
ધનકોરબાઈ
બીજી મે ૧૮૭૧ના દિવસે મુંબઈમાં એક અભૂતપૂર્વ ઘટના બની : ધનકોરબાઈ અને માધવદાસ રૂગનાથનાં લગ્ન થયાં. પણ એમાં અભૂતપૂર્વ શું? એ કે ધનકોરબાઈ વિધવા હતાં અને માધવદાસ વિધુર. આ લગ્ન એ મુંબઈ શહેરમાં થયેલું પહેલવહેલું વિધવાનું પુનર્લગ્ન. અલબત્ત, વિધવા-વિવાહ અંગેનો બાધ માત્ર ‘ઉજળિયાત’ કહેવાતી કોમો પૂરતો જ મર્યાદિત હતો. બીજા વર્ણોમાં તો તે એક સામાન્ય બાબત હતી. પણ ‘ઉજળિયાત’ વર્ગની વિધવાઓ પણ ફરી લગ્ન કરી શકે એ હેતુથી ૧૮૫૬માં વિધવા પુનર્લગ્ન અંગેનો કાયદો બ્રિટિશ સરકારે પસાર કર્યો. આ કાયદો પસાર થયા પછી પહેલવહેલાં વિધવાનાં લગ્ન બંગાળમાં ૧૮૫૬ના ડિસેમ્બરની સાતમી તારીખે થયાં. આ કાયદો ઘડવામાં અને તેને પસાર કરાવવામાં જેમનો ઘણો મોટો ફાળો તે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે છ વરસની ઉંમરની એક વિધવા બ્રાહ્મણ છોકરીનાં તે દિવસે પોતાને ખર્ચે પુનર્લગ્ન કરાવ્યાં. ત્યાર બાદ તેમના દીકરાએ પણ એક વિધવા સાથે લગ્ન કરેલાં. બોમ્બે પ્રેસિડેન્સીમાં પહેલા વિધવા વિવાહ ૧૮૬૯માં કોંકણમાં થયા અને તળ મહારાષ્ટ્રમાં ૧૮૭૫માં. સર રામકૃષ્ણ ભાંડારકરે પોતાની વિધવા દીકરી શાંતાબાઈનાં ફરી લગ્ન કરાવ્યાં, ૧૮૯૧માં. ૧૮૯૩માં મહર્ષિ ધોન્ડો કેશવ કર્વેએ પોતે એક વિધવા સાથે લગ્ન કર્યાં એટલું જ નહિ, ૧૮૯૬માં પૂના નજીક હિંગણે ખાતે વિધવાઓ માટે આશ્રમ પણ સ્થાપ્યો. આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં ૧૮૭૨ના ઓગસ્ટની ૨૫મી તારીખે, અને કાઠિયાવાડમાં ૧૮૭૬ના ઓગસ્ટની ૧૯મીએ પહેલી વાર વિધવાનાં લગ્ન થયાં.
માધવદાસ અને ધનકોરનાં લગ્ન એ મુંબઈમાં થયેલાં પહેલાં વિધવા પુનર્લગ્ન, ગુજરાતીઓમાં થયેલાં પણ એ પ્રકારનાં પહેલાં લગ્ન. પણ વાત અહીં પૂરી નથી થતી. જીવ્યા ત્યાં સુધી માધવદાસ અને ધનકોર બંને, વિધવા વિવાહને ક્ષેત્રે સતત સક્રિય રહ્યાં. તેમનાં પોતાનાં લગ્ન પછી મુંબઈ અને ગુજરાતમાં તેમણે વિધવા વિવાહને સદ્ધર ટેકો આપ્યો. તેમનાં લગ્ન પછીનાં સોળ વરસમાં ૨૫ ગુજરાતી અને ૨૧ મરાઠી ભાષીઓનાં પુનર્લગ્ન થયાં જેને તે બંનેએ ટેકો આપ્યો હતો. એ પછીનાં વીસ વરસમાં બીજાં ૪૦ એવાં લગ્ન થયાં. માધવદાસના અવસાન પછી પણ ધનકોરબાઈએ વિધવા વિવાહને સક્રીય ટેકો આપવાનું ચાલુ રાખ્યું. તે અંગે તેઓ અખબારો અને સામયિકોમાં લેખો પણ લખતાં. ૧૯૦૭માં સ્ત્રી-બોધ’ સામયિકને ૫૦ વરસ પૂરાં થયાં એ પ્રસંગે તેનો જ્યુબિલી વિશેષાંક ૧૯૦૮માં પ્રગટ થયો હતો. તે પહેલાં ધનકોરબાઈનું અવસાન થયું હતું, પણ અગાઉ તેમણે લખી આપેલો લેખ આ વિશેષાંકમાં પ્રગટ થયો હતો. એ લેખ નારી દિવસ નિમિત્તે આજે અહીં મૂક્યો છે.
વિશેષ નોંધ :
સો કરતાં વધુ વરસ જૂની, જીર્ણ ફાઈલમાંથી સ્કેન કરીને આ લેખ અહીં મૂક્યો છે. સ્કેન કર્યા પછી સોફ્ટ કોપીની બને તેટલી સફાઈ કરી છે. છતાં વાંચતાં મુશ્કેલી પડે તો દરગુજર કરવા વિનંતી.
e.mail : deepakbmehta@gmail.com