દેશની સ્ત્રીઓ માટે આખરી મંઝિલ, માત્ર પિતા-પતિ કે પુત્રના નહીં, આ દેશના ખળાનો અડધો ભાગ જ હોઈ શકે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ[08 માર્ચ]ની વળતી સવારે પણ દેશજનતાના દિલોદિમાગમાં ગુરમેહર કૌર છવાયેલાં છે. સ્ત્રીશક્તિ અને તેના અપ્રતિમ સાહસનું એ તાજંુ ઉદાહરણ છે. આ પંજાબી કન્યાએ ડર્યા અને ડગ્યા વિના કામચલાઉ ઘરખૂણો પાળ્યો છે ત્યારે એક બીજી પંજાબી કન્યાનું સ્મરણ થાય છે. ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાએ અમદાવાદના ગાંધી સ્મારક સંગ્રહાલયમાં સંગ્રહિત ગાંધીજીને સંબોધીને લખાયેલા એક પત્રનો હવાલો આપી તાજેતરમાં એક લેખ લખ્યો છે. પંજાબની એક કૉલેજકન્યાએ યુવાનો દ્વારા થતી છેડતી અને સતામણી અંગે ગાંધીજીનું માર્ગદર્શન માગ્યું હતું. જવાબમાં ગાંધીજીએ 31મી ડિસેમ્બર, 1938ના ‘હરિજન’ પત્રમાં ‘વિદ્યાર્થિનીઓની શરમ’ શીર્ષક હેઠળના લેખમાં, પુરુષો દ્વારા ‘સ્ત્રીઓની છેડતી ભારતમાં વધી રહી’ હોવાનું સ્વીકારી, ‘આવા તમામ કિસ્સા, દોષીઓના નામ સાથે જાહેર કરવા’ પીડિત યુવતીઓને જણાવ્યું હતું. યુવતીઓને આત્મરક્ષણની સામાન્ય કલા શીખવા સાથે અનુચિત વ્યવહારનો જોરદાર વિરોધ કરવા પણ મહાત્માજીએ સલાહ આપી હતી.
આ જ પત્રમાં સ્ત્રીમુક્તિના મોટા પુરસ્કર્તા અને આઝાદી આંદોલનમાં સ્ત્રીઓને મોટી સંખ્યામાં જોડનાર ગાંધીજીએ મહિલાઓના પહેરવેશ સંદર્ભે ટિપ્પણી કરતાં લખ્યું હતું, ‘મને એ વાત ચિંતિત કરે છે કે જ્યારે એક આધુનિક યુવતી અડધો ડઝન રોમિયોની જુલિયેટ બનવાનું પસંદ કરે છે. તેને રોમાંચ પસંદ છે. આધુનિક યુવતીઓ એવાં કપડાં પહેરે છે, જે ટાઢ, તડકો કે વરસાદ સામે તેને રક્ષણ આપતા નથી, પણ આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવે છે.’ આ બાબતનો જોરદાર વિરોધ કરતો એક પત્ર ગાંધીજીને કલકતાની 11 યુવતીઓએ લખ્યો હતો. ‘પરમ પૂજ્ય મહાત્માજી’ને સંબોધીને લખાયેલા આ પત્રમાં તેમણે ગાંધીજીની સલાહને ‘ઉત્સાહવર્ધક નહીં’ લેખીને તેમણે ‘સ્ત્રીઓના માથે સઘળો દોષ ઢોળી દીધા’નો વિરોધ કરી જણાવ્યું હતું કે, ‘ખરેખર તો તે (સ્ત્રીઓ) જ દ્વેષપૂર્ણ સામાજિક પરંપરાનો વધુ શિકાર બને છે. ‘પોતાના મનમરજીનાં કપડાં પહેરવાના હકનો બચાવ કરીને સ્ત્રીના પોષાકને જે દૃષ્ટિએ ગાંધીજી જોતાં હતા તેને ‘સમગ્ર મહિલા બિરાદરીનું અપમાન’ ગણાવ્યું હતું.
1939માં કોલકાતાની 11 અનામી પત્રલેખિકાઓએ ગાંધીજીને પડકાર્યા હોય, તે દેશમાં 2017માં ગુરમેહરનું હોવું આશ્વસ્ત કરે છે. જો કે, જે પ્રકારની પિતૃસત્તાક સમાજવ્યવસ્થા દેશમાં વ્યાપ્ત છે, તેની સામે નારીમુક્તિની મશાલ જલતી રહે છે તેમાં નામીની જેમ ગુમનામ સ્ત્રીઓનો પણ સિંહફાળો છે.
દેશમાં સ્ત્રીઓ અને દલિતો માટે શિક્ષણના દ્વાર ખોલનાર જોતીરાવ ફુલે અને સાવિત્રી ફુલે નિ:શંક પ્રથમ હતાં. પરંતુ જોતીરાવનો ઉછેર કરનાર અને તેમને અંગ્રેજી શિક્ષણ અપાવનાર એમનાં બાળવિધવા માસી સુગનાબાઈ હતાં. આ જ સુગનાબાઈએ 1846માં અસ્પૃશ્યો માટે પહેલી નિશાળ ખોલી હતી, જે છ મહિના પછી બંધ પડેલી. ડાબેરી લેખક-પત્રકાર સુભાષ ગાતાડેએ ફુલેદંપતીને પહેલી શાળા શરૂ કરવામાં ફાતિમા શેખ નામક મુસ્લિમ મહિલાએ મદદ કર્યાંનું અને ઇતિહાસના આ ગુમનામ પાત્ર વિશે વધુ ખણખોદ કરવા લખ્યું છે. ઇતિહાસકાર મકરન્દ મહેતાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 1930ના નાસિકના કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહમાં અસ્પૃશ્ય સ્ત્રીઓની મોખરાની ભૂમિકા આલેખી, રામનવમીના દિવસે સત્યાગ્રહ લોહિયાળ બન્યો અને પ્રવેશબંધી થઈ ત્યારે અજાણી અસ્પૃશ્ય મહિલાએ જ મંદિરના પૂજારીને જોશભેર લાફો માર્યાનું નોંધ્યું જ છેને?
ગુરમેહરથી અનેક નામીઅનામી સ્ત્રીઓના આવા અપવાદરૂપ સાહસની કથાઓ વચ્ચે સ્ત્રીઓ જીવન જીવ્યે રાખે છે. જે પિતૃસત્તાક સમાજમાં તે શ્વસે છે તેની બહાર વિચારવું તેને માટે લગભગ અશક્ય છે. દલિત કર્મશીલ માર્ટિન મેકવાને ગુજરાતમાં જ્યાંથી પહેલી વાર માથે મેલું પ્રથાની ભાળ મળેલી તે અમદાવાદ જિલ્લાના રાણપુરનો અનુભવ લખ્યો છે. સફાઈકામ કે માથે મેલુંના વિકલ્પમાં રોજગારીની ચર્ચાની માથાપચ્ચીમાં ભાગ્યે જ કોઈ ઝાડુની બહાર વિચારતા હોવાનો માર્ટિનભાઈને અહેસાસ થઈ રહ્યો હતો ત્યારે એક યુવતીને બ્લાઉઝ પીસ વેચવાની વાત સૂઝેલી! અને એની આ વાત પર ફળિયાના લોકો ઉકળી પડેલા.
પણ આજે ન માત્ર રાણપુરની વાલ્મીકિ સ્ત્રીઓ, બલ્કે દેશ આખાની સ્ત્રીઓ બદલાઈ છે. તે નવા જમાનાને અનુરૂપ વિચારે છે, આચરે છે. તાજમહેલની નગરી આગ્રામાં છેલ્લાં બે-ત્રણ વરસથી એસિડએટેકનો ભોગ બનેલી મહિલાઓ ‘શીરોજ હૅંગ આઉટ’ નામનું કૅફે ચલાવે છે. આ તેજાબપીડિતાઓ પોતાના બદસૂરત બદનનો બોજ ચૂપચાપ વેંઢારીને જીવવાને બદલે સ્વમાનનું જીવન જીવે છે. આગ્રાના તાજ વ્યૂ ચૌરાહે આવેલી આ કૅફે નીતુ, રિતુ, ડોલી, રૂપા, અંશુ જેવી એસિડપીડિતાઓ સંભાળે છે. આ તેમનું પુનર્વસન કેન્દ્ર નથી, પણ તેમના આત્મવિશ્વાસ અને સ્વમાનનું પ્રતીક છે. એટલે કૅફેના મેનુની વાનગીઓમાં કોઈ ભાવ લખવામાં આવતા નથી. તેની દીવાલો લલિત કલા એકેડેમીના વિદ્યાર્થીઓનાં ચિત્રોથી કંડારાઈ છે. ત્યાં લાઈબ્રેરી, બૂટિક અને ક્રાફ્ટ સેક્શન પણ છે. આ કૅફેનું નામ ‘હીરો’ની જેમ ‘શીરોજ’ રાખ્યું છે. તાજની નગરીનું આ અનોખું કૅફે ભારતીય નારીના દેવહુમાકરણનું, સ્વાભિમાનનું પણ પ્રતીક છે.
જૉબલેસ ગ્રોથના વર્તમાન માહોલમાં સ્ત્રીઓના ઘરકામની કોઈ કિંમત નથી. પુરુષોને મન તે બેઠાખાઉં કે રોટલાખાઉં માત્ર છે. વાસ્તવિકતા એ છે કે સ્ત્રીના શ્રમ પર જ સમાજ ઊભો છે. સ્ત્રી કાયમ બહેતર રોજગારની તલાશમાં હોય છે. જ્યારે તે કોઈ નવું કામ શોધી કાઢે છે, ત્યારે આરંભે જાત-જમાતનો ડારો દઈ તેને હલકું, નકામું કે ઉતરતું ગણી સ્ત્રીને તોડી પડાય છે. નીતીશકુમારના બિહારની મહાદલિત મહિલાઓના એક વૃંદ ‘સંગમ બૅન્ડ’ની આજકાલ પટણામાં ધૂમ છે. જ્યારે ખેતમજૂરી સંકોચાઈ અને બે છેડા ભેગા કરવા મુશ્કેલ પડવા લાગ્યા, તો પટણા નજીકના દાનાપુર તાલુકાના ઢીંબરા ગામની બારેક દલિત મહિલાઓએ મળીને સંગમ બૅન્ડની રચના કરી.
મહિલા કર્મશીલ સુધા વર્ગીસની સહાય અને તાલીમ મળ્યાં. એટલે 65 વરસનાં ચિત્રલેખાદેવી, 60 વરસનાં સાવિત્રીદેવી સહિતની મધ્ય અને યુવા વયની આ મહિલાઓએ ઢોલ-નગારાં હાથમાં લીધાં. પતિ અને મોટેરાંઓને આ કામ ન ગમ્યું. મારપીટ ને ઉપેક્ષા પણ થઈ, છતાં તે અડગ રહી કામને વળગી રહ્યાં. પરંપરાગત જાતિગત કામને જાકારો દીધો ને નવો રોજગાર મેળવ્યો. આજે તે એક કાર્યક્રમના દશ હજાર રૂપિયા રળે છે. પૈસા અને પ્રતિષ્ઠા બેઉ રીતે આ કામ સારું છે એટલે પુરુષોને તે ગમવા લાગ્યું છે.
‘શીરોજ હૅંગ આઉટ’ અને ‘સંગમ બૅન્ડ’ તો આ દેશની મહિલાઓ માટે એક પડાવ છે. જો કે, ગુલાબી, પીળી અને કાળી ગેંગનાં કારનામા કરતાં આ બહેતર છે, પણ એમની આખરી મંઝિલ, માત્ર પિતા-પતિ કે પુત્રના નહીં, આ દેશના ખળાનો અડધો ભાગ જ હોઈ શકે. અડધી આબાદી માટે આ જરાય વધારે પડતું નથી.
લેખક સામાજિક-રાજકીય પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘આખરી મંઝિલ’, “દિવ્ય ભાસ્કર”, 09 માર્ચ 2017