Opinion Magazine
Number of visits: 9509647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવરાત્રીઃ ભક્તિ અને શૃંગાર રસની પ૦૦૦ વર્ષ જૂની પરંપરા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 September 2019

ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક જ નહીં પણ રાજકીય તખ્તે પણ ગરબાની રમઝટ હંમેશાં જામી છે

આજથી પચીસ-ત્રીસ વર્ષ પહેલાં, નિશાળે ચાલતાં જતાં હોય તેવાં છોકરાંઓનું દ્રશ્ય દુર્લભ ન ગણાતું. હા, સ્કૂલ રિક્ષાઓ ત્યારે પણ હતી જ પણ છતાં ય ઘરની નજીક સ્કૂલ હોય ત્યાં માથે દફ્તરનો પટ્ટો અથવા તો બે ય ખભે દફ્તર ભેરવ્યું હોય અને સાથે એક બે ગોઠિયા કે બહેનપણી હોય અને સ્કૂલ ભણીની સફર મંડાતી હોય તેવું થતું. મને બરાબર યાદ છે કે મારા ઘરની બારીમાંથી ઘરની નજીકની સ્કૂલમાં જતાં આવાં છોકરાં દેખાતાં અને મારી મા હંમેશાં એમ કહે કે, ‘જો જો હં નવરાત્રી આવશે એટલે ચાલતી જતી છોકરીઓ તાળી પાડીને અને ઠેક મારીને, જાણે ગરબા કરતી હોય એમ જતી હશે.’ અને બિલકુલ એવું જ થતું. ધૂળિયા રસ્તા પર સ્કૂલે જતી છોકરીઓની ઠેકમાં અને આજે કરોડોનાં ખર્ચે ઇન્સ્યોરન્સ ઉતારાતાં હોય તેવાં ભપકાદાર વેન્યુઝમાં નવરાત્રી ઉજવાતી રહી છે. આજે પહેલું નોરતું છે ત્યારે ગરબાનો અર્થ, તેની ભાવના, તેની સાથે જોડાયેલી કેટલીક કથાઓ અને સામાજિક-સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં તેની પરિભાષાની ચર્ચા તો માંડવી જ રહી.

જેમ થેપલાં, ઢોકળાં અને ફાફડા ગુજરાતીઓની ઓળખ છે, એમ ગરબા પણ ગુજરાતીઓની ઓળખ છે. રમૂજમાં કહે છે ને કે ગુજરાતીઓ અંગ્રેજી પૉપ સોંગથી માંડીને ભાંગડાનાં બિટ્સ પર ગરબા કરી શકે છે – આ વાતમાં જરા ય અતિશયોક્તિ પણ નથી. વળી ગરબાની પરંપરા ગુજરાતમાં ૫,૦૦૦ વર્ષોથી ખીલી, પ્રસરી અને પ્રચલિત બની છે. ગરબા એટલે ભક્તિ અને શૃંગાર રસનું એવું મિશ્રણ જેમાં છલોછલ ઊર્જા સિવાય બીજું કંઇપણ મળવું અશક્ય છે. ગરબાનો સ્થૂળ પ્રકાર એટલે કે – દીપગર્ભ ઘટઃ જેનાં ગર્ભમાં દીવો છે તેવો માટી કે ધાતુનો છિદ્રવાળો ઘડો. ગર્ભદીપ શબ્દમાંથી અંતે અપભ્રંશ થઇને ગરબો શબ્દ ચલણમાં રહી ગયો. શાસ્ત્રો અનુસાર માટી એ પૃથ્વીનો એક ભાગ છે અને ગરબાનો દીપ તેમાં રહેલો આત્મા છે.

કલા શાસ્ત્રમાં અવારનવાર જેનો સંદર્ભ લેવાય છે તે ‘અભિનય દર્પણ’ અનુસાર ગૌરીમાએ પોતાની દીકરી ઓખાને લાસ્ય નર્તન શિખવાડ્યું હતું. શ્રાપને પગલે ઓખા, અસુરોનાં રાજા બાણાસુરને ત્યાં તેની પુત્રી ઉષા તરીકે જન્મી પણ પૂર્વ જન્મની યાદ હજી ક્યાંક સંઘરાયેલી હતી. ઉષાનો વિવાહ દ્વારકાધિશ કૃષ્ણનાં પૌત્ર સાથે થયો, પછી દ્વારકાની સ્ત્રીઓને ઉષાએ આ નર્તન શીખવ્યું. દ્વારકામાં અપાયેલી ઠેક જૂનાગઢ અને સૌરાષ્ટ્ર સુધી ગઇ અને ત્યાંથી ગુજરાત (ત્યારે આનર્ત) સુધી તેનો ઉલ્લાસ પહોંચ્યો. લાસ્ય નર્તનનું અપભ્રંશ થઇને રાસ્ય શબ્દનો ઉપયોગ થવા માંડ્યો. રાસ પહેલાં કે ગરબા પહેલાં એની કોઇ ચોખવટ હજી સુધી કોઇ વિદ્વાને કરી નથી, પણ ભાસની રચનાઓમાં અને હરિવંશ પુરાણમાં રાસનો ઉલ્લેખ છે. રાસ કૃષ્ણ સાથે જોડાયેલું નર્તન છે તો ગરબો માતાજીની ભક્તિ છે. ગુજરાતમાં ગરબા તરફ ઝુકાવ વધારે છે, પણ તેમાં ગવાતાં ગીતોમાં માતાજી અને રાધા-કૃષ્ણ બંન્નેની ભક્તિ, શક્તિ અને શૃંગારની વાત કરાય છે. પ્રાચીન ગરબા લખનારાનાં સંદર્ભે ૧૭૮૦માં થઇ ગયેલા વલ્લભ મેવાડાનું નામ મોખરે છે તો સાથે નરસિંહ મહેતા અને ભાણદાસનું નામ પણ ગરબા સાથે સંકળાયેલું છે.

અન્ય રાજ્યોમાં આ રીતે ઉજવાય છે નવરાત્રી

ગુજરાતની ઓળખાણ બનેલી નવરાત્રી, બંગાળ, આસામ અને બિહારમાં દુર્ગાપૂજા તરીકે ઉજવાય છે પણ તેમાં નર્તન નથી હોતું. પંજાબમાં આ દિવસોમાં માતાનાં જાગરણ થાય છે અને તામીલનાડુમાં દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીની પૂજા થાય છે જ્યારે રાત્રે સગાંઓ એકબીજાને ઘરે જાય છે તથા પરિણીતાઓને ચૂડી, ચાંદલા તથા અન્ય આભુષણોની ભેટ અપાય છે. કેરળમાં આઠમ, નોમ અને દશમીને દિવસે સરસ્વતિ પૂજન થાય છે. આંધ્રપ્રદેશમાં બથુકમ્મા પાંડુગા અને મહા ગૌરી માતાની પૂજા થાય છે જેમાં ફૂલોની ઢગલીઓ કરે છે અને નવરાત્રી પૂરી થવા આવે ત્યારે આ તમામ પાણીમાં પધરાવવામાં આવે છે.

ગુજરાતી ગીત સંગીતનો જેને પર્યાય કહેવાય તેવા અવિનાશ વ્યાસનું ગરબા અંગે કહેવું હતું કે કોઇપણ ગીત ગરબાનાં તાલમાં ગાઇ શકાય છે, તેમાં સૂર કે તાલની જટિલતા ઓછી હોવી જોઇએ. વર્તુળાકારે ઘુમતાં ઘુમતાં સરળતાથી ઉપાડી શકાય તે ગરબો હોઇ જ શકે. ગરબા મોટે ભાગે હિંચ, ખેમટો, કેરવો અને દીપચંદી એમ ચાર તાલમાં થતા હોય છે. એક સમયે ધાર્મિક ભાવ સાથે ગરબો અંતે સામાજિક થતો ગયો. લોકસાહિત્યમાં અને લોકગીતોમાં આ બદલાવને સમજી શકાય તેવી ઘણી વાતો છે. એક સમયે જ્યાં સ્ત્રી બોલીને પોતાની લાગણી વ્યક્ત ન કરી શકતી ત્યારે તેને માટે લોકગીતો એક અભિવ્યક્તિ બનતા.

ગરબા સાહિત્ય (સરસ્વતીચંદ્ર), ફિલ્મો વગેરેમાં અવારનવાર દેખા દેતા રહ્યાં છે. કોઇપણ હિન્દી ફિલ્મમાં ગુજરાતી પાત્ર હોય તો તે એકાદવાર તો ગરબા કરતું દેખાડાય જ છે. વળી ગુજરાતી ફિલ્મોની ગામ, ગરબો અને ગોકીરો વાળી વ્યાખ્યા દસકાઓ સુધી યથાવત્ રહી. આપણે પુરાણો અને પરંપરાની વાત કરી પણ ગરબાનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ મોટો ફાળો હતો. અંગ્રેજોના શાસનનો વિરોધ કરવા આ ધાર્મિક તહેવારમાં અંબા, દુર્ગા અને બહુચરમાને દુષ્ટોનો સંહાર કરવાની અપીલ કરતા ગરબા લખાયા. ૧૯૩૦માં રાષ્ટ્રીય નવરાત્રી રાસ નામનાં પુસ્તકમાં આવા ગરબા હતા તો હંસરાજ નામનાં નેત્રહિન કવિએ ૧૯૨૨માં લખેલા એક ગરબા-ગીતને લઇને તેમની સામે કોર્ટમાં કેસ સુદ્ધાં દાખલ થયો હતો. ચંડીદાસની રચનાઓ ‘રણચંડી’ પુસ્તકમાં છપાઇ પછી આખા ગુજરાતમાં પ્રખ્યાત થઇ, જો કે ચંડીદાસ એ ઉપનામ હતું, રચયતાનું સાચું નામ ન હતું. ‘આવાં તો રાજ શાં હોય હો બહુચરી’ ગરબામાં ગાંધીજીનાં જેલવાસથી માંડીને અંગ્રેજ શાસનનો પાયો જમીનદોસ્ત કરવાની વાત કરાઇ હતી. ‘અંબા અલબેલી’, ‘મા અંબાનો રાસ’, ‘કાળિકાને પ્રાર્થના’, ‘માનો શ્રાપ’ જેવા ગરબામાં પણ અંગ્રેજ શાસન વિરોધી વાત જ કરવામાં આવી હતી. આ ગરબા ભારત છોડો આંદોલનમાં ગવાતાં અને બોમ્બે પોલીસને આ પુસ્તક છપાવનારાનું નામ ખબર પડતાં મે પ્રિન્ટરીનાં પ્રોપરાઇટર કુંવરજી કેશવજી શાહને અટકમાં લેવાયા હતા. બેઠા ગરબાની પરંપરા પાછળ પણ ભાગલાનું ગણિત કામ કરી ગયું છે. ૧૯૪૬માં પાકિસ્તાન સાથે જોડાવા માગતા નવાબ મોહબ્બત અલી ખાને તે અરસામાં જૂનાગઢમાં નવરાત્રી પર પ્રતિબંધ મુક્યો. નવાબનાં હુકમનું ઉલ્લંઘન ન થાય તે માટે બેઠા ગરબા ગાવા એમ પુરુષોએ નક્કી કર્યું. જૂનાગઢમાં નાગરોની સંખ્યા વધારે તે આજે પણ નવરાત્રી દરમિયાન નાગરો ઘરોમાં બેઠા ગરબાની પરંપરા ચાલુ છે. જૂનાગઢમાં આજે પણ માત્ર પુરુષો જ બેઠા ગરબા ગાય છે અને પછી લ્હાણી વહેંચાય છે. જૂનાગઢનાં બેઠા ગરબા જોવા ટૂરિસ્ટો પણ પહોંચી જતા હોય છે.

ગુજરાતની નવરાત્રીનું આધુનિક રૂપ એટલે મુંબઇનાં ડિસ્કો દાંડિયા અને ગ્લેમર નગરીમાં ફિલ્મનાં ગીતો પર પણ ડિસ્કો દાંડિયા થાય છે. દરેક ગ્રુપ પોતાને ગમતી સ્ટાઇલમાં ગરબા કરતા હોય છે જે પારંપરિક તાળી અને ચપટીનાં ગરબાથી સાવ અલગ હોય છે. ત્રણ તાળી, દોઢિયું, આઠિયુંથી માંડીને બે તાળી, રમઝણિયું અને છેલ્લાં કેટલાં વર્ષોથી સનેડો સુદ્ધાં નવરાત્રીનાં મેદાનની શાન બન્યો છે. આ ઉપરાંત ઇનામ જીતવા પોતાની આગવી સ્ટાઇલમાં ગરબા કરનારાની વાત જુદી. ગુજરાતમાં વડોદરા એક માત્ર એવું શહેર છે જ્યાં એક સાથે પચાસ હજાર લોકો પણ એક સરખાં ગરબા મોટાં વર્તુળમાં કરે છે. ત્યાંની ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સનાં ગરબામાં પરંપરા બરાબર જળવાઇ છે, જ્યાં માઇકનો ઉપયોગ નથી થતો અને માત્ર પારંપરિક વાદ્યોનો જ ઉપયોગ થાય છે. અમદાવાદ, સુરતમાં સ્ટેડિયમ, ક્લબ્ઝ વગેરેમાં ગરબાનું આયોજન થાય છે અને અહીં લોકો પોતાની આગવી રીતે ગરબા કરવાનું પસંદ કરે છે. હવે ગરબા લાખો-કરોડોનાં ખર્ચે આયોજિત કરવામાં આવે છે સાથે મોંઘીદાટ ભેટ-સોગાદો, સેલિબ્રિટીઝની હાજરી બધું ગરબામાં ગ્લેમર ઉમેરતું રહ્યું છે. નવરાત્રીનાં પોશાક, ઘરેણાંથી માંડીને મેઇક-અપ પાછળ હજારો ખર્ચવામાં આવે છે. એક પરફોર્મિંગ આર્ટ સાથે જેટલું પણ સાંકળી શકાય તે બધું જ ગરબા સાથે સંકળાયેલું છે.

બીજા બધા તહેવારોમાં ઘોંઘાટ વધ્યો છે પણ કોણજાણે કેમ નવરાત્રીની ઉર્જામાં આ બહુ ધીમી ગતિએ થઇ રહ્યું છે. દરેક ઉજવણીનું આગવું ન્યુસન્સ હોય છે પણ ગરબામાં તેનું પ્રમાણ ઓછું છે. ગરબાનું સત્ત્વ જળવાય, તે ગરવો રહે અને વરવો ન બને તેવી જ આશા.

બાય ધી વેઃ

એક સમયે નવરાત્રી પછી ગર્ભપાતનાં કિસ્સા વધે છે એવી બોગસ સ્ટોરીઝ માત્ર સનસનાટી ખાતર અખબારોમાં આવતી પણ આ તહેવારમાં હજી દૂષણ ઓછું છે. હા નવરાત્રીમાં રોમાન્સ ચોક્કસ ભળે છે પણ તે ક્યારે ય બેહુદો નથી બનતો. નવરાત્રી એક માત્ર તહેવાર છે જ્યાં કોઇ પોતાની દીકરીને રાત્રે બહાર જવાની ના નથી પાડતું. બધાં શહેરોમાં શેરી ગરબા પોળ વગેરેમાં સચવાયા છે ખરા પણ તામ-ઝામ વાળા ગરબાનું આકર્ષણ ઘટ્યું નથી બધાં જ ધર્મનાં લોકો નવરાત્રીમાં એકરસ થઇને મોજ કરે છે. આપણી સરકારે દેશનો માહોલ ઉર્જામય અને પવિત્ર રાખવો હોય તો નવરાત્રીનાં સમીકરણને સમજવું રહ્યું.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2019

Loading

29 September 2019 admin
← Gandhi and the RSS : The facts behind a relationship of deeply imperfect sympathies
ગિરીશ પટેલ : દૂઝતો જખમ, જલતું જિગર →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved