નિમેષે અણધારી વિદાય લીધી. અમદાવાદની નાટ્યપ્રવૃત્તિમાં મારો ઘણો જૂનો અને નિકટનો સાથી. કેટલાં બધાં વર્ષો અમે બંનેએ અમારી રીતે અનેકવિધ નાટકો ભજવ્યાં. મારી યાદદાસ્તમાં મેં તેની પ્રથમ ૧૯૭૬માં એકોકિત જોયેલી પિરાન્દેલો લિખિત – ‘જેનાં મોમાં મોતે મૂક્યું ફૂલ’. આ એકોક્તિનું વિચારવસ્તુ, નિમેષનો અભિનય, પ્રકાશ-આયોજન અને પાર્શ્વસંગીતનો ઉપયોગ મને અનહદ સ્પર્શી ગયેલો અને સાનંદાશ્ચર્ય થયેલું કે અમદાવાદમાં પણ એન.એસ.ડી. જેવી સફાઈ કોઈ નાટક ભજવી જાણે છે, અને તે પણ આટલો નાનો યુવાન કલાકાર!
શરૂશરૂમાં અમે સાથે કામ કરેલું. અમદાવાદમાં મારા સૌપ્રથમ નાટક ‘આલ્બટ્ર્સ બ્રીજ’(૧૯૭૬)માં તેણે બહુ સુંદર ભૂમિકા ભજવેલી, જેને ઘણા વયસ્ક પ્રેક્ષકો આજ સુધી ભૂલ્યા નથી. એ પછી જ્યારે દિનેશ હૉલમાં મારા ગ્રૂપે કેટલાક એકાંકીઓનો મહોત્સવ કર્યો, ત્યારે પણ તેમાં નિમેષે મારા આગ્રહને માન આપી એક એકાંકી તૈયાર કરાવેલું. છેલ્લે વર્ષ ૨૦૦૨માં નાટક ‘સૉક્રેટિસ’માં મુખ્ય ભૂમિકા માટે મેં નિમેષનો વિચાર કરેલો. અને મારા ઘરે બેત્રણ રિડિંગ પણ કરેલાં પણ કમનસીબે કેટલાંક કારણોસર એ નાટક ભજવી શકાયું નહીં. જ્યારે જ્યારે પણ હું ફોન કરતો, ત્યારે મારો અવાજ સાંભળીને ખુશી વ્યક્ત કરતો અને કહેતો કે “આજકાલ નાટકની વાત કરવા મારી આસપાસ સમોવડિયા જેવું કોઈ રહ્યું નથી, દોસ્ત, અને જે કોઈ છે, તેમની જોડે બહુ મેળ બેસતો નથી. એટલે તું યાદ કરે તો ખરેખર મઝા પડે છે.”
મને યાદ આવે છે કે ૧૯૭૫-૭૬ના ગાળામાં ગુજરાતી નાટ્યક્ષેત્રે, અભિનયમાં તેમ જ નાટકની એકંદર ભજવણીમાં સશક્ત રીતે ઊભરી આવનાર કલાકાર હતો નિમેષ દેસાઈ. તેણે ‘કોરસ’ જૂથની રચના કરીને માત્ર બે પાંચ વર્ષમાં જ બહુ નોંધપાત્ર નાટકો ભજવેલાં. શરૂઆતના ગાળામાં નિમેષે ભજવેલાં નાટકોને હું રંગભૂમિનો નિર્ણાયક ગાળો ગણું છું. એ વર્ષોમાં અમદાવાદની નાટ્યપ્રવૃત્તિમાં જાણે નવો પ્રાણ ફૂંકાયેલો. બહુ ટાંચાં સાધનો, નાટક માટે જરૂરી તમામ સગવડોના અભાવ વચ્ચે નિમેષે ગાંઠના ખર્ચે બહુ ઊંચી કક્ષાનાં નાટકો ભજવીને એક તાજગીસભર વાતાવરણ તૈયાર કરેલું. નિમેષ પોતે એક બહુ કાબેલ નટ હતો, દિગ્દર્શક હતો, વધુમાં સરસ ગાયક હતો. તેનો ઘૂંટાયેલો અવાજ, સંવાદો આરપાર ઊતરે એવી આરોહ-અવરોહની અદ્ભુત વાક્છટા અને સમજણભર્યા અભિનયની સંયમિત તીવ્રતા પ્રેક્ષકોને સ્પર્શી જતી. તેણે અનેકાનેક નાટકોનાં રૂપાંતરો પણ ભજવ્યાં અને મૌલિક પણ ભજવ્યાં.
લગભગ મોટા ભાગના લેખકો-કવિઓ સાથે નિમેષના નિકટના સંબંધો હતા. ખાસ તો તે હંમેશાં સારાં નાટકોની ખોજમાં રહેતો. હર કોઈ લેખકને તે મૌલિક લખી આપવા કે ભાષાંતર કરી આપવા ઉશ્કેરતો રહેતો. ગુજરાત તેમ જ દેશભરના લેખકોએ લખેલાં નાટકોનો તેની પાસે મોટો ભંડાર હતો. તેને ગીતસંગીત અતિપ્રિય હતાં. તેનો ખરજવાળો ગુંજતો અવાજ અને શબ્દોના શુદ્ધ રણકતા ઉચ્ચારો શ્રોતાઓને તત્કાળ પ્રભાવિત કરતા. વાજિંત્રોની સંગત વગર પણ તેનાં ગીતો સાંભળવા ગમતાં. તેના આ પ્રેમને કારણે જ તેણે ઘણાં સંગીતનાટકો ભજવ્યાં, જેમાં તેને ગાવાની તક મળે. ગીતોની સ્વરચના પણ તે જાતે જ તૈયાર કરતો. પાછળનાં વર્ષોમાં તેણે નાટકો ઉપરાંત જૂની અને નવી રંગભૂમિનાં ગીતો ગાવાના પણ ઘણા કાર્યક્રમો કરેલા.
તે જ્યારે પણ ગુજરાતબહારનું કોઈ કોટિનું નાટક જુએ, ત્યારે દર વખતે ભીતરથી વિચલિત થઈ ઊઠતો કે “આપણે કેમ એટલું ઉચ્ચ કોટિનું નથી કરી શકતા?” અમે બંને જાણતા હતા કે તેની પાછળ જવાબદાર અમારી સમસ્યાઓ કઈ છે! ઘણી વાર તેણે એ વ્યથા પણ વ્યક્ત કરેલી કે “હું એક નટ છું, કલાકાર છું; મૅનેજર કે શો-ઍરેન્જર નથી. એક વાર નાટક બનાવી લીધા બાદ તેને કેવી રીતે ચલાવવું, તેના આર્થિક પાસાં કેવી રીતે સરભર કરવા, શૉઝ કેવી રીતે વેચવા, તેની પ્રસિદ્ધિ કેવી રીતે કરવી વગેરે મને આવડતું નથી. મારી બધી શક્તિ નાટક બનાવવામાં જ ખર્ચાઈ જાય છે. તેના માર્કેટિંગ માટે મારી પાસે ન તો કોઈ આવડત છે, ન પૈસા.” અને ફરિયાદ છતાં તેણે સહેજ પણ હાર્યા કે થાક્યા વગર વર્ષો સુધી મનગમતાં નાટકો ભજવવા ચાલુ રાખ્યાં.
ગુજરાતના નાટ્ય ક્ષેત્રે નિમેષે કેવું ગંજાવર કામ કરી દેખાડ્યું એ તો જરા જુઓ! ૧૯૭૪-૭૫થી શરૂ કરીએ તો ‘વી થિયેટર’ તરફથી બેકેટનું સુભાષ શાહ અનુવાદિત-દિગ્દર્શિત નાટક ‘Crapp’s Last Tape’, ‘ઍન્ડ-ગેઇમ’. ચૅખોવનું ‘સ્વાનસોંગ’, અર્ન્સ્ટ ટૉલરનું સુન્દરમ્ અનુવાદિત ‘હિંકમાન’, એ પછી લૉર્કા લિખિત-મહેન્દ્ર અમીન અનુવાદિત નાટક ‘રણને તરસ ગુલાબની’ (યર્મા), બેકેટનું ‘વેઇટિંગ ફોર ગૉદો’, બ્રેખ્તનું રમેશ પારેખ રૂપાંતરિત નાટક ‘સગપણ એક ઉખાણું, એડમંડ રૉસ્ટાંડના ‘સિરેનો’ પરથી ચિનુ મોદીએ કરેલ રૂપાંતર ‘શુકદાન’, એથૉલ ફુગાર્ડનું ‘સ્વપ્નભંગ’, ચિનુ મોદી દ્વારા ફિલ્મ ‘ફિડલર ઑન ધી રૂફ’નું ગામઠી ગુજરાતી સંસ્કરણ ‘ઢોલીડો’, ટૉલ્સ્ટૉયનું ‘પાવર ઑફ ડાર્કનેસ’ (અંધારાના સીમાડા) વગેરે. આ યાદી તો માત્ર યાદ રહી જનારાં નાટકોની છે, બાકી નિમેષે ભજવેલાં તમામ નાટકોની યાદી તો હજુ ઘણી લાંબી થવા જાય છે.
નિમેષના આ શરૂઆતનાં દસપંદર વર્ષની ઉજ્જ્વળ કારકિર્દીમાં તેની કલાકાર-પત્ની ગોપી દેસાઈનો ફાળો પણ સહેજે ભૂલવા જેવો નથી. ગોપી પોતે એક કુદરતી, મંજાયેલી, પ્રભાવશાળી અભિનેત્રી. ઉપર્યુક્ત ઘણાંખરાં નાટકોની સફળતામાં ગોપીનો અભિનય પણ એટલો જ યાદગાર ગણવો પડે. થિયેટર માટેનું નિમેષ અને ગોપીનું કમિટમેન્ટ જુઓ કે એટલી યુવાન વયે નિમેષના જ પ્રોત્સાહનથી ગોપી નિમેષને છોડીને ત્રણ વર્ષ માટે દિલ્હી, એન.એસ.ડી.માં નાટકોનો અભ્યાસ કરવા ગયેલી.
જો આપણાં ગુજરાતી નાટ્યલેખકો કે વિવેચકો ‘મૌલિક કોઈ ભજવતું નથી’ની ફરિયાદ કરતા હોય તો એ ફરિયાદ કમસે કમ નિમેષને લાગુ પડતી નથી. એટલી હદ સુધી કે મૌલિક નાટકો કાચાં હોય તો પણ નિમેષે તેને પોતાની ભાષાનું નાટક ગણીને તેને ભજવવાની હામ ભીડી છે. આમ, મારા મતે નિમેષને ખાસ યાદ કરવો જોઈએ સૌથી વધારે સંખ્યામાં ગુજરાતી મૌલિક નાટકો ભજવવા માટે. આ સાથેની યાદી જોઈને જ તમને આનંદ થશે કે તેણે કેટલાં બધાં મૌલિક નાટકો હોંશથી ભજવ્યાં છે? જેમ કે, રઘુવીર ચૌધરીનાં નાટકો ‘અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા’, સુભાષ શાહનું ‘સુમનલાલ ટી દવે’, લાભશંકર ઠાકરનાં નાટકો ‘મરી જવાની મઝા’, ‘મનસુખલાલ મજિઠિયા’, ‘પીળું ગુલાબ’, ‘કાહે કોયલ શોર મચાયે રે’, ચિનુ મોદીનાં નાટકો ‘જાલકા’, ‘નૈષધરાય’, ‘નાગર નરસૈંયો’, સિતાંશુ યશશ્ચંદ્રનું ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા’, નવલકથાઓ પરથી કરાયેલાં નાટકોમાં ર.વ. દેસાઈનું ‘ભારેલો અગ્નિ’, પન્નાલાલ પટેલનાં ‘વળામણાં’, ‘મળેલા જીવ’ અને ‘ફકીરો’, મુનશીનું ‘પૃથિવીલ્લભ’ વગેરે. આ ઉપરાંત ભારતીય ભાષાઓનાં નાટકોમાં ધર્મવીર ભારતીનું ‘અંધાયુગ’, મહેશ એલકુંચવરનું ‘હોલી’, મણિ મધુકરનાં ‘દુલારીબાઈ’ અને ‘રસગાંધર્વ’, સર્વેશ્વર દયાલ સક્સેનાનું ‘બકરી’, મોહિત ચેટરજીનું ‘રાજાધિરાજ’ (ગિનીપિગ), વગેરે.
નિમેષ માત્ર ને માત્ર નાટકનો જીવ હતો. નાટકની જ લાયમાં ને લાયમાં તેણે ઇસરોમાં ટીવીનિર્માતા તરીકેની કાયમી નોકરી પણ છોડી દીધી. વર્ષો બાદ આવકનો કોઈ નિશ્ચિત સ્રોત નહીં હોવાને કારણે તેના પર જે આર્થિક દબાણ આવ્યું તેણે તેને સારો એવો પરેશાન કર્યો. અંગત જીવનમાં પણ એકલતા, મનોસંઘર્ષ, આર્થિક સંકડામણો, કથળતી તબિયત, વર્તમાનમાં નાટકની ઘટતી જતી લોકપ્રિયતા, સતત નવું કામ ખોળવાની ઝંઝટ, વગેરેએ નિમેષની પ્રાણશક્તિને નબળી પાડી હોય એવું કલ્પી શકાય. બાકી, આવી પરિસ્થિતિ વચ્ચે પણ તેના અવસાનના આગલા ત્રણેય દિવસ તે એક દસ્તાવેજી ફિલ્મના કામમાં સતત વ્યસ્ત રહેલો.
સૌને સવાલ થાય કે નિમેષ નાટક માટેના પૈસા ક્યાંથી લાવતો હશે? તેના જીવનમાં ક્યારે ય તેણે લાખો રૂપિયા રળી આપે એવાં નાટકો તો કર્યાં નહોતાં. નહોતી એની પાસે બાપીકી મિલકત, નહોતી પોતાની કોઈ બચત કે નહોતી કોઈની કાયમી મદદ. હા, વચ્ચે-વચ્ચે સરકારી યોજનાઓનો લાભ મળતો, પરંતુ જ્યારે પણ તેના હાથમાં પૈસા આવતા, ત્યારે પૂરેપૂરા તેને નાટક પાછળ ખરચી નાખતો. તેણે ક્યારે ય તેનાં અંગત સુખસગવડ પાછળ નાણાં ખર્ચ્યાં હોય, બચત કરી હોય, મોટી ખરીદી કરી હોય એવું જોવા મળ્યું નથી. તેની જીવનશૈલી અત્યંત સાદી હતી. નાટક સિવાય બીજાં કોઈ ખર્ચાળ શોખ કે વ્યસનો તેને નહોતાં. આમ છતાં દોસ્તો પાછળ ઉદાર દિલે પૈસા ઉડાવી દેતો.
નિમેષની અઢળક પ્રશંસાની સાથે સાથે મારે તટસ્થપણે એ પણ નોંધવું જોઈએ કે તેની કારકિર્દીનાં શરૂઆતનાં દસ-પંદર વર્ષ નિમેષે ઘણું ઉત્કૃષ્ટ કક્ષાનું કામ કર્યું. પણ પછી કોણ જાણે કેમ, તે ગુણવત્તા અવગણીને નાટકોની સંખ્યા વધારવા તરફ ખેંચાઈ ગયો. એક જ મહિનામાં તે ત્રણ- ત્રણ અઘરાં નાટકો તૈયાર કરાવીને ભજવી નાખતો. એક એક અઠવાડિયામાં ત્રિઅંકી નાટકો પણ તૈયાર કર્યાંના દાખલા બન્યા છે. કલાકારોની પસંદગીમાં પણ આગ્રહી નહોતો રહ્યો. જે મળે તેની જોડે કામ કરવા એ તૈયાર હતો. આ બાબતે મારી જોડે તેને મતભેદ હતો. તેણે મારી સામે પણ નારાજગી વ્યક્ત કરેલી કે “તેં શા માટે નાટકો કરવાં છોડી દીધાં? સારા કલાકારો મળે તો જ નાટક થાય એવું કોણે કહ્યું?” જ્યારે હું એવા મતનો હતો કે નાટક જેટલું ઊંચું પસંદ કરો, કલાકારો એટલા જ ઊંચા જોઈએ. નાટક એ ફિલ્મ નથી. નાટક નટનું માધ્યમ છે. નબળા કલાકારોથી ઉત્કૃષ્ટ પરિણામ લાવી શકાય નહીં. પણ કોણ જાણે, (હળવી રીતે કહું તો) દેવઆનંદની જેમ નિમેષ પણ તેના પાછલા તબક્કામાં બસ, એક પછી એક નવાં નાટકો સળંગ ભજવ્યે જવાના મોહમાં આવી ગયો. મારો મત એ હતો કે ગુજરાતી પ્રેક્ષકો આમે ય આપણાં કલાત્મક નાટકો જોવા આવતાં ખચકાય છે. નિર્માણ નબળું જોશે, તો વધારે દૂર જતા રહેેશે.
પોતાનાં ખાસ સ્વભાવ, પ્રકૃતિ વગેરેને કારણે નિમેષને કેટલાક કલાકારો જોડે અવારનવાર મતભેદ અને ઘર્ષણનો પણ સામનો કરવાનો આવ્યો. પણ એ બધામાં નિમેષનો એક ખાસ જાદુ, કરિશ્મા કે આકર્ષણ તો સતત રહ્યાં કે તેનાથી નારાજ થઈને જતાં રહેલા કલાકારો પણ સમય જતાં જો નિમેષ ફરીથી બોલાવે તો તેની જોડે કામ કરવા લલચાતા. પેલું કહે છે ને કે “Either you love him or hate him, but you cannot ignore him”. નિમેષની વિશેષતા પણ આ જ હતી. કદાચ તેની ભીતરની ‘strong passion’ને દાદ આપીને લોકો મનોમન સમાધાન કરી લેતા હશે.
નિમેષ ધાર્યા કરતાં ઘણો વહેલો વિદાય થયો. તે દિવસે સ્મશાનમાં સાંભળેલું કે મૃત્યુના દિવસે જ તેનું મોતિયાનું ઑપરેશન નક્કી થયેલું. કહે છે કે આગલી રાત તેણે એ ભયમાં ડરતાં ડરતાં કાઢી કે “ઑપરેશન પહેલાંનું એનૅસ્થેટિક ઇંજેક્શન કેટલું પીડાદાયક હશે અને તે કેવી રીતે સહન કરી શકશે?” આ પરથી મેં મન મનાવ્યું કે ભવિષ્યમાં આવનારી વૃદ્ધાવસ્થાની કોઈ જ લાંબી શારીરિક પીડા ભોગવ્યા વગર મારો કલાકારમિત્ર ભરઊંઘમાં જ આ દુનિયા છોડી ગયો.
આવજે મારા દોસ્ત, ઈશ્વર તારા આત્માને પરમશાંતિ આપે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 12-13