
રાજ ગોસ્વામી
2016માં, કાઁગ્રેસના સભ્ય જયરામ રમેશ રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહ્યા હતા ત્યારે ગૃહના નેતા અને તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલી વચ્ચે વિનોદ થયો હતો. જયરામે કહ્યું હતું, “આમ તો મહાત્મા ગાંધીએ અમને ખાદી સ્પિન કરવાનું (કાંતવાનું) શીખવાડ્યું હતું, પણ અહીં ગૃહના નેતા તથ્યોને સ્પિન કરવામાં (મરોડવામાં) માહેર છે.” સભ્યોના હાસ્ય વચ્ચે જયરામે પછી ઉમેર્યું હતું, “હું નિવૃત્ત થઇ રહ્યો છું ત્યારે મને ક્રિકેટર વિજય મર્ચન્ટના જાણીતા શબ્દો યાદ આવે છે. તે જ્યારે નિવૃત્ત થયા, ત્યારે કોઈએ તેમને પૂછ્યું હતું, “તમે કેમ જાઓ છો?” તો જવાબમાં મર્ચન્ટે કહ્યું હતું કે, “લોકો એવું પૂછવા લાગે કે ‘કેમ જતા નથી’ તેના કરતાં એવું પૂછતા હોય કે ‘કેમ જાવ છો’ ત્યારે જ નિવૃત્ત થઇ જવું જોઈએ.”
જેટલીનો વારો આવ્યો ત્યારે તેમણે હસતાં-હસતાં કહ્યું કે આવું વિજય મર્ચન્ટે નહીં પણ સુનીલ ગાવસ્કરે કહ્યું હતું. જયરામ રમેશ તરત બોલ્યા, “મેં નહોતું કહ્યું કે આ જબ્બર સ્પિન કરે છે!”
આ કિસ્સો યાદ આવવાનું કારણ ન્યુઝીલેન્ડનાં પ્રધાન મંત્રી જેસિંડા અર્ડન છે. 19મી જાન્યુઆરી તેમણે પ્રધાન મંત્રી પદ પરથી અને પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અગામી ઓકટોબરમાં યોજાનારી ચૂંટણીઓમાં પણ તે ઊભા નહીં રહે.
“પ્રધાન મંત્રી તરીકે મેં મારું સર્વસ્વ આપ્યું હતું, પણ એમાં હું ખાલી થઇ ગઈ છું. મારી પાસે આ પદ પર રહીને જવાબદારી નિભાવાની ઉર્જા બચી નથી. મેં અનેક પડકારોનો સામનો કર્યો છે. હું એક માણસ છું. રાજકારણીઓ પણ માણસ હોય છે,” એમ તેમણે કહ્યું હતું.
જેસિંડા અર્ડન માત્ર 42 જ વર્ષનાં છે. 17 વર્ષની ઉંમરે તેઓ લેબર પાર્ટીમાં જોડાયાં હતાં. 2008માં તે સંસદ સભ્ય તરીકે ચૂંટાયાં હતાં. 2017માં, 37 વર્ષની ઉંમરે, તેઓ ગઠબંધનની સરકારમાં પ્રધાનમંત્રી બન્યાં હતાં. દુનિયાનાં સૌથી નાની ઉંમરે પ્રધાન મંત્રી બનનાર જેસિંડા જે રીતે રાજકારણમાંથી સન્યાસ લીધો છે, તેની દુનિયામાં વાહવાહી થઇ છે. રાજકારણ રાજકારણની જગ્યાએ છે પણ એવું કોણ કહે કે મારી પાસે સત્તામાં રહેવાની ઉર્જા નથી, અને હું જો રહીશ તો તેમાં ન્યુઝીલેન્ડનું નુકસાન થશે?
ન્યુઝીલેન્ડમાં આવું પહેલીવાર નથી થયું. જેસિંડાના પુરોગામી પ્રધાન મંત્રી જોહ્ન કે 2016માં આવી જ રીતે પદ છોડી ગયા હતા. તે આઠ વર્ષથી પ્રધાન મંત્રી હતા. અચાનક તેમણે મીડિયા સામે આવીને કહી દીધું કે તેમણે “આ પદ પર રહીને દેશ માટે જેટલું થાય એટલું કર્યું છે પણ હવે પરિવાર સાથે વધુ સમય ગુજારવો છે.” તેમની સામે ન તો કોઈ પડકાર હતો કે ન તો કોઈ વિરોધ. તેમણે સ્વેચ્છાએ જ નક્કી કર્યું હતું કે “હવે બહુ થયું.”
આપણે ત્યાં ઊંધું છે. આપણે ત્યાં નેતાનો પરિવાર ન હોય તે ગુણ કહેવાય છે અને જે નેતા પરિવારની ચિંતા કરે તે અવગુણ ગણાય છે. આ સંસ્કૃતિનો ફરક છે. આપણે ત્યાં પરિવાર ન હોય અને બુઝુર્ગ હોય તેવો નેતાને આપોઆપ ઋષિ-મુનિ જેવું સન્માન મળવા લાગે છે. યુવાન નેતાને અહીં શંકાની નજરે જોવામાં આવે છે.
એટલા માટે ભારતમાં રાજકારણ એક માત્ર એવો વ્યવસાય છે જેમાં કોઈ નિવૃત્ત થતું નથી. દરેક નેતાને એવું લાગે છે કે ઈશ્વરે તેમને આ સ્પેશ્યલ જવાબદારી સોંપી છે અને તેમણે મરતે દમ તક તેને નિભાવવી જોઈએ. જૂનાં જમાનામાં રાજા-મહારાજાઓ એવું માનતા હતા કે તેઓ ઈશ્વરની સત્તાના સીધા વારસદાર છે અને તેમને લોકોનું કલ્યાણ કરવા માટે જ નીચે મોકલ્યા છે. એટલા માટે રાજાશાહીમાં ચૂંટણી થતી નહોતી. રાજાનો વારસ સીધો રાજા બનતો હતો. ઝવેરચંદ મેઘાણીએ તેના માટે ‘દેવના દીધેલ’ શબ્દ વાપર્યો હતો; અમુક લોકો ઈશ્વરની ખાસ નજીક હોય છે અને તે બીજાઓથી ઉપર છે.
ભારતમાં પશ્ચિમની તર્જ પર લોકશાહીની વ્યવસ્થા લાવવામાં આવી છે પણ ‘દેવના દીધેલ’ની માનસિકતા સમાજમાંથી ગઈ નથી. જેસિંડા ભારતીય રાજકારણ માટે એક મિશાલ છે. ભારતમાં, વિજય મર્ચન્ટના શબ્દોમાં કહીએ તો, જવાનું કહે તો પણ રાજકારણીઓ જતા નથી, સામેથી જવાનું તો દૂરની વાત છે. કોઈ એવી દલીલ કરે કે સમાજ સેવા નોકરી નથી, એ લોકકલ્યાણ માટેની ભાવના છે, એટલે માણસ તેને આજીવન કરતો રહે છે.
સિદ્ધાંત તરીકે આ વાત સાચી છે પરંતુ ભારતમાં રાજનીતિ કોઇ પણ બિઝનેસ કે નોકરીની જેમ એક વ્યવસાય બની ગઈ છે એ પણ એક હકીકત છે. રાજકીય પક્ષોનું સંચાલન કોઈ કોર્પોરેટ કંપનીની જેમ જ થાય છે. તેમાં એ રીતે જ પ્રવેશ મળે છે, પ્રમોશન મળે છે, બેનિફિટ મળે છે, તેમાં એવી જ જવાબદારીઓ હોય છે, તેનું મૂલ્યાંકન થાય છે. લોકો રાજકારણમાં સેવા કરવા નથી જોડાતા. કેરિયર બનાવા જોડાય છે.
2004માં, યુવા કાઁગ્રેસ નેતા સચિન પાયલોટે એક લેખમાં લખ્યું હતું કે 65 વર્ષની ઉંમરે તમામ રાજકારણીઓને નિવૃત્ત કરી દેવાનો એક કાયદો લાવવો જોઈએ. સચિને કહ્યું હતું કે બુઝુર્ગો જતા નથી એટલે જ નવી યુવાન નેતાગીરી વિકસતી નથી. તેમની વાત તેમના માટે જ સાચી પડી છે. રાજસ્થાનના 71 વર્ષના મુખ્ય મંત્રી અશોક ગહેલોત હજુ ય સચિનને એડી નીચે દબાવી રાખીને બેઠા છે.
ભારતના રાજકારણમાં પાવર અને પૈસાનો દબદબો એટલો છે કે એક વાર કોઈ ‘લોહી’ ચાખી લે પછી તેને જવા ન દે. આપણે ત્યાં એક ઉદાહરણ ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીનું છે. ઇન્દિરા ગાંધીએ 1975માં દેશમાં કટોકટી એટલા માટે લાદી હતી કારણ કે તેમની સામે વ્યાપક વિરોધ હતો અને તેમની ખુરશી જોખમમાં હતી. જેસિંડા અને જોહ્ન કે તો કોઈએ કહ્યું નહોતું છતાં પરિવાર માટે સત્તા છોડી ગયાં હતાં, પણ તમે એવી કલ્પના કરી શકો કે ઇન્દિરા રેડિયો પર આવીને એવી ઘોષણા કરે કે તેમણે દેશ માટે બનતું કર્યું છે પણ હવે પરિવાર માટે સમય આપવો છે?
તેમણે એવું ન કર્યું કારણ કે તેઓ માનતાં હતાં કે લોકોની સેવા કરવાનો તેમને ‘અધિકાર’ છે અને તે છેલ્લા શ્વાસ સુધી સેવા કરશે. વાસ્તવમાં, ભારતમાં મરતે દમ તક સેવા કરવાની વાત કરનાર નેતા(જેવું ઇન્દિરાએ કહ્યું હતું)માં પ્રજા વધુ વિશ્વાસ મૂકે છે, નહીં કે જે એવું કહે કે ‘હવે બહુ થયું.’ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પહેલીવાર મુખ્ય મંત્રી બન્યા ત્યારે સૈદ્ધાંતિક કારણોને આગળ ધરીને તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે આ જ પ્રજાએ તેમને કાયર અને બાલીશ ગણાવ્યા હતા.
તેની સામે, 1996માં અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા હતા. તેમની પાસે બહુમતી નહોતી. તેઓએ એ આશામાં સત્તા સંભાળી હતી કે અન્ય પક્ષો તેમને સંસદમાં મત આપશે. બહુમતી મેળવવા માટે તેમણે કોઈ કાવાદાવા કર્યા નહોતા. એ પછી 1999માં, વાજપેયીની સરકાર 13 મહિના ચાલી હતી અને વિશ્વાસના મતમાં એક જ મતથી તે તૂટી પડી હતી. આજે કોઈ નેતા એક મતથી ચૂંટણી હારે તો પણ સ્વીકારવા તૈયાર નથી હોતા. ઊલટાનું, મતો ખરીદવાનું કે પક્ષપલટો કરાવાનું એટલું સહજ થઇ ગયું છે કે પ્રજાને એમાં કોઈ અપરાધ દેખાતો નથી.
તેની સામે, 1998માં, પ્રધાન મંત્રી બન્યાના સાત મહિનામાં જ એક સમાચાર પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, “જેવી રીતે સત્તામાં આવવું એને મેં ક્યારે ય સિદ્ધિ ગણી નથી, તેવી જ રીતે સત્તામાં ટકી રહેવાને પણ મેં ઉપલબ્ધિ માની નથી. મને સત્તાની કશિશ રહી નથી. હું 40 વર્ષ સુધી વિરોધ પક્ષમાં બેઠો છું, પણ સત્તા પક્ષમાં જવા માટે થઇને મેં પાયાના સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી.”
ભારતમાં સાચે જ એવા રાજકારણીઓની જરૂર છે જે ‘મરતે દમ તક’ સેવા કરવાની કસમો ખાવાને બદલે સન્માનપૂર્વક ખુરશી છોડી દેવાનું પસંદ કરે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 29 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર