Opinion Magazine
Number of visits: 9503741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિરંજન ભગતના અનુવાદોનો સર્વસંગ્રહ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|30 July 2023

પુસ્તક પરિચય

સંજય ભાવે

વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતે કાવ્યસર્જન, વિવેચન અને અંગ્રેજી સાહિત્યના અધ્યાપન ઉપરાંત નોંધપાત્ર પ્રમાણમાં અનુવાદકાર્ય પણ કર્યું છે. તેમણે બંગાળી તેમ જ સંસ્કૃત, અને અંગ્રેજી સહિતની યુરોપીય ભાષાઓમાંથી એંશી જેટલી કૃતિઓના ગુજરાતીમાં અનુવાદો કર્યા છે.

આ અનુવાદોમાંથી ઘણાખરા અત્યાર સુધી નિરંજન ભગતના પોતાના વિવેચન સંગ્રહોમાં, કેટલાંક સંપાદિત સંચયો તેમ જ સામયિકોમાં અને નવ અનુવાદો હસ્તપ્રતો સ્વરૂપે છૂટાછવાયા હતા.

હવે તે બધા ‘નિરંજન ભગતના અનુવાદો’ નામના સંતર્પક સંચયમાં પહેલી વખત એક સાથે, પદ્ધતિસર ગોઠવણી અને સંશોધનપૂર્ણ સંપાદકીય નોંધો સાથે પ્રગટ થઈ રહ્યા છે.

અનુવાદ સંચયની મહત્ત્વની ઉપલબ્ધિ એ છે કે તેમાં સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ્‌’નો The Vision of Vasavadatta નામે પેન્ગ્વિન પ્રકાશને 1972માં પ્રસિદ્ધ કરેલો અંગ્રેજી અનુવાદ પણ મળે છે. તે આટલાં વર્ષોમાં જવલ્લે જ કોઈ વાચક-અભ્યાસીએ જોયો હોય.

એ જ પ્રમાણે કેટલીક રચનાઓની – ભગત સાહેબના શાળા સમયથી વખણાયેલા ‘સુંદર’ અક્ષરોમાં લખાયેલી – હસ્તપ્રતો પણ અહીં પહેલી વાર જોવા મળે છે.તેમાં અંગ્રેજી કવિ લી હન્ટ, ફ્રેન્ચ કવિઓ બૉદલેર તેમ જ મલાર્મેની એક-એક, વ્હિકટર હ્યુગોની બે, અને રવીન્દ્રનાથની ચાર રચનાઓની હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.

ગ્રંથના સંપાદકો રાજેન્દ્ર પટેલ, રૂપલ મહેતા અને શૈલેષ પારેખ ભગત સાહેબના વ્યક્તિત્વ તેમ જ જ્ઞાનસાધનાનાં ચાહક અને તેમના સર્જનનાં અભ્યાસી છે. 

હસ્તપ્રતોના સુવાચ્ય પુનર્મુદ્રણ, કાગળની ગુણવત્તા, અવકાશ (સ્પેસ) અને એકંદર સુરુચિપૂર્ણ નિર્માણની દૃષ્ટિએ પણ 328 પાનાંનું મોટા કદનું આ પુસ્તક ગુણવત્તાપૂર્ણ છે.

અપૂર્વ આશરના સુંદર સૌમ્ય મુખપૃષ્ઠમાં ભગત સાહેબનાં લાક્ષણિક હાસ્ય અને ચશ્માં સથેની વેધક પણ સ્નેહભરી નજરને ઉપસાવતી આછેરી બોલકી છબિ અને સાત રંગના લસરકા છે.

ગ્રંથનું પ્રકાશન નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ નામે ભાષા-સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ હાથ  ધરનાર સંસ્થાએ કર્યું છે. તેનું લોકાર્પણ 18 મે 2023ના રોજ ભગત સાહેબની 93મી વર્ષગાંઠે વિવેચક રમણ સોનીને નિરંજન ભગત સ્મૃતિ પરિતોષિક પ્રદાન સમારંભની સાથે કરવામાં આવ્યું.

‘પ્રાસ્તાવિક’માં સંપાદકો નોંધે છે : ‘સિત્તેર વર્ષના સમયગાળામાં નિરંજન ભગત વિવિધ સાહિત્યોનો અનુવાદ કરતા રહ્યા. આ અનુવાદોની સૂચિ જોતાં તેમના સાહિત્યરસની વિશાળ ક્ષિતિજોનો ખ્યાલ આવે છે.

‘એક છેડે પ્રશિષ્ટ અને પ્રાચીન સંસ્કૃત પદ્યનાટ્ય; બીજે પ્રાચીન હિબ્રૂ / લૅટિન / અંગ્રેજી બાઈબલ અને ત્રીજે, આધુનિક અંગ્રેજી / સ્પૅનિશ / ફ્રેન્ચ / એલિયટ / મિસ્ત્રાલ / બૉદલેર; અને આ બધાની વચ્ચે બંગાળી રવીન્દ્રનાથ ‌‌‌– સહુની સાથે તાદાત્મ્ય અનુભવતા નિરંજન ભગતને આ બધામાં રસ હતો અને તેમને ગુજરાતની તેમ જ વિશ્વની સાહિત્યપ્રેમી જનતા સાથે તે રસ વહેંચવો હતો.’

સેન્ટ જહૉન ઑફ ધ ક્રૉસનાં કાવ્યોનો સીધો સ્પૅનિશ ભાષામાંથી ગુજરાતી અનુવાદ ખ્રિસ્તી ધર્મગુરુ ફાધર ઇશુદાસ ક્વેલીની મદદથી કર્યો છે. આ બે સાહિત્યપ્રેમીઓ વચ્ચેની બે વર્ષની અનુવાદ પ્રક્રિયાનું ભગત સાહેબે  ટૂંકું પણ રસાળ સ્વકથન સંપાદકોએ સમાવ્યું છે.

ફ્રેન્ચ ભાષામાં સ્વશિક્ષિત ભગત સાહેબ વ્હિક્ટર હ્યૂગો, બૉદલેર અને માલાર્મેની કવિતાઓને તેમ જ મિલાન કુન્દેરાના નવલકથા પરના દીર્ઘ લેખને મૂળ ફ્રેન્ચમાંથી ગુજરાતીમાં લાવ્યા છે.

રવીન્દ્રનાથના અનુવાદો પણ બંગાળીમાંથી સીધા ઊતરી આવ્યા છે. અમૃતા પ્રીતમની ચાર કવિતાઓની સ્રોત ભાષા હિન્દી કે અંગ્રેજી એવું પ્રશ્નચિહ્ન પુસ્તકના અનુક્રમમાં છે.

સંપાદકો બીજું રસપ્રદ નિરીક્ષણ પણ આપે છે : ‘નિરંજન ભગતના અનુવાદોની પ્રેરણા સ્વેચ્છામાં નહી, પણ અન્યની ઇચ્છામાં (કે મૈત્રીસભર વિનંતીમાં) રહેલી છે કે કોઈ પ્રસંગ નિમિત્તે ઊભી  થતી આવશ્યકતામાં રહેલી છે.’ જો કે આ વિધાનમાં જે દસેક કૃતિઓ અપવાદ છે તેના નામ  પણ સંપાદકોએ નોંધ્યાં છે.

જહૉન ઑફ ક્રૉસનો અનુવાદ સંતના અવસાનની ચોથી શતાબ્દી નિમિત્તે ડિસેમ્બર 1991માં ફાધર ક્વેલીએ કરેલા સહજ સૂચન માત્રથી થયો.

રવીન્દ્રનાથની સહુથી જાણીતી કવિતા ‘Where the mind is without fear…’નું બંગાળીમાંથી કરેલું ગેય અનુસર્જન અમદાવાદની રચના સ્કૂલના સંસ્થાપક પન્નાબહેન શ્રેણિકભાઈ લાલભાઈના અનુરોધથી થયું છે.

ટાગોરના નાટ્યકાવ્ય ‘ચિત્રાંગદા’ મૃણાલિની સારાભાઈની વિનંતીથી ગુજરાતીમાં આવ્યું. નિરંજને બાઇબલની ‘બુક ઑફ યોબ’નો અનુવાદ ‘સંપૂર્ણ બાઇબલ’ને ગુજરાતીમાં લાવનાર નગીનદાસ પારેખ અને ક્વેલીની ‘વિનંતીને માન આપીને’ કર્યો.

ઘણાં અનુવાદોનું નિમિત્ત વિવેચન લેખો છે. ભગત સાહેબના મૌલિક વિવેચન ગ્રંથોની ‘સ્વાધ્યાયલોક’ નામની શ્રેણીના નવમાંથી ત્રણ ખંડો પશ્ચિમના સાહિત્યો પરના છે. તેમાં કેટલાક લેખકો / કૃતિઓ પરના વિવેચન લેખના હિસ્સા તરીકે તેમની કાવ્યકૃતિઓનો અનુવાદ છે.

‘સ્વાધ્યાયલોક’ના અંગ્રેજી સાહિત્ય પરના ખંડમાં ટી.એસ. એલિયટની દીર્ઘ એકોક્તિ ‘લવ્હ સૉન્ગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રૂફ્રૉક’ તેમ જ ડબ્લ્યુ.બી. યેટસનું ઊર્મી કાવ્ય, અને ‘અમેરિકન સાહિત્ય’ ખંડમાંથી ડબ્લ્યુ.એચ. ઑડનની એક રચના અલબત્ત મૂળ ભાષામાંથી જ ગુજરાતીમાં આવ્યાં છે.

ગ્રીક, લૅટિન, જર્મન, સ્પૅનિશ અને ઇટાલિયન કવિઓ અનુક્રમે સાફો, વર્જિલ, ગઅટે, મિસ્ત્રાલ અને કાસ્પિમોદોની રચનાઓના અંગ્રેજી ભાષાંતર પરથી કરેલા અનુવાદ ‘યુરોપીય સાહિત્ય’ ખંડમાંથી મળે છે.

રૉબર્ટ ફ્રૉસ્ટની પાંચ રચનાઓ ‘કવિતા’ સામયિકમાં અને કુન્દેરાનો નિબંધ ‘સંસ્કૃતિ’માં પ્રસિદ્ધ થયેલાં છે. ટાગોરના ચાર ગદ્ય લખાણોનો અનુવાદ ‘અમદાવાદમાં રવીન્દ્રનાથ : Tagore in Ahmedabad’ નામના દ્વિભાષી પ્રકાશન માટે છે. કવિવરના દરેક લખાણ માટેનું સંપાદકોએ અહીં નોંધેલું નિમિત્ત ધ્યાનપાત્ર છે.

નિરંજન ભગતે ‘સ્વપ્નવાસવદત્તમ્‌’નો અનુવાદ મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો અને તે અમેરિકામાં ભજવાયો. આ અંગે સંપાદકોએ સંશોધનપૂર્ણ માહિતીલેખ આપ્યો છે. તેને અંતે લખ્યું છે :

‘1960ના દાયકામાં એક ગુજરાતી લેખકે કરેલા સંસ્કૃત નાટકના અંગ્રેજી અનુવાદ ઉપરથી ન્યૂયૉર્કમાં અમેરિકન કલાકારો નાટક ભજવે એ એક અગત્યની સાંસ્કૃતિક ઘટના અવશ્ય કહેવાય. તેમાં અનુવાદ અને અનુવાદકના યોગદાનની નોંધ સરખી પણ ન લેવાય એ અક્ષમ્ય ઉપેક્ષા ન કહેવાય ?

‘આ અનુવાદ અને તેની સાથે સંકળાયેલી અન્ય હકીકતો ગુજરાતી સાહિત્યિક વર્તુળોના ધ્યાનમાં આવ્યાં હોય એમ જણાતું નથી.’

‘નિરંજન ભગતનું છપાયેલું પ્રથમ કાવ્ય પોતાના જ ગુજરાતી કાવ્યનો અંગ્રેજી અનુવાદ છે’ એ હકીકત સંપાદકો દસ્તાવેજી આધાર સાથે સાબિત કરે છે. 

‘નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિનો આરંભ અનુવાદથી થયો હતો’ એવું બીજું ફલિત પણ સંપાદકોએ આપ્યું છે. તે આધારપૂર્ણ છે, છતાં તેમાં કવિ-અનુવાદક માટેના આદરમાંથી આવેલી દુરાકૃષ્ટતા જણાય છે.

આ સંપાદન મૂલ્યવાન તટસ્થ દસ્તાવેજીકરણ સ્વરૂપનું એ અર્થમાં છે કે તેમાં અત્યારે  જવલ્લે જ કોઈ કૌટુંબિક વારસદાર ધરાવનારા આપણા એક મૂર્ધન્ય સાહિત્યકારના સાક્ષરજીવનનું એક મહત્ત્વનું પાસું સચવાઈ ગયું છે.

સંપાદકોએ અનુવાદની ગુણવત્તા વિશેની ભાગ્યે જ કોઈ ટિપ્પ્ણી કરી છે. નિષ્ઠાપૂર્ણ સંપાદનની કેટલીક ગૌણ મર્યાદાઓ તેમ જ અનુવાદની એકંદર ગુણવત્તાની તટસ્થ સમીક્ષા અભ્યાસીઓ પાસે અપેક્ષિત છે.

ભગતસાહેબના અનુવાદ તેમ જ સંપાદનકાર્ય વિશે અંગ્રેજીમાં પણ વાંચવા મળે છે. તે શૈલેષ પારેખે લખેલા ખૂબ મહત્ત્વના મૉનોગ્રાફ Niranjan Bhagatનું  સાતમું પ્રકરણ છે.

આ મોનોગ્રાફ આપણા સમયના ગુજરાતના જ્ઞાની કવિ-વિવેચકના જીવન-કવન અને સર્જનકાળનો દુનિયાભરના વાચકોને સર્વગ્રાહી વિશદ પરિચય મળે તે પરિપ્રેક્ષ્યથી લખાયો છે.

ભગત સાહેબ પરનું આ પહેલવહેલું અંગ્રેજી પુસ્તક આ જ વર્ષે સાહિત્ય અકાદમી(દિલ્હી)એ પ્રસિદ્ધ કર્યું છે. તેની કેટલીક પ્રતો શૈલેષભાઈએ રસ ધરાવનાર વાચકો માટે ભેટ તરીકે સાહિત્ય પરિષદના સંકુલમાં આવેલા ‘ગ્રંથ વિહાર’ પુસ્તકભંડારમાં મૂકી હતી.

શૈલેષ પારેખે છેક 2006માં ભગત સાહેબના કાવ્યોનો અનુવાદ કર્યો છે, જે Niranajan Bhagat in English : Sixty Six Poems (ગુજરાતી સાહિત્ય પરિષદ, 2004) નામે પ્રસિદ્ધ થયો છે. તેના  પ્રકાશન અવસરે  23 જાન્યુઆરી 2005ના રોજ  ભગતસાહેબે એક વ્યાખ્યાન કર્યું હતું. 

એ અંગ્રેજી વ્યાખ્યાન વિશ્વસાહિત્યના સર્જકોની અનેક રીતે પડકારરૂપ કૃતિઓના અનુવાદો કરનાર નિરંજન ભગતે અનુવાદ વિશે સિદ્ધાંતચર્ચા તરીકે કરેલું સંભવત: એકમાત્ર જાહેર ઔપચારિક રેકૉર્ડેડ ઉચ્ચરણ છે. તેનો દરેક શબ્દ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક છે.

તે વ્યાખ્યાનના એક અંશનો અનુવાદ પુસ્તકના ચોથા અવરણ પર છે. અનુવાદક નિરંજન ભગત કહે છે :

‘… ઘણું ગુમાવવા છતાં અનુવાદને કારણે ઘણું મળે છે. અનુવાદ એક પડકાર પણ છે અને એક સમાધાન પણ છે … સાહિત્યનો મૂળભૂત ઉદ્દેશ સંપર્ક સાધવાનો, સત્ય કહેવાનો તેમ જ આનંદ, આતંક, વિજય અને વેદના વ્યક્ત કરવાનો છે.

‘તેથી જ દરેક ભાષાના સાહિત્યનો અનુવાદ બીજી બધી જ ભાષાઓમાં કરવો જ પડશે. જેમ વીસમી સદી  વિવેચનની સદી હતી તેમ એકવીસમી સદી અનુવાદની સદી હશે.’ 

‌‌‌‌‌‌—————–‌‌‌‌‌‌‌‌‌‌‌‌——————————————————— 

પુસ્તકનાં  પ્રાપ્તિસ્થાન: 

– ગૂર્જર સાહિત્ય ભવન, 070-22144266, 22149260, મો. 9825268759 

– ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદવાદ. સંપર્ક : 079 -2657949, મો. 98987 62263. રૂ.500/- 

30 જુલાઈ 2023
[1000 શબ્દો] 
[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા લેખનો ઉમેરણ સાથેની version]   
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

30 July 2023 Vipool Kalyani
← અવિશ્વાસની વધતી ખાઈ : મણિપુરથી સંસદ સુધી
એક પતિપરાયણ ચીની હિંદુ નારી →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved