Opinion Magazine
Number of visits: 9564374
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેહરુએ આ દેશનું સત્યાનાશ વાળ્યું ?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|28 November 2017

નેહરુ લોકશાહીને વ્યક્તિકેન્દ્રી નહીં, સંસ્થાઓના અને મોકળાશના જોરે ફૂલતીફાલતી જોવા ઈચ્છતા હતા

આક્રમક અંદાજમાં પૂછાતો મૂળ સવાલ તો એ છે કે કોંગ્રેસે આટલાં વર્ષોમાં શું કર્યું? પણ આજે જવાહરલાલ નેહરુની જન્મતારીખે, સાઠ વર્ષનો હિસાબ કરવાને બદલે, ફક્ત તેમની વાત કરીએ. ભારત નસીબદાર હતું કે આઝાદીની લડાઈમાં તેને ચાલુ કિસમના બાપુઓને બદલે ગાંધીજી જેવા ‘બાપુ’, હરિયાણાના માથાભારે ‘તાઉ’ દેવીલાલને બદલે નેહરુ જેવા ‘ચાચા’, અડવાણી જેવા ‘છોટે સરદાર’ને બદલે વલ્લભભાઈ જેવા સરદાર, રામરહીમ કે બીજા અનેકને બદલે આંબેડકર જેવા ‘બાબા’ અને મુલાયમસિંહને બદલે સુભાષ જેવા ‘નેતાજી’ મળ્યા.

આ બધાને ઘણી વાર એકબીજાની સામે રહેવાનું થાય કે એકબીજાના નિર્ણયની આકરી ટીકા કરવી પડે એવા પ્રસંગ આવ્યા. સાચી દાનતથી લેવાયેલા તેમના ખોટા નિર્ણયને કારણે કે માનવીય ભૂલોને લીધે કેટલુંક નુકસાન પણ થયું હશે. પરંતુ તેમના અનુગામીઓમાંથી મોટા ભાગના એવા નપાવટ નીકળ્યા કે તેમણે એ નુકસાન સરભર કરવાની કોશિશને બદલે, એ નુકસાનમાંથી પોતાનો રાજકીય ફાયદો શોધવાનો પ્રયાસ કર્યો. જૂની પેઢીના નેતાઓની ભૂલોને તેમણે પોતાની સ્વાર્થી, સત્તાલક્ષી ગણતરીઓથી વકરાવી, નાના ઘાને કાયમી ખોડ બનાવ્યા કે બનવા દીધા. જૂની પેઢીના નેતાઓ પર ‘વિલન’નું સગવડિયું લેબલ લગાડવાનો ઉદ્યોગ પણ મોટા પાયે ચલાવ્યો. તેનો સૌથી વધારે ભોગ કોઈ બન્યું હોય તો એ છે પંડિત નેહરુ.

ગાંધીજી અને સરદારની વિદાય પછી દોઢેક દાયકા સુધી કોંગ્રેસ પર એકચક્રી રાજ કરનાર પંડિત નેહરુની ઘણી મર્યાદાઓ હતી. તેમાંની કેટલીક પર અઢળક મરીમસાલો છાંટીને, પોતાની માનસિક વિકૃતિઓ ઉમેરીને, પહેલાં કોંગ્રેસ વિરોધનું અને પછી નેહરુ વિરોધનું રાજકારણ ઊભું કરવામાં આવ્યું. આજે એવી સ્થિતિ છે કે નેહરુનું નામ પડતાં માહિતીના નામે ઘણા લોકો પાસે સોશિયલ મીડિયા પરનાં ઉશ્કેરણીજનક-ગલીચ અર્ધસત્યો-જૂઠાંણાં જ હોય છે. કોઈ પણ નેતાની જેમ નેહરુ ટીકાથી પર ન હોઈ શકે. તેમની વાજબી ટીકાના ઘણા મુદ્દા છે. (તેમાંથી કેટલાકમાં તો કદાચ નેહરુ પણ સંમત થાય.) જેમ કે, તેમની આવેશમય પ્રકૃતિ, સાહિત્યમાં વિશેષતા અને રાજકારણમાં મર્યાદા લાગી શકે એવી શબ્દાળુતા, માણસોને ઓળખવામાં કચાશ, મોખરે રહેવાનો અને દુનિયા પર ભારતીય સંસ્કૃિતની છાપ પાડવાનો ઉત્સાહ, આદર્શ અને વ્યવહાર વચ્ચેનાં દ્વંદ્વમાંથી પેદા થતી અનિર્ણાયકતા અને નેહરુ-સ્પેિશયલ મનાતો ધૂંધવાટ … આવાં લક્ષણોના એકથી વધુ દાખલા નેહરુના ચરિત્રમાંથી મળી આવશે. તેનાથી થયેલી નુકસાનની વિગતો પણ મળશે. પરંતુ તેમણે ભારતને બરબાદ કર્યું અથવા તેમણે ભારતનું મોટા પાયે અહિત કર્યું છે—એમ કહેવું લોકોની આંખમાં ધૂળ નાખવા બરાબર છે. નેહરુના પ્રદાન પર અછડતી નજર નાખવાથી એ સમજાઈ જવું જોઈએ.

અને નેહરુનું પ્રદાન સમજવા માટે વર્તમાન ગાંધીપરિવારની ભક્તિમાં પડવાની બિલકુલ જરૂર નથી. ‘ગાંધીવંશ’ની શરૂઆત પંડિત નેહરુએ કરી ન હતી. પંડિત નેહરુના અવસાન પછી દેશના વડાપ્રધાન ઇંદિરા ગાંધી નહીં, લાલબહાદુર શાસ્ત્રી બન્યા હતા, એટલી સાદી વાત પણ ભૂલાવી દેવામાં આવે છે. આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન પંડિત નેહરુનો સૂરજ મધ્યાહ્ને હતો ત્યારથી ‘નેહરુ પછી કોણ?’ એ સવાલ પૂછાતો હતો, પણ પંડિત નેહરુએ ઇંદિરાને (કે બીજા કોઈને પણ) રાજકીય વારસદાર જાહેર કર્યાં નહીં.

એક સાથે આઝાદ થયેલા બે દેશમાંથી પાકિસ્તાનમાં કદી લોકશાહી પાંગરી શકી નહીં અને તે અમેરિકાનું બગલબચ્ચું બનીને બરબાદીના પંથે ધકેલાયું. તેની સરખામણીમાં ભારત કેમ કટોકટીના કાળમુખા અપવાદને બાદ કરતાં લોકશાહી તરીકે ટકી રહ્યું? તેના જવાબ શોધવા બેસીએ ત્યારે તેમાં પંડિત નેહરુના લોકશાહી મિજાજનો મોટો ફાળો જણાયા વિના ન રહે. તાજા આઝાદ થયેલા દેશમાં બધાને મતાધિકાર આપવાનો આગ્રહ નેહરુનો હતો. કોઈ પણ ફિલ્મ અભિનેતા કે ક્રિકેટરને ઇર્ષ્યા થાય અને ખરેખર તો લઘુતાનો અનુભવ થાય, એવી લોકપ્રિયતા પંડિત નેહરુ ધરાવતા હતા. છતાં, તે લોકશાહીને વ્યક્તિકેન્દ્રી નહીં, સંસ્થાઓના અને મોકળાશના જોરે ફૂલતીફાલતી જોવા ઇચ્છતા હતા. એટલે ચૂંટણી પંચથી માંડીને અદાલતો અને પ્રસાર માધ્યમોને ભારતમાં પૂરી સ્વતંત્રતા મળી. સરદાર અને નેહરુને આમનેસામને મૂકીને પોતાના રોટલા શેકનારા એ ભૂલી જાય છે કે બન્ને આ દેશમાં લોકશાહી સ્થિર બને અને સામાન્ય માણસનાં દુઃખ દૂર થાય, એ માટે પોતપોતાની સમજ પ્રમાણે અને શક્ય એટલા સહયોગથી કોશિશ કરનારા હતા.

અંગ્રેજો દેશને સાવ પાયમાલ અવસ્થામાં મૂકીને ગયા હતા. તેમાંથી ઘણી બાબતોમાં એકડે એકથી સર્જન કરવાનું ભગીરથકાર્ય નેહરુ, સરદાર અને સાથીદારોના ભાગે આવ્યું. નેહરુ કરતાં 14 વર્ષ મોટા સરદારે તો 1950માં, લોકસભાની પહેલી ચૂંટણી થાય તે પહેલાં, વિદાય લીધી. પછી નેહરુએ દેશને સંભાળ્યો. સરદારે સિદ્ધ કરેલી ભારતની એકતા ભાષાના કે ધર્મના વિવાદો થકી વેરવિખેર ન થઈ જાય, એનું ધ્યાન નેહરુએ રાખ્યું. ચીન સામેના યુદ્ધમાં હાર એ નેહરુની મોટી નિષ્ફળતા હતી. એવી જ રીતે, કાશ્મીર સમસ્યાના પાયામાં પણ તેમની ભૂલ હતી. પરંતુ અડધી સદી પછી પણ કાશ્મીર કે ચીનના મુદ્દે જે સ્થિતિ છે, તેના માટે બધાં જ માછલાં નેહરુના માથે ધોવાનાં? વર્તમાન કોંગ્રેસને નેહરુ સાથે સાંકળીને નેહરુની ટીકા કરવી અને નેહરુને વર્તમાન કોંગ્રેસનાં દૂષણો માટે જવાબદાર ઠેરવવા, એ પણ કેટલી હદે વાજબી છે? વર્તમાન કોંગ્રેસનાં દૂષણોની ગંગોત્રી કોઈને ગણવાં હોય તો તે ઇંદિરા ગાંધીને ગણી શકાય – અને એ તો આજકાલ ખાનગીમાં ‘રોલમોડેલ’ ગણાય છે.

વડાપ્રધાન નેહરુના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ ઊભી થઈ. આઇટી ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનારા અને અમેરિકાની સિલિકોન વેલીમાં દબદબો ઉભો કરનારા જ્યાં ભણ્યા, તે IIT પંડિત નેહરુના રસથી ઊભી થઈ. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, નેશનલ સાયન્સ લેબોરેટરીનું દેશવ્યાપી માળખું, CSIR જેવી રિસર્ચ લેબોરેટરી સંસ્થાઓ, IIM, AIMS … આવી કેટકેટલી સંસ્થાઓ પંડિત નેહરુના શાસન દરમિયાન બની. જે ‘ISRO’નું ગૌરવ લેતાં છાતી છપ્પનની થઈ જાય છે, તે પણ પંડિત નેહરુના સાથસહકારથી વિક્રમ સારાભાઈએ સ્થાપી હતી. ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ના લેખક નેહરુ પ્રાચીન ભારતના ગૌરવની સાથોસાથ અર્વાચીન માનવતાવાદી મૂલ્યોના પ્રેમી હતા અને તેમની વચ્ચે મેળ બેસાડવાનો પ્રયાસ કરતા રહ્યા.

હિંદુ ધર્મની વિશાળતાથી સાવ સામા છેડાના, સંકુચિત-કટ્ટર હિંદુત્વમાં રાચનારા અને તેને ભારતની પ્રાચીન સંસ્કૃિત-પ્રાચીન ગૌરવ તરીકે ઠોકી બેસાડવા માગતા લોકોને નેહરુના ‘આઇડિયા ઓફ ઇન્ડિયા’ સામે વાંધા પડે અને નહેરુ વિલન લાગે, એમાં શી નવાઈ?

સૌજન્ય : ‘વારસો’, “દિવ્ય ભાસ્કર”, 14 નવેમ્બર 2017

Loading

28 November 2017 admin
← Mann Ki Baat
ગુજરાતી ડાયસ્પોરા અને માતૃભાષાઃ એક સેલ્ફ નેરેટિવ →

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved