરાવનાર સિવાય સૌ કોઈ ત્રસ્ત છે. લગ્ન હોય, મરણ હોય, પ્રસૂતિ હોય કે માંદગી, વૃદ્ધ હોય, અપંગ હોય કે સ્ત્રી … કોઈ જ અપવાદ સિવાય દેશના નેવું ટકાથી પણ વધુ લોકો ત્રસ્ત છે.
આમ છતાં, આ પગલાનો આવકારવામાં આવ્યું છે. પૂરતી માહિતી અને સમજના અભાવે હજુ ઘણા લોકો માને છે કે આના કારણે કાળું નાણું ખતમ થશે કે ભ્રષ્ટાચાર ચાલ્યો જશે. આવું કાંઈ જ થવાનું નથી.
ભારતના લોકોની સહનશક્તિને દાદ દઈશું? અંગ્રેજોની ગુલામીના કારણે જનમાનસમાં એક પ્રકારનો નિઃસ્પૃહભાવ પ્રવેશી ગયો હશે?
એક બીજી રીતે જોઈએ : વિવિધ સાંપ્રદાયિક ગુરુઓને પગે પડનારા, લાંબી-લાંબી કષ્ટદાયક અને પગપાળા યાત્રાઓ કરનારા, પોતાના જ શરીરને ભારે કષ્ટ દેનારા આ સમાજમાં સ્વપીડન સાહજિક થઈ ચૂક્યું છે. એ સમાજને પરપીડકની પણ જરૂર પડતી હોય છે! ક્યારેક સૌએ જોયું હશે : નાનો બાર વર્ષનો સાધુવેશી બાળક ૭૫ વર્ષની વૃદ્ધાને કહે છે – ‘મૈયા આટા દે દે. તેરા કલ્યાણ હોગા’. બાર વર્ષનું બાળક તેનાથી છ ગણી ઉંમર ધરાવતી સ્ત્રીને તુંકારે બોલાવે અને તેમાં કોઈને કશું જ અજુગતું ન લાગે?
આ એક પગલાને કારણે ભારત આર્થિક મોરચે પાછળ ધકેલાઈ ગયું છે. તાત્કાલિક તો વિદેશી મૂડીરોકાણ સંકોચાઈ જશે. મંદી પણ વ્યાપક બનશે અને બેકારી પણ વધશે.
સરકારમાં થોડાક વિચક્ષણ સલાહકારો હોત, તો આખા દેશે આપત્તિ વેઠવી ન પડત!
૩૦-૧૧-૨૦૧૬
E-mail : shuklaswayam345@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 08- 11