Opinion Magazine
Number of visits: 9449929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નૈનં છિન્દતિ શસ્ત્રાણી નૈનં દહતિ પાવક:

આશા બૂચ|Opinion - Opinion|27 November 2015

ભગવત્ ગીતાના બીજા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ શસ્ત્રાસ્ત્રો હેઠાં મુકીને યુદ્ધ પ્રારંભ કરવામાં પાછા પગલાં ભરતા અર્જુનને કહે છે:

નૈનં છિન્દતિ શસ્ત્રાણી નૈનં દહતિ પાવક:
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુત:

આત્માને ન શસ્ત્રો છેદી શકે, ન આગ બાળી શકે, તે ન પાણીથી પલળી જાય કે ન તો હવા તેને સુકવી શકે. તો આત્મા એવો અમર છે જ્યારે શરીર નાશવંત છે અને એવા શરીરનો ધર્મને ખાતર નાશ કરવા તારે ફરજ બજાવતાં શોકાતુર થવું યોગ્ય નથી. આ અને આવા અનેક આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર શ્લોકો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને તેનો ધર્મ (અહીં ધર્મ ફરજના અર્થમાં લેવાયો છે નહીં કે મંદિરોમાં મૂર્તિની પૂજા અર્ચના કરવામાં સીમિત થયો છે) સમજાવ્યો ત્યાર બાદ એ મહાભારતના યુદ્ધના મંડાણ કરવા તૈયાર થયો, એ આપણે સહુ જાણીએ છીએ.

હવે આત્માના અમરત્વ માટેનો ઉપરોક્ત શ્લોક જાણે કે IS (ઇસ્લામિક સ્ટેટ) જેવાં આતંકવાદી સંગઠનો માટે લાગુ પડતો જણાય છે. એવાં સંગઠનોને નથી શસ્ત્રો ખત્મ કરી શકતાં, નથી આગથી પ્રજ્લાવી શકાતો, નથી પાણીમાં ડુબાડી શકાતો કે નથી ગમે તેવા ભીષણ વા વંટોળથી બીજા ગ્રહ પર મોકલી શકાતો. એથી જ તો યુરોપના મોટા ભાગના દેશો ધનુષ ટંકાર કરીને વિમાની દળો દ્વારા ઈસ્લામિક સ્ટેટના કોઠાનો નાશ કરવા તત્પર થઈ રહ્યા છે, તેવે વખતે એક સવાલ જરૂર થાય કે આ ખરેખર ધર્મ યુદ્ધ છે ખરું? બીજું, કૌરવોની હાર થયા બાદ પાંડવોએ ન્યાયી અનુશાસન આપ્યું, તેવું રાજ્ય આ યુરોપના બાંધવ દેશોમાંથી કોણ આપશે?

છેલ્લાં ચાલીસેક વર્ષનો ઇતિહાસ તપાસતાં એક હકીકત સ્પષ્ટપણે આગળ તરી આવે છે કે અત્યાધુનિક શસ્ત્રોના છુટ્ટે હાથે કરેલ ઉપયોગ પછી પણ આતંકવાદ લગીરે ઓછો થયો નથી. દુનિયાની મહાસત્તાઓની આવી નાલેશી ભરી નિષ્ફળતાથી છંછેડાઈને તેઓ ચાર ગણા જોરથી ફૂંફાડો ભલે ને મારે, આતંકવાદનો એ ભોરીંગણ દરમાં સંતાઈ જવાને બદલે સહસ્ર ફેણ ઊંચી કરીને વધુ ઝેર ઓકતો અનેક નિર્દોષોના જાન લેતો રહે છે. એથી જ તો ભૂતકાળની ભૂલો પરથી શીખીને સાચો માર્ગ અજમાવવો રહ્યો.

જિસસ ક્રાઈસ્ટનો ઉપદેશ પોતાની રાજકીય અને ધાર્મિક સત્તાને પડકાર રૂપ લાગ્યો તેથી તત્કાલીન રાજા અને ધર્મ સત્તાધિકારીઓએ મળીને તેમને શૂળી પર ચડાવ્યા, પણ તેથી તેમની વિચારધારા નાશ ન પામી, કેમ કે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તેમ શરીર નાશવંત છે, પણ આત્માની માફક વિચારધારા અમર છે. આથી જ તો એક નવા ધર્મનો પ્રાદુર્ભાવ થયો અને વિશ્વ આખામાં ફેલાઈ ગયો. એવી જ રીતે મહાત્મા ગાંધી, માર્ટીન લ્યુથર કિંગ જુનિયર જેવાઓના જાન લેવાયા, નેલ્સન માંડેલા અને આંગ સાન સુ કી જેવાને કારાગારમાં બંધ કરાયા છતાં તેમના આદર્શોને કે વિચારોને ન તો ચિતા ભસ્મરૂપ કરી શક્યાં કે ન તો ચાર દીવાલોમાં સંગ્રહી શક્યાં. ઉલટાના એ લાખો-કરોડો લોકના દિલ દિમાગમાં ઘર કરી ગયાં અને કાળની મર્યાદા પાર કરીને જીવી રહ્યાં છે. જેમ આવા ઉમદા સિદ્ધાંતો અને વિચારધારાઓને બંદૂકની ગોળી, ફાંસીનો માંચડો ઘાયલ ન કરી શક્યો તેમ હાલની ઘાતક અને વિનાશકારી વિચારધારાને આધુનિક શસ્ત્રો મહાત કરી શકશે એમ સાંપ્રત રાજનેતાઓને કેમ લાગે છે?

આજે કેટલાક લોકો ગુમરાહ થયા છે, પણ મોટા ભાગની પ્રજાની સાન તો ઠેકાણે છે ને? જરા સબૂરી કરીને વિચારીએ તો ખ્યાલ આવશે કે તમારા જ ધર્મ બંધુઓ પોતાના ધર્મ પુસ્તકમાં અપાયેલ ઉપદેશનો આવો અવળો અર્થ કરીને પોતાના જ ધર્મના બે પંથો વચ્ચે અને અન્ય ધર્મીઓ સાથે અનાચારને પંથે પળે તો તમે એમને તરછોડી દેશો કે સમજાવીને સન્માર્ગે વાળશો? અને જો તમે જ તમારા કહેવાતા સહધર્મચારીઓને રાહ નહીં બતાવો તો એ કામ બીજા લોકો ગન અને બોમ્બથી કરશે એ તમને માન્ય રહેશે ને? આતંકવાદ આચરનારા અને તેનો પ્રસાર-પ્રચાર કરનારા કેવા માર્ગ ભૂલેલા બની ગયા છે, એવા મારા વિધાન પર વિશ્વાસ ન બેસતો હોય તો ચેનલ 4 પર 23 નવેમ્બરને દિવસે બતાવાયેલ કાર્યક્રમ ISIS: British Women Supporters Unvailed જોશો તો પુરાવા મળી રહેશે.

એવું આધારભૂત માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે બ્રિટનની કેટલીક નર્સરીમાં Old McDonald had a farm એ બાળગીત ગાવાની મનાઈ ફરમાવવામાં આવે છે કેમ કે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય છે. હવે એ ગીતમાં જુદા જુદા પાલતુ પ્રાણીઓ કેવા અવાજ કરે તે ગવાય છે. ગાય મૂ મૂ કરીને ભાંભરે એમ ગાય તો હિંદુ બાળકના મોઢામાં થોડું ગાયનું માંસ પહોંચી જવાનું છે? જો એ લોકો નથી ડરતા તો ડુક્કર ઓઇંક ઓઇંક કરે તેમ ગાવાથી એ પણ કોઈના ઉદરમાં નહીં પધરાવી દેવાય એમ સમજવું જોઈએ ને? હવે આવા ભયથી ત્રસ્ત પ્રજાને હકીકતની સમજણ આપીને અભય વરદાન આપવાની જરૂર છે કે ગનથી તેમનો નાશ કરવાની? જો કે એમ તો ઈંગ્લેન્ડનું શિક્ષણ ખાતું પણ સલામતીને નામે ભયથી દોરવાઈને દરેકને એક લાકડીએ હાંકવામાં અને શંકા ઉઠાવી તેના પર તહોમત મુકવામાં પાછા પડે તેમ નથી. તત્કાલીન સ્ફોટક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાળાના શિક્ષકોને સૂચના આપવામાં આવી છે શંકાસ્પદ વાણી-વર્તન જણાય તેવા વિદ્યાર્થીને તરત જ ‘રિપોર્ટ’ કરવો. એટલે નવમાં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ લંચ સમયે નમાઝ પઢવા થોડી જગ્યા અને સમયની માંગણી કરી તો તરત ‘રેડીકાલાઇઝ થવાની શક્યતા ધરાવનાર વ્યક્તિ’ તરીકે રિપોર્ટની યાદીમાં આવી ગયો ! છેને બિન આતંકવાદીઓના સલામતીના નિયમોની કમાલ?

વાત એમ છે કે કેટલાક મહત્ત્વાકાંક્ષી વિરલાઓ તેમની માન્યતા પ્રમાણે અલ્લાહે ઘડેલા કાયદાઓને અનુસરે એવા શારીયા કાયદાઓ પ્રમાણેનું રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. આમ જુઓ તો સમયે સમયે દુનિયાના ઘણા દેશોમાં રાજ્ય પદ્ધતિઓમાં પરિવર્તન આવતાં રહ્યાં છે. રશિયામાં ઝારશાહીનો અંત આવ્યો અને સામ્યવાદ છવાયો ત્યારે શું એ લોહીયાળ ક્રાંતિ નહોતી? રાજાશાહી પ્રચલિત હતી ત્યારે પ્રજાના હાલ કેવા હતા તે આપણે ક્યાં ભૂલ્યાં છીએ? તેનું સ્થાન લોકશાહીએ લીધું તે ઉત્તમ છે, પણ એ જ લોકશાહી પદ્ધતિનો પોતાના દેશમાં આનંદે લાભ લેનાર શાસકોએ અન્ય દેશોમાં પણ એ જ રાજ્ય પદ્ધતિ હોવી જોઈએ એવા પોતાના આગ્રહને વશ થઈ યેન કેન પ્રકારેણ યાતો એ દેશોમાં શાસન કરીને કે બહાર ઊભા રહીને બે દેશો વચ્ચે ફાટફૂટ પડાવી સંઘર્ષો કરાવવામાં જે ઉત્સાહ બતાવ્યો છે તેનાથી ક્યાં ઓછી જાનહાનિ થઈ છે? ફેર એટલો છે કે ઇસ્લામિક સ્ટેટની વિચારસરણી ધરાવનારાઓ પાસે પોતાનો કહી શકાય તેવો ભૂ ભાગ-દેશ એક્કેય નથી. સંભવ છે કે જમીનનો એક ભાગ જુદો ફાળવી તેમના જેવી વિચારસરણી ધરાવતા લોકોને એ ઇસ્લામિક સ્ટેટમાં રહેવાની સગવડ કરી આપીએ તો આ સંઘર્ષનો અંત આવી શકે. જો કે એ ‘નૂતન રાષ્ટ્ર’ની એક પવિત્ર ફરજ એ બની રહેશે કે તેમણે દુનિયાના બીજા દેશો પોતપોતાની રીતે રાજ્ય કરે, ધર્મ પાળે કે જે પ્રકારની જીવન પદ્ધતિ અપનાવે તેને ‘ભલે તેઓ પોતાની રાહે જીવે’ એવી સમજણ ભરી સહિષ્ણુતા સાથે શાંતિથી જીવે અને જીવવા દેવાનું પ્રણ લે અને પાળે. એમ કરવાથી પશ્ચિમના લોકશાહી દેશોમાં ઉછરીને ભણીને સ્વતંત્રતાનો લાભ મેળવીને હવે લોકશાહી અને વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂલ્યોથી તદ્દન વિરુદ્ધ દિશામાં વિચારનારાઓને સમાન વિચારસરણીવાળા લોકો સાથે રહેવાનો વિકલ્પ મળશે. પણ ભય એ રહે છે કે યુરોપ અને અમેરિકા સાથે મળીને જો આવું કોઈ પગલું ભરશે તો ઇઝરાયેલ જેવી કાયમી સંઘર્ષ વાળી રાજ્ય રચના નહીં થાય તેની કોઈ ખાતરી નથી.

લોકને એમ કહેતા સાંભળીએ છીએ કે આ આતંકવાદીઓ ક્યાં કોઈનું સાંભળે તેવા છે? હું પૂછું છું કે એમની સાથે બોલે છે જ કોણ? બોમ્બ નાખવા કે લશ્કર મોકલી તેમના થાણાંઓનો નાશ કરવો તે કઈ ભાષા છે? વાત એમ છે કે એકલ દોકલ આત્મઘાતી હુમલાઓ કે પાંચ-સાત ખુન્નસે ભરાયેલા યુવાનો નિર્દોષ લોકોના જાન લે તેમને ‘આતંકવાદી’નું બિરુદ મળે પણ બદલો લેવાની કે પાઠ ભણાવવાની મુરાદથી કોઈ દેશની સરકાર હુમલા કરે તેને ‘યુદ્ધ’ તરીકે ઓળખાવાય. પરિણામ તો બંનેનું સરખું આવે છે. બંને બાજુના આત્મઘાતી હુમલાખોર અને સૈનિકો ઉપરાંત સેંકડોની સંખ્યામાં નિર્દોષ સ્ત્રી-પુરુષ-બાળકોની જાનહાનિ થાય અને તેમ કરવા છતાં નથી તો આતંકવાદીઓને જે જોઈએ છે તે મળતું કે નથી ખુદ આતંકવાદને ડામી શકાતો. ફાયદો માત્ર શસ્ત્રો બનાવનાર અને વેંચનાર કંપનીઓને થાય છે. જો કે તેમ કરવામાં ખુદ યુ.એન.ના સભ્ય દેશોની સરકારના હાથ પણ લોહીથી ખરડાયેલા જોવા મળે છે. જુઓને, ISIS અને તેના જેવા બીજા આતંકી સંગઠનો પોતાનો નિભાવ કરવા તેલ રીફાનરીઓનો કબજો જમાવી બેઠા છે. પ્રશ્ન જરૂર થાય કે તે ખનીજ તેલ કોણ ખરીદતું હશે? તેમની પાસે વિવિધ પ્રકારના આધુનિક શસ્ત્રો છે તે એ બધા પર made inમાં કયા દેશનું નામ હશે? ક્યાંક એના સગડ જે દેશો અત્યારે વેર લેવા વિમાની હુમલાઓ કરવા સજ્જ થયા છે ત્યાં તો નહીં નીકળે? આખર ‘80ના દાયકામાં મુજાહાદ્દીનોને કોને પંપાળેલા એ આપણે ક્યાં નથી જાણતા? આમ તો એક દા ઓટોમન એમ્પાયર ભાંગેલું તેના અણિયાળા ટુકડા અત્યારે એ ભાંગનારની છાતીમાં ભોંકાય છે, કદાચ તેમને ખ્યાલ નહીં હોય કે તેમના કર્તુત્વના આટલા લાંબા સમય સુધી પ્રત્યાઘાત આવશે.

અત્યાર સુધી શિયા-સુન્ની અંદરો અંદર લડતા રહ્યા તો દેડકાનો જીવ જાય ને છોકરાં તાળી પાડે એવો ખેલ થતો આવ્યો છે એટલું જ નહીં, પોતાના પાંચ-સાત પથ્થરો – અલબત્ત શસ્ત્રોના રૂપમાં જ તો – પણ આપેલા છે એ કબૂલ કોઈ ન કરે પણ જાણે છે બધા ભાગીદારો. આ તો હવે યુરોપ-અમેરિકાના સપૂતો હણાય છે તેથી આવાં ઘાતકી વિચારો ધરાવનાર અને તેનો પ્રચાર કરનાર જૂથોનો સત્યાનાશ કરવો જોઈએ, તેવું સર્વાનુમતે નક્કી થયું છે. હા, આ હિંસાના વિષચક્રનો અંત આવવો જ જોઈએ તેમ શાંતિ પ્રિય પ્રજા પણ માને છે, ઈચ્છે છે અને કશુંક તાત્કાલિક કરવા પણ માગે છે, પણ હાલના યુરોપ-અમેરિકાના લશ્કરી પગલાં વિષે તેમને વિશ્વાસ નથી. સરકારી મંત્રીઓથી માંડીને ધર્મ ગુરુઓ અને વિદેશનીતિના તજ્જ્ઞો સહુ કહે છે કે માત્ર વિમાની હુમલાઓ આવા વેર વિખેર પડેલા આત્મઘાતીઓને શમાવવા પૂરતા અસરકારક નહીં નીવડે, તે માટે તેની સાથે લશ્કરી કુમક મોકલવી જરૂરી બનશે. અને સહુ એ પણ સ્વીકારે છે કે તેનાથી ય જે આમ જનતાની જાનહાનિ થશે તેના ઘા નહીં રૂઝાય એટલે બચેલા લોકોના દિલ-દિમાગને જીતવા વિજયી સરકારે ભરચક પ્રયત્નો કરવા પડશે. ઈરાકમાં દિલ-દિમાગ જીતવા રોકાયેલા સૈનિકો થકી શું પરિણામ આવ્યું? જિસસ, મોહમ્મદ, બુદ્ધ, મહાવીર કે ગાંધીએ લોકોના દિલ-દિમાગ શસ્ત્રોથી જીતેલા? શસ્ત્રો તો માણસને મારી શકે, દિલ તલવારની અણીએ જીતાય ખરું?   

ઇસ્લામિક સ્ટેટ બનાવવાની ઈચ્છા રાખનારા અને તેમને સાથ આપનારા ચપટીક લોકો સિવાય દુનિયાના તમામે તમામ લોકો (રાજકીય નેતાઓ બાદ કરતાં) આવી વિનાશક પરિસ્થિતિનો તત્કાલ અંત આવે અને કાયમી શાંતિ સ્થપાય તેમ ઈચ્છે છે, માત્ર સદીઓથી સંઘર્ષોનો નિવેડો શસ્ત્રોથી જ લાવનારાઓ એક એવા વિષચક્રમાં ફસાયેલા છે કે તેમને અન્ય કોઈ માર્ગ નથી સૂજતો. ગમે તેટલો જોખમી જણાય તો પણ રાજકીય વાટાઘાટો અને સામાજિક-આર્થિક નવ રચનાત્મક કાર્યક્રમો જ આવી ગૂંચવાડા ભરી પરિસ્થિતિનો ઉકેલ લાવશે એવી પૂર્ણ શ્રદ્ધા છે.

આખરમાં ક્રિશ્ચિયન hymnનું ટાગોરે બંગાળીમાં અને નરસિંહરાવ દીવેટિયાએ ગુજરાતીમાં અનુવાદિત કરેલું ભજન ટાંકું:

‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં નિજ શિશુને સંભાળ,
મારો જીવન પંથ ઉજાળ …..’

e.mail : 71abuch@gmail.com

Loading

27 November 2015 admin
← નેવુંમે વર્ષે
A SECULARIST RESPONDS TO MINISTER RAJNATH SINGH …. →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved