માર્સ – મંગળ ગ્રહ ઉપરથી પુરુષો આવી ચઢ્યા છે, અને આ ગ્રહ ભારે ઉતપાતિયો અને યુદ્ધખોર ગણાય છે. વિનસ (શુક્ર) પ્રેમનો ગ્રહ છે અને ગ્રીક દંતકથામાં તો તેને પ્રેમની દેવી જ ગણવામાં આવે છે. વિનસ ગ્રહ ઉપરથી નારીનું અવતરણ થયું છે. પ્રેમની વાતો કરનારા પુરુષો લગ્ન બાદ વિનસ સાથે કજિયા-કંકાસ-યુદ્ધ કરીને ખુદ પોતાનાં જ કુટુંબોને તહસનહસ કરી નાખતા હોય તેવી ઘણી કહાનીઓ ફિલ્મોએ બતાવી છે. પણ પૃથ્વી ઉપર આવીને વસેલા આ બે પ્રકારના લોકો આખરે તો માણસો જ છે. છતાં પૃથ્વી ઉપરના વસવાટમાં સ્ત્રીઓના પક્ષે પારાવાર વેઠવાનું કેમ આવે છે ? બહુ ઓછા મુદ્દા સર્વદેશીય કે સર્વકાલીય સ્વરૂપના હોય છે; નારી જગતની સમસ્યા આવી, સર્વદેશીય અને સર્વકાલીય સ્વરૂપની છે તે મહાભારત-રામાયણ કાળમાં હતી અને આજના સમયમાં પણ છે જ. તે સાઉદી અરેબિયામાં છે અને ભારતમાં પણ છે જ. નારી એક એવો વર્ગ છે કે જેને વિકાસના થોડાક પણ છાંટા ઊડે તો સમગ્ર સમાજ તેમાં પોરસાઈ જાય છે. ભ્રૂણહત્યા, માતૃ મૃત્યુદર, શિક્ષણમાં ડ્રોપ આઉટ, શારીરિક શોષણ વગેરે આચરનારા આ નિંભર સમાજને ક્યારેક કોઈક નારી કાંઈક અવનવું કરે ત્યારે ગૌરવાન્વિત થવાનું શૂર ચઢે છે. નારીની અવદશાનાં ઉદાહરણો તો અકલ્પ્ય અને અગણિત છે; તેનાં મુખ્ય સ્વરૂપો પણ દુ:ખદાયક છે.
સમગ્ર દુનિયા ઉપર નજર રાખીને મુખ્ય પ્રવાહો નાણતા અને જાણતા રહેતા અભ્યાસીઓનાં કેટલાંક તારણો સમજીએ :
(1) ભારતમાં સ્ત્રીઓની વસતી કુલ વસતીના લગભગ 48 ટકા છે. પરંતુ દેશની કુલ જી.ડી.પી.માં તેમનો હિસ્સો માત્ર 17 ટકા જ છે. આવું કેમ હશે ? આખી દુનિયામાં આવું જ હશે ? દુનિયામાં સરાસરી ધોરણે જી.ડી.પી.માં સ્ત્રીઓનો હિસ્સો 37% છે. ભારતમાં તેના અડધાથી પણ ઓછો ! આનાં બે કારણો છે : એક, પુરુષપ્રધાન માનસિકતાને લીધે એક તરફ એક બાળકી, કન્યા, છોકરી કે સ્ત્રી સમાજમાં પારેવડાની જેમ ડરતી-ફફડતી જીવે છે. ભણવું તો શું ભણવું, મોડી રાત સુધી બહાર ન રહેવાય, લોકો સાથે હસી-ખુશીની વાતચીત ન કરાય, વગેરે બંધનોને કારણે તે પોતાના સાચા સ્વરૂપને છતું કરી જ શકતી નથી. આથી એકંદરે આર્થિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓની ભાગીદારી જ ઓછી રહે છે. આનો અર્થ એ હરગિજ નથી કે સ્ત્રીઓ કામ નથી કરતી. તેના કામને ‘વૈતરું કૂટ્યું’ કહો તો ય ચાલે. ઘરનો ઢસરડો કરવા ઉપરાંત બહારની નોકરીની શક્તિ રહે તો કમાવા જવાય પણ ખરું; પણ કમાણીની રકમ તો પતિ, સાસુ કે સસરાના હાથમાં જ મૂકવાની. એટલે કે એક તરફ શ્રમના સમુચ્ચયમાં સ્ત્રીઓની ઉપસ્થિતિ જ ઓછી હોય અને હોય તો ય તેનો આર્થિક અને સીધો ફાયદો પણ તેને ન થાય તેવી સ્થિતિ છે.
વળી તે ઘરમાં રહીને જે કામ કરે છે તેની ગણતરી થતી જ નથી. નાણાંકીય લેતીદેતી વગરના વ્યવહારોને જી.ડી.પી.માં ગણતા નથી. આમ સ્ત્રી બાળકોને ઉછેરે, ખેતરમાં કામ કરે, છાણ-વાસીદું કરે, ઘરની રસોઈ બનાવે, વગેરે પ્રવૃત્તિઓ મફત જ કરતી હોય છે. તેની નવાઈ તો નહીં જ; પણ તે આદર અને ધન્યવાદને પાત્ર પણ નહીં.
બીજું કારણ એ છે કે સ્ત્રીઓને મળતું વેતન પુરુષોની તુલનાએ લગભગ 64 ટકા હોય છે. લગભગ ત્રણ સ્ત્રીએ એકનું કામ, સવેતન અને આર્થિક વ્યવહારનું હોવા છતાં, ગૂમ થઈ જાય છે. સમાજમાં પુરુષો જેટલું વેતન સ્ત્રીઓને મળતું નથી. આમ, શ્રમ બજારમાં ઓછી સામેલગીરી અને સાપેક્ષમાં ઓછાં વેતનોને કારણે કુલ જી.ડી.પી.માં, ભારતમાં સ્ત્રીઓ તરફથી મળતો હિસ્સો માત્ર 17 ટકા બની રહે છે.
(2) આમ છતાં, આર્થિક વૃદ્ધિમાં સ્ત્રીઓનો ફાળો નોંધનીય છે અને તેનું કારણ જાણવાથી નારીજાતિ તરફ સન્માનનો ભાવ પ્રગટી શકે તેમ છે. આ માટેનું મુખ્ય કારણ સ્ત્રીની સંસ્કૃિતના સંરક્ષક અને સંવાહક તરીકેની ભૂમિકામાં રહેલું છે. પુરુષોએ તો ધોતી, અંગરખું અને પાઘડીના પારંપરિત તથા સાંસ્કૃિતક ધરોહરના પોષાકનો કે’દિનો ત્યાગ કરી દીધો છે પણ સ્ત્રીની (વિવિધ ઢબે પહેરાતી) સાડી હજુ જળવાયેલી છે. છોકરીમાંથી સ્ત્રી બન્યાનું ગૌરવ ફરાક (ફ્રોક) છોડીને સાડી પહેરતાં થવામાં આવીને અટકે છે. સંસ્કૃિતનું સંરક્ષણ અને સંવહન સ્ત્રીએ જ કરવાનું છે; કોઈ પણ સન્માન કે સદ્ભાવની પણ અપેક્ષા વગર.
આ સાંસ્કૃિતક લક્ષણનો આર્થિક મતલબ બચતની વૃત્તિ સાથે જોડાયેલો છે. પુરુષ દારૂ પીએ, જુગાર રમે અને રખડેલ બને તો પણ સ્ત્રીએ તો પોતાનો ‘નારીધર્મ’ નિભાવીને બચત કરતા જ રહેવાની છે.
જામનગરના જોડિયાનો વર્ષો પૂર્વેનો એક પ્રસંગ છે. ત્યાંના અમુક કોમના પુરુષો પોતે મજૂરી કે કામ કરે તો મોભો ઘટે. ગરીબી હોવાથી ઘર ચલાવવા વાસ્તે સ્ત્રીઓએ નાનું મોટું કામ કરવું પડે. અમુક વિસ્તારમાં ચેર(મેનગ્રુવ)નાં ડાળાં કાપીને તેની ભારીઓ વેચીને સ્ત્રીઓ થોડુંક કમાઈ લાવે. આવી સ્ત્રીઓના બજારેથી પાછા જવાના રસ્તે આવેલી છાપરા હોટલોમાં તેમના પતિદેવો બેઠા હોય. જે તે ઘરવાળી પોતાના ‘ધણી’ને જોઈને (તે સમયની) એક પાવલી કાઢીને તેની તરફ ઘા કરે અને બૂમ પાડીને કહે, ‘લે મૂઆ, પી.’ પુરુષે ગમે તે કર્યું, સ્ત્રીએ તો સંસ્કૃિતનું સંરક્ષણ અને સંવહન કર્યું જ ને !
સ્ત્રીની બચતવૃત્તિને કારણે ભારતનો બચત દર 33 ટકા – જી.ડી.પી.ના ત્રીજા ભાગ જેવો ઊંચો રહે છે. આ બચતો વડે થતાં મૂડી રોકાણને કારણે નવાં કળ-કારખાનાં નંખાય છે, શેર બજારો ધમધમે છે અને નવ-નવ ટકા જેવો, જગતનો અવ્વલ નંબરનો વૃદ્ધિદર હાંસલ થાય છે. આ બધાની પાછળનાં સ્ત્રીનાં યોગદાન તરફ તો આપણી નજર પણ જતી નથી.
અને આ ‘સ્ત્રી’ એટલે કોણ ? સવર્ણ : અને તેમાં ય બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રીય, દલિત : વાલ્મીકિથી વણકર સુધી, મુસ્લિમ : શિયા, સુન્ની, વોરા, આદિવાસી, શહેરી-ગામઠી; કેટલા પ્રકારો ! દેહના આકારોની વાર્તાઓ પણ અનેક; ગોરી, શામળી, સાગના સોટા જેવી ! સમાજમાં એક ‘સ્ત્રી’ શબ્દ કાને પડે છે ને આવી ઝીલમીલ તરંગલીલા સર્જાય છે. પણ આ સઘળાનો લ.સા.અ. એટલે ભેદભાવ, શોષણ, અવહેલના અને અપમાન !
આમ, સ્ત્રી જો ધારે તો બચતની આ સંસ્કૃિત ત્યજી દઈને ભોગ-વિલાસ અને ‘આનંદ-પ્રમોદ’નાં સાધનો ખરીદવાનો અને મોજમજા કરવાનો આગ્રહ રાખી શકે. આવી સ્ત્રીઓ તરફ, પેલું આછુંપાતળું સન્માન પણ ટકતું નથી. જી.ડી.પી.માં સ્ત્રીનો ફાળો ભલે 17 ટકા હોય પણ બચતની વૃત્તિને દૃઢાવીને તે મૂડીરોકાણને ઉત્તેજન આપીને આવનારી પેઢીઓની આવતીકાલને ઉજ્જ્વળ બનાવવા મથતી રહે છે.
આ જ સંદર્ભમાં બે ઉદાહરણો સામે આવે છે. બાંગ્લાદેશના મહંમદ યુનૂસ બચત મંડળીઓનો -સ્વસહાય જૂથનો વિચાર આવ્યો. આ બચત મંડળીમાં મહિલા સભ્યો જ હોય. દર મહિને એક નક્કી કરેલી રકમ આ મંડળીમાં જમા થાય. સામે કોઈક નિર્ધારિત બેંક એટલી જ રકમનું ધિરાણ પણ આપે. 15-20 બહેનોની આ મંડળીમાંથી, આ બચતો વડે, કોઈક એકને ધિરાણ અપાય. તે ભેંસ ખરીદે, શાળ કે સિલાઈનો સંચો ખરીદે કે ઘર રીપેર કરાવે. આ વિચારને કારણે મહંમદ યુનૂસને નોબલ ઈનામ પણ મળ્યું. પણ સવાલ એ થાય જ કે બહેનોની બચત મંડળી શા માટે ? ભાઈઓની કેમ નહીં ? વાત સમજવા જેવી ખરી.
એક અભ્યાસ કર્યો યુ.એન.ડી.પી.એ. આ સંસ્થા દર વર્ષે માનવ – વિકાસ સૂચકાંક પ્રકાશિત કરે છે. અભ્યાસનો મુદ્દો એ હતો કે સમગ્ર કુટુંબ માટે કલ્યાણકારી નિર્ણયો કોણ કરી શકે; સ્ત્રી કે પુરુષ ? આમ તો આવો સવાલ ઊઠે તે જ નવાઈ કહેવાય. સ્ત્રી હોય કે પુરુષ, માતા હોય કે પિતા, કુટુંબના ભલા માટે જ નિર્ણયો કરે ને ! પણ એ બાબત શંકાસ્પદ જણાઈ છે. પરિણામે આ અભ્યાસમાં અન્ય બધી રીતે સમાન હોય તેવાં કુટુંબો પસંદ કરાયાં. માત્ર કુટુંબના વડા તરીકે એક જૂથમાં પુરુષો હતા અને બીજા જૂથમાં સ્ત્રીઓ હતી. બાકી, વ્યવસાય, વસવાટ, શિક્ષણ, વગેરે બાબતોમાં કુટુંબોનાં બે ય જૂથો સમાન હતાં. તારણ એ આવ્યું કે જે જૂથમાં સ્ત્રી કુટુંબના વડા તરીકે હતી ત્યાં કુટુંબના કલ્યાણલક્ષી નિર્ણયો લેવાતા હતા. મતલબ લગભગ એવો નીકળે કે જો સ્ત્રીને નિર્ણયની સત્તા મળે તો બાળકોનું શિક્ષણ, પોષણ, બચત, વગેરે વધે અને પુરુષોના હાથમાં આ ધનરાશિ વાપરવાનો અધિકાર આવે તો દારૂ, જુગાર અને રખડપટ્ટીમાં પૈસા ઉડાડાય ! લગભગ આવો જ અભ્યાસ પશ્ચિમ બંગાળની પંચાયતોનો થયો. 73મા બંધારણ સુધારાના અન્વયે રાજ્યની ત્રીજા ભાગની ગ્રામ પંચાયતોમાં સ્ત્રી સરપંચો હોય છે. આ બાબતે ઘણી વાર ટીકા પણ થાય છે કે આવી પંચાયતોમાં રીમોટ તો પતિદેવોના હાથમાં હોય છે. ક્યાંક એવું હશે પણ ખરું ! પણ એકંદર હિસાબ એવો બેસે છે કે જો સરપંચ રૂપે સ્ત્રી હોય તો ગામના લોકોનાં કલ્યાણલક્ષી કામો તરફ વધુ ધ્યાન અપાય છે. દા.ત. ગામમાં પીવાનાં પાણીની સમસ્યા હોય અને રસ્તાની પણ જરૂર હોય તો પુરુષો રસ્તો બાંધવાના કામને અને સ્ત્રીઓ પાણીની સગવડને વધુ અગત્ય આપશે. સવાલ જરૂર થાય કે પાણીને રસ્તા કરતાં વધુ કલ્યાણલક્ષી શાને ગણવું ? ઉત્તર સીધો અને સાદો છે.
ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોના અભ્યાસમાં જોવા મળ્યું કે સ્ત્રીનું શરીર, દૂરથી પાણી વહન કરી લાવવાના શ્રમને કારણે જ રોજની 500 કેલરી બાળે છે. એટલો પૌષ્ટિક આહાર ન મળે તો તેનું શરીર ઘસારે પડે. વળી જો પાણી સારીને ન લાવે તો નહાવા, ધોવા, રસોઈ કરવા અને માણસને (અને ક્યારેક ઢોરને પણ) પીવા માટે શું કરવું ? અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત બંધાતા સંડાસોમાં પણ પાણી તો જોઈશે જ ! અને તે સમજવાની શક્તિ સ્ત્રીમાં છે.
નારીની સમજ અને સૂઝબુઝ કેવા પ્રશ્નો ઉકેલી શકે છે તે સમજવા માટે કર્ણાટકના હોશુર જિલ્લામાં કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા માયરાડા(MYRADA – Mysore Relief and Development Agency)ના બે અનુભવ જાણવા જેવા છે.
(1) એક ગામની મહિલાઓએ બચત મંડળી બનાવી હતી. તેમાંથી લોન લઈને સ્થાનિક સભ્ય સ્ત્રીઓ ગાય, ભેંસ, સીવવાના સંચા, વગેરે વસાવીને બે-ચાર પૈસા ઘર માટે કમાતી હતી. પરંતુ દર મહિને મળતી મિટિંગોમાં જોવા મળ્યું કે કોઈક ને કોઈક સભ્ય સ્ત્રી ગેરહાજર રહેતી. સ્ત્રીઓ બદલાતી રહેતી પણ કારણ લગભગ એક જ સમાન રહેતું. પતિદેવે નશામાં ખૂબ મારી તેથી આવી ન શકાયું ! પણ એક મિટિંગમાં તેમને આનો ઉકેલ જડી ગયો. બધી જ ‘સભ્ય’ બહેનોએ એકઠા થઈને પેલી બહેનના ઘરે જઈને તેના પતિને બરાબર ફટકાર્યો. જે ધોકાવાળી થઈ તેથી ગામના ઘણા મૂછાળા મરદોને સાન આવી ગઈ પણ પછી તો જાણે દરેક મિટિંગનો આ એજન્ડા જ બની ગયો ! જો કોઈ પણ સ્ત્રીને તેનો પતિ આ રીતે મારે તો બધાએ ભેગા થઈને તેને ઝૂડી નાખવો એ ક્રમ થઈ ગયો. ધીમે ધીમે આપોઆપ દારૂબંધી આવી ગઈ !
બીજો બનાવ પણ એવો જ નોંધપાત્ર છે. જે એન.જી.ઓ. (માયરાડા) ત્યાં કામ કરતું હતું તેને જોવા મળ્યું કે સરેરાશ લગભગ 29 વર્ષની ઉંમરે ત્યાંની સ્ત્રીઓ દાદી બની જતી હતી. સરકારી રાહે આનો ઉપાય શિક્ષણમાં શોધાય છે. જો છોકરીઓ વધુ ભણે તો લગ્નો મોડાં થાય અને બાળલગ્નો ઘટે તો આવા – જલદીથી દાદીમા બનવા જેવા બનાવો ન બને. પણ જ્યાં શાળાઓમાં છોકરીઓ માટેના અલગ ટોઈલેટ્સ જ ન હોય ત્યાં કન્યા ડ્રોપઆઉટ દર પણ ઊંચો જ રહેવાનો. આ સ્વૈચ્છિક સંગઠને સહેજ આગવી રીતે વિચાર્યું.
આ હોશુર જિલ્લો કર્ણાટક, આંધ્ર અને તમિલનાડુના ત્રિભેટે આવેલો છે. આ વિસ્તારમાં ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે; તે પૈકી તાતાનું ઘડિયાળ બનાવવાનું કારખાનું પણ છે. સંસ્થાના માણસોએ આ કારખાનાવાળા સાથે ચર્ચા કરીને શોધી કાઢ્યું કે ઘડિયાળના યંત્ર સહિતનું ચગદું બ્રાન્ડ નેમ ધરાવે છે પણ ઘડિયાળનો પટ્ટો તો ગમે ત્યાંથી મેળવી શકાય. આ પટ્ટા પણ કારખાનામાં જ બનતા હતા. સંસ્થાવાળાઓએ તેનું ‘આઉટ સોર્સિંગ’ કરાવ્યું અને પેલી 29 વર્ષે દાદી બનતી કન્યાઓને તાલીમ અપાવી, પછી યંત્રો અપાવ્યાં અને થોડીક મૂડી પણ અપાવી. આ છોકરીઓ આ કારખાનાને ટ્રસ્ટીશિપના ધોરણે ચલાવવા માંડી અને લગ્ન માટે પૂરતા પૈસા ભેગા કરવા માંડી. તે કહેતી, ‘મારા લગ્ન માટે પૂરતા પૈસા ભેગા કર્યા વગર પરણવું નથી,’ તેની ઉંમર 24 વર્ષની હતી.
પણ ‘પરણ્યા એટલે … પારકા લાડી, ચાલો આપણે ઘેર રે …’ એ લગ્નગીતના ઉખાણાને ઉકેલવું રહ્યું. ભ્રૂણહત્યાથી બચેલી, અલગ ટોઈલેટની સગવડ વગરની નિશાળોમાં પણ ભણેલી. સતત ડરતી-ફફડતી કનયા, ઘડિયાળના પટ્ટા બનાવે કે સોય-દોરાના કામ કરતી કરતી પોતાના ઘર અને ભાવિનાં સ્વપ્નાં જોઈને પરણે એટલે વાત પૂરી થઈ એમ માનીશું ? કે નવી અને વધુ ભયાનક વાતની શરૂઆત થઈ એમ ગણીશું ? વર્લ્ડ બેંકના (2002) ફ્રાંસિસ બ્લોક અને વિજયેન્દ્ર રાવનો એક અભ્યાસ એક નવું જ પરિમાણ ખોલી આપે છે. તેમના અભ્યાસનું શીર્ષક છે, ‘ટેરર એઝ અ બારગેનીંગ ઇન્સ્ટ્રુમેન્ટ’. આ અભ્યાસીઓ કહે છે, લગ્ન બાદ પણ દહેજ અથવા પૈઠણની હપ્તા વસૂલી ચાલુ જ રહે છે. પરણીને ઘરમાં આવેલી દીકરીને વારેવારે મા-બાપ પાસે પાછી મોકલવામાં આવે છે અને પૈસાની માગણી કરાય છે. તે નિર્ધારિત પૈસા લાવે નહીં તો તેને મારવામાં આવે છે. સાસરિયા ટેરરિસ્ટ તરીકે વર્તે છે અને પેલી દીકરી જાણે બાનમાં પકડાયેલી હોય તેવો વર્તાવ થાય છે.
પણ આ અભ્યાસીઓનું બીજું તારણ વધુ અગત્યનું છે. તે કહે છે, જો લગ્ન વખતે પૂરતું દહેજ આપ્યું ન હોય તો આવા અત્યાચાર વધુ થાય છે. આવા અત્યાચાર બે સંજોગોમાં ઓછા થાય છે : એક, લગ્ન વખતે જ પૂરતું દહેજ આપ્યું હોય અને બે, લગ્ન બાદ વધુ પુત્રો – પુરુષ બાળકોનો જન્મ થાય ! છોકરી જન્મે તો માએ માર ખાવાનો. પોતાની દીકરી માટે પત્નીનાં માવતર પાસેથી ભવિષ્યમાં આપવા થનાર દહેજની રકમ માંગી લાવવાની ! અને આવી કથાઓ તો આપણા સમાજને એવી કોઠે પડી ગઈ છે કે તેમાં વ્યથા જણાતી પણ નથી !
બાન ઉપર લવાયેલી, ઘરનો ઢસરડો કરતી અને ડરતી-ફફડતી આ સ્ત્રીઓ સારા ભાવિ અને પોતાના ઘરની આશાએ રાત-દિવસ કામ કરે જાય છે. ખેતરોમાં વગર પૈસે કામ કરીને દેશભરની ભૂખ મટાડનારી આ માતાઓ પૈકી બાવન ટકા કુપોષિત છે. પોતે મફત મજૂરી કરે અને બીજાને ખવડાવે પણ પોતે તો રાત પડે એકાદ કળશ્યો પાણી પીને ‘શાતા’ અનુભવે ! આ બાબતો આપણી મહાન ગણાતી સંસ્કૃિત સામે મસમોટા પડકાર સમી છે. પંડિત નહેરુએ સાચું જ કહ્યું હતું, 'you can tell the condition of a naton by looking at the status of its women.'
હવેના સમયમાં આ સ્ટેટસ ઓફ ધ વિમેન – સ્ત્રીનો દરજ્જો માપવાની પણ તરકીબો શોધાઈ છે. અમર્ત્ય સેન અને મહેબુબ-અલ-હકના માનસ-સંતાન સમા માનવ વિકાસ સૂચકાંકમાં જેન્ડરને લક્ષમાં રાખીને ઘણી નવી માપન વ્યવસ્થાઓ પ્રયોજાતી જાય છે. જેન્ડર ઈકવોલિટી મેજર (GEM), જેન્ડર ઇનઇક્વોલિટી મેજર (GIM), જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (GDI) એમ ત્રણ સૂચકાંકો દ્વારા સ્ત્રી-પુરુષ વચ્ચેની જાતિગત અસમાનતા તેમ જ સ્ત્રીનાં સ્થાન વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતીને વિવિધ વર્ષો વચ્ચે તોલી શકાય છે અને તે રીતે કોઈક એક જ દેશની અંદરની પરિસ્થિતિમાં આવતા સુધારા અથવા બગાડાનો અંદાજ પ્રાપ્ત થાય છે. તે જ રીતે તેને એક જ વર્ષમાં વિવિધ દેશો વચ્ચે પણ સરખાવી શકાય છે. પણ આટલા બધા ગહન અને શાસ્ત્રીય અવગાહનના મુદ્દાને રસિકજનો માટે બાજુએ રાખીને અને મુખ્ય સરખામણી કરી જોઈએ.
એક ગણતરીનું નામ છે, માતૃ મૃત્યુદર. કોઈ પણ દેશમાં એક વર્ષ દરમિયાન થતી દર એક લાખ પ્રસૂતિ દીઠ કેટલી સ્ત્રીઓ પ્રસવ દરમિયાન જ મૃત્યુ પામે છે તેનો આ આંકડો છે. આ વિગતો વર્ષ 2015ની છે. નોર્વેમાં ‘માત્ર’ પાંચ મહિલાઓનાં મરણ થાય છે પણ કેનેડામાં સાત, યુનાઇટેડ કિંગ્ડમમાં નવ, યુનાઇટેડ સ્ટેટ્સમાં 14, ક્યુબામાં 39 અને ચીનમાં 27 સ્ત્રીઓનાં આવાં મોત થાય છે, સામે પક્ષે ભારતમાં તે પ્રમાણ 174નું અને પાકિસ્તાનમાં 178નું છે. સ્ત્રીઓનાં સ્થાન અને સન્માનની આ ઊબડખાબડ ભૂમિમાં નોર્વેમાં માત્ર પાંચ અને ભારતમાં 174નો આંકડો ભારતમાં સ્ત્રીઓની દુર્દશાને બહુ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. પેલાં સરકારી સૂત્રો અને ધર્મ અને પરંપરાનાં વારંવાર ફેંકાતાં અને ઉછાળાતાં વિધાનો છતાં, પ્રસૂતા સ્ત્રીઓને સારવાર, પોષણ, દરકાર અને માવજત અપાતાં જ નથી. આ દરમિયાન, સૌને માત્ર શુભેચ્છાપૂર્વકના અનુરોધ કરીને રાજી રહેનારા યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડિવલપમેન્ટ ગોલમાં આ આંકડાને 2030 સુધીમાં 70 સુધી લાવવાનો વિચાર રજૂ કરાયો છે.
સ્ત્રીઓના સશક્તિકરણનો વિચાર પણ હવે ચોરે ને ચૌટે પહોંચ્યો છે. સ્ત્રીના સશક્તિકરણ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, નિર્ણયોની પ્રક્રિયામાં ભાગીદારી (જેમ કે ધારાસભા કે સંસદનું સભ્યપદ, ઊંચા અધિકારિક પદ) તથા આર્થિક પરિસ્થિતિને લક્ષમાં લેવાય છે. આ બાબતે પણ ઊંડા ખૂંપી જતા શાસ્ત્રીય અવગાહનના મુદ્દાને ‘રસિકજનો’ માટે છોડી દઈએ. સાવ ખોટી પણ ન હોય અને સાવ સાચી ન પણ હોય તેવી એક ધારણા કરીએ. સ્ત્રીઓ જો વળતર સહિતનું કામ કરે તો તેમનું સશક્તિકરણ અન્ય, આવું કામ ન કરનાર સ્ત્રીઓના મુકાબલે વધુ હશે ? (આ વાત સાચી ન પણ હોય. તેની સંભવિતતા બે દાખલા દ્વારા સમજી શકાય. થોડાંક વર્ષો અગાઉ આઈ.એ.એસ. થયેલી પોતાની પત્નીને આઈ.પી.એસ. થયેલો પતિ મારતો હતો તેવા સમાચાર હતા. એક મહાન પોલીસ ઓફિસરે એક આઈ.એ.એસ. મહિલા ઓફિસરના શરીર સાથે અડપલાં પણ કરેલાં. અલબત્ત, આવા દાખલા આત્યંતિક અને જૂજ છે. આ બાબતે પણ વર્ષ 2015ના થોડાક આંકડા ઉપર નજર નાંખવા જેવી ખરી.)
આ વિગતોને લેબર ફોર્સ પાર્ટિશિપેશનનો દર કહેવાય છે. 15-59 વય જૂથનાં સ્ત્રીઓ અને પુરુષોના સમુચ્ચયને લેબર ફોર્સ કહેવાય છે. તે સમૂહોમાંથી કેટલા ટકા આર્થિક ક્ષેત્રે કાર્યાન્વિત છે તેની માહિતી પ્રસ્તુત છે. સ્ત્રીઓની સામેલગીરી જેમ વધુ તેમ તેમનું સશક્તિકરણ પણ વધુ.
નોર્વેમાં આ પ્રમાણ સ્ત્રીઓ માટે, 61.2 ટકા તથા પુરુષો માટે 68.2 ટકા છે. સંસાર રથનાં બંને પૈડાં લગભગ સમાન કદનાં છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્રમાણ અનુક્રમે 56 અને 58 છે. યુનાઇટેડ કિંગ્ડમમાં 56 અને 68, ચીનમાં 64 અને 78 છે. પણ મહાન દેશ ભારત અને શાખ પડોશી દેશ પાકિસ્તાનની કહાણી ન્યારી છે. ભારતમાં 27 ટકા સ્ત્રીઓ અને એંશી ટકા પુરુષો અને પાકિસ્તાનમાં 24 ટકા સ્ત્રીઓ તથા 82 ટકા પુરુષો વળતરવાળી આર્થિક પ્રવૃત્તિ કરે છે. સંસાર રથનાં બે પૈડાં વચ્ચે કેટલું અંતર ! તેનો અર્થ એ નથી કે આ દેશની સ્ત્રીઓ તાગડધિન્ના કરીને બેસી રહે છે. હાથે હીના અને પગમાં અપીતો લગાડીને એશોઆરામની જિંદગી બસર થઈ રહી છે એવું રખે મનાય. આ દેશોમાં સ્ત્રીઓ એ જ વૈતરું ફૂટે છે; માત્ર વળતર કે વેતન વગર, તેથી જી.ડી.પી.ની દૃષ્ટિએ આ સ્ત્રીઓ ‘અદૃશ્યમાન’ છે.
ભારતીય (હિંદુ-વેદાન્તી) સંસ્કૃિતના ઉદ્ગાતા સ્વામી વિવેકાનંદે કહેલું, "All Suffering ever forgiving mother”. સાને ગુરુજીનાં માતાજીની જેમ સતત વેઠતા રહેવું અને ‘હોઠોની પાંખડીઓ બંધ …’ રાખવી તે માતાનું કર્તવ્ય ગણાયું છે. સામે પક્ષે, જે નોર્વેના સુખદાયક આંકડા જોયા તેનો એક લેખક, નામે ઇબ્સન એક અદ્ભુત નાટક આપી ગયો છે ‘ડોલ્સ હાઉસ’ – એક ઢીંગલીનું ઘર. ઢીંગલીએ માત્ર શોભા વધારવાની છે, ચૂપ રહેવાનું છે અને સૌને અનુકૂળ થઈને, પોતાનો વિચાર પણ કર્યા વગર જીવવાનું છે. આ નાટકની માત્ર નોર્વે જ નહીં, સમગ્ર યુરોપ ઉપર મોટી અસર પડી છે. આ વિડંબણા સામે તોલ્સતોયની અન્ના કેરનિના બળવો પણ કરે છે. તમે મને લોખંડના પાંજરામાં પૂરી રાખશો ! તે આપઘાત કરીને વિદ્રોહ દાખવે છે. એન રેન્ડ પણ પ્રાચીન ચીનમાં મનુષ્યદેહના વિવિધ આકારો ઊભા કરીને ઉમરાવો કે રાજાઓ દ્વારા સભામાં મનોરંજન અર્થે રજૂ કરાતા માનવદેહોની વિભિષિકા રજૂ કરે છે. તે સમયે બાળક નાનું હોય ત્યારથી લોખંડના ચાપડાવાળા આકારોમાં બાંધી દેવાતું. કોઈક બાળક બરણી આકાર બનતું તો કોઈક ડબ્બાનો આકાર ધારણ કરતું. કદાચ વધુ ધ્યાનથી આપણી આજુબાજુના લોકોને નિહાળીએ તો આવા માનસિક આકારો જોવા મળે પણ ખરા ! તેરમી સદીની રઝિયા ‘સુલતાન’ ન જ હોઈ શકે; સાડા ત્રણ જ વર્ષમાં તેનો ફેંસલો લાવી દીધો ને !
યોગાનુયોગ જ હશે કે રઝિયાના શાસનનાં આ વર્ષો દરમિયાન ઈરાનમાં સૂફી સંત જલાલુદ્દીન રૂમી પણ જન્મ્યા અને જીવ્યા. સ્ત્રીઓનાં દુ:ખ, દર્દ, અવહેલના, ત્રાસ, પીડા, વગેરે ઓછાં કરવામાં આ સાંસ્કૃિતક અને આધ્યાત્મિક માર્ગે કોઈ ઉપાય જડે ખરો ? સરકારના પ્રયાસો ચાલતા રહે પણ અન્ય કોઈ માર્ગ ખરો?
અહીં એક સાવ અજ્ઞાત એવી રસસુંદરી દેવીના વિધાનને સંકોરી શકાય. ‘અમર જીબન’માં તેનો ઉલ્લેખ આ પ્રમાણે છે : ‘હે ઈશ્વર, હવે તો તું મારો શિક્ષક બન અને મને વાંચતા શીખવ. હું એક પરણેલી ગામઠી ઓરત ક્યાં જાઉં ? કોઈની સાથે વાત કરવામાં પણ શરમ અનુભવું છું.’ આ વાક્યો કોઈને પણ વીંધી નાખે તેવાં છે.
રૂમીનાં કેટલાંક વિધાનો આ સંજોગોને જરૂરી આત્મશ્રદ્ધા અને બળ પૂરાં પાડે છે. તે લખે છે :
(1) ફૂલ તો વરસાદનાં ટીપાં પડવાથી ઊગે, વાદળના ગર્જનથી નહીં. (2) જીવનને બદલવા વાસ્તે માત્ર એક વ્યક્તિની જરૂર છે; તમારી પોતાની. (3) કાલ સુધી હું ચાલાક હતો, તેથી દુનિયા બદલવા ઇચ્છતો હતો. હવે હું બુદ્ધિમાન છું; તેથી જાતને બદલવા ઇચ્છું છું. (4) અંદરનો ગુલામ ગૂમ થઈ જાય તો તમે બાદશાહ જ બાદશાહ છો. (5) દિલથી નીકળેલા શબ્દો દિલમાં પ્રવેશી જાય છે.
345, સરસ્વતીનગર, આઝાદ સોસાયટી પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-380 015.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 જૂન 2018; પૃ. 10-13