નેપાળ આપણી બાજુમાં છે અને એટલે જ કેન્દ્ર સરકાર મૂક સાક્ષી બનીને બધો ખેલ જોયા કરે એવું શક્ય નથી. ત્રણ જ દિવસ સહરદ બંધ કરાઇ તો પણ તણાવ વધી ગયો, મુસાફરો ફસાઇ ગયા અને પેટ્રોલિયમના શિપમેન્ટ મોડા પડ્યા

ચિરંતના ભટ્ટ
નેપાળમાં જેન-ઝીનો બળવો અને કે.પી. શર્મા ઓલીનું રાજીનામું ફક્ત સ્થાનિક ઘટના નથી. હિમાલયમાં ચીન-અમેરિકા વચ્ચેની ટક્કરની વચ્ચે આંદોલન દક્ષિણ એશિયાની જીઓ-પોલિટિક્સને હચમચાવી રહ્યું છે અને ભારત માટે પણ સીધી અસર કરે છે. અસમાનતા, ભ્રષ્ટાચાર અને સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ—આ ત્રણ કારણોએ લાંબા સમયથી ભડકેલી અગ્નિને ભભૂકી બનાવી. નેપાળનું ભૌગોલિક સ્થાન હિમાલયમાં ચીન-યુ.એસ.એ. વચ્ચેની આકરી સ્પર્ધાની ફોલ્ટ લાઇન પર છે. નેપાળમાં જે થઇ રહ્યુ છે તેનો પડઘો આખા દક્ષિણ એશિયામાં પડે છે અને ભારતના હિતો પર પણ તેનો સીધો પ્રભાવ પડે છે. કોઇપણ આંદોલન પાછળ ઘણાં કારણો હોય પણ એક કારણ એવું હોય જે તત્કાલ કારણ બને અને લાંબા સમયથી સળગી રહેલો ભારેલો અગ્નિ દાવાનળની માફક ફેલાઇ જાય.
2006ના રાજાશાહી પછી નેપાળનો રાજકીય લેન્ડસ્કેપ સતત અસ્થિર રહ્યો છે. 16 વર્ષમાં દેશમાં અલગ અલગ 10થી વધુ સરકારો રહી છે. ઓલીને માટે પોતાનું પદ ટકાવી રાખવું સાવ અશક્ય થઇ ગયું તેના સંદર્ભો સમજવા અનિવાર્ય છે. નેપાળ 2015માં સ્થાપિત ફેડરલ સંસદીય પ્રજાસત્તાક હેઠળ કાર્ય કરે છે, જ્યાં વડા પ્રધાનને 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં બહુમતી સમર્થનની જરૂર હોય છે. ઓલી પહેલેથી જ નબળા ગઠબંધન પર ટકેલા હતા. સોશ્યલ મીડિયા પ્રતિબંધ બાદ સાથી પક્ષોએ પણ વલણ બદલ્યું. ઓલી એકલા પડી ગયા અને રાજીનામું અનિવાર્ય બન્યું.
ઓલીનો ચીન તરફી ઝુકાવ સ્પષ્ટ હતો—‘વન-ચાઇના’ નીતિને ટેકો, તાઇવાનની સ્વતંત્રતાનો વિરોધ અને BRI પ્રોજેક્ટ્સ માટે ખુલ્લું આમંત્રણ. કાઠમંડુ પોસ્ટે લખ્યું કે નોન-અલાઇનમેન્ટનો દાવો હોવા છતાં ઓલીએ નેપાળને ચીનના ખોળે ધકેલ્યું. આ કોઈ તટસ્થ રાજદ્વારી અભિગમ નહોતો પણ એવી ભાષા હતી જેમાં બેઇજિંગની પ્રાથમિકતાનો પડઘો પડતો હતો. નાના આયાત આધારિત અર્થતંત્રમાં આવા ઝુકાવની ધારણા સુદ્ધાં બહુ જલદી આર્થિક અને રાજકીય વાસ્તવિકતામાં ફેરવાઇ જાય છે.
નેપાળમાં અમેરિકાના હિત હોવાની બાબત નવી નથી અને નાનીસૂની પણ નથી. 500-700 મિલિયન ડૉલર્સ મેલિનિયમ ચેલેન્જ કોર્પોરેશન (MMC) – કોમ્પેક્ટ – પ્રોજેક્ટ જેના કેન્દ્ર સ્થાને રસ્તા અને પાવર લાઇન્સ છે તે નેપાળમાં યુ.એસ.એ.ની સૌથી મોટી દેખીતી પહેલ છે અને તે ધ્રુવીકરણ માટે પણ એટલી જ જવાબદાર છે. નેપાળ-યુ.એસ.એ.ના સંબંધોની અસ્થિરતા પણ આ કોમ્પેક્ટ પ્રોજેક્ટ છતી કરે છે, પછી ભલેને તે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો માટે પાયાનો પથ્થર બની હોય. 2022માં વિરોધો અને વિવાદો પછી તેને મંજૂરી મળી. જો કે જ્યારે 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ યુ.એસ.એ.માં સત્તા પર પાછા ફર્યા ત્યારે અન્ય દેશોને અપાતી આર્થિક સહાય સસ્પેન્ડ કરાઇ, તેમાં આ પ્રોજેક્ટ પણ અટકાવ્યો. આ સસ્પેન્શનને કારણે હજારો નેપાળી કામદારો બેરોજગાર થયા અને અધૂરો પ્રોજેક્ટ રખડી પડ્યો. આ ઊલટફેરની કાઠમંડુમાં આકરી ટીકા થઇ જેમાં એમેરિકાની તરફેણ કરનારાઓએ પણ એમ કહ્યું કે અમેરિકા પર વિશ્વાસ રખાય એવું નથી રહ્યું એટલે નેપાળે ચીન તરફ ઝુકવું પડે છે. જુલાઇ 2025માં ટ્રમ્પે આ પ્રોજેક્ટ પર રિસ્ટાર્ટનું બટન દબાવ્યું જેને ડેમેજ કન્ટ્રોલ તરીકે જોવામાં આવ્યું પણ ચાર મહિના થોભાવાયેલા પ્રોજેક્ટને કારણે અમેરિકા તરફ નેપાળનું વલણ ડગુમગુ તો થઇ જ ગયું હતું. MCCનું ભવિષ્ય યુ.એસ.એ.ના નીતિ પરિવર્તન પર આધારિત છે તેવું નેપાળને સમજાઇ ગયું છે. વાત માત્ર રસ્તા અને પાવર લાઇન્સની નથી. આ સાબિત કરે છે કે નેપાળમાં માળખાકીય સુવિધા ખડી કરવાને મામલે વોશિંગ્ટન બેઇજિંગના હાથમાં નેપાળના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ન જાય તેની પર ચાંપતી નજર રાખે છે. જો કે આમાં નેપાળની હાલત બે ઘરના પરોણા જેવી છે – બેઇજિંગને કંઇ મળતું નથી અને જેની પાસે પ્રોજેક્ટ પાર પાડવાની સત્તા છે તે અમેરિકા તેના અમલીકરણમાં અનિયમિત છે.
નેપાળના સોશિયલ મીડિયા પર દાવો થયો કે અમેરિકન સંગઠનો આંદોલનને ગુપ્ત ટેકો આપે છે, પરંતુ આ દાવાની કોઈ ખરાઈ નથી. રોઇટર્સ, એ.પી. અને ટાઇમના મેઇન સ્ટ્રીમ અહેવાલો બાહ્ય ભંડોળ નહીં પણ ભ્રષ્ટાચાર, અસમાનતા, સગાંવાદને મળતા વિશેષાધિકાર અને સોશ્યલ મીડિયા પરના અચાનક પ્રતિબંધને જ આ આંદલોન માટે કારણભૂત ઠેરવે છે.
20થી વધુ પ્લેટફોર્મ પર પ્રતિબંધે યુવાનોને ભડકાવ્યા. જે યુવાનો પહેલેથી જ ધનિકોને મળતા વિશેષાધિકાર અને બેરોજગારીને કારણે ગુસ્સામાં હતા તે આ પ્રતિબંધથી વિફર્યા. તેમનો અવાજ બંધ કરાયો અને ‘નેપો કિડ્ઝ’ને પૈસાનું પ્રદર્શન કરતા જોયા એટલે આંદોલનને જાણે નૈતિક વેગ મળ્યો. ઓલીની સ્થિતિ હચમચી ગઈ અને નાનકડો નેપાળ દેશ અરાજકતામાં લપેટાઇ ગયો.
બેઇજિંગ માટે ‘વન-ચાઇના’ નીતિને ટેકો આપનારું નેપાળ તિબેટ સાથે જોડાયેલી સરહદો પરની સંવેદનશીલતા ઘટાડે છે, BRI કોરિડોર્સને સુરક્ષિત કરે છે અને કાઠમંડુમાં ભારતના વર્ચસ્વને પણ લડત આપે છે. ઓલીના વલણથી ચીનને જે જોઇતું હતું તે મળ્યું, નવી વચગાળાની સરકાર બેઇજિંગ વિરુદ્ધ ન થઇ શકે પણ જો નાણાંની તંગી હોય તો ચીન સાથેના સોદાઓની સમીક્ષા કરે, પારદર્શિતા પર સવાલ કરે અને તેનો પ્રભાવ મર્યાદિત કરે તેવી શક્યતા છે.
વોશિંગ્ટન માટે નેપાળ દક્ષિણ એશિયામાં પ્રભાવની કડીનો એક ભાગ છે—શ્રીલંકાના બંદરો, માલદીવ્સના બેઝિંગ મુદ્દા, બાંગ્લાદેશના કોરિડોર અને હિમાલયની વીજળી જોડાણ સાથે. અમેરિકા સમજી ગયું છે કે ફક્ત નાણાં પૂરાં પાડવાથી કામ ચાલતું નથી; લોકોની નજરમાં વિશ્વાસ જીતવો વધુ અગત્યનું છે. જો કાઠમંડુ ભ્રષ્ટાચારને ગુપ્ત વિદેશી નાણાં સાથે જોડે છે, તો પારદર્શક ટેન્ડર અને દેવાની જવાબદારી માટેની માંગણીઓ ચીનના મોડલને મર્યાદિત કરે છે અને MCC જેવા અનુદાનને પ્રોત્સાહન આપે છે. એટલા માટે અમેરિકા ભ્રષ્ટાચાર વિરોધી સુધારાઓ, ઇન્ટરનેટની સ્વતંત્રતા અને ચૂંટણીની સ્થિરતા—જેવી બાબતોને પણ પ્રોત્સાહન આપશે જેથી પોતે એક આદર્શ સાથી રાષ્ટ્ર હોવાના પોતાના પ્રભાવને તે મજબૂત કરી શકે.
નેપાળ આપણી બાજુમાં છે અને એટલે જ કેન્દ્ર સરકાર મૂક સાક્ષી બનીને બધો ખેલ જોયા કરે એવું શક્ય નથી. ત્રણ જ દિવસ સહરદ બંધ કરાઇ તો પણ તણાવ વધી ગયો, મુસાફરો ફસાઇ ગયા અને પેટ્રોલિયમના શિપમેન્ટ મોડા પડ્યા. ભારત માટે નેપાળ ફક્ત પડોશી નહીં પણ જીવનરેખા છે—વેપાર, ઇંધણ અને સુરક્ષા બધું ત્યાંથી જોડાયેલું છે. ત્યાં અસ્થિરતા એટલે તરાઈમાં ભાવ વધારો અને સરહદે જોખમ પણ. ભારતની માગ સીધી છે : કાયદેસર અને સ્થિર સરકાર, ખુલ્લો વેપાર અને વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા.
સુરક્ષા દૃષ્ટિએ પણ જોખમ મોટું છે. આ સંજોગોમાં જેલ તૂટવી અને સરહદ પાસે પોલીસિંગમાં ખામી એ વાતનો પુરાવો છે કે કાઠમંડુમાં થયેલો આંદોલન ઝડપથી સરહદ પાર ગુનાખોરી અને શરણાર્થીઓના પ્રવાહમાં ફેરવાઈ શકે છે. આ સાથે હાઇડ્રોપાવરને મામલે આપણે પરસ્પર એકબીજા પર નિર્ભર છીએ, ગોરખા ભરતીની સંવેદનશીલતાની વાત પણ છે તો સાથે નેપાળ-ભારતના લોકો એકબીજા સાથે ઘનિષ્ટતા ધરાવે છે – આ બધી બાબતો જોતા નેપાળમાં જે થાય તેની અસર ભારતની રોજિંદગી સ્થિરતા પર પણ પડે.
રાજકીય રીતે તો ભારતની માગ સરળ છેઃ કાઠમંડુમાં એવી સરકાર હોવી જોઇએ જે કાયદાથી રચાઇ હોય, ભારતીય હિતોને સમજતી હોય અને વેપારને મામલે મુક્ત હોય, માહિતીના આદાન-પ્રદાનમાં નિષ્પક્ષ હોય અને કોઇ થર્ડ પાર્ટી સિક્યોરીટીનો ઉપયોગ ન થતો હોય. આ કરવા માટે નેપાળે ચીન વિરોધી થવાની જરૂર નથી પણ વ્યૂહાત્કમ પ્રોજેક્ટ્સ જેવા કે ડ્યુઅલ-યુઝેજ રોડ્ઝ, ટેલિકોમ, હાઇ-આલ્ટિટ્યુડ લોજિસ્ટિક્સમાં પારદર્શિતા રખાય એટલી અપેક્ષા તો પડોશી દેશ તરીકે ભારત રાખી જ શકે. તાત્કાલિક રીતે, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી જેવા નેતૃત્વ હેઠળની આંતરિક સરકાર મોટા દેશો પ્રત્યે દુશ્મનાવટ બતાવ્યા વગર શાસન સુધારવા માટે એક તક બની શકે છે.
ઓલીના રાજીનામાથી બાહ્ય શક્તિને નેપાળ પર કાબૂ કરવા નથી મળવાનો. નેપાળનું સાર્વભૌમત્વ જળવાઈ રહેશે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે નવી વ્યવસ્થા કાયદેસર કામગીરી પૂરી કરે. ભારતે ઇંધણ, વેપાર અને ચૂંટણીને ટેકો આપી નેપાળને સ્થિરતા લવવામાં મદદ કરવી જોઇએ. ચીન અને અમેરિકાએ સમજી લેવું પડશે કે આંદોલને સાબિત કર્યું કે નેપાળ પર પ્રભાવ પાડવો હશે તો ઠાલી વાતો નહીં નક્કર પરિણામો જોઇએ.
બાય ધી વેઃ
એક વર્ગનું માનવું છે કે વોશિંગ્ટન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને હવે નેપાળમાં અશાંતિને પ્રોત્સાહન આપે છે જેથી એશિયા અસ્થિર રહે, ડોલર મજબૂત રહે અને ચીન કાબૂમાં રહે. ખરેખર તો રાજકીય અર્થતંત્ર વધુ જટિલ છે. ડોલરની મજબૂતીનો આધાર વૈશ્વિક રિસ્ક સર્કલ અને રોકાણકારોની પસંદગી પર આધારિત છે. નાના એશિયન દેશોની અશાંતિનો તેની પર બહુ પ્રભાવ નથી પડતો પણ એક વાસ્તવિકતા એ પણ છે કે નાના મજબૂત થાય તો તેની નજીક રહેલા મોટા દેશને તાકાત મળે. જો નાના દેશો અસ્થિર હોય ત્યારે પડોશના મોટા દેશને બાજુવાળાની ઝાળ પોતાને ત્યાં ન લાગે તેની માથાકૂટમાં પડવું પડે. મોટાં સપનાં સિદ્ધ કરવાનું બાજુમાં મુકી તેમણે સુરક્ષાની લડાઇઓ કે વહારે ધાવાની કામગીરીમાં પડવું પડે. હા વોશિંગ્ટનની સ્પર્ધા છે માહિતી, સંસ્થાકીય ઘડતર, ભ્રષ્ટાચારનો વિરોધ, ઓપન ઇન્ટરનેટ, માળાખીય ધારા-ધોરણને મામલે કારણ કે આ બાબતો નક્કી કરે છે કે સત્તાની સોટી કોના હાથમાં રહેશે. ખા.નોં: યુએસ સંગઠનોએ તાજેતરના આંદોલનને ભંડોળ પૂરું પાડ્યું હતું” તેવા દાવાઓ વ્યાપકપણે ઓનલાઈન કરવામાં આવી રહ્યા છે પરંતુ 12 સપ્ટેમ્બર, 2025ના રોજ મુખ્ય પ્રવાહના અહેવાલો દ્વારા આ દાવને કોઈ સમર્થન અપાયેલું નથી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 સપ્ટેમ્બર 2025