
આશા બૂચ
દુનિયા આખીના પ્રજાજનો અંદરો અંદર વાત કરે છે, એમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામમાં થતા સંવાદ સાંભળવા જેવા.
“અલ્યા ભાઈ, અમેરિકાના હાકોટાનો જવાબ આપવા આ NATOના સભ્ય દેશો પોત પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને ‘સંરક્ષણ’ની સુરક્ષા ખાતર લડાઈના હવનમાં વધુ સમિધ નાખવા અંકોડા ભીડીને મંડ્યા છે, ઈ છે શું?
તેમાંના કેટલાક કહેવા લાગ્યા, “મને તો પહેલાં ઈ સમજાવો, પહેલા વિશ્વયુદ્ધની આગ ઓલવાણી પછી ઓલું લીગ ઓફ નેશન્સ શરૂ કર્યું. ‘કે છે કે બધા દેશો વચ્ચે ભાઈચારો વધે અને હળીમળીને ‘રે એટલે ઘણા દેશો ભેળા મળ્યા. તો ય કેટલાક દેશો હખણા નો રિયા તે વીસ વર્ષમાં પાછી લડાઈ માંડી. એમાં ય દુનિયા આખીના લોકને ઢસેડ્યા. એમાં નવું શું? જે દેશો ભાખડી પડ્યા ઈ પાછા બીજા ગરીબડા દેશો ઉપર રાજ કરતા’તા એટલે એના લબર મુછિયા જવાનોને ય હારે લીધા લડવા!
બીજી મોટી લડાઈ પતી એટલે લીગ ઓફ નેશન્સને માર્યું તાળું અને એને ઠેકાણે યુનાઇટેડ નેશન્સ ઊભું કર્યું. પાછું ‘કે છે, દુનિયાના નાના મોટા દેશો વચ્ચે શાંતિ રિયે અને સૌની સલામતી રિયે એવી કબૂલાત કરીએ. આખી દુનિયામાં એથી મોટું એકેય મંડળ ન મળે. અટાણે એના 193 સભ્યો છે.
ત્યાંતો એક વડીલ બોલ્યા, આ તો સારું જ કેવાય ને? બઉ લડ્યા, હવે ચૂપચાપ પોતપોતાની પ્રજાનું રખોપું કરે તો સરગ હાથવેંત છેટું રિયે.
પણ ત્યાં એક અદક પાંસળિયો બોલી ઉઠ્યો, “કાકા, તમને ખબર છે, આ યુનાઇટેડ નેશન્સ ચાલુ થયું ને, એના ચાર વરસ પછી તરત ઓલું શું કેવાય, (બોલવામાં અઘરું બઉ પડે છ) નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (હાશ! હાચુ બોલ્યો તો ખરો) એને નાટો કેવાય, ઈ નામનું મંડળ પણ જોડી કાઢ્યું. એમાં યુરોપના 30 દેશો, અમેરિકા અને કેનેડાએ નામ નોંધાવ્યા. એકબીજાને વચન આપ્યું, બારના દેશનો કોઈ દેશ આપણા મંડળના કો દેશ પર હલ્લો કરશે ને, તો બાકીના બધા ય ભેળા થઇ બંદૂક અને ગોળા લઈને દુ:શ્મનને પતાવી દેશું. આંઈ મારી બુદ્ધિ બેર મારી ગઈ. ઓલાં ઉપર કીધાં ઈ બે મંડળ તો શાંતિથી જીવવા માટે સહકાર કરીને ભૈબંધની જેમ રહેવાની કબૂલાત કરીને શરૂ કર્યાં. બધાંને ગમ્યું, રાજાને અને પ્રજાને. આ નવા મંડળે ખાસ રશિયા સામે ખાલી રાજકીય નહીં પણ લશ્કરથી પણ એકબીજાને સલામત રાખવાની જોગવાઈ કરી. તે આ હોશિયાર પ્રધાનોને એટલું ય ભાન ન થ્યું કે બે મોટી લડાઈઓ અને બીજી નાની મોટી કેટલી ય લડાઈઓ લડી તો ય એકે દેશને જે જોતું ‘તું ઈમાંથી થોડું જ હાથ લાગ્યું અને એમ કરવામાં કેટલાંયના ઘર ઊજડ્યા ઈ નફામાં?
એક જુવાનિયો ઊભો થ્યો, ને મોટેરાં સામે જોઈને પૂછવા લાગ્યો, “વડીલો, તમારા ઘરની ચારેકોરના પાડોશીઓ ધારિયાં અને લાકડી-દંડા લઈને ઊભા રિયે તો તમને એ લોકોનો ભય ન લાગે?” આ નાટો પેલાં તો રશિયા સામે તોપ ધરીને ઊભું ‘તું, પણ પછી તો એનેય ઈ મંડળમાં આવવા દીધું, પણ તો ય છેલા વીસેક વરસથી યુરોપના બીજા દેશો સાથે એને મનમેળ નથી રયો.
થોડાક વધુ ભણેલા લોકો પણ વાતમાં ભળ્યા. વાત એમ છે કે 1990ની આસપાસ રશિયાના સામ્રાજ્યમાં હતા એ દેશો એનાથી છુટ્ટા પડવા માંડ્યા અને એ બધાની સીમ યુરોપના કોઈ ને કોઈ દેશને અડતી હોવાથી પોતાની રક્ષા ખાતર નાટોમાં જોડાવા લાગ્યા.
ત્યાંતો વળી એક ઉત્સાહી જુવાન બોલી ઉઠ્યો, જો, હું તો કઉં છું કે લશ્કરી સેના જેટલી મોટી થાય એટલી વધુ બીક જેની સામે તોપ માંડી હોય એને લાગે અને એને પણ એથી ય મોટી તોપ માંડવી પડે ઈ આ મોટા મોટા નેતા ન સમજ્યા, નકર લશ્કરની બદલે સુલેહ સંધિ કરવા વાળા લવાદોનું મંડળ ઊભું કરીને એક મોટી શાંતિસેના ઊભી કરી હોત તો આટલું ખરચ ન થાત, આટલાં ઘર-બાર નાશ ન પામત અને આટલું લોહી ન રેડાત.
ખબર છે, નાટોના સભ્યોએ 2024માં 1.47 લાખ કરોડ અમેરિકન ડોલર ખરચવાની જોગવાઈ કરેલી. આટલું બધું નાણું બધા દેશોને સાથે મળીને કામ કરવાની યોજના પાછળ, એની યુક્તિઓ ઘડવા પાછળ, રેડાર અને બીજાં ચેતવણીનાં સાધનો પાછળ, સૈનિકોને તાલીમ આપવા પાછળ, હવાઈ મથક અને નૌકા સૈન્યના બંદરો પાછળ અને બળતણ પૂરું પાડવા પાછળ ખર્ચે છે.
એક હોશિયાર વિદ્યાર્થી બોલી પડ્યો, “સાંભળ્યું છે કે અત્યાર સુધી એ મંડળના બધા સભ્યો પોતાના દેશની કુલ આવકના 2% રકમ આ નાટોના બજેટમાં આપે છે, પણ ઇંગ્લેન્ડ હવે 2.5% અને પછી તો એથી ય વધુ નાણું આપશે, તો અમારા જેવા વિદ્યાર્થીઓના ભણતર અને દેશની બીજી સેવાઓ માટે પૈસા ક્યાંથી કાઢશે?”
આમ આ ચર્ચા દિવસ રાત ચાલતી રહી, પણ મોટા ભાગના લોકોને આ બધા દેશો શા માટે લડ્યા કરે છે અને તેની પાછળ લખલૂટ ખર્ચ શા માટે કરે છે એ ન સમજાયું અને એનો તોડ પણ ન મળ્યો.
વાત એમ છે કે સશસ્ત્ર સંઘર્ષથી મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ નથી એ વાત હજારો વર્ષના ઇતિહાસે સાબિત કરી બતાવ્યું છે. સામે પક્ષે અહિંસક ચળવળો તેનાથી ઓછા સમયમાં, ઓછા ખર્ચે અને કાયમી ઉકેલ આપતી હોય છે એ પણ અનુભવ્યું છે. NATO જેવાં સંગઠનો સત્તા લોલુપ સામ્રાજ્યવાદી અને એકહથ્થુ સત્તાધારીઓને ભડકાવનારા હોય છે. દરેક દેશના નેતાઓ એટલા શાણા હોવા જોઈએ, જે પોતાના પાડોશી દેશો અને દૂરના દેશોના નેતાઓની નીતિ, મુરાદ અને આચરણ ઉપરથી આવનારા સારા કે માઠા પરિણામોની આગાહી કરી શકે અને તેની તૈયારી રૂપે વાટાઘાટો અને શાંતિ કરાર કરી શકે. સાથે સાથે અહિંસક પ્રતિકાર માટે પણ સશસ્ત્ર સૈનિકોની માફક શાંતિ સૈનિકોને પણ પૂરતી તાલીમ આપી, તે માટે જરૂરી પુરવઠો પૂરો પાડવો આવશ્યક બને છે. મિસાઈલની સામે બીજાં વધુ વિનાશક મિસાઈલ જ ફેંકવામાં આવે છે અને તેની સામે વળતો ઘા ન કરવામાં આવે તો વેરની આગ શમી જાય છે એ પણ જોયું છે.
ઘડીભર કલ્પના કરીએ, જો NATO મિલિટરી જોડાણ ન હોત યુરોપ અને તેના મિત્ર રાજ્યોનો ડર રશિયા અને તેના મળતિયા દેશોને લાગ્યો હોત? જો રશિયાની દાનત ક્રાઇમિયા પર કબજો જમાવ્યો ત્યારથી ઓળખી કાઢીને રશિયાની સરહદને લગતાં બધાં રાજ્યોને શાંતિમય પ્રતિકાર માટે તૈયાર કર્યા હોત તો? એથી ઊલટું, બધા દેશો હોંશે હોંશે પોતાનું ‘ડિફેન્સ બજેટ’ વધારવા નીકળી પડ્યા છે!
NATOના સભ્ય દેશોની પ્રજા ખમીરવંતી હોય તો પોતાના કરવેરામાંથી સશસ્ત્ર લડાઈ જોગ ભાગનો કર ભરવાની ‘ના’ પાડે. જો કે મોટા લોકો મારા આ સૂચનને ‘અવ્યવહારુ’ કહીને હસી કાઢશે, બાકીના મૌન સેવી સમાચાર જોયા કરશે.
હિંસાને હોંશે હોંશે વધાવવા નીકળેલા નેતાઓના નિર્ણયથી સંતપ્ત બનેલ નાગરિક.
e.mail : 71abuch@gmail.com