કાલે હિરોશીમા દિન : જાપાનમાં ૬ઠ્ઠી અૉગસ્ટ 1945ના રોજ ઝીંકાયેલા અણુબોમ્બની યાતનાઓની સાક્ષી રહેલી બાળકીની સંઘર્ષ ગાથા
હિરોશીમાની અગિયાર વર્ષની દોડવીર છોકરી સડાકો આજે વહેલી ઊઠીને તૈયાર થઈ ગઈ હતી, કેમ કે છઠ્ઠી ઑગસ્ટ હતી, હિરોશીમા સ્મૃિતદિન. સડાકોએ નવ વર્ષ પહેલાં ઍટમબૉમ્બનો ભોગ બનેલાં તેના દાદીમા અને બીજાં હજારો માટે પ્રાર્થના કરી. તેનાં મા-બાપ અને ભાઈ-બહેન પણ એમાં જોડાયાં. પછી બધાં શાંતિ ઉદ્યાનમાં જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે ઊપડ્યાં. સહુથી આગળ સડાકો ઉમંગભેર દોડી રહી હતી. આમ પણ તે એની શાળાની દોડવીર હતી અને તેના સાસાકી પરિવારના સહુને એના માટે ગૌરવ હતું. સડાકોએ એક બહેનપણી ચિઝુકોને પણ સાથે લીધી. ઉદ્યાનમાં માણસોની લાંબી હરોળ ધીમી ગતિએ સ્મૃિત સદન તરફ આગળ વધી રહી હતી. સદનની દીવાલો પર, મરી ગયેલા માણસોની તસવીરો, મોતને ભેટી રહેલાં માણસોનાં ચિત્રો અને ગામનાં ખંડેરોની છબિઓ હતી. સખીનો હાથ ચપોચપ પકડી રાખીને સડાકો આગળ વધી. એ બબડી : ‘મને ધડાકો બરાબર યાદ છે. એ અગનગોળો હજારો સૂરજની જેમ ચમક્યો હતો અને એની ગરમીથી જાણે આંખમાં ખીલા ભોંકાતા હતા ….’ ‘તને આ બધું કેવી રીતે યાદ? તું તો એ વખતે બે વર્ષની હતી !’ ચિઝુકોએ કહ્યું. ‘પણ હું એ વખતે હતી તો ખરી જ ને !’ ઍટમ બૉમ્બ પડ્યો તે જગ્યા સડાકોના ઘરથી બે કિલોમીટર પર હતી. સડાકો બારીમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. એની માતાને એમ કે એ તો હવે ગઈ. જો કે એના દાદી તો ધડાકાના દિવસ પછી ક્યારે ય દેખાયાં નહીં.
સ્મરણ કાર્યક્રમ આગળ ચાલ્યો. બૌદ્ધ ભિક્ષુઓએ પ્રાર્થના કરી, સેંકડો સફેદ કબૂતર આકાશમાં ઊડાડવામાં આવ્યાં. બધી વિધિ પૂરી થઈ એટલે સડાકો સહુને લૉલિપૉપ વેચનારાં માજી પાસે લઈ ગઈ. મીઠાઈની અને જાતભાતની વસ્તુઓની દુકાનો જોતાં હરવા-ફરવામાં બધાંને મજા પડી. ભીડમાં એવા લોકો પણ દેખાતા કે જે બદન પરના બૉમ્બના સફેદ ચાઠાને કારણે બિહામણા લાગતા હોય. આવું કોઈ સડાકોની નજીક આવે એટલે તે દૂર હઠી જતી. સાંજે લોકો હાથમાં કાગળના દીવા લઈને ઓહાટા નદી તરફ જવા લાગ્યા. સડાકો અને તેના ઘરનાં છ જણમાંથી દરેકે બૉમ્બથી મોતને ભેટેલા સંબંધીનું નામ લખીને એક-એક દીવો પાણીમાં તરતો મૂક્યો. સડાકોએ દાદી ઓબાનું નામ લખ્યું.
બે-એક મહિના વીત્યા. એક દિવસ સડાકો નિશાળેથી આવી ત્યારે સાતમા આસમાને હતી. એક મહત્ત્વની સ્પર્ધા માટે શાળાની દોડની ટુકડીમાં તેની પસંદગી થઈ હતી. બસ એ દિવસથી એના મનમાં હરીફાઈ સિવાય બીજું કંઈ જ ન હતું. એ જીતી, દોડને છેડે બે ઘડી તેને તમ્મર આવ્યાં હતાં. વળી પછીના સ્તરની સ્પર્ધા માટેની તૈયારી, ક્યારેક ચક્કર આવતા રહેતા, એ વધતા ગયા પણ એની વાત સડાકોએ કોઈને ય કરી નહીં, ખાસ બહેનપણી ચિઝુકોને પણ નહીં. વળી એક દોડ અને જીત. પણ ફેબ્રુઆરી મહિનાની એક ઠંડી સવારે બધું પૂરું થઈ ગયું. મહાવરા માટે દોડતી સડાકો મેદાન પર ઢળી પડી, ઊભી થઈ, ફરી પડી. સડાકોના પિતા વાળ કાપવાની એમની દુકાન એમ ને મૂકીને દોડ્યા. રેડક્રૉસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતાની સાથે જ બધાના પેટમાં ફાળ પડી. એમાં એક વિભાગ અણુબૉમ્બની અસર પામેલા દરદીઓ માટેનો હતો. સડાકોના લોહીની અને શરીરની તપાસ ચાલુ થઈ. ઘરનાં બધાં ભેગાં થયાં. ડૉક્ટરની કેબિનમાંથી સડાકોને એની મમ્મીની ચીસ સંભળાઈ – ‘લ્યુકેિમયા…ના હોય !’ સડકો ધ્રૂજી ઊઠી. એણે કાન પર હાથ દબાવી દીધા. એને થયું, ‘એને શેનો લ્યુકેિમયા થાય ? એટમબૉમ્બથી તો એના શરીર પર ઘસરકો ય પડ્યો ન હતો!’ હૉસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે સાસાકીએ સડાકોને કહ્યું, ‘બેટા, તારી કેટલીક તપાસ માટે તારે થોડા દિવસ અહીં રહેવું પડશે, અમે દરરોજ તને મળવા આવશું.’ એ રાત જેવાં ભીષણ એકાંત અને દુ:ખ સડાકોએ ક્યારે ય અનુભવ્યાં ન હતાં.
બીજે દિવસે દવા ને ઇન્જેક્શનનો ફેરો પૂરો થયો. બપોરે ચિઝુકો આવીને કહે, ‘તું સાજી થાય એટલા માટે કંઈક લાવી છું. આંખો બંધ કરે તો બતાવું.’ સડાકોએ આંખો ખોલી ત્યારે એના બિછાના પર સોનેરી રંગના કાગળના ટુકડા અને કાતર હતાં. ચિઝુકો કેટલોક સમય કાગળને ખાસ રીતે કાપતી રહી અને તેની ગડીઓ વાળતી રહી, અને તેમાંથી એક સરસ સારસ પક્ષી બન્યું. સડાકો મૂંઝાઈ: ‘આ પક્ષીની વાર્તા તું જાણે તો છે. જે દરદી હજાર સારસ બનાવે તેને ભગવાન સાજી કરી દે છે.’ સોનેરી સારસને અડતાં સડાકોના શરીરમાંથી જાણે ચેતનની લહેર દોડી ગઈ. એ પણ સારસ બનાવવા લાગી. શરૂમાં તો બરાબર ન બનતાં, પછી ફાવટ આવી. ટેબલ ભરાઈ ગયું. પક્ષીઓને સડાકોના ભાઈએ છત સાથે ટિંગાડવાનું શરૂ કર્યું. સડાકોને મળવા આવનાર સહુ એના માટે કાગળ લઈને આવતા. લ્યુકેિમયાના થોડાક દરદીઓ સાજા થાય છે એવું સડાકોએ સાંભળ્યું હતું. તે આખો દિવસ કંઈ ને કંઈ કર્યા કરતી. નિશાળનું ઘરકામ, બહેનપણીઓ સાથે વાતો ને ગીતો, સાંજે પક્ષીઓ. સારસ ત્રણસો ઊપર પહોંચી ગયાં.
પણ હવે સખત શિરદર્દ અને શરીરની અસહ્ય બળતરાની શરૂઆત થઈ હતી. નવ વર્ષનો સાથી દરદી કેન્જિ એક દિવસ મૃત્યુ પામ્યો. સડાકોના સારસની સંખ્યા ચારસો ચોસઠ પર પહોંચી હતી. તબિયતમાં ઊતાર-ચઢાવ આવતા રહ્યા. એકાદ અઠવાડિયું ઘરે રહ્યા પછી તેને ફરીથી હૉસ્પિટલમાં મૂકવી પડી. સારસ બનાવવા માટેની મથામણ ચાલુ હતી પણ તાકાત ખૂટી ગઈ હતી. સડાકો સાસાકી પચીસમી ઑક્ટોબર 1955ના દિવસે બાર વર્ષ અને નવ મહિનાની ઉંમરે દુનિયાને છોડી ગઈ. હજાર સારસમાં બાકી રહેલા સારસ સદાકોનાં મિત્રોએ બનાવ્યાં અને તે બધાને સડાકોની સાથે દફનાવવામાં આવ્યાં.
સડાકોની આ વાત અમેરિકન બાળસાહિત્યકાર એલિનૉર કોઅરએ ‘સડાકો અૅન્ડ ધ થાઉઝન્ડ પેપર ક્રેઇન્સ’ (1977) નામના અત્યંત હૃદયસ્પર્શી પુસ્તક થકી દુનિયા સામે મૂકી. તેને કર્મશીલ દંપતી, દીપ્તિ-રાજુ વડોદરાની શિશુમિલાપ સંસ્થા થકી ‘સડાકો અને કાગળના પક્ષી’ (1999) નામે આપણે ત્યાં લાવ્યાં છે. તેના છેલ્લા પૂંઠા પર સારસ બનાવવાની રીત આકૃતિઓ સાથે સમજાવી છે.
આશા, ધીરજ અને હિમ્મતની પ્રતીક એવી સડાકોનું સ્મારક તેના ચાહકોએ હિરોશીમાના શાંતિ ઉદ્યાનમાં ઊભું કર્યું છે (બીજું સિએટલ વૉશિંગ્ટનમાં છે). તેમાં સડાકોની પૂરા કદની પ્રતીમા છે. તેમાં એવી કલ્પના છે કે જાણે સ્વર્ગ તરફ લઈ જતાં ગ્રૅનાઈટના પહાડની ટોચે નીડર સડાકો ઊભી છે અને એના હાથમાં પાંખો ફેલાવેલું સોનેરી સારસ છે. આજે પણ હિરોશિમા દિને કાગળના હજારો સારસ સડાકોના સ્મારકે મૂકવામાં આવે છે. સ્મારક પર શબ્દો છે :
‘આ છે અમારી આરત
આ છે અમારી ઇબાદત
દુનિયામાં હો અમન’.
3 ઑગસ્ટ 2016
++++++++++
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 05 ઑગસ્ટ 2016
e.mail : sanjaysbhave@yahoo.com