માબાપને સતત સરખામણી કરવાની કુટેવ હોય છે. બાળકો મોટે ભોગે એમના અહંકારનું વિસ્તરણ બની જાય છે.
આઠમા કે નવમા ધોરણમાં ભણતો કોઈ વિદ્યાર્થી ફાંસો ખાઈ મોતને વળગે ત્યારે આપણે સફળતાના જે માપદંડો સ્વીકારી લીધા છે એ અંગે નવેસરથી વિચારવું જોઈએ. ખાસ તો એટલા માટે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી. છેલ્લા એક વર્ષમાં આવા અનેક બનાવો નોંધાયા છે જેમાં કાચી વયના કોઈ વિદ્યાર્થીએ અથવા કોલેજમાં ભણતાં કોઈકે આપઘાત કર્યો હોય. જે સમાજમાં ભણતરનો આરંભ હજી હમણાં થયો છે એવાં ગામડાંમાં પણ વિદ્યાર્થીઓએ મોત વહાલું કર્યું હોય એવાં બનાવો અખબારે ચડ્યા છે. ખરેખરો પડકાર આવે એ પહેલાં જ મેદાન છોડી દેવાની આ વૃત્તિ ખતરનાક છે, ખાસ તો એટલા માટે કે જેને સમાજ કે શાળા ‘નિષ્ફળતા’ માને છે એને સમજપૂર્વક સ્વીકારી લેવાની તાલીમ આ બાળકોને મળી જ નથી.
આપણા ભણતરમાં કેટલાક મુદ્દાઓ સ્પર્શવામાં નથી આવતા અને એમાંનો એક તે સફળતા વિનાનું, કે નોંધપાત્ર સિદ્ધિ વિનાનું જીવન પણ ઉત્તમ હોઈ શકે એનો હકીકત લેખે સ્વીકાર અને મહિમા. ટોચ પર રહેવાના કે ઝળહળતા રહેવાના વાહિયાત ખ્યાલોને એ રીતે બહલાવવામાં આવ્યા છે કે સહુને છવાઈ જવાની મહત્ત્વાકાંક્ષા પજવતી રહે છે. કોચિંગ-ક્લાસ હોય કે સ્કૂલ, આગલી હરોળનાં વિદ્યાર્થીઓના ફોટા અને નામ, જ્ઞાતિ સંસ્થાઓના કાર્યક્રમોમાં મળતાં સન્માન અને સ્કોલરશિપ, પરિવારમાં લેવાતી નોંધ અને મળતી ભેટસોગાદ – આ બધું જ નિષ્ફળતાને વરેલાં કાચી ઉંમરનાં છોકરાંઓને પચાવવાનું ફાવતું નથી. એ સતત સરખામણી કરતાં રહે છે. કારણ કે એમને સરખામણીની તાલીમ જ મળી છે. પરીક્ષામાં ઓછા ટકા આવ્યા તેથી પોતે કોઈ મહાઅપરાધ કર્યો હોય, મા બાપને હતાશ કરવાનું પાતક વહોરી લીધું હોય, એમની કાળજીનો દુરુપયોગ કર્યો હોય, જીવન બદલાઈ ગયું હોય એવી લાગણીથી પીડાતી ઊગતી પેઢીનો એકાદ સભ્ય આત્મહત્યા કરી લે, તે ભયાનક છે. સમાજ અને શિક્ષણ પદ્ધતિ માટે એણે આપેલો આ ચુકાદો ગંભીરતાથી લેવાવો જોઈએ. એમની હતાશા માટે અને એમણે ભરેલાં આત્યંતિક પગલાં માટે આપણે ઊભા કરેલા આભાસી માપદંડો જવાબદાર છે, અને એટલો દોષ આપણે માથે ય ખરો.
કેવા છે આ સફળતાના વિષયક આભાસી માપદંડ? એક સમજદાર, સંવેદનશીલ અને ઉત્તમ નાગરિક બનવા માટે કેટલા ટકા માર્ક જોઈએ? છે કોઈ માપદંડ કે ગાઇડલાઇન? એક ડોક્ટર, એક ઇજનેર કે એક સી.એ. થવા માટે આટલા કે તેટલા ટકા ઓછામાં ઓછા જોઈએ એમ કહી શકાશે, પણ એક માનવતાવાદી ડોક્ટર, એક પ્રામાણિક ઇજનેર કે સી.એ. થવા માટે કેટલા ટકા જરૂરી, છે કોઈ નિયમ? પરીક્ષાનાં પરિણામોને આધારે સમાજનો વિકાસ થતો હોત અને એની તંદુરસ્તી જળવાતી હોત તો આજે ચિત્ર ઘણું અલગ હોત. સારા અને સાચા માણસ થવા માટે એંસી કે નેવું ટકા ખપમાં આવે જ આવે, એમ માનવા જેટલાં કાચાં આપણે નથી. જીવનની વિશાળતા અને એનું વૈવિધ્ય અભ્યાસક્રમથી મપાતું નથી, અને પમાતુંયે નથી.
ભણવામાં સાવ સામાન્ય રહેલો વિદ્યાર્થી પણ કોઈ બાબતમાં, કોઈ અભિગમમાં, કોઈ લાગણીમાં જુદો અને અસામાન્ય હોઈ શકે. એની વિશેષતા એણે પ્રાપ્ત કરેલા માર્ક દ્વારા પ્રગટ નથી થવાની. એ પરગજુ હોઈ શકે, એ અત્યંત સંવેદનશીલ હોઈ શકે, એ ફરજપરસ્ત હોઈ શકે, એ સાચાબોલો હોઈ શકે, એની પાસે બીજું ઘણું એવુંયે હોય જે એંસી કે નેવુ ટકાવાળાંઓ પાસે ન હોય, તો એને ભાગે લઘુતાગ્રંથિથી પીડાવું પડે એવી સ્થિતિ કેમ? ઝળહળતી ફતેહ મળે તો જ ભણ્યાં કહેવાઈએ, ટોચની સંસ્થાઓમાં દાખલ થવા જેટલા માર્ક આવે તો જ જીવન લેખે લાગે, જે કામ કરીએ એમાં ટંકશાળ પાડીએ એનું નામ સફળતા — ઈત્યાદિની ભચડાકચડીમાં શ્રેષ્ઠ હૃદયદ્રવ્ય ધરાવતાં કેટલાંયે વિદ્યાર્થીઓ ગુંગળાઈ જતાં હશે! દોડમાં પાછળ રહી ગયાંની પીડા એમનો પીછો છોડવાની નહીં, કારણ કે એવું વાતાવરણ તો સમાજે એમને આપ્યું જ નથી!
પરીક્ષા દરમિયાન અને તે પછી ભણનારાંઓનું માનસિક સંતુલન જળવાઈ રહે, એમને નકારાત્મક વિચારો ન આવે એ માટે વિવિધ પ્રકારનાં કેન્દ્રો સહાય માટે સ્થપાયાં છે. છતાં એક ખાસ પહેલ શિક્ષણ-સંસ્થાઓએ કરવા જેવી છે. વ્યક્તિત્ત્વવિકાસ એટલે કેવળ પરીક્ષાના ગુણાંક નહીં, સફળતા એટલે પંચાણુ ટકા મેળવી ઈચ્છેલી વિદ્યાશાખામાં પ્રવેશ એટલું જ નહીં, સફળતાનાં કેટલાક અણદીઠા અને સાવ નવાં પરિણામોયે હોય છે, જેનો મહિમા હજુ સુધી નથી થયો. નિષ્ફળ હોવાની શરમ શા માટે? પાછળ રહી જવું, સ્પર્ધા ટાળવી, સામાન્ય કક્ષાના રહેવું, ઝળહળવાના ચીલાચાલુ અર્થોને ફગાવી દેવા, અને પોતાની જે કંઈ વિશેષતા કે વિકસાવવા જેવી લાક્ષણિકતા હોય તેના પર ધ્યાન આપી જીવતરને સ્વચ્છ અને ઉપયોગી બનાવવું એ કેવડી મોટી વાત છે! એની યશગાથા શા માટે નહીં?
નિષ્ફળ હોવાની કે સામાન્ય રહી જવાની શરમ અને સંકોચ અનુભવતાં સહુને શોધીને એમના આત્મવિશ્વાસને મજબૂત બનાવવાનું કામ શાળા અને શિક્ષકો જેટલું સારી રીતે કરી શકે, તેટલું માબાપથી નહીં થાય. માબાપને સતત સરખામણી કર્યા કરવાની કુટેવ હોય છે, જે સહેલાઈથી છૂટતી નથી. બાળકો મોટેભોગે એમના અહંકારનું વિસ્તરણ બની જાય છે, અને પોતે જે ન કરી શક્યાં હોય એ બધું બાળકો કરી દેખાડે એવી અભિલાષા સેવવામાંથી એ બહાર નથી નીકળી શકતાં. એક એવી શાળા સંસ્થાની કલ્પના કરીએ, જ્યાં ભણનારાં કોઈને સફળતાનો નશો નથી, અને નિષ્ફળતાની શરમ નથી.
આ બંને શબ્દોના અર્થ અહીં ખાસ મહત્ત્વ રાખે છે. સફળ થનારાં અહીં પોતાના પરિશ્રમને સાનુકૂળ પ્રતિભાવ મળ્યો છે એમ સમજે છે, પણ એ કારણે અન્ય સહુ એમના કરતાં નીચલી પાયરીએ છે એવી સરખામણીમાં પડતાં નથી. જે કેવળ પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યાં છે, અને માત્ર પરિણામની દૃષ્ટિએ ધાર્યું નિશાન ચૂકી ગયાં છે, એ પણ વ્યક્તિ તરીકે સફળ થવાની તમામ શક્યતાઓ ધરાવે છે. એમનામાં ઉત્તમ માનવીય ગુણો હોવાની સંભાવના છે જે પરીક્ષાના પરિણામમાં ક્યારે ય જોઈ શકાશે નહીં. સતત સફળતાની અપેક્ષાનો અભિષેક બાળકને માથે થયા કરતો હોય ત્યારે સાવ નજીવી નિષ્ફળતા પણ એને વેરવિખેર કરી નાખે છે. જાતને પુરવાર કરવાના આગ્રહમાં અને અન્ય દબાણોમાં એ આમે ય તૂટી ગયો હોય છે, અને વધારામાં નિષ્ફળતાનો થપ્પો લાગી જાય તો એને છેવટના વિચારો આવવા માંડે છે. વળી મીડિયાને કારણે એને એવી અનેક ઘટનાઓની જાણ છે જેમાં એની જેવી સ્થિતિમાં મુકાયેલા, એની જ વયના કોઈ બાળકે આત્મહત્યા કરી લીધી હોય.
વિદ્યાર્થીઓમાં જે કોઈ આછીપાતળી શક્તિ કે સંભાવના હોય એને સંકોરવાનું કામ શાળાએ કરવાનું હોય, એને કાયમ સ્પર્ધામાં દોડવા માટે સિસોટી વગાડી વગાડીને સાવધાનની મુદ્રામાં રાખવાનું સહેજ પણ જરૂરી નથી. સફળતાની વ્યાખ્યા બદલવાની જરૂર છે. એક સારો, સહુને મદદરૂપ થવા ઈચ્છતો, પ્રામાણિક નાગરિક બધી રીતે નિષ્ફળ હોય તોયે એનું આગવું મૂલ્ય છે એની નોંધ લેવાવી જોઈએ. એના આત્મવિશ્વાસને પણ સાચવી લેવો જોઈએ. આવું થશે ત્યારે કોઈએ ‘સૉરી પાપા-મમ્મા, તમારી ઈચ્છા પ્રમાણે નથી ભણી શકાયું’ એવી ચિઠ્ઠી લખીને આપઘાત કરવો નહીં પડે.
સૌજન્ય : ‘અપેક્ષાનું ઝેર’, “દિવ્ય ભાસ્કર”,18 ડિસેમ્બર 2015