Opinion Magazine
Number of visits: 9484104
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નદીની રેતમાં રમતાં નગરની રેતી ઉલેચાઈ રહી છે 

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 December 2023

ચંદુ મહેરિયા

કવિ આદિલ મન્સૂરીએ અમદાવાદને નગરની રેતમાં રમતું નગર કહ્યું છે. પરંતુ આજે તો નદી કાંઠાના નગરો જ નહીં, ગામડાંઓ પણ નદીની રેતીના અસીમિત ખોદકામથી હેરાન પરેશાન છે. વળી રેતીના ગેરકાયદે ખનનને રોકવાના પ્રયાસમાં જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. હાલના દિવસોમાં જ મધ્ય પ્રદેશના શહડોલમાં ગેરકાયદે રેત કાઢી જતા રેત માફિયાને અટકાવવાનો પ્રયાસ કરતાં તલાટી પ્રસન્નસિંહ પર ટ્રેકટર ચઢાવી દઈ તેમને મારી નાંખ્યા છે. બિહારના જમુઈ જિલ્લાના ગરહી થાણા હેઠળના ચનરવાર પુલ પાસે ગેરકાયદે રેતી ભરેલા ટ્રેકટરને અટકાવવાની ફરજ બજાવતા સબ ઈન્સપેકટર પ્રભાત રંજન પર ટ્રેકટર ચઢાવી દઈને કચડી નાંખવામાં આવ્યા છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ખાણ અને ખનિજ વિભાગમાં કાર્યરત તેંતાળીસ વર્ષીય ભૂસ્તરશાસ્ત્રી મહિલા અધિકારી કે.એસ. પ્રતિમાની હત્યા કરવામાં આવી છે. આ મહિલા અધિકારીએ ગેરકાયદે રેત ખનન કરતા રેત માફિયાઓ સામે બાથ ભીડી હતી.

હવા અને પાણી પછીનું રેતી માનવજાતને સૌથી ઉપયોગી પ્રાકૃતિક સંસાધન છે. એટલે દુનિયા આખીમાં સૌથી વધુ ખોદકામ કરીને રેતી જ કાઢવામાં આવે છે. નદીઓના કિનારે કે તેના વહેણના પ્રવાહમાં જે ખડકો હોય છે તેનું ઘર્ષણ, કાટ અને હાઈડ્રોલિક ક્રિયાઓ થકી વહેણનાં પાણીથી ધોવાણ થાય છે. નદીઓ જમીનો કાપીને, તેનું ધોવાણ કરીને આગળ ધપે છે. જ્યારે નદીઓ ઊંચાઈ પરથી વહે છે ત્યારે તેનો વેગ વધુ હોય છે. એટલે ઊંચા ઢાળને લીધે નદીઓ ક્ષીણ થાય છે અને કાંપનું વહન કરે છે. મેદાની પ્રદેશોમાં નદીઓનો વેગ અને ઢાળ ઘટતાં કાંપ જમા થાય છે. આ સમગ્ર પ્રક્રિયાથી રેતી બને છે. રેતીનો વિવિધ ઉપયોગ થાય છે. ઘરથી માંડીને બંધ સુધીના તમામ નિર્માણકાર્યમાં, રસ્તાના ડામરકામમાં, કાચ બનાવવામાં, ફોનની સિલિકોન ચિપમાં, ભોજન, શરાબ, સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં, કાગળ, કલર અને પ્લાસ્ટિક બનાવવામાં, કુદરતી ગેસ કાઢવામાં અને માઈક્રોપ્રોસેસરમાં રેતી વપરાય છે. સિંગાપુરે તો ૧૯૬૦માં પાણીમાં રેતી નાંખી તેની જમીનમાં વીસ ટકાનો વધારો કર્યો હતો !

વિશ્વમાં વરસે લગભગ પાંચ હજાર કરોડ ટન રેતી અને કાંકરી નદીઓમાંથી કાઢવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનો ૨૦૧૯નો અહેવાલ વરસે પાંચ અબજ ટન રેતી કાઢવામાં આવી હોવાનો અંદાજ મૂકે છે. ગુજરાત સરકારના ભૂસ્તર વિભાગનો ઓર્ડિનરી સેન્ડ ગ્રેવલ માઈનિંગ રિપોર્ટ જણાવે છે તેમ રાજ્યના પાટનગરના ગાંધીનગર જિલ્લાની ચાર નદીઓ(ખારી, મેશ્વો, વાત્રક અને સાબરમતી)માં ૧૨.૧૮ કરોડ મેટ્રિક ટન રેતીનો સંગ્રહ છે. ૨૦૨૦-૨૧ અને ૨૧-૨૨માં આ ચાર નદીઓમાંથી ૪૭.૯૬ લાખ મેટ્રિક ટન રેતી કાઢવામાં આવી હતી. કુદરતી પ્રક્રિયાથી રેતી સતત બનતી રહે છે એ ખરું પણ તેને અસીમિત પ્રમાણમાં ઉલેચીને માનવજાત તેની બરબાદી નોતરી રહી છે. ના માત્ર ગુજરાત કે ભારતમાં વિશ્વના સિત્તેર દેશોમાં રેતીનું ગેરકાયદે ખનન મોટા પ્રમાણમાં થાય છે. એટલે જો માત્ર રેતીના કાયદેસર ખનનથી વિપરીત અસરો જન્મતી હોય તો ગેરકાયદેથી તો કેટલી વધુ અસરો થતી હશે.

નદીઓ અને સમુદ્રોના કિનારેથી જે અમર્યાદિત અને અંધાધૂધ રીતે રેતીનું ખોદકામ  થાય છે તેની સૌથી ખરાબ અસર પર્યાવરણ પર થાય છે. તેની લોકોના આરોગ્ય પર અસર થાય છે તથા ઘણી સામાજિક સમસ્યાઓ પણ જન્મે છે. વિશ્વના ૭૦ ટકા સમુદ્રોના કિનારા રેતીરહિત થઈ ગયા છે. રેતી કુદરતી રીતે પાણીને શુદ્ધ કરે છે પણ રેતી ઘટતાં નદીઓના પાણીની સ્વત: જળ શુદ્ધતા ક્ષમતા અને ગુણવત્તા ઘટી છે. રેતીના ખોદાણથી નદીની જીવ વિવિધતા જોખમાય છે. પાણીમાં અમ્લતા વધતાં માછલીઓ મરી જાય છે. નદીઓ ગંદી બની  છે. પ્રદૂષણ વધ્યું છે. લોકો અને કૃષિ પાકોને પાણી મળતું નથી. રેત ખનનથી ગંગા નદીમાં માછલીઓ ખાનારા મગર વિલુપ્ત થઈ રહ્યા છે. નદી અને દરિયાના કિનારા અસ્થિર થાય છે. કિનારામાં તિરાડો પડે છે અને સમુદ્ર તટ ગાયબ થઈ શકે છે. નદી અને સમુદ્રકિનારે વસતા લોકોના જીવન પર રેત ખનનની માઠી અસરો થઈ છે. તેની અર્થવ્યવસ્થા પર પણ અસર જોવા મળે છે.

છેલ્લાં કેટલાંક વરસોથી રેતીની માંગમાં તીવ્ર વધારો થયો છે. વીસ વરસોમાં સિમેન્ટની માંગમાં ૬૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. એટલે તે હિસાબે રેતીની માંગ પણ વધી છે. ૧૯૫૦ પછી શહેરીકરણમાં ચાર ગણી વૃદ્ધિ થઈ છે. શહેરીકરણ વધતાં મકાનનિર્માણ અને અન્ય માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાનો થતાં રેતીની જરૂરિયાત અનેકગણી વધી ગઈ છે. આ બધાં કારણોને લીધે તથા સરકારી તંત્ર અને રાજકારણીઓની મિલીભગતથી રેતીની ચોરી, હેરાફેરી અને સંઘરાખોરી વધી છે અને તેનું ગેરકાયદે ખોદકામ અનેકગણું વધી ગયું છે.

ભારત સરકારના ધ માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૭ પ્રમાણે રેતી ગૌણ ખનિજ છે. તેથી તેના પર રાજ્યોનું નિયંત્રણ છે. તેના માટે રાજ્યોએ કાયદા ઘડીને તેનું નિયમન કરવાનું હોય છે. રાજ્યે રાજ્યે જુદા કાયદા અને વધતા ઓછા દંડથી પણ ગેરકાયદે ખનન વધ્યું છે. ગુજરાતમાં ઈ-ઓકસનથી રેતીની લીઝની હરાજી કરવામાં આવે છે. પરંતુ તેથી ગેરકાયદે રેતી ખોદકામ અટક્યું નથી. ઇન્ડિયન બ્યૂરો ઓફ માઈન્સના આંકડાઓ પરથી ભારત સરકારે રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે ગુજરાતમાં દરરોજ ગેરકાયદે ખનિજ ખોદકામના ૨૧ કેસ થાય છે. તેમાં સૌથી વધુ ખનિજ ચોરી મકાન બાંધકામમાં વપરાતી રેતીની થાય છે. ૨૦૨૦-૨૧માં ૭,૧૬૪ અને ૨૧-૨૨માં ૮,૭૧૩ રેતી ચોરીના બનાવો ગુજરાતમાં બન્યા હતા. સમગ્ર દેશમાં આ વરસોમાં ૧,૭૬,૫૧૧ બનાવો નોંધાયા છે. રેતમાફિયા રેતીના ગેરકાયદે કાળા કારોબાર માટે અવનવા રસ્તા અજમાવે છે. નદીના મધ્યમાં હોડી લઈ જવાનું અને પાઈપલાઈનથી રેતી ખોદીને ભરી જવાનું તેમાંનું એક છે. સેન્ડ વેક્યુમ કે સેન્ડ પમ્પ્સનો ઉપયોગ પણ થાય છે.

વહીવટી તંત્રનું સતત મોનિટરીંગ અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસન રેતીના ગેરકાયદે કારોબારને અટકાવી શકે છે. તે માટેના પ્રયાસો પણ થાય છે. અને પોલીસ કે ખનિજ વિભાગના કર્મચારીઓ હિંસાનો ભોગ પણ બન્યા છે. ગુજરાતમાં ત્રિનેત્ર ડ્રોન સિસ્ટમથી નદીના પટમાંથી અનઅધિકૃત રીતે રેતી કાઢી જવાની ઘટનાઓ પકડવાના પ્રયાસો થાય છે. ક્યાંક કંટાળેલા લોકોએ જનતારેડનો આશરો લીધો છે.

આ સમસ્યાના ઉકેલ માટે રેતીના વિકલ્પો પણ વિચારવાના રહે છે. તે દિશામાં રણની રેતીનો ઉપયોગ વિચારી શકાય. મોટા ખડકો તથા ખાણોના પથ્થરોને મશીનોથી બારીક તોડી-પીસીને ક્રશ્ડ સેન્ડનો ઉપયોગ કરી શકાય છે. ગુજરાત, આંધ્ર, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં આવી નિર્મિત રેતીનો ઉપયોગ થઈ રહ્યો છે. રેતી કુદરતી સંસાધન છે. તેની માલિકી લોકોની છે. એ સમજી-વિચારીને લોકોએ તેનો વપરાશ અને સરકારે વહીવટ કરવો જોઈએ. 

e.mail : maheriyachandu@gmail.com

 

Loading

7 December 2023 Vipool Kalyani
← આપ કી કસમ : પત્ની ગુમાવ્યાની નહીં, વિશ્વાસ ગુમાવ્યાની પીડા
यूजीसी और एनसीईआरटी का हिन्दू राष्ट्र शैक्षणिक कार्यक्रम →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved