Opinion Magazine
Number of visits: 9446635
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નળથી જળ’ માટે જળ ક્યાં ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 June 2021

તરસ્યા ગ્રામીણ ભારત માટે ૨૦૧૯ના સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની રાંગેથી વડા પ્રધાને ‘નલ સે જલ’ યોજનાની ઘોષણા કરી હતી. દેશના જે ૧૯ કરોડ ૧૮ લાખ ગ્રામીણ પરિવારોને પીવાનું પાણી નસીબ નથી, તેમને રૂ. ૩.૬ લાખ કરોડની ‘ગ્રામીણ જલ જીવન મિશન યોજના’ મારફત પાઈપ લાઈનથી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો સરકારે નિર્ધાર કર્યો હતો. તે પછીના વરસે ‘નળથી જળ’ યોજના વિસ્તારીને તેમાં ૪,૩૭૮ શહેરી વિસ્તારોને પણ સમાવવામાં આવ્યા છે. યોજનાના આરંભ સમયે, ૨૦૧૯માં, દેશના માત્ર ૩.કરોડ ૨૩ લાખ ઘરોને જ નળથી પીવાનું પાણી પહોંચતું હતું. ૨૦૨૪ સુધીમાં સરકાર પીવાનાં પાણીની પહોંચ બહાર રહેલા વીસેક કરોડ પરિવારોને આવરી લેવા માંગે છે. એપ્રિલ ૨૦૨૧ના મધ્ય ભાગ સુધીમાં ૭. કરોડ ૩૬ લાખ પરિવારોને નળથી જળ સુલભ કરી આપી ૩૮.૩૭ ટકા લક્ષ્ય હાંસલ કર્યાનો સરકારનો દાવો છે.

દેશના ૨ રાજ્યો, ૫૨ જિલ્લા ૬૬૩ તાલુકા અને ૪૦,૦૮૬ ગ્રામપંચાયતો હસ્તકના ૭૯,૧૯૬ ગામો ‘નલ સે જલ’ યોજના હેઠળ પીવાનું શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણી મેળવતા થયાં છે. ગોવા અને તેલંગાણા એ બે રાજ્યોએ ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરીને આ યોજના સંપૂર્ણ પાર પાડી છે. નળથી જળ યોજનાનો સાઠ ટકા કરતાં વધુ લક્ષ્યાંક પૂર્ણ કરાનારા રાજ્યો છે : આંદામાન –નિકોબાર અને પુડુચેરી (૮૮.૨ ટકા), હરિયાણા (૮૫.૬ ટકા), હિમાચલ પ્રદેશ (૭૫.૬ ટકા), સિક્કિમ (૭૩ ટકા,) પંજાબ (૬૮.૯ ટકા), બિહાર (૬૪.૧ ટકા), મહારાષ્ટ્ર (૬૦.૫ ટકા) જે રાજ્યોમાં ૧૦ ટકા લાભાર્થીઓ સુધી પણ યોજના પહોંચી નથી તેમાં પશ્ચિમ બંગાળ ૬.૨ ટકા સાથે મોખરે છે. અસમના ૬.૪, લદ્દાખના ૭.૫૪ અને ઉત્તર પ્રદેશના ૯.૧ ટકા ઘરો સુધી જ નળથી પાણી પહોંચ્યું છે. દસ ટકા કરતાં ઓછી સિદ્ધિ હાંસલ કરનારા યુ.પી. અને લદ્દાખ સહિત નવ રાજ્યો ૨૦૨૨માં તમામને નળથી જળ પહોંચાડી દેવાના છે !  બીજા આઠ રાજ્યો ૨૦૨૩માં અને બાકીના તમામ ૨૦૨૪ સુધીમાં પીવાનાં પાણીવિહોણા પરિવારોને જીઓ ટેસ્ટિંગ કરીને પાઈપલાઈન મારફતે પાણી  પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

૮૨ ટકા પરિવારોને નળથી જળ યોજના હેઠળ પાણી પહોંચાડીને ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. રાજ્યના ૨૦૨૧-૨૨ના બજેટના પૃષ્ઠ ૧૨ પર જણાવ્યા મુજબ ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાના તમામ લાભાર્થીઓ સુધી આ યોજના પહોંચી ચૂકી છે. નર્મદા કેનાલ અને મોટા ડેમ આધારિત પાઈપ લાઈનથી પાણી પહોંચાડવાની નલ સે જલ યોજના માટે રાજ્યના બજેટમાં ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજ્યને રૂ. ૧૦૦ કરોડનું વિશેષ અનુદાન આપ્યું છે.

‘નલ સે જલ’ યોજનાનો હેતુ માત્ર પાણીવંચિત પરિવારોને પાણી પહોંચાડવાનો જ નથી. લાંબા ગાળા માટે પાણીના સ્ત્રોત ઊભા કરવા, પાણી સંરક્ષણ, પ્રદૂષણરહિત પાણીની ઓળખ અને પાણીની ન્યાયી વહેંચણી થાય તેવા પ્રબંધનનો હેતુ પણ છે. પૃથ્વી એક જળગ્રહ છે. તેના પોણાભાગ પર પાણી તો છે, પરંતુ તે સમુદ્રોનું છે. તેથી માનવીનો પાણી માટેનો આધાર વરસાદી પાણી, નદીઓનું પાણી અને ભૂગર્ભ જળ પર છે. ભૂજળનું માનવીએ અમર્યાદિત દોહન કર્યું છે તો નદીઓનાં પાણીને દૂષિત કરી પીવાલાયક રહેવા દીધાં નથી. પાણીના અભાવ કરતા સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થાના કારણે પાણીની અયોગ્ય વહેંચણી થતી હોવાથી ક્યાંક પાણીની રેલમછેલ છે તો ક્યાંક ચાંગળું પાણી પણ નથી.

પીવા માટે ઉપયોગી ભૂજળનો વેડફાટ અટકાવવા દંડાત્મક સજાની જોગવાઈ ૧૯૮૬ના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમમાં છે. પરંતુ તેનો ભાગ્યે જ અમલ થાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ઓકટોબર ૨૦૧૯માં ભૂજળની બરબાદી અને દુરુપયોગ રોકવા આદેશ કર્યો હતો. કેન્દ્રીય ભૂજળ બોર્ડે તેનો અમલ કરવા રાજ્યોને પત્ર લખી ઈતિશ્રી માની લીધી હતી. પરિણામે રાજસ્થાન સરકારે શહેરી ક્ષેત્રોમાં ભૂજળના દોહન પરનો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લીધો છે. દેશની મોટાભાગની વસ્તીની પાણીની જરૂરિયાત ભૂજળથી પૂરી થતી હોય ત્યારે તેના અયોગ્ય ઉપયોગને રોકવા માટે કોઈ કારગત કદમ ઉઠાવાતા નથી.

ભૂજળનું ઘટતું સ્તર અને તેને કારણે ઊભા થનારા ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ‘અટલ ભૂજળ યોજના’ ઘડવામાં આવી છે. આ યોજના અન્વયે પાણીનું સંકટ સહેતા વિસ્તારોમાં ભૂજળ સંસાધનોનું કાયમી અને નક્કર પ્રબંધન કરવાનું છે. ત્યારે યોજના માટે ફાળવેલા નાણા નહીં ખર્ચીને તંત્રએ તેની અસંવેદનશીલતા દર્શાવી છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ ૨૦૨૦-૨૧ના વરસ દરમિયાન આ યોજના માટે કેન્દ્રે બસો કરોડ રૂપિયાની ફાળવણી તો કરી હતી પણ માત્ર ચોપન લાખ જ ખર્ચાયા હતા !

૧૯૫૧માં દેશમાં વ્યક્તિદીઠ ૧૪,૧૮૦ લીટર પાણી સહજતાથી ઉપલબ્ધ હતું. ૨૦૫૦ સુધીમાં તે ઘટીને ૩,૧૨૦ લીટર થવાની શક્યતા છે. નીતિ આયોગે ભૂજળનું દોહન આજની ગતિએ ચાલુ રહેશે તો ૨૦૩૦ સુધીમાં દેશની ૪૦ ટકા વસ્તીને પાણીનાં વલખાં પડવાની ચેતવણી આપી છે. એટલે પણ વરસાદી પાણીનો સંગ્રહ અનિવાર્ય છે. વરસે દહાડે આપણે ત્યાં ૪,૦૦૦ અબજ ઘન મીટર વરસાદી પાણી વરસે છે. તેમાંથી ૧,૮૦૦ અરબ ઘન મીટર  વાપરવા યોગ્ય હોય છે. પણ આપણી પહોંચમાં ૧,૧૧૦ અબજ ઘન મીટર વર્ષા જળ છે. જો કે આપણે માત્ર ૭૫૭ અબજ ઘન મીટર જ સંઘરી શકીએ છીએ. તે પૈકી ૪૦૦ અબજ ઘન મીટર જમીનમાં ઊતરે છે અને  દેશના તમામ બંધોમાં  ૨૫૪ અબજ ઘન મીટર પાણી સંગ્રહાય છે. નલ સે જલ યોજનામાં આ મોટા બંધોનું પાણી જ પાઈપ લાઈનથી નળ સુધી પહોંચવાનું છે.

પાણીનો બે-લગામ અને બેફામ ઉપયોગ અટકાવવાની પણ એટલી જ જરૂર છે. મોટે ભાગે ચોખ્ખાં પાણીનો જ ઉપયોગ ખેતીમાં થાય છે. તે અંગે ફેરવિચારની જરૂર છે. એક કિલો ડાંગર પકવવા ૨,૪૯૭ લીટર, કઠોળ માટે ૨,૦૦૦ લીટર, ઘઉં માટે ૧,૫૦૦ લીટર, એક ક્વિન્ટલ શેરડી માટે ૨ થી ૩ લાખ લીટર, એક કિલો ડુક્કરના માંસ માટે ૫,૯૮૮ લીટર અને એક જીન્સ પેન્ટ બનાવવા ૫,૦૦૦ લીટર પાણીનો ઉપયોગ થાય છે. શું પાણીના આ ઉપયોગ વિશે વિચારવાની જરૂર નથી ? સસ્તી વીજળી અને ભૂગર્ભ જળના ઉપયોગથી મબલખ અનાજ તો પેદા કર્યું, અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી જ નથી બન્યો, જંગી બફર સ્ટોક પણ ઊભો કર્યો છે પરંતુ અન્ન સુરક્ષા પછી હવે જળ સુરક્ષા વિચારીશું કે નહીં ?

શહેરી સુવિધાભોગી સંપન્ન વર્ગ પાણીનો દુરુપયોગ કરે છે એટલે દૂરના વિસ્તારો અને ગામડાંઓને પીવાનું પાણી મળતું નથી. નલ સે જલ  યોજનાની પ્રાથમિકતા દલિત-આદિવાસી બહુલ  વસ્તી ધરાવતા જળવંચિત ગામો, દુકાળ પ્રભાવિત જિલ્લા, રણ વિસ્તારો અને પાણીની નબળી ગુણવત્તાવાળા વિસ્તારો છે. પરંતુ આપણું વહીવટીતંત્ર આવી પ્રાથમિકતાને ગાંઠે ખરું ? ગુજરાતમાં ૨૬.૮૨ લાખ જળવંચિત પરિવારોમાંથી ૧૦.૬૨ લાખ પરિવારો દલિત-આદિવાસી હોવા છતાં યોજનાના આરંભના વરસે જ ગુજરાત સરકારે ૧૧.૧૫ લાખ જળવંચિત પરિવારોને નળથી જળ પહોંચાડવાની દરખાસ્ત ભારત સરકારને કરી હતી. તેમાં માત્ર ૬૨,૦૪૩ જ દલિત-આદિવાસી પરિવારો (દરખાસ્તના કુલ પરિવારોના માત્ર ૫.૮૪ %) હતા. કેન્દ્રમાં અને ગુજરાતમાં બી.જે.પી.ની સરકાર હોવા છતાં કેન્દ્રે ગુજરાતની દરખાસ્તને ‘સમાજના નબળા વર્ગો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવતી’ ગણાવીને પ્રાથમિકતાની યાદ અપાવી સુધારા માટે પરત કરી હતી.

૨૦૨૨માં ગુજરાતમાં અને ૨૦૨૪માં દેશમાં નળ સે જલ યોજના સો ટકા સિદ્ધિ મેળવે તેનાથી શું ઘરે ઘરે પાણી પહોંચી જશે તેમ માની શકાશે ? ગુજરાતમાં જળ સ્રોત વિનાના ૧,૦૨૬ ગામોને ૨૦૧૫-૧૬માં ટેન્કરથી પાણી પહોંચાડવું પડતું  હતું. ૨૦૧૯-૨૦માં તે ગામો વધીને ૧,૧૪૯ થયા હતા. જ્યાં નળ છે પણ તેમાંથી જળનું ટીપું પણ આવતું નથી તેવાં ગામો ગુજરાતમાં ૨૦૪ અને જ્યાં કોઈ પાણી પુરવઠા યોજના પહોંચી નથી તેથી ગામના સ્થાનિક સ્રોતથી પાણી મેળવે છે તેવા ૨૭ જિલ્લાના ૩,૫૦૭ ગામો છે.

નગરો-મહાનગરોમાં આ યોજનાની સફળતા માટે સરકારે અદ્દભુત કીમિયો કર્યો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકામાં ગેરકાયદે નળ જોડાણને રૂ. ૫૦૦નો દંડ લઈને તે કાયદેસર કરી આપી યોજનાની સફળતાનો ગ્રાફ ઊંચો બતાવવાની છે. જાન્યુઆરી ૨૦૨૧ના અંતે અમદાવાદમાં ૩૦,૧૧૯ ગેરકાયદે વોટર કનેકશનો કાયદેસર કરી આપીને સરકાર મહાનગર અમદાવાદના જળવંચિત ત્રીસ હજાર કરતાં વધુ કુટુંબોને પીવાનું પાણી પહોંચાડી દીધું હોવાના યશોગાન ગાઈ રહી છે.

સરકારો તો એની જ મસ્તીમાં મસ્ત રહેવાની છે પણ પ્રજા તરીકે લોકોએ પાણીને ઘીની જેમ વાપરવાની અને વરસાદના પ્રત્યેક ટીંપાને વેડફાતું અટકાવવાની આદત કેળવવાની છે તો જ ભાવિ પેઢીને  પાણી માટે સર્જાનારા પાણિપતથી ઉગારી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

4 June 2021 admin
← સાયકલ દિવસ મુબારક!
આંબેડકરનાં સન્માન, આંબેડકરનાં અવમાન →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved