Opinion Magazine
Number of visits: 9449106
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારીની આત્મકથાના અંશો

બકુલા દેસાઈ - ઘાસવાલા|Opinion - Opinion|4 January 2019

‘માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ પામવાનો આનંદ શું ખોવાયું હતું તેના પર આધાર રાખે છે.’ મનીષા જોષીનું આ કાવ્ય આજે ‘નારીની આત્મકથાના અંશો’ વાંચતી વખતે, દેવયાની દવેનું આત્મકથન વાંચતા યાદ આવી ગયું. મનીષાનું પ્રેમકાવ્ય પુત્રીના પિતાવિરહનું છે તો દેવયાની દવેનું આત્મકથન પતિપ્રેમનું વિરહગાન છે. અહોર્નિશ જીવનસાથીના સાન્નિધ્યમાં રહેતાં દેવયાનીનો સાથ છૂટી જાય છે, અને હજી પણ આશા છે કે ક્યાંક એ મળી જશે! પણ પરલોકે સીધાવનાર કયાં કોઈને ફરી મળે છે? તો પણ દેવયાની પૂછે છે, ‘ક્યારે આવીશ ? અને લખે છે કે હા, આવે ત્યારે મારા માટે તને ગમતું અને મને ભાવતું એક કલકત્તી પાન – પક્કા સુપારી, જ્યાદા કથ્થા અને કિમામવાળું બંધાવી લાવીશ ને?’

સ્વજનોને ગુમાવવાની પીડાનો ભાર પહાડ જેવો હોય છે અને છતાં કોઈને કોઈ રીતે તે વહેવો પડે છે અને જીવનચર્યા સાથે અનુકૂળ થવું પડે છે. છેંતાળીસ આત્મકથામાં માતા, પિતા, પતિ, ભાઈ, ન જન્મેલી પુત્રી અને ક્યાંક અજાણ્યા જણના જવાની વેદના મમતા પટેલ, ગીતા ત્રિવેદી, મનોરમા ગાંધી, નંદિતા ઠાકોર, વર્ષા વોરા, અંજના દલાલ, યામિની પટેલનાં કથનમાં વણાયેલી છે. આ લેખિકાઓએ પોતાના એ કસોટીભર્યા સમયખંડનું હ્યદયસ્પર્શી આલેખન કર્યું છે. દીકરીને વધુ અભ્યાસ માટે મોકલવાની ઘટના, પતિનો નોકરીના કારણે વિરહની વાત જાગૃતિ ફડિયા, મિતા ત્રિવેદી, ડો. આરતી આંતલિયાનાં લેખનમાં વ્યક્ત થાય છે.

‘લેખિની જૂથ’ની લેખણમાં વિરહ, આનંદ, સંતોષ, સંઘર્ષ, સફળતા, આક્રોશ, આક્રંદ તેવા ભાવોની અભિવ્યક્તિ થઈ છે. સ્ત્રીઓનું આત્મકથન છે તેમાં સાસરવાસ, માતૃત્વ, પ્રેમ લગ્નની વિટંબણા, કારકિર્દીની કસોટીઓ, ઘર-વર-છોકરાં સાચવવાનો બેવડો ભાર અને ત્રેવડી ભૂમિકા, પ્રસૂતિવેળાની વાત, સ્વજનોની હૂંફ અને ટેકો, બાળ ઉછેર, વડીલોની અને માંદાની માવજત, પ્રકૃતિપ્રેમ જેવા મુદ્દા તો આવે જ. દરેક આત્મકથન કે વર્ણવાયેલી પ્રસંગકથા પોતીકી રીતે વિશિષ્ટ છે. મોટાભાગની સકારાત્મક વલણ દર્શાવતી હોય તેવી પ્રથમ છાપ પડે.

કેટલીક અભિવ્યક્તિ એટલી વિશિષ્ટ છે કે એની આગવી નોંધ લેવાની ઈચ્છા થાય. ‘શ્વાસમાં સુગંધ’માં મીના છેડા સંયુક્ત પરિવારમાં બે પુત્રોને ત્યાં એકને ત્યાં બે દીકરા અને બીજાને ત્યાં બે દીકરી જન્મની વાત લખીને અંતે પોતે અરસપરસ એક દીકરા – એક દીકરીનો વિકલ્પ બતાવી તે અમલી બનાવી સ્નેહગાંઠ કેવી રીતે પ્રગાઢ બનાવી તેનું આલેખન કરે છે. ‘ઝરણું પ્રેમનું’માં રાગિણી શુકલ ભાગીને કરેલા લગ્ન પછી સાસરામાં પ્રેમ થકી સૌના દિલ જીતવાની પ્રક્રિયાને વર્ણવે છે તે યાદ રહી જાય છે. ઊર્મિલા પાલેજાની બેન્કની કારકિર્દીમાં મહેનત, સંઘર્ષ, સફળતાની વાત, સત્યમેવ જયતેમાં ચેતના ઠાકોર પોતાની પ્રમાણિકતાની જીતની વાત કરે છે અને પોરસાઈ છે. પ્રેરણા લીમડીનું બ્યૂટિપાર્લરના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ લેખનમાં પ્રવૃત્ત થવું, ડો. સુશીલા સૂચકની પ્રેમકથા તો સરસ્વતીચંદ્રનો સમય યાદ કરાવે તેવી. ડિમ્પલ સોનીગ્રાની કથા મા તથા સાસુમાંથી માંદગી વચ્ચે અભ્યાસ ચાલુ રાખી મેળવેલી સફળતા દર્શાવે છે. સુરેખા બક્ષીની’ આદુની પીપર’માં દીકરીઓ દ્વારા પચાસમી લગ્નતિથિએ મળેલું સરપ્રાઈઝ, માના અમૃતમહોત્સવની ઉજવણી, ચાનો પ્યાલો – સુખનો પ્યાલો’માં સાસુવહુની મૈત્રીની વાત જેવી સકારાત્મક કથાઓ પણ છે. શૈલા શાહની પતિની અકસ્માતમાંથી બચવાની, ભાવના શાહની ‘મૃત્યુનો ટકોરો’માં બે દીકરીઓના દાઝવાની વાત, નંદિની પારેખની ચોર્યાસીની ડાયરીમાં હુલ્લડથી બચવાની અને અતરાપીનો જાન બચાવવાની ઘટના, નંદિતા ઠાકોરની ‘કદીક લખાનાર આત્મકથાનું એક પ્રકરણ’માં ધરતીકંપથી બચવાની ઘટનાઓ સાથે હ્યદયવિદારક યાદો પણ દ્રશ્યાંકિત કરે છે. નિર્ભેળ પારદર્શકતાથી લખાયેલી કથા મિતા જોષીની ‘અપરાધ પિતાનો, સજા મને’, જસ્મિન શાહની ‘શું લગ્ન એટલે પૂર્ણ વિરામ?’ જિજ્ઞા જોષીની ‘મારા અસ્તિત્વની શોધ ‘પૂર્વી સતારાની ‘લવ+ મેરેજ=નિરાશા’ જણાઈ છે. સાધનસંપન્ન પરિવારના સભ્યો હોવા છતાં પોતાની શરતે અને રીતે જીવવાના પ્રબળ આગ્રહમાં સંઘર્ષમય સમયને સામેથી નોતરું આપનાર ડો. પ્રીતિ જરીવાલા જેવો મિજાજ પણ અહીં સ્થાન પામ્યો છે. શિવકુમાર જોષીની શ્રાવણીની યાદ અપાવે તેવી હસ્મિતા ઠક્કરની ‘એક યાત્રા’ અલ્પા વસાની ‘હું કૈલાસવાસી’ મનને ગમે તેવી પ્રવાસકથાઓ છે.

મને ધ્યાનાકર્ષક લાગેલી કથા ‘નિર્મળ પ્રેમની પરિભાષા: અંજના દલાલ’ની છે. જીવનસાથીના ગયા પછી આવેલા સૂનકારમાંથી દીકરીઓએ આપેલો માનસિક ટેકો અને તેને કારણે જીવનનું નવું પાસું ઊઘડ્યું અને માનસિક પડકારયુક્ત બાળકોની શાળામાં કામ કરતાં અંજનાબહેને પોતાની રીતે આ બાળકોને ખરીદી, હિસાબકિતાબ, વાતચીત, બસ – ટ્રેનની મુસાફરી અને રાખવાની સાવધાની, અચાનક વરસાદ પડે તો શું કરવું જેવી જીવનલક્ષી વ્યવહારુ બાબતો કેવી રીતે શીખવી તેનું સરસ વર્ણન કર્યું છે. તો સામે આ વિદ્યાર્થીઓએ કેવો ઉમળકાભર્યો પ્રતિસાદ આપી પ્રેમ દર્શાવ્યો છે તેની વાત પણ લખી છે. છાત્રાલયમાં રહી ભણવું કે ફરી પાછા ઘરે ફરવું એવા સ્વતંત્ર નિર્ણય લઈ પોતે હોસ્ટેલમાં રહી શું શીખ્યાં તેની વાત મીનાની વખારિયાએ ‘પારકીમા કાન વીંધે’ એ કહેવત ચરિતાર્થ કરતાં ‘યાદોના મધુવનમાં’ લખી હોય એવું લાગે છે. જેમ કે ડંકીમાંથી પાણી કાઢી જાતે બ્રશ વગર ઘસી ઘસીને કપડાં ધોવાં, કપડાં સૂકવવાની કળા, હેંગરમાં ભેરવી, ઈસ્ત્રી કરી હોય તેમ ગડી વાળી ગાદલાં તળે દાબવાં, પ્રાયમસપર ચા બનાવતાં શીખવું, દૈનિક પરંપરા તરીકે સમૂહભોજનનો અનુભવ લેવો, અન્નનું મહત્ત્વ સમજી થાળીમાં વાનગીઓ લેવી અને બગાડ ન કરવો. જાતે વાસણ સાફ કરવાં, કરકસરથી જીવવું જેવી અનેક બાબતો અહીં શીખી શકાય તે વાત એણે નોંધનીય ગણવી જોઈએ એ રીતે લખી છે.

આ કથાઓ મોટાભાગે ખાધેપીધે સુખી સંપન્ન ઘરની સ્ત્રીઓ દ્વારા લખાયેલી છે. જીવનમાં સંઘર્ષ ખરો પરંતુ સામાજિક અન્યાયની અપમાનજનક પીડાઓનો ભાર ગરીબ, શ્રમજીવી, દલિત, આદિવાસી, લઘુમતી વર્ગની સ્ત્રીઓને જે રીત વેંઢારવો પડે છે તેની અહીં ગેરહાજરી છે. શારીરિક ત્રાસની વાત તો જ્વલ્લેજ થઈ છે. ગરીબ, આદિવાસી, મુસ્લિમ, પારસી, દલિત, અન્યભાષી પણ ગુજરાતી જાણતી સ્ત્રીઓ કે મત્સ્યગંધાઓની તો અહીં ગેરહાજરી જ છે. મોટા ભાગે મધ્યમ, પ્રૌઢ અને વૃદ્ધ વયની લેખિકાઓ છે. વાચકોને યાદ તો હશે કે વચગાળાનો એક સમય એવો હતો કે જેમાં ખાસ્સી ‘માતૃવંદના’ આવી. ‘માતૃવંદના’, ‘માતૃતીર્થ’ જેવાં પુસ્તકોમાં માનું રૂપ ત્યાગમૂર્તિ, સહનશીલતાની દેવી તરીકે દ્રશ્યાંકિત થતું હતું જે સ્ત્રીઓની એક વિધ, પરંપરાગત, બીબાંઢાળ ભૂમિકા દર્શાવતું હતું. આ સ્ત્રીઓની છબી પણ એ જ લઢણના દાયરામાં ઝોલા ખાતી નજરે તો ચડે છે છતાં મને એક એવી છાપ જરૂરથી પડી કે સમજણપૂર્વક પરિસ્થિતિને સંભાળવાની જે કોઠાસૂઝ આપણી માતામહીઓમાં હતી તેવી હજી પણ છે અને રહેશે.

સ્ત્રીઓ મન મૂકીને વાત કરે અને પોતાની અભિવ્યક્તિનું શબ્દાંકન કરે તે હેતુથી આદરણીય ધીરૂબહેન, મીનળબહેન અને મિત્રો દ્વારા લેખિનીનો આરંભ થયો અને એક સરસ જૂથ બન્યું. લેખિનીના ઘણા અંકો પ્રગટ થયા. આજે આ પુસ્તક દ્વારા જીવનકથાનું એકાદ પ્રકરણ કે ઘટના- પ્રસંગ આલેખાયાં છે. ભવિષ્યમાં આત્મકથાઓ પણ મળી શકે. વર્ષાબહેને આ પુસ્તક સંપાદન કર્યું છે. લેખિનીની બહેનોને સાહિત્ય પરિષદનાં બે અગ્રણીઓ ધીરૂબહેન અને વર્ષાબહેનની રાહબરી મળી છે. સંપાદકીયમાં વર્ષાબહેને સ્ત્રી કેન્દ્રિત વલણથી પોતાની અભિવ્યક્તિ દ્વારા સ્ત્રી જીવનની વાસ્તવિકતા તો દર્શાવી જ છે, સાથે લેખિકાઓને બીરદાવીને પ્રોત્સાહિત કરી છે. એવી આશા રાખી શકાય કે મુંબઈ જે રીતે અનેકતામાં એકતાનું પ્રતીક છે તે રીતે આ પ્રકારના જૂથોમાં વિવિધ કલમો સક્રિય થાય અને કરવટ બદલતા પરિવર્તનશીલ સમાજમાં સ્ત્રી મુક્તિની તાસીર દર્શાવતું સાહિત્ય પણ મળે. આ પુસ્તકમાં બીના અપૂર્વ દેસાઈનું કથન છે ‘માતૃત્વ જ સર્વસ્વ નથી’ જે છેલ્લું પ્રકરણ છે અને પ્રથમ પ્રકરણ છે મીના છેડાનું ‘શ્વાસમાં સુગંધ’ જે બન્ને માતૃત્વની નવી વિભાવનાને ઉજાગર કરે છે, તે દિશામાં માતૃત્વની, સ્ત્રીત્વની પરિભાષા વિકસતી રહે. અસ્તિત્વથી વ્યક્તિત્વથી સહઅસ્તિત્વના આદર્શને ચરિતાર્થ કરવામાં, સ્ત્રીના વિવિધ રૂપો અને ભૂમિકાને નૂતન પરિમાણ બક્ષવામાં લેખિની જેવા અભિવ્યક્તિ માધ્યમો પોતાનું વિશિષ્ટ પ્રદાન આ રીતે કરતા રહે એવી આશા સહ આ પુસ્તકને વધાવી લઈએ.

https://www.facebook.com/permalink.php?story_fbid=1470732506607431&id=100010120877274

Loading

4 January 2019 admin
← અમે ભક્તોના રખવાલા કીધા હુતા
માણસ બનવાનો અવસર! તમે કોણ છો? માણસ કે હિન્દુત્વવાદી? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved