
નેહા શાહ
સોશ્યલ મીડિયા પર રીના નામની કોન્સ્ટેબલનો ફોટો જોયો? હાથમાં દંડો અને આગળ છાતી પાસે નાનું બાળક રાખીને રેલવે કોન્સ્ટેબલની ફરજ નિભાવતી રીનાનો ફોટો અને વીડિયો ઠીક ઠીક વાયરલ થયો છે. રેલવે પોલીસ ફોર્સના (આર.પી.એફ.) અધિકૃત એક્સ (ટ્વીટર) એકાઉન્ટ પર પણ એ પોસ્ટ થયા છે. એની નીચે કામ અને કુટુંબ વચ્ચે સંતુલન જાળવતી મહિલા કર્મચારીને ‘નારી શક્તિ’નું પ્રતિક ગણાવતા એનું મહીમા મંડન કરતા શબ્દો … “તેણી નોકરીની ફરજ પણ બજાવે છે … પાલન પોષણ પણ કરે છે… એ બધું કરે છે! એ એક માતા છે, એક યોદ્ધા છે જે ટટ્ટાર ઊભી છે. કોન્સ્ટેબલ રીના જે અગણિત માતાઓમાંથી એક છે જે ફરજ અને માતૃત્વ વચ્ચે સંતુલન જાળવી રહી છે”. રેલવે મંત્રી અશ્વિની કુમારે પણ રીના રૂપી ‘નારી શક્તિ’ને બિરદાવી! આ સાથે ફરી એકવાર શરૂ થઇ ગઈ ચર્ચા. શું રીના જે પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહી હતી તે મહિમા ગાવા યોગ્ય હતું? અહીંથી ચર્ચા બે ભાગમાં વહેંચાવી જોઈએ – એક, વ્યક્તિગત પરિસ્થિતિ અને એમાં વ્યક્તિનું વર્તન. બે, સમાજે ઊભું કરેલું સંસ્થાકીય માળખું.
વ્યક્તિગત રીતે તો રીના એ બતાવેલી ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા સરાહનીય જ છે. એની ગેરહાજરીમાં બાળકની સંભાળ લેનાર ઘરે અન્ય કુટુંબીજન નહિ હોય તો એ તેના કામનું મહત્ત્વ સમજી એ બાળક સાથે ફરજ પર મોજૂદ થઇ ગઈ. એણે પોતાની નોકરી અને બાળક બંને પ્રત્યેની ફરજ નિભાવી. એની ફરજ નિષ્ઠાને સલામ. પણ, શું આ પરિસ્થિતિ ઇચ્છનીય છે? રીનાનો આ ફોટો દિલ્હી સ્ટેશન પર થયેલ ભાગદોડનાં ચોવીસ કલાક પછીનો જ છે. રીનાનું કામ પણ ભીડ ભેગી ના થાય એ જોવાનું હતું. પણ, જરા વિચારો જ્યારે કુંભમાં જનાર લોકોનો ધસારો જ્યારે ચાલુ હોય, જ્યારે લાખોની સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર આવતા હોય ત્યારે જો અનાયાસે ભીડ બેકાબૂ થઇ ગઈ તો રીના તો છોડો, એની સાથેના નવજાત બાળકનું શું થાય? વિચાર આવતા જ કમકમા આવે છે! રીના જેવી લાખો માતા પેટિયું રળવા કામ કરે છે. અર્થ તંત્રના પૈંડા દોડતા રાખવા માટે એમનાં કામનું ઘણું મહત્ત્વ છે. ખૂબ ઓછી મહિલા એવી હશે કે જે પોતાની રીતે, ખાનગી ધોરણે બાળ સંભાળ માટે સહાયક રાખવા પાછળ પૈસા ખર્ચી શકતી હશે. સવારથી રાત સુધી ફેરી કરતી બહેનો, કે દિવસ-રાત મજૂરી કરતી, ખેતરમાં કામ કરતી બહેનો એટલી આવક ક્યાંથી લાવે કે જેમાંથી એને સહાયક રાખવું પોસાય? પીઠ પર બાળકને બાંધી કામ કરતી કે પછી સાડીની ઝોળી બનાવી બાળકને સુવડાવી કામ કરતી મહિલાઓ તો ગામડાં અને શહેરો બધે દેખાશે. એરકંડિશન્ડ ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતી બહેનોનાં હાથમાં પણ એટલો પગાર નથી આવતો કે એ યોગ્ય સહાયક રાખી શકે. જો કુટુંબમાં કોઈ બાળકને સંભાળનાર હોય તો એનું નસીબ સારું, બાકી ક્યાં તો એણે કામ છોડી ઘરે રહેવું પડે અથવા રીના જેવો સંઘર્ષ સતત કરવો પડે. આવક ઓછી હોય ત્યાં મહિલા પાસે નોકરી છોડવાનો વૈભવ પણ નથી હોતો, કારણ કે એની આવક ઘર ટકાવી રાખવા જરૂરી હોય છે. ટૂંકમાં, મોટા ભાગના કિસ્સામાં નોકરી અને ઘર પ્રત્યેની ફરજનું સંતુલન રાખવું એ મહિલાઓ માટે મજબૂરી વધારે હોય છે. ઘર અને બહાર બંને જવાબદારીના બોજ તળે આ મહિલાઓ પિલાતી જ હોય છે, ભલે તાકાતભેર એ પરિસ્થિતિ નિભાવી જતી હોય!
રીના જેવા કિસ્સાને ‘નારી શક્તિ’ના પ્રતીક તરીકે વધાવવાની જરૂર નથી, પણ તેમને આ પરિસ્થિતિમાં ન મુકાવું પડે એ માટેના રસ્તા શોધવાની જરૂર છે. જ્યાં સમાજે સંસ્થાકીય માળખું ઊભું કરવું પડે. આ કોઈ નવો વિચાર પણ નથી. દરેક સ્ત્રીને યોગ્ય પ્રસૂતિ અને બાળ ઉછેરની રજા મળે તેમ જ કામના સ્થળે સ્વચ્છ-સુરક્ષિત ઘોડિયા ઘર મળે એ વ્યવસ્થા ઊભી કરવાની જરૂર તો વર્ષોથી જણાઈ છે. વિશ્વભરનાં મહિલા સંગઠનો આ માટે માંગ પણ કરતા રહ્યા છે. વિશ્વ શ્રમ સંગઠન (આઈ.એલ.ઓ) અને યુ.એન. – વિમેન જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ વારંવાર સભ્ય દેશોને આ અંગે ભલામણ કરતી રહી છે. ભારતમાં પ્રસૂતિની રજા માટે કાયદા બન્યા છે પણ એનો અમલ મુખ્યત્વે સરકારી અને અર્ધસરકારી ક્ષેત્રમાં જ થાય છે. ઘોડિયા ઘરની વ્યવસ્થા માટેની કાયદાકીય જોગવાઈ મોટે ભાગે કાગળ પર જ રહી છે. એમાં આમે ય અસંગઠિત ક્ષેત્ર માટેની જોગવાઈ નથી, જ્યાં મોટાભાગનો રોજગાર ઊભો થઇ રહ્યો છે.
સારસંભાળનું એક અર્થતંત્ર છે. જ્યાં સુધી એનો મુખ્ય ધારામાં સ્વીકાર નહિ થાય ત્યાં સુધી રીના મહિલાઓના ભાગે બેવડી જવાબદારી વચ્ચે પીસાતા રહેવાનું જ આવશે. સ્વચ્છ અને સુરક્ષિત ઘોડિયા ઘર પૂરા પાડવા એ દરેક નોકરી આપનારની જવાબદારી છે. દુર્ભાગ્યે બાળ ઉછેરની જવાબદારી એટલી હદે માતાના ખભા પર છે કે વ્યાવસાયિક તાલીમ પામેલી વ્યક્તિઓને બાળ ઉછેર સાથે જોડવાનું કોઈ મોડેલ ઊભું થઇ જ નથી રહ્યું. બાળ ઉછેરનો આર્થિક, શારીરિક અને ભાવનાત્મક બોજ માતાના ભાગે આવે છે જેને ‘નારી શક્તિ’ જેવા લોભામણા વિશેષણો પાછળ આપણે છુપાવતા રહીએ છીએ.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર