જ્યાં પણ ભા.જ.પ.ની સરકાર છે, એક પ્રકારનો અહંકાર અને તુમાખી ઘર કરી ગયાં હોય એ રીતે તે વર્તતી જોવા મળે છે. અપવાદો હશે, પણ મોટે ભાગના મંત્રીઓ ઉદ્ધત અને અવિવેકી છે. પ્રજામાં અને સરકારમાં જૂઠાણું લોહીમાં આવી ગયું છે. મંત્રીઓનું ને સરકારોનું કોઈ કૈં બગાડી શકે એમ નથી એવા વહેમમાં સરકારો પ્રજાની ધરાર અવગણના કરી રહી છે. આ સારું નથી. જો કેંદ્રમાંથી, છ દાયકાઓથી અડ્ડો જમાવીને પડેલી કાઁગ્રેસી સરકારને આ જ પ્રજાએ ઉખેડી ફેંકી હોય તો ભા.જ.પ.ને તો દાયકો ય નથી થયો. એને બદલવા કૈં છ દાયકા રાહ જોવી પડે એમ નથી, એટલે અપેક્ષિત એ છે કે ભા.જ.પ.ના મંત્રીઓ જૂઠાણાં બંધ કરીને વિવેકી થાય. એમ નહીં થાય તો સરકાર કુહાડા પર પગ મારી રહી છે તે સમજી લેવાનું રહે. એટલું જરૂર થયું છે કે ગુજરાતમાં નવા ભા.જ.પી. મંત્રીઓએ અગાઉના મંત્રીઓની પોલ ખોલી નાખી છે. ઉદાહરણ તરીકે, રાજ્યના પૂર્વ નાણા મંત્રી નીતિન પટેલ પણ કેટલા પોકળ દાવાઓ કરતા હતા તે હાલના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ખુલ્લું પડી ગયું છે. જો હાલની સરકાર બદલાય તો નવી આવેલી સરકાર તેનાં કપડાં ખેંચે તો નવાઈ નહીં ! આ વસ્ત્રાહરણ ચાલ્યાં કરશે, પણ એમાં પ્રજાની હાલાકી વધે છે એની ચિંતા સરકારને નથી તે દુ:ખદ છે. પ્રજા હવે કોઈ પણ સરકારની ચિંતાનો વિષય જ નથી. પ્રજાનું પૂરી બેશરમીથી અને પૂરી બેરહેમીથી બધી જ બાજુએથી શોષણ કેમ કરવું એ જ સરકારનો હવે એક માત્ર ઉદ્દેશ રહી ગયો છે. સરકાર તમામ સ્તરે ધંધો જ કરે છે ને પ્રજાને ખર્ચે ને જોખમે કરે છે તે વધારે શરમજનક છે.
વિદ્યાર્થીઓની તમામ સ્તરે પરીક્ષા લેવાનો કોરોના કરતાં પણ ભયાનક રોગ સરકારોને લાગ્યો છે. એમાં ગુજરાત સરકાર પણ બાકાત નથી. સરકાર પરીક્ષાઓ એટલે લીધે રાખે છે કે એની ફીમાંથી નફો થાય છે. એનો આનંદ છે કે હોંશિયાર વિદ્યાર્થીઓને સરકાર શિષ્યવૃત્તિ આપે છે. આ હોંશિયાર વિદ્યાર્થીઓ કેવી રીતે નક્કી થાય છે? તો, કે પરીક્ષા દ્વારા ! પરીક્ષા લેવાય એટલે ફી તો રાખવી જ પડે. એ ફી નફો કરાવે છે. કેવી રીતે તે જોઈએ. ગયા ફેબ્રુઆરીમાં ધોરણ 6ની, 1,000 વિદ્યાર્થીઓને એક વખત અપાતી, 750 રૂપિયા શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવાઈ. પ્રાઇમરી(ધોરણ 6)ના 1,75,640 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ને તેની પાસેથી વિદ્યાર્થી દીઠ 40 રૂપિયા ફી વસૂલાઈ. ફીની આવક થઈ 70,25,600 રૂપિયા. 750 લેખે 1,000 ને શિષ્યવૃત્તિ આપવાના 7,50,000 થાય. ટૂંકમાં, આ વેપારમાં સરકાર રોકાણ વગર 70,25,600 રૂપિયા મેળવે છે, તેમાંથી 7,50,000ની શિષ્યવૃત્તિ, સરકાર દાન કરતી હોય તેમ ચૂકવશે ને 62,75,600ની કમાણી કરશે. કોઈ ભક્ત એમ કહી શકે કે પરીક્ષાની વ્યવસ્થાનો ખર્ચ પણ થાય, એટલે બધો જ નફો છે એવું નથી, કબૂલ, પણ એ ખર્ચ નફા જેટલો તો નહીં જ હોય ને લાગે છે કે નફા જેટલો જ ખર્ચ હોય તો સરકાર એવા ધંધામાં હાથ નાખે? અહીં તો એક ઉદાહરણ લેખે જ વાત કરી છે. એવાં બીજાં ઉદાહરણો પણ મળી જ રહેશે. લોકોને પૈસે જ લોકોને દાન કરીને કમાવાની રીત સરકારોને આવડી ગઈ છે. લગભગ બધી સરકારો ‘આવક તે જ બચત’ને ધોરણે સક્રિય છે ને ખર્ચ નાછૂટકે કરીને એમાં પણ દાનત તો કમાણીની જ રાખે છે.
ગયે વર્ષે નાણા મંત્રી તરીકે બજેટ રજૂ કરેલું ત્યારે નીતિન પટેલે જાહેરાત કરેલી કે આગામી પાંચ વર્ષમાં 22 લાખ નોકરીઓ આપવામાં આવશે, જેમાં સરકારી ક્ષેત્રે 2 લાખ અને અન્ય ક્ષેત્રે 20 લાખ નોકરીઓ અપાશે. એ પછી નીતિન પટેલની નીતિઓ તો ન બદલાઈ, પણ નીતિન પટેલ પોતે જ બદલાઈ ગયા. એ પછી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ સક્રિય થયું ને આ વર્ષે જે બજેટ રજૂ થયું એમાં બેરોજગારી અંગે જે વાતો બહાર આવી છે તે જાણવા જેવી છે. એવું તો નથી લાગતું કે હાલની સરકાર આગલી સરકારની પોલ ખોલવા જ બની છે, કારણ એમ કરવા જતાં પોલ તો સરવાળે ભા.જ.પ.ની ખૂલવા જેવું થાય ને એવું કેન્દ્રમાં બેઠેલા મોવડીઓ ન થવા દે. એટલે એવું બને કે હાલના મંત્રીઓ આગલા મંત્રીઓની જવાબદારી પોતાની ઉપર ન આવી પડે એટલે હકીકતો બહાર પાડતાં હોય. પણ, હકીકતો આવી સામે આવી છે. જેમ કે, રાજ્યમાં શિક્ષિત બેકારો 3,46,436 છે ને અર્ધશિક્ષિત બેકારોની સંખ્યા 17,816 છે. એટલે કુલ બેરોજગારો 3,64,252 થાય. આટલા બેરોજગારોની સામે ઉઘાડી હકીકત એ છે કે બે વર્ષમાં 1,278ને જ સરકારી નોકરીઓ આપી શકાઈ છે. એવું પણ સરકાર તરફથી જ જાહેર થયું છે કે રાજ્યમાં 16 જિલ્લાઓ એવા છે જેમાંથી એકને પણ રોજગારી આપી શકાઈ નથી. હવે સરકારના જ આંકડાઓ લઈને વાત કરીએ તો 3.64 લાખ નોંધાયેલા બેરોજગારો કરતાં ગયે વર્ષે તો બેકારોની સંખ્યા ઓછી જ હશે તો 22 લાખ નોકરીનું રણશિંગુ ફૂંકવાની નીતિન પટેલને જરૂર કેમ પડી? આજના ચારેક લાખ બેકારો માન્ય કરીએ તો પણ 18 લાખ નોકરીઓ એવી ફાજલ પડે કે નોકરી હોય, પણ નવરું કોઈ ન હોય, કારણ બધાં જ નોકરીવાળા થઈ ગયાં હોય, જ્યારે વાસ્તવિકતા એ છે કે બે વર્ષમાં 1,300 માણસો માટે પણ રોજગારી ઊભી કરી શકાઈ નથી. નથી લાગતું કે લોકોને હોલસેલમાં ઉલ્લુ બનાવાઇ રહ્યા છે? ચારેક લાખ નોકરીની જરૂર હોય ત્યાં 22 લાખને નોકરી આપવાનું કોઈ શેખચલ્લીને ય ન સૂઝે –
વડોદરા જિલ્લામાં જ સૌથી વધુ 26,921 બેકારો છે, પણ એમાં બે વર્ષમાં એકને પણ નોકરી આપી શકાઈ નથી. અમદાવાદ જિલ્લામાં 26,628 બેરોજગારોની સામે માંડ 25 જણાંને જ સરકારી નોકરી આપી શકાઈ છે. એવા બીજા જિલ્લાઓ પણ છે જ ! આવું કેમ થાય છે? નોકરી ખરેખર ઊભી કરવાને બદલે સરકાર નોકરીના અવાસ્તવિક આંકડા જાહેર કરીને જ કેમ રહી જાય છે? એમ કરીને એ પ્રજાને ભલે ઉલ્લુ બનાવે, પણ જ્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં સરકાર ભરતી ન કરીને બેરોજગારીમાં વધારો જ કરે છે કે બીજું કૈં? એમ કરવાથી એને શું લાભ થાય છે? લાભ થાય પણ છે? તો એનો જવાબ છે કે સરકાર આ બધું જાણીબૂઝીને કરે છે. દાખલા તરીકે શિક્ષકોની ભરતી સરકાર ઓછી જ કરે છે. શિક્ષકો પણ પ્રવાસી કે હંગામી ધોરણે રાખે છે. તે એટલે કે એમને પૂરો પગાર ન આપવો પડે કે કાયમી નોકરિયાતને જે લાભ મળે છે તે ન આપવા પડે. એવું જ બીજી સંસ્થાઓ માટે પણ ખરું. આમ કરીને તો સરકાર ખર્ચ જ બચાવે છે. 10ની જરૂર હોય ત્યાં બે માણસોને કામચલાઉ રાખે તો તેને પગાર ઓછો આપવો પડે ને 10 ને બદલે 2 રખાય તો 8નો પગાર બચે. આવું સરકાર જ કરે છે એવું નથી, ખાનગી સંસ્થાઓ પણ આવું જ કરતી હોય છે. ઓછા ખર્ચે ને વધુ નફે, બહોળા વેપારની નીતિ સરકાર અપનાવે છે. આમ પૈસા બચાવીને ઓછાં માણસોથી કામ લેવામાં નફો કદાચ વધતો હશે, પણ સરવાળે તો એમાં નુકસાન છે. કોઈ બેન્ક ઓછા સ્ટાફે કામ કાઢે ને પછી કોઈ ફ્રોડ થાય તો ત્યાં જરૂરી સ્ટાફના અભાવમાં એવી ગરબડો થાય એ શક્ય છે. એવે વખતે કરાયેલી બચત નિરર્થક પુરવાર થાય છે ને મોટું નુકસાન વેઠવાનું આવે છે. મોટા ભાગની ઓફિસો અડધા સ્ટાફથી ચાલે છે એટલે થવાં જોઈએ તે કામ થતાં નથી ને ન થવાં જોઈએ તે થાય છે. આંગળાં ચાટીને પેટ ભરવામાં તો પેટ બીજાનું જ ભરાય છે તે સમજી લેવાનું રહે.
એનું આશ્ચર્ય જ છે કે કરકસરની આ નીતિ સરકાર પોતાને માટે નથી રાખતી. સાંસદો કે વિધાનસભ્યો નોકરી નથી કરતા, તો પણ આખા વર્ષનો પગાર ઓછાં દિવસોમાં કામ કરીને મેળવે છે. બીજાનો પગાર વધારવા સરકાર આનાકાની કરે છે, પણ પોતાનો પગાર વધારવાનો જરા ય સંકોચ સરકારોને થતો નથી. આમ તો બીજે બધેથી પેન્શન નીકળતું ગયું છે, પણ વિધાનસભ્ય કે સાંસદને પેન્શનની મનાઈ નથી. કઇ નોકરી, પાંચ વર્ષ કરવાથી પેન્શન ચાલુ થઈ જાય તે નથી ખબર, પણ સાંસદ કે વિધાનસભ્ય એક ટર્મ પૂરી કરે કે પેન્શન શરૂ થઈ જાય છે. કોઈ નોકરિયાતની વેરાપાત્ર આવક પર આવકવેરો માફ નથી, પણ સાંસદો કે વિધાનસભ્યોની આવક પર આવકવેરો લાગતો નથી. કેમ જાણે સદાવ્રત ખૂલ્યું છે ! સરકાર પોતાનું પેટ વધારતી જ જાય છે ને બીજાનું પેટ કાપવાનું ચૂકતી નથી તે જગજાહેર છે. આવું થાય ત્યારે સરકાર પ્રજાનો ભરોસો ગુમાવે છે. જેની સરકાર વેપારી તેની પ્રજા ભિખારી – એવું અમસ્તું તો નહીં કહેવાયું હોય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 માર્ચ 2022