Opinion Magazine
Number of visits: 9484303
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નો સર !’ હવે કોણ બોલશે ?!

યોગેન્દ્ર પારેખ|Opinion - Opinion|23 February 2017

ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને ચાર દાયકા થયા. કટોકટી વિશે ઘણું લખાયું છે. કટોકટીના એ દિવસોમાં લોકશાહી મૂલ્યોની પ્રસ્થાપના માટે ઝૂઝનાર વિરોધપક્ષના નેતાઓને જેલ થઈ. દેશની સંસદમાં અભ્યાસપૂર્ણ દલીલો અને સરકારનો કાન આમળતાં પ્રવચનો આપનાર સાંસદ પુરુષોત્તમ માવળંકરનું સ્મરણ સહેજે થઈ આવે. પ્રજાના પ્રતિનિધિ તરીકેનો માવળંકર સાહેબનો અવાજ ‘નો સર !’ પુસ્તક સ્વરૂપે ગ્રંથસ્થ થયો. એ દિવસોમાં સ્વાતંત્ર્યમૂલક અવાજનું નાગરિકસમાજમાં મૂલ્ય હતું. એકલદોકલ વ્યક્તિ કે સંગઠિત વ્યક્તિસમૂહોને દબાવી દેવાનું સરળ નહોતું. પ્રજા લોકશાહી મૂલ્યોનું શિક્ષણ મેળવે, એવી વાતો વર્ગમાં થતી. નાગરિકશાસ્ત્રને ભણવા જેવા વિષય તરીકે ભણવા-ભણાવવાની થોડી કાળજી અને થોડો સમય હતો. શિક્ષણનું કામ કેળવાયેલો નાગરિક તૈયાર કરવાનું છે. જીવનમૂલ્યોની પરખ અને માવજત નિશાળમાંથી શીખવા મળે એ જરૂરી છે. સામાજિક પ્રતિબદ્ધતાની તાલીમ પરસ્પરનાં વ્યવહાર, વાણી અને વર્તન ઉપરથી મળી જતી. વર્ગખંડ-વ્યાખ્યાનોનો એક યુગ હતો. વિષયવસ્તુને ન્યાય આપી શકે એવા રૂંવે-રૂંવે શિક્ષક કહી શકાય એવા ગુરુજનોનો યુગ આથમી ગયો. શિક્ષણનું ધંધાદારીકરણ થવાના લીધે લગભગ રોજમદારની જેમ કે કરાર આધારિત કામ કરતાં શિક્ષકો કે અધ્યાપકોને એક જ સંસ્થામાં ત્રીસ-પાંત્રીસ વરસ ટકાવી શકે એવા સંચાલકોનો હજી જન્મ નથી થયો. સેમેસ્ટર પદ્ધતિના કારણે વર્ગખંડ- વ્યાખ્યાનોની શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ.

ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં પ્રવેશ અને પરીક્ષા વચ્ચેનો ગાળો સાંકડો થતો જાય છે. ઑગસ્ટની મધ્યમાં માંડ બધું થાળે પડે અને જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં તો સંકેલો થઈ જાય. પાંચ મહિનાના ભણતરમાં આખું દિવાળી-વૅકેશન, નવરાત્રિ, યુનિવર્સિટી યુવક મહોત્સવ, ફ્રૅન્ડશિપ ડે, રક્ષાબંધન, સાતમ-આઠમ, ગણેશોત્સવ અને હવે નવો ટ્રૅન્ડ શરૂ થયો છે ફ્રેશર્સ પાર્ટીનો. ભાર વગરનું ભણતર શાળામાં હોવું જોઈએ, એના બદલે કૉલેજમાં લાગુ પડી ગયું છે! ધાર્મિક ઉત્સવો, ઉજવણીઓને એક સરખો ન્યાય આપવામાં દિવસરાત વ્યસ્ત, મસ્ત યુવાનોનું ઘડતર કરવાનું ખ્વાબ જોનારને તો મુગ્ધમતિ જ ગણવાનો રહે. સો જેટલા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજર હોય અને અધ્યાપક ભણાવતા હોય, વિદ્યાર્થીઓ નોંધવા યોગ્ય બાબતો, અવતરણો નોંધતા હોય એ દૃશ્યો દુર્લભ થતાં જાય છે. વિદ્યાવ્યાસંગ શબ્દનો મર્મ અને અર્થ ઊડી ગયો. સ્વસ્થ નાગરિક-અવાજ, કાયદાનું શાસન જેવી પાયાની બાબતોની જાણકારી કે સમજ હવે ભાગ્યે જ કોઈ આપે છે. પરીક્ષા માટે પેપર કાઢવા અને ઉત્તરવહી તપાસવી જેવાં કાર્યો અગ્રતાક્રમે આવી ગયાં. વિદ્યાર્થીઓનું જે થવાનું થાય. વિદ્યાર્થીઓને અભયના પાઠ નહીં ભણાવવાના, સમય મળે તો, વર્ગમાં જવાની નવરાશ હોય તો ઊઠાં ભણાવવાનાં. યુવાધનની સમયશક્તિનો વિચાર જ નહિ કરવાનો.

રાજકીય પક્ષોનાં મોહાંધ કરે તેવાં અવતરણો, તસવીરો તથા ગેરસમજનો વિસ્તાર કરે એવું નિરંકુશ માર્કેટિંગ નવી પેઢીને વિદ્રોહી બનાવવાના બદલે અનુયાયી બનાવે છે. ફૉલોઅર્સની સંખ્યાના આધારે વ્યક્તિવિશેષની લોકપ્રિયતાનો આંક નક્કી થાય છે. સમકાલીન સમસ્યાઓ, રાજકીય પ્રવાહો, નીતિવિષયક નિર્ણયો, પ્રાથમિક સુવિધાઓ, પાયાના અધિકારો જેવી સભાનતાથી નવી પેઢી આઘાતજનક રીતે વંચિત છે. ગ્લેમર્સ અને માર્કેટિંગના મહારથીઓના ઝળહળાટથી અંજાઈ ગયેલી આપણી યુવાપેઢી ને નાયક, મહાનાયક અને ખલનાયક વિશેની ભેદરેખા જ ખબર નથી. લોકનાયક શબ્દ તો લુપ્ત થવાના આરે છે. ન્યાય કે અધિકાર માટેની લડત તો જાણે ગઈ સદીનો શબ્દ છે. સહન કરનારની સંખ્યા બહુમતીમાં છે. સંવેદનશીલ નાગરિકો લઘુમતીમાં છે. પાંચ-પંદર યુવાનોનું ટોળું કોઈ પણ કૉલેજ, યુનિવર્સિટી કૅમ્પસમાં તોડફોડ કરવાની ક્ષમતા કહો કે સજ્જતા કેળવે, તો તેની રાજકીય સફર દિવસે ના વધે તેટલી રાત્રે વધે છે.

બૌદ્ધિક વિકાસના તમામ રસ્તાઓ બંધ કરવા માટે પ્રજાને જુદી-જુદી ઉજવણીઓમાં વ્યસ્ત રાખવી એ ખૂબ જ કારગર સિદ્ધ થયેલો કીમિયો છે. મગજ બંધ રાખીને જીવવાની આદત પડી જાય, તે પ્રજાને વિદ્રોહનું વ્યાકરણ સમજાતું નથી. આટ્‌ર્સ જેવી વિદ્યાશાખામાં શિક્ષણ મેળવવાનું વલણ ઘટતું જાય છે. ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃિત, રાજ્યશાસ્ત્ર જેવા વિષયો પ્રત્યે બેપરવા સમાજનો તમામ પરંપરાઓથી છેડો છુટ્ટો થઈ રહ્યો છે. ઇતિહાસબોધ જેવું કેળવણીમૂલક સંવેદન ડિજિટલ યુગમાં દુર્લભ બનતું જાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા કોઈ વિદ્યાર્થીને દાદાનું નામ પૂછીએ અને જો તેને આવડતું હોય, તો ગોલ્ડમેડલ આપવાનું મન થાય એવા દિવસોમાં આપણે પહોંચી ગયા છીએ.

શાસકને, સત્તાધીશને, તંત્રવાહકને ‘નો સર!’ કહેવા માટે આત્મબળ, અભ્યાસ, ધ્યેય વિશેની સ્પષ્ટતા, જીવનનિષ્ઠા અને અભયની જરૂર પડે. બજારમાં વેચાતાં ન મળે એવાં આ જીવનમૂલ્યો વિશે આપણી શિક્ષણપદ્ધતિ કુંભકર્ણ નિદ્રામાં છે. કોણ જગાડશે?

E-mail : gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 15

Loading

23 February 2017 admin
← આપણી જાત સિવાય કોઈને માટે નથી આ શબ્દ!
નલિયાકાંડઃ ડાળખાં-પાંદડાં અને મૂળિયાં →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved