Opinion Magazine
Number of visits: 9448741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નલિયા કાંડના ભૂકંપે ધ્રુજાવ્યું ગુજરાત

મીનાક્ષી જોષી|Opinion - Opinion|4 March 2017

૨૦૧૭ની જાન્યુઆરીની ૨૬મીએ, ગુજરાતના મહાવિનાશક ભૂકંપને બરોબર ૧૬ વર્ષ પૂરાં થયાં અને તે જ દિવસે ગુજરાત ફરી નલિયા કાંડના ભૂકંપથી ધ્રુજ્યું. ભૂજથી આશરે ૧૦૦ કિલોમીટર દૂર આવેલા નલિયામાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ દીકરીની એફ.આઈ.આર.ની વિગતો બહાર આવતાં આખું ય ગુજરાત ખળભળી ઊઠ્યું. ધીરે-ધીરે અખબારોમાં આવતી વિગતોથી સ્પષ્ટ થતું આવ્યું કે, આરોપીઓ રાજ્યના સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો છે. આ કાંડના મુખ્ય આરોપી ભા.જ.પ.ની અબડાસા તાલુકાની ઓ.બી.સી. સેલના કન્વીનર છે.

આ સમાચાર મળતાં જ ૪થી ફેબ્રુઆરીએ અમે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠન (All India M.S.S.) તરફથી કચ્છ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધીક્ષકને તત્કાળ અને નિષ્પક્ષ તપાસ માટે આવેદનપત્ર ફેક્સ દ્વારા મોકલ્યું. ૧૦મી ફેબ્રુઆરીએ, બીજાં સંગઠનો સાથે મળીને અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં દેખાવો કર્યા. ૧૬મી ફેબ્રુઆરીએ, તેના વિરોધમાં એક નાગરિક સભાનું આયોજન કર્યું. આ નાગરિક સભામાં, આ કાંડની સામે સંગઠિત લડત માટે અગાઉ પાટણની પીડિતા નિમિત્તે કર્યું હતું તેમ ‘નલિયા ઘટના સાથે નિસબત ધરાવતા નાગરિક મંચ’ની રચનાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો.

સાથે-સાથ, બીજા નિર્ણયો પણ લીધા :

૧. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે, ધારાસભ્યશ્રીઓને ખુલ્લા પત્ર દ્વારા નલિયાની ‘નિર્ભયા’ માટે ન્યાયની માંગનો વિધાનસભામાં અને વિધાનસભા બહાર પડઘો પાડવા અપીલ કરવી.

૨. નલિયાકાંડની જાત તપાસ માટે ટુકડી મોકલવી.

૩. આની ઝડપી અને તટસ્થ તપાસ માટે રાષ્ટ્રપતિશ્રી, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશશ્રી, વડાપ્રધાનશ્રી, ગુજરાતના રાજ્યપાલશ્રી, વડી અદાલતના ન્યાયાધીશશ્રી, મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર મોકલી આપવું.

૪. આંતરરાષ્ટ્રીય મહિલા દિને, આ ઘટનાના વિરોધમાં રેલીકૂચ કે જાહેર કાર્યક્રમ લેવો.

આ પ્રમાણે બે કાર્યક્રમો પૂરા થયા છે. ધારાસભ્યશ્રીઓને પ્રગટ પત્ર ૧૯મી ફેબ્રુઆરીએ અખબારોને મોકલી આપવામાં આવ્યો અને જાત-તપાસ માટેની ટુકડીએ ૨૦મી ફેબ્રુઆરીએ નલિયાની મુલાકાત લીધી.

નલિયા મુલાકાતની વિગતો : નલિયા દુષ્કર્મ કાંડની જાત તપાસ માટે આ મંચના નેજા હેઠળ પાંચ સભ્યોની ટુકડીએ ૨૦મી ફેબ્રુઆરીએ કચ્છની મુલાકાત લીધી. આ પાંચ સભ્યો હતા : (૧) શ્રી દિનેશભાઈ સંઘવી, નીલપર આશ્રમ, રાપર, જિ. કચ્છ. (૨) ડૉ. ઝરણા પાઠક, અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ (AWAG) (૩) શ્રી મીનાક્ષી જોષી, ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠન (All India M.S.S.)  (૪) શ્રી શબાના મનસૂરી, વકીલ (૫) શ્રી બાલેન્દ્ર વાઘેલા, PUCL, રાજકોટ

આ દીકરીનાં માતા-પિતા, નલિયાથી ૧૦ કિલોમીટર પહેલાં, કોઠારા ગામમાં રહે છે. કોઠારા લગભગ પાંચેક હજારની વસ્તી ધરાવતું ગામ છે.

અમે કોઠારામાં એમને મળ્યાં ત્યારે પહેલી નજરે જ દેખાઈ આવ્યું કે એમની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. એ લોકો ટીવી ચેનલો, અખબારો વગેરેના પ્રતિનિધિઓની મુલાકાતોથી થાકેલાં હતાં. છતાં, ધીરેધીરે અમારી સાથે એમનાં દુઃખ આઘાતની વાતો વહેંચવા લાગ્યાં.

એ વાતોમાંથી અમને જે સમજાયું તેની વિગતો કંઈક આવી છે : આ નલિયા દુષ્કર્મ કાંડ એ સામૂહિક બળાત્કારનો કિસ્સો છે. એનો ભોગ બનનાર દીકરી ૧૯ વર્ષની પરિણીત મહિલા છે. આ દીકરીનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયેલ છે. હાલ કચ્છમાં તેમનાં માતા-પિતા છે, તેમાં પિતા અપર છે, અને માતા તેમનાં જૈવિક માતા છે. આ દીકરીએ સોળેક વર્ષની ઉંમરે મુંબઈમાં જ પ્રેમલગ્ન કરી લીધેલાં. ત્યાં એકાદ વર્ષ પછી થોડા-ઘણા તનાવો – ઉચાટ શરૂ થયાં. છેવટે દીકરી એ લગ્નસંબંધથી છૂટા થઈને, એમનાં માતા-પિતા પાસે કચ્છ આવ્યાં – ૨૦૧૫ના વર્ષની શરૂઆતમાં.

આ દીકરી પહેલી વાર કચ્છ આવ્યાં અને એમની તકલીફની પણ જાણે શરૂઆત થઈ ગઈ. સ્વમાનભેર જીવનની ઇચ્છાથી સ્વાભાવિક રીતે આજીવિકાની શોધ કરી. એમાં નલિયામાં ગેસ એજન્સીમાં નોકરી મળી. આ નોકરી જ એમના શોષણનું કારણ બનશે એની એમને કલ્પના સુદ્ધાં ન હતી. દિવાળીના તહેવાર માટે કુલ પગારના અર્ધા રકમ એડવાન્સ આપવા એમણે ગેસ એજન્સીના શાંતિલાલ સોલંકીને વિનંતી કરી. એમણે એ રકમ પોતાના ઘરેથી લેવા માટે કહ્યું. દીકરી એ રકમ ઘરે લેવાં ગયાં ત્યારે પૂર્વનિયોજિત રીતે, ઘરે એમના સિવાય કોઈ હાજર નહીં. દીકરીએ સંકોચથી પાછા વળી જવાનું કહ્યું, ત્યાર એમણે આગ્રહ કર્યો કે ના પૈસા લઈને જ જાવ. પૈસા લીધા, ઠંડા પીણાનો આગ્રહ થયો. એ ઠંડા પીણામાં જ ઘેનમાં નાખનારું કોઈ મિશ્રણ હતું. એ પીતાંની સાથે જ બેભાન થતાં એમની ઉપર સામૂહિક (કુલ ત્રણ વ્યક્તિઓ) બળાત્કાર થયો. એટલું જ નહીં. એની વીડિયોગ્રાફી પણ થઈ. પછી તો અત્યાચારનો સિલસિલો શરૂ થયો.

આ અત્યાચારથી દિગ્મૂઢ, વિહ્વળ અને હતાશ દીકરી માતા-પિતાને થાક લાગે છે એથી વિશેષ કોઈ ફરિયાદ કરી શકતાં નહીં. એટલે માતા-પિતાએ એમનાં લગ્ન કરાવવાનું વિચાર્યું. નજીકના ગામના યુવાન સાથે લગ્નસંબંધથી જોડાયાં. પણ, એ સંબંધનો પણ એક અઠવાડિયામાં જ અંત આવી ગયો તો, બીજી બાજુ તેમની ઉપરના અત્યાચારો વધતા ગયા. એમને અનેક જગ્યાએ લઈ જવામાં આવ્યાં અને અનેક જગ્યાએ એમની ઉપર અત્યાચાર થયો. હવે વીડિયોક્લિપ દ્વારા બ્લેક મેઈલિંગ શરૂ થયું. જ્યાં પણ તેઓ ફરિયાદ કરતાં ત્યાં તેમને મદદને બદલે શિકાર બનાવવામાં આવતાં. આ બધાંથી ત્રસ્ત થયેલ દીકરીએ પોતાના પ્રથમ પૂર્વ પતિ સાથે સંપર્ક કર્યો, એમણે એમની તકલીફ સમજીને, સધિયારો – હૂંફ આપ્યાં. ને એ બંનેએ પુનઃ લગ્નસંબંધથી જોડાવાનું નક્કી કર્યું. એ બંને ફરીથી લગ્નસંબંધમાં જોડાયાં. દીકરી મુંબઈ પરત ફર્યાં. પરંતુ, કચ્છમાંથી ફોન દ્વારા સતત એમનું બ્લેક મેઇલિંગ ચાલુ હતું. એનાથી પરેશાન થઈ હિંમત હારીને દીકરીએ આત્મહત્યાની કોશિશ કરી. પતિએ બચાવી લીધાં. અને પછી બંનેએ સાથે મળીને આની સામે ફરિયાદ કરવાનું નક્કી કર્યું. નવેમ્બર-૨૦૧૬ની શરૂઆતમાં (દિવાળી પહેલાં) તેમણે કચ્છ-મોરબીના સાંસદનો સંપર્ક કર્યો અને પોતાની આપવીતી વર્ણવી. તેમણે ફરિયાદ નોંધાવવા ઘટતું કરવા ખાતરી આપી.

પરંતુ, એમણે કશું કર્યું નહીં. છેવટે, આ દીકરી અને એમના પતિ-બંનેએ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૭માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. પોલીસ સ્ટેશને ૧૮ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ, મળ્યાની પહોંચનો સિક્કો માર્યો. અને છેક ૨૫મી જાન્યુઆરી-૨૦૧૭ના રોજ એ એફ.આઈ.આર. તરીકે પોલીસ ચોપડે નોંધાઈ.

તેની વિગતો બહાર આવતાં જ, માધ્યમોની સક્રિયતાથી રાજ્યમાં એક પ્રબળ મત ઊભો થતાં સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવી પડી. દીકરીએ ૧૦ આરોપી ગણાવ્યાં છે તેમાંથી ૮ની ધરપકડ થઈ ચૂકી છે. એક ભાગતો ફરે છે અને એકની ધરપકડ બાકી છે.

આ લખાય છે ત્યારે સરકારે SITની કામગીરી ઉપર દેખરેખ રાખવા, પોલીસ ઑફિસર્સની બીજી ટીમ પણ જાહેર કરી છે.

વિધાનસભાના બજેટ સત્રની શરૂઆતમાં વિપક્ષની નલિયાથી ગાંધીનગર પહોંચેલી રેલી પછી, ગૃહમાં વિપક્ષ અને શાસકપક્ષની ‘કુલડીમાં ગોળ ભાંગવા’ જેવી સમજૂતી અને ન્યાયિક તપાસની માંગની જાહેરાત પછી પણ અનેક પ્રશ્નો ઊભા છે.

નલિયા ઘટના – હિમશીલાનું ટોચકું : ગુજરાતમાં મહિલાઓ ઉપરના અત્યાચારોના કિસ્સાઓના ૨૦૧૬ના આંકડા જુઓઃ

કુલ ૫,૮૭૯ કિસ્સાઓ જેમાંથી ૪૭૨ કિસ્સાઓ દુષ્કર્મના. તો, કચ્છમાં છેલ્લા છ મહિનામાં દુષ્કર્મના ૧૧૭ કિસ્સાઓ અને ઘરેલું હિંસાના ૨૯૯. આ તો નોંધાયેલા આંકડાઓ જ છે!!

ગુજરાતમાં ૨૦૦૨ પછી સામૂહિક બળાત્કાર એ રોગચાળાની જેમ ફેલાઈ ગયેલ છે. છેલ્લાં આઠ વર્ષ જ જુઓ તો, પાટણ, પીલવાઈ, આશારામ, પારુલ યુનિવર્સિટી વગેરે જેટલી ઘટનાઓ નોંધાઈ તેમાં બધી જ સામૂહિક બળાત્કારની ઘટનાઓ હતી. બીજી એક અગત્યની બાબત એ છે કે આ બધી ઘટનાઓમાં સંડોવાયેલાઓને શાસક પક્ષનું રક્ષણ હતું.

નલિયા ઘટનાની જે સૌથી વરવી બાબત છે એ છે કે આ આખું ય સેક્સ રેકેટ છે. અત્યાર સુધીની ઘટનાઓ કરતાં નલિયા ઘટના એ રીતે જુદી છે કે એ સ્થાનિક નથી. શંકા છે કે રાજ્યભરના સતાપક્ષના હોદ્દાદારો એમાં સંડોવાયેલા હોય.

ભૂકંપે કચ્છનો વિનાશ કર્યો, પછી પુર્નવસનમાં માત્ર રોડનો વિકાસ થયો. ઉદ્યોગો આવ્યા પરંતુ રોજગારી ના આવી. એથી આર્થિક કટોકટીમાં રહેતા કોઈનું પણ શોષણ સાવ હાથવગું થઈ ગયું. આ ઘટનામાં ઉમેરાઈ પિતૃસત્તાક વ્યવસ્થા, વૈશ્વિકીકરણ – ઉદારીકરણ – બજારનાં પરિબળોએ દૃઢ કરેલી માન્યતા કે સ્ત્રી એ વસ્તુ – ઉપભોગનું – આનંદનું સાધન.

એટલે જ નલિયા ઘટનાએ આપણા સહુ માટે ખતરાની ઘંટડી વગાડી છે. પતિઘરેથી પરત ફરેલી સ્ત્રી, માતા-પિતાની નબળી આર્થિક સ્થિતિ અને તેમાં પગભર રહેવા મથતી સ્ત્રીનું કેવું શોષણ થઈ શકે એનું આ ભયંકર કુત્સિત ઉદાહરણ છે. આધુનિક ટેક્નોલૉજી-વીડિયોગ્રાફી અને સોશ્યલ મીડિયા પણ મહિલાઓના શોષણમાં કેવી રીતે ઉમેરો કરે છે તે પણ આંખ ઉઘાડનારું છે.

આપણે શું કરી શકીએ ?

ઘટના વિશેની વિગતો તો ઘણી આવેલી છે. પરંતુ, જે દહેશત છે એ છે કે આ દીકરીને ન્યાય મળશે? એમના કહેવા મુજબ આ રેકેટમાં બીજાં ૩૫ બહેનો ફસાયેલાં છે અને બીજા ૬૫ આરોપીઓ છે. શું એ લોકોને પકડી શકાશે? શું એમને સજા થશે?

જો આપણે સાથે મળીને, નાગરિક સમાજ તરીકે સક્રિય અને સંગઠિત બનીને આ લડતને આટલી માંગણીઓ સાથે :

૧. ગુજરાતના વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સીધી નિગરાની હેઠળ આ સમગ્ર ઘટનાની તપાસ (એટલે કે ૩૫ મહિલાઓનું ૬૫ વ્યક્તિઓ દ્વારા શોષણ સહિત)

૨. આ તપાસ ચોક્કસ સમય મર્યાદામાં (એટલે કે ત્રણ માસની અંદર) પૂરી થાય.

૩. આ સમગ્ર કિસ્સામાં, આરોપીઓને પરોક્ષ રીતે છાવરનાર કચ્છ-મોરબીના ચૂંટાયેલા સાંસદ, પોલીસ અને ગૃહખાતામાં જવાબદારોને પણ સજા કરો.

૪. એટલું જ નહીં, રાજ્ય મહિલા આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગની જવાબદારી પણ નક્કી કરો.

૫. આ ઘટનાનો ભોગ બનનાર દીકરીને, ખાસ કિસ્સામાં રૂ. ૧૦ લાખની રાજ્ય સરકાર તરફથી તત્કાળ આર્થિક સહાય.

૬. આ દીકરીના સંપૂર્ણ પુનર્વસનની જવાબદારી રાજ્યની.

૭. નાગરિક સમાજ – મહિલા સંગઠનો સાથે મળીને એવી કાયમી સક્રિય વ્યવસ્થા કે જેથી આવી ઘટનાઓને દેશવટો આપી શકીએ.

રાજ્યમાં અને કચ્છમાં ચાલુ રાખી શકીએ તો કદાચ તેનો જવાબ ‘હા’માં આપી શકાય.

સંપર્ક : નિસબત ધરાવતા નાગરિક મંચ, c/o નર્મદ-મેઘાણી લાઇબ્રેરી, નટરાજ રેલવે ક્રોંસિંગ, મીઠાખળી, અમદાવાદ-૩૮૦ ૦૦૮  (મો. ૯૪૨૭૩૦૮૫૨૦)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 10-11 

Loading

4 March 2017 admin
← પોસ્ટ-ટ્રુથ
લ્યાં, નલિયા ગામ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved