અત્યારે અમારા વોઇસ આર્ટિસ્ટના વ્યવસાયમાં પણ વર્ક ફ્રોમ હોમ છે. છૂટાછવાયાં થોડાં રૅકોર્ડિંગનાં કામ આવે તે મોબાઇલમાં રેકોર્ડ કરીને મોકલી દેવાનાં. એકંદરે વાતાવરણ એકદમ શાંત છે. નોઇઝ પોલ્યુશન ખૂબ ઓછું. અને એટલે જ નાના નાના અવાજ મોટા થઈને સંભળાતા હોય છે.
આમ તો રસોઈ, વાસણ-કપડાં, ફિલ્મ વગેરેની વચ્ચે એ નાના અવાજો નોંધ્યા ના હોત. પણ રૅકોર્ડિંગ કરતી વખતે એ જ અવાજોને કારણે અટકી જવું પડતું’તું એટલે ધ્યાન ગયું. અમુક અવાજો વખતે માત્ર થોડું અટકીને, અવાજ પૂરો થાય એટલે એ વાક્ય ફરી બોલીને રૅકોર્ડિંગ ચાલુ રાખવાનું. પણ લાંબા ચાલે એવા અવાજો વખતે અચોક્કસ સમય માટે રૅકોર્ડિંગ અટકાવી દેવું પડે. એ પતે ત્યાં સુધી બીજાં કામ કરવાનાં. કે પછી …
એ અવાજ ટૂંકા ગાળાનો છે કે લાંબો ચાલશે એ સમજવા ધ્યાનથી એ અવાજ સાંભળવો પડે અને વિચારવું પડે કે પરિસ્થિતિ શું છે. જેમ કે,
• ફળ-શાકવાળાનાં ટહેલ-ટહુકા .. એક-બે મિનિટ ચાલે. એ જાય ત્યાં સુધી પંખો ચાલુ કરી હવા ખાઈ લેવાની. (કેમ કે રૅકોર્ડિંગ ચાલુ હોય ત્યારે પંખો બંધ રાખવો પડે)
• છૂટાંછવાયાં પસાર થતાં વાહનોના અવાજલિસોટા કે એકલદોકલ પક્ષીનો કલરવ કે પછી કૂતરાનું ભસવું … એ વખતે અટકી અને છેલ્લું વાક્ય ફરી બોલીને તરત આગળ વધવાનું. હા, પક્ષીઓ જો સમૂહમાં (બિલાડીને કે એવું કંઇ જોઇને) કલબલાટ કરે કે કૂતરાં પણ સમૂહમાં ભસે (શેરીયુદ્ધ થાય) તો થોડું લાંબુ ચાલે.
• કટરનો (ડ્રીલિંગ જેવો) અવાજ આવે, એનો અર્થ એક પાડોશી એના વરંડામાં કંઈક કામ કરી રહ્યો છે. ‘એન્જિનિયર નવરા ના બેસે’ એવું જનરલાઇઝ નહીં કરવાનું. જો હું અગાસીમાં જઇને બૂમ પાડીને એને કહું તો એ થોડી વાર પોતાનું કામ અટકાવી દે.
• એકાએક હાર્મોનિયમ વાગવા માંડે તો બાજુવાળા અન્કલ રિયાઝ કરી રહ્યા છે. ધ્યાનથી ગીત સાંભળું, જો ગીત હેમંતકુમારનું હોય તો અન્કલનો અવાજ પણ ઉમેરાય. તે ‘વૉઇસ ઑફ હેમંતકુમાર’ છે. ગીત રફી કે કિશોરનું હોય તો સમજવાનું કે એ હાર્મોનિયમની પ્રૅક્ટિસ કરે છે. બંને પરિસ્થિતિમાં રૅકોર્ડિંગ બંધ કરીને ડ્રોઇંગ રૂમમાં જતા રહેવાનું.
• જ્યારે માણસનો બોલવાનો-વાતો કરવાનો અવાજ આવે ત્યારે — કોઈ અજાણ્યું ઇયર પ્લગ લગાવીને ફોન પર વાત કરતું નિકળ્યાનો અવાજ છે? કશો વાંધો નહીં, પસાર થઈ જશે. લગભગ ૩૦ સેકંડ. સોસાયટીના એક ‘મહાનુભાવ’ ‘અમુક’ ફોન પર વાત કરવા અહીં સોસાયટીના નાકા પર આવે છે. એ છે? તો બેથી પાંચ મિનિટ. રાજસ્થાનીમાં અસ્ખલિત વાત થઇ રહી છે? હા, સોસાયટીના ‘રામા’ઓ મારા ઘરની બહાર ગરમાળાના છાંયે પાળી પર બેસતા હોય છે. (મોટા ભાગના દેખાતા બંધ થઇ ગયા છે. કોઇ રડ્યુખડ્યું બાકી હશે તે) ફોન પર ગામડે ખબર અંતર પૂછતા હોય. પાંચથી સાત મિનિટ.
• એકાએક ભાવાવેશમાં ભજન કે ધૂન ગાવાનો અવાજ આવે છે. એક બહેનના પતિ, જે એક ધાર્મિક સંસ્થાનના વ્હિસલ બ્લોઅર હતા, તેમની સરેઆમ હત્યા થઈ (અને આશ્ચર્યજનક રીતે ‘કોઈ પકડાયું’ નહીં) પછી એ બહેન મારી નજીકના જ એક ઘરમાં એમના ભાઇ સાથે રહે છે. મોટા ભાગનો સમય પૂજા-પાઠમાં વિતાવે છે. આમ તો એમનો અવાજ નથી આવતો, પણ ક્યારેક ભાવાવેશમાં એ મોટો થઇ જાય.
• નાના બાળકના રડવાનો અવાજ .. પાડોશીનાં બાળકો? ના, એ બંને પાંચ અને સાત વર્ષનાં છે. આ તો બીજાં પાડોશીની દીકરીનો અવાજ છે, જે એકાદ વર્ષની છે. કેમ રડતી હશે? આમ તો એ હસતીરમતી છે. આટલું રડે નહીં. ઝાંપે જઈ બૂમ પાડું છું. “શું થયું? કેમ આટલું રડે છેએએ …?” “કંઇ નંઈ … બસ, રમ્યા જ કરવું છે .. નહાવાની વાત આવે એટલે ભેંકડો ..” હંઅઅ … નાહવા લઈ જાય એટલો વખત જ એ કકળાટ કરે. ફરી પાછી હસતીરમતી.
• અચાનક એક ધૂત્કારનો અવાજ આવે છે .. “એઈ … છટ્ … જતી રે’ … હટ હટ” પ્રકારનો. ના, શબ્દો એવા નહોતા, મારું ધ્યાન તો સ્ક્રીપ્ટમાં હતું. ટોન એ પ્રકારનો હતો. સ્ત્રીનો અવાજ. હા, નજીકના એક ઘરનાં ફલાણાબહેનનો અવાજ છે. કદાચ ગરોળી જોઈ ગયાં હશે. ફરીથી, “નીકળ નીકળ” જેવું કંઈ બોલ્યાં. હા, ગરોળી જ લાગે છે. પણ ના … આગળ પણ કંઈક બોલે છે. કોઇ માણસને કહેતાં હોય એવું લાગે છે. છૂટાછવાયા શબ્દો કાને પડે છે. વચ્ચેના શબ્દોનો માત્ર ટોન જ પકડાય છે, જે આમ તો ઉપર મુજબનો જ છે. પૅનિક એટેકની જેમ એમનો અવાજ ઝડપ પકડે છે. “તારે … છેએએ … તું તોઓ … હઅટ્ટ … જોઈએ જ નઇઇઇ …. હાઆઆ … નીકળ મારા ઘરની બાઆઆઆર … જા .. જા .. અમણાં ને અમણાં … કોઇ આને કાઆઢોઓઓઓઓઓ ….” હા, એ કદાચ એમની વહુને વઢે છે … કે પછી એમના મોટી ઉંમરનાં નણંદને …? ખબર નહીં. અમુક અવાજ બંધ થઈ જાય તો ય ગુંજ્યા કરતા હોય છે. એમાં પછી તમે કામ ના કરી શકો.
e.mail : ashishkakkad@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 ઍપ્રિલ 2020