Opinion Magazine
Number of visits: 9450983
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિવેદન

બિપિન પટેલ|Opinion - Literature|18 March 2019

૧૯૯૦માં મારી વર્તાશૈલીને અનુકૂળ આબોહવામાં પહેલી વાર્તા ફૂટી, ત્યારે પ્રથમ સંગ્રહનો અંદેશો પણ મનમાં ન હતો. હા, વાર્તા લખાય, મિત્રોના ચહેરા પર ખુશી રેલાય ને માંહ્યલો રાજી થતો. આરંભમાં ‘શબ્દસૃષ્ટિ’ અને ‘ગદ્યપર્વ’એ પોરો ચડાવ્યો અને ૧૯૯૯માં ‘દશ્મન’ વાર્તાસંગ્રહ પ્રગટ થયો. પ્રથમ સંગ્રહમાં ઉત્તર ગુજરાતની બોલીનું બાહુલ્ય હતું, કારણ બાનો ઘેરો પ્રભાવ. બીજા સંગ્રહ ‘જે કોઈ પ્રેમ અંશ’(૨૦૦૮)માં બોલી લગભગ બાદ હતી અને શહેરનાં પાત્રોએ મને પકડ્યો. આ વાર્તાઓ મહદંશે વિચારની વાર્તાઓ પણ ખરી.

મારી વાર્તાના ત્રણ પડાવ કે બદલાવના પહેલા તબક્કામાં પ્રથમ વાર્તા ‘હોળી’ લખાઈ અને  ‘શબ્દસૃષ્ટિ’ના ૧૯૯૦ના જૂન અંકમાં છપાઈ.

‘હોળી’ વાર્તા કશાક રોષ, નકાર, વિરોધમાંથી સર્જાઈ હતી. ‘હોળી’ના કથકને સમાજ સામે વાંધો હતો, જે વાર્તામાં ચોમેર વેરાયેલો છે. આ પહેલી વાર્તા પ્રતિબદ્ધ વાર્તા હતી. પણ એ બદ્ધ હતી. એમાં કલાનો કશો ચમત્કાર ન હતો. It was opinionated. એમાં કળાકારે બદ્ધ રહેવાનું પાલવે નહીં. તેથી તે પછી તરત જ કિશોર કથકની નજરે ‘કસ્તર’ લખી. આ વાર્તાની નાયિકા એની દલિત સખીને અસ્પૃશ્ય હોઈને વેઠવા પડતા અપમાનથી દુઃખી થઈ છે. પણ આ વાત પરંપરાગ્રસિત સમાજ, દલિતોની સુધરતી આર્થિક-સામાજિક સ્થિતિ અને બદલાતા સમાજને પૃષ્ઠભૂ તરીકે મૂકીને કરી છે.

અગ્રવર્ગનો અનામતવિરોધ જાણીતી વાત છે, પણ અમદાવાદ-ગાંધીનગર આવ જા કરતા સચિવાલયના કર્મચારીઓ હૅન્ડિકૅપ માટેની રિઝર્વ સીટના વિરોધ નિમિત્તે, કારસા રચી એક હૅન્ડિકૅપને નગણ્ય કરી મૂકે છે, એની વાર્તા ‘હૅન્ડિકૅપ’ લખી.

મિલાન કુન્દેરા મારા ગમતા લેખક છે. એમણે નવલકથા, વાર્તા ઉપરાંત નવલકથાના સ્વરૂપ વિશે પણ ચાર પુસ્તકો લખ્યાં છે, જેમાં યુરોપની નવલકથાનો વિવેચનાત્મક, સાંસ્કૃતિક ઇતિહાસ આલેખ્યો છે. વિવેચનના પ્રથમ પુસ્તક ‘Art of the Novel’માં એમણે આપેલી મુલાકાત પણ છે. એ મુલાકાતમાં ઐતિહાસિક નવલકથાલેખન માટે જરૂરી મુદ્દાની વાત કરતાં એ કહે છે, ‘ઇતિહાસને અસ્તિત્વમૂલક પરિસ્થિતિ સંદર્ભે સમજવો જોઈએ અને તેનું વિશ્લેષણ કરવું જોઈએ. દા. ત., વર્ષ ૧૯૬૮માં રશિયાએ ચેકોસ્લોવાકિયા પર આક્રમણ કર્યું તે પછી રશિયન સૈન્યે અલેક્ઝાન્ડર દૂબચેકનું અપહરણ કર્યું, જેલમાં પૂર્યા અને રશિયાના પ્રમુખ બ્રેઝનેવ સાથે મંત્રણા કરવા ફરજ પાડી. તે પછી દૂબચેક પ્રાગ પાછા ફરે છે. ત્યાંના રેડિયો પર નિવેદન કરે છે, પણ બોલી શકતા નથી. એ પરાણે શ્વાસ લે છે, વાક્યની વચ્ચે લાંબો પીડાકારી વિરામ લે છે. આ ઐતિહાસિક પ્રસંગ શેનો સંકેત કરે છે ? આ પ્રસંગ અત્યારે તો સંપૂર્ણપણે ભુલાઈ ગયો છે, કારણ કે દૂબચેકે ભાષણ આપ્યાના બે કલાકમાં ટેક્‌નિશિયનોને આદેશ આપવામાં આવ્યો કે ભાષણમાં જ્યાં-જ્યાં એ અટક્યા (વેદનાના માર્યા) છે, તે દૂર કરવું. કેમ કે એ એમની નબળાઈ છે. નબળાઈ એમના અસ્તિત્વનો ભાગ બની ગઈ હતી. શક્તિશાળી તંત્રનો મુકાબલો કરતો, પનારો પાડતો કોઈ પણ માણસ નબળો છે, પછી ભલે તે દૂબચેક જેવો કસાયેલો અને બલિષ્ઠ હોય.’

તંત્રએ ભૂંસેલા પીડાકારી વિરામને જેમ કુન્દેરાએ વર્ષો પછી સાંભળ્યો, તેમ આજના આપણા દેશકાળમાં રહિતોનાં ડૂસકાં સાંભળવાની ક્ષમતા સર્જકે કેળવવી પડશે, અત્યારના સમયમાં ખાસ.

આવી એકલદોકલ વ્યક્તિનો એક યા બીજા તોરતરિકાથી સમાજ, તંત્ર કેવી ચતુરાઈપૂર્વક લોપ કરે છે અને તેવી વ્યક્તિ, વ્યક્તિ મટીને આંખમાંથી દૂર કરવાલાયક કસ્તર જેવી નગણ્ય બની જાય છે. ‘પિટિશન ‘વાર્તામાં પણ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર, અંગ્રેજી ન જાણતા પિટિશનરને ન્યાયથી વંચિત રાખે છે, એની એને ગંધ પણ નથી આવતી.

મારી આ વાર્તાઓમાં ઉત્તર ગુજરાતનું ગામડું જે રીતે પૃષ્ઠભૂ છે, તેમ સચિવાલય પણ છે.

બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતથી અમદાવાદ જેવા શહેરમાં ‘ઉદર કાજે સેવ્યું નંદરબાર’ પંક્તિ લખનાર પ્રેમાનંદની જેમ ફરજિયાત વસવાટ અને ગોઠવાવાની મથામણ કરવી પડી હોય, તેવાં પાત્રોનું ચિત્રણ છે.

અહીં લેખકને મન એ પાત્રો ગામડિયાં ગણાઈને મજાકને પાત્ર બને છે તે ભાવ નથી, તો ગ્રામજન ભોળો અને શહેરી લોક લુચ્ચા અને પેક એવું સાદું સમીકરણ પણ નથી. તેને સ્થાને સમાજનાં આ બે યુનિટો એકબીજાંને મળે છે, ત્યારે એમનાં જુદાપણાં સાથે એકબીજાંને કેવી રીતે મળે છે એ વિશેની વાત, મારી હળવાશભરી શૈલીમાં મેં ‘બૂફે’ ‘કરિયાવર’ ‘દશ્મન’ અને ‘ગ્રહણ’ જેવી વાર્તાઓમાં કરી છે. આ વાર્તાઓ એકપરિમાણી ન રહે તે માટે એ વાર્તાઓમાં અન્ય સ્તર પણ હોય તેવી કાળજી રાખી વાર્તાની વિવિધ પ્રયુક્તિઓ પણ ખપમાં લીધી છે.

૧૯૮૯ના વર્ષે યુ. એસ. એસ. આર.માંથી કેટલાંક રાજ્યો છૂટાં પડ્યાં. લોકશાહી અને સામ્યવાદી શાસનને બે ભાગમાં જુદા પાડતી જર્મનીની બર્લિન વૉલ તૂટી. આ સાથે સામ્યવાદના કાંગરા  ખરવા માંડ્યા. અત્યાર સુધી વિશ્વ દ્વિધ્રુવી હતું. મૂડીવાદી અર્થવ્યવસ્થા અને ડાબેરી વિચારધારાની વ્યવસ્થા અલગ-અલગ દેશોમાં ચલણમાં હતી. સામ્યવાદનો પ્રભાવ ઘટતાં વિશ્વ એક ધ્રુવી થયું અને મૂડીવાદી અર્થવ્યવસ્થાએ વિશ્વના મોટા ભાગના દેશોમાં રૂક્કો જમાવ્યો. સર્વહારાના રાજ્યની સ્થાપનાને નામે લાખો લોકોની કતલ કરનાર સામ્યવાદી ચીને મૂડીવાદને પોષતા આર્થિક સુધારા ૧૯૭૧માં અમલમાં મૂક્યા. ભારતે પણ પરિસ્થિતિવશ ૧૯૯૧માં આર્થિક સુધારા સ્વીકાર્યા.

આ અર્થવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા રહિતો સાથે કેવું વર્તન કરે છે, એનું ચિત્રણ આ સંગ્રહની કેટલીક વાર્તાઓમાં છે તે છે, મારી ત્રીજા તબક્કાની વાર્તાઓ.

અત્યાર સુધી મારી વાર્તાઓ અંગત, એકલદોકલ વ્યક્તિની પીડાને શબ્દસ્થ કરતી હતી. તેમાં આ વાર્તાઓથી બદલાવ આવ્યો છે. હવે રાજ્યતંત્રએ અમલવારી કરી છે, તે આર્થિક વ્યવસ્થાથી પીડિત, પ્રભાવશાળી રાજપુરુષના પ્રભાવમાં આવીને ખુદની જાણબહાર દાસત્વનો વેશ ભજવવા લાગે છે, એવા વર્ગ અને વર્ગસમૂહની વાર્તા માંડી છે.

ભારતના શાસકોએ આરંભમાં મૂડીવાદને સાચો ઠેરવવા અર્થશાસ્ત્રની ‘ટ્રિકલડાઉન’ થિયરી અથવા ‘બોટમ ઑફ ધ પિરામિડ’ સુધી નાણાં પહોંચશે અને સમાનતા આવશે એવી આશા બંધાવી. પણ એમ કરતાં તો નેવાનાં પાણી મોભે આવ્યાં જેવું થયું.

ત્યાર પછી પણ મૂડીવાદના સમર્થકો, અર્થશાસ્ત્રીઓ અને રાજ્યવ્યવસ્થા ન થાક્યાં. તેથી ‘L P G’ નામે જુદી નવી વ્યવસ્થા લઇ આવ્યાં. L–Liberalisation, P–Privatisation અને G– Globalisation. આ  વ્યવસ્થાથી સમાજના નીચલા વર્ગનું શું થયું તે બરાબર સમજવું હોય તો ફ્રેંચ અર્થશાસ્ત્રી થોમસ પિકેટીનું ‘Capital in the Twenty First Century’ વાંચવું રહ્યું. એમણે ૭૦૦ પાનાંના આ વિશાળ પુસ્તકમાં આંકડાઓ સાથે રમતાં રમતાં બાલ્ઝાક, જેન ઓસ્ટીન અને અન્ય સાહિત્યકારોનાં અવતરણ ટાંકીને આર્થિક અસમાનતા ઉપર પોતાના વિચારો રજૂ કર્યા છે અને તેના સમર્થનમાં ૧૯૭૦થી લઈને ૨૧મી સદી સુધીના આંકડા મૂકી તારણ આપ્યું કે અમેરિકાની રાષ્ટ્રીય સંપત્તિમાં થયેલા કુલ વધારા પૈકીનો ૬૦ ટકા વધારો ટોચના ૧ ટકા લોકોના ફાળે ગયો અને બાકીનાના ફાળે શેષ સંપત્તિ નસીબ થઈ.

આપણે ત્યાંનું ચિત્ર પણ આનાથી જુદું નથી. થોમસ પિકેટી, લુકાસ ચાન્સેલ અને તેમની ટીમે તાજેતરમાં એક પેપર ‘ભારતમાં આવકની અસમાનતા, ૧૯૨૨ – ૨૦૧૪ : બ્રિટિશરાજથી બિલિયોનેર રાજ’ પ્રગટ કર્યું છે. આ પેપરનાં મુખ્ય તારણો આ પ્રમાણે છે : ૧૯૮૦થી ૨૦૧૪ના સમયગાળામાં ટોચના ૧ ટકા લોકોની આવક ૬ ટકાથી વધી ૨૨ ટકા થઈ. એ જ સમયગાળામાં ટોચના ૧૦ ટકા લોકોની આવક ૩૦ ટકાથી વધી ૫૦ ટકા એ પહોંચી જયારે મધ્યમવર્ગના ૪૦ ટકા(ધી ગ્રેટ ઇન્ડિયન મિડલક્લાસ)ની આવક ૪૩% થી ઘટીને ૩૦ ટકાએ પહોંચી અને તળિયે રહેલા ૫૦ ટકા રહિતોની આવક ૨૪ ટકાથી ઘટીને ૧૫ ટકાએ પહોંચી. ચિત્તને ક્ષુબ્ધ કરી દે તેવું આ ચિત્ર છે. સામ્યવાદને નજીવો કરી દીધો અને મૂડીવાદને પૂર્ણતઃ અપનાવીને શું મેળવ્યું?

આમ, જનાસધારણનાં જીવન આ એક યા બીજી થિયરી અપનાવવાની પ્રયોગશાળા બની જાય એ કેવું? વિકાસની દોટમાં પર્યાવરણનો દાટ વાળ્યો અને જગતના તાતને ચોધાર આંસુએ રોવડાવ્યો. રોજેરોજ ખેડૂતો આત્મહત્યા કરે છે, તેવા કાળે જમીન-સંપાદન અધિનિયમ-સુધારણાના બહાને એની જમીન હસ્તગત (હડપ) કરવાના કારસા રચીએ છીએ, ત્યારે એ ખેડૂતનું મૂંગું ડૂસકું સાંભળતી વાર્તા ‘સંગીતશિક્ષક’ લખાઈ. આમ ‘હોળી’ વાર્તાથી શરૂ કરી વૈશ્વિકીકરણના ભાગ રૂપે ખેડૂતો પાસેથી જમીન છીનવાઈ રહી છે, ત્યાં સુધીના ફલકને આવરી લેવાનો મેં પ્રયત્ન કર્યો છે.

મૂડીવાદના પ્રભાવને કારણે બદલાતા સમાજ અને સમયની, ભાઈ-બહેનના સંબંધોમાં ઊભો થતો તનાવ અને આર્થિક સુધારાનાં પચ્ચીસ વર્ષ પછી પણ તળિયે રહેલા વંચિતો કેટલે પહોંચ્યાં એની વાર્તાઓ ‘કુંવાશીઓ ઓલે તો’ અને ‘ગોપાલફાર્મ’ સાથે ઝટ ટોચે પહોંચવાની લાયમાં મૂડી ગુમાવી. નફામાં ગાંડપણ વહોરતા નિઃસહાય પુત્રની પીડા વેઠતી માની  વાર્તા ‘ઇમ આગળ નો અવાય’ પણ સંગ્રહમાં સમાવી છે.

વિકાસની આભાસી અને આકાશી ખેતી કરનારા આપણા રાજપુરુષોની આભા અને ‘ઓ’માં અંજાયેલી પ્રજાનાં વાણી અને વર્તનમાં જે સૂક્ષ્મ પરિવર્તનો થઈ રહ્યાં છે, તે ‘રિવ્યૂ’માં વાર્તાવિષય બન્યાં છે. આવો સમૂહ જ વાર્તાનું પત્ર બની જાય છે, એની વાર્તા ‘બકાભાઈ’માં તો જુલમી શાસક કાળક્રમે પ્રજાને એમનો રહનુમા લાગવા માંડે એ માનસશાસ્ત્રનો ‘Stockholm Syndrom’  સિદ્ધાંત વાર્તારૂપ પામ્યો છે.

૨૦૧૭નું વર્ષ દેશકાળ અને વિશ્વસમસ્તમાં નોખી ભાત પાડનારું બની રહેવાનું છે. આ સમય ‘posttrurh’નો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ‘બ્રૅક્ઝિટ’ના કાળમાં ‘ઑક્સફર્ડ ડિક્ષનરી’એ ૨૦૧૬માં ‘posttrurh’ (સત્ય પછી) શબ્દને આંતરરાષ્ટ્રિય શબ્દ તરીકે જાહેર કર્યો હતો. સાંપ્રત સંદર્ભે પ્રયોજાયેલો આ શબ્દ સૌપ્રથમ સર્બો-અમેરિકી નાટ્યકાર સ્ટીવ ટેસિચે ૧૯૯૨માં લખેલા એક નિબંધમાં પ્રયોજ્યો હતો. ઑક્સફર્ડે એની વ્યાખ્યા આમ કરી છે, ‘સત્ય પછી એટલે, લોકમત ઊભો કરવામાં વાસ્તવિક તથ્યોને સ્થાને લાગણીસભર અને અંગત માન્યતાઓ વિશેષ સ્વીકૃતિ પામે તેવા સંજોગો સર્જાવા. ‘ઑક્સફર્ડ ડિક્ષનરીના પ્રમુખ કેસ્પર ગ્રેથવોલે ભાખ્યું હતું કે ‘સત્ય પછી’ શબ્દ આપણા સમયને વ્યાખ્યાયિત કરનાર શબ્દ બને, તો એમને આશ્ચર્ય નહીં થાય.’

ભારતના સહુને તો ‘સત્ય પછી’નો સમય, ૨૦૧૪માં જ કેટલાક રાજકારણીઓ દ્વારા બોલાતી ભાષાને કારણે પરખાઈ ગયો હતો. તેથી તો આજે આભા, અશક્ય વચનો, વાચાળતાએ વાસ્તવને હડસેલી મૂક્યો છે. વૈશ્વિકીકરણથી ઊભી થયેલી મોકળાશ અને વિશ્વ એક ગામ બનવા જઈ રહ્યું હતું – એ ખ્યાલ કડડડ તૂટી રહ્યો છે. જનસમૂહના મનમાં સંકુચિતતાનાં બીજ રોપાઈ ગયાં છે. કાલ્પનિક શત્રુના ભયના માર્યા ઘણાં રાષ્ટ્રોમાં ‘હું અને મારો દેશ’ અને બાકી બધા ‘ઇતરજન’ અથવા તો ‘ધ અધર’નો ભાવ દૃઢ થતો આવે છે ને ‘નવ્ય રાષ્ટ્રવાદ ‘ચલણમાં આવી રહ્યો છે. આજે સાચે જ વ્યક્તિમાત્રનું જીવન એનું પોતાનું નથી રહ્યું. કાફ્કાના લૅન્ડસર્વેયરના જીવનમાં જેમ તંત્ર એના બેડરૂમ સુધી દખલઅંદાજી કરી શકતું, તેમ આજના મનુષ્યના ઘર-જીવનમાં સમાજ અને તંત્ર પેશકદમી કરી રહ્યાં છે.

ફરી ૧૯૯૦ની જેમ ચોમેર કલ્ચરલ ક્લેમર સંભળાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિનાં ઓવારણાં લેતાં-લેતાં શું ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, બોલવું, લખવું, વાંચવુંના આદેશો બહાર પડાય છે અને આપણે સહુ એમ કરીએ છીએ કે નહીં તે ‘બિગબ્રધર’ જોઈ રહ્યા છે. ભિન્ન મતને, ભિન્ન વિચારને કોઈ સ્થાન નથી. ભોગેજોગે જો તમે જુદો મત ધરાવો, તો તમને ચૂપ કરી દેવાશે, ક્યારેક તો હંમેશ માટે. સહુ લેખકો માટે આ પડકારનો સમય છે. તો, આ અંધકારનો સમય પણ ‘પેશકદમી’ વાર્તામાં અનુભવાશે.

સામાજિક અભિજ્ઞતાની વાર્તાઓમાં મારા આદર્શ ઝવેરચંદ મેઘાણી અને નાદીન ગોર્દીમર રહ્યાં છે. તેથી તરતના સમયની આ વાર્તાઓમાં કોઈ પણ સમસ્યા અને પાત્ર શ્વેત-શ્યામના ચોકઠામાં ન મુકાય તે સારુ મથ્યો છું. મોટા ભાગની વાર્તાઓમાં બદલાતો સમય, બદલાતા જનસમૂહનો પગરવ સાંભળ્યો છે. એમ તો સદીઓથી સર્જકોને આકર્ષતો અને માર્ક્વેઝે એમની નવલકથા ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’માં મહિમા કર્યો છે, તે ચીલે, પ્રેમની બે વાર્તાઓ અને મારો અંત સુધી પીછો નથી છોડવાનું એ સચિવાલયના પાત્રની વાર્તા પણ સંગ્રહમાં સમાવી છે.

અંગત પીડાની વાર્તા ‘હોળી’થી શરૂ થયેલી મારી યાત્રા પારકી પીડાને પોતાની કરવા સુધી પહોંચી છે, તેવી મારા ત્રીજા તબક્કાની આ વાર્તાઓ ભાવકોને ગમશે, એવી આશા રાખું છું.

સતત વાર્તા લખવામાં રમમાણ રહેતા આદરણીય પ્રવીણસિંહ ચાવડાએ એમના સર્જન સમયમાં કાપ મૂકીને મારી આ વાર્તાઓ નાણી, પ્રમાણીને જે પ્રવેશક લખ્યો છે, તે માટે હૃદયપૂર્વક એમનો આભાર માનું છું.

ફ્લેપ પર મારું વર્તાવિશ્વ ઉઘાડી આપનાર મિત્ર કિરીટ દૂધાતનો ઋણી છું.

આ વાર્તાઓ ઇમેજ પ્રકાશન સંસ્થા વતી સુંદર સજાવટ કરી ભાવકોને સુલભ કરી આપનાર વાર્તાકાર, નાટ્યવિદ્દ ઉત્પલ ભાયાણી અને વ્યવસ્થાપક કેતનભાઈનો અત્યંત આભારી છું.

અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 13-14

Loading

18 March 2019 admin
← ઠેબે ચડ્યો છું મારામાં
પરિવાર કોને કહીશું? →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved