બેશક, તમે રાષ્ટૃવાદના બલિ બની શકો છો. પણ એ તમારા નાગરિક હોવાનો મહિમા નથી.
મણિપુરની વીરકન્યા ઇરોમ શર્મિલાની લહેરાતી પરાજયપતાકાના પાવકદાહક સેલારાની સોબતમાં ચૂંટણી પરિણામના પૂરા એક અઠવાડિયે પ્રગટ થનારી કોલમ માટે બે’ક અક્ષર પાડવા બેઠો છું ત્યારે શું જોઉં છું? ગોવા અને મણિપુરમાં છતી વધુ બેઠકે કૉંગ્રેસનું ‘હમ નહીં સુધરેંગે’ તો માનો કે એક રાબેતો હતો, પણ બંને સ્થળોએ રાજભવનોની વર્તણૂક? એ પણ, આમ તો, એક રાબેતો સ્તો હતો! ફરક માત્ર એટલો હતો અને છે કે આ ભવનોમાં કૉંગ્રેસનિયુક્તોએ યથાપ્રસંગ જે ટીકાપાત્ર ચેષ્ટા કરી હશે તે પ્રકારનું ઇતિહાસકર્તવ્ય હવે ભાજપે પોતાના શિરે લીધું છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની એકચક્રી આણ સામે ભાજપને માટે પંજાબ, ગોવા, મણિપુર જેવાં ભલે નાનાં રાજ્યો ખોવાની નિયતિ એટલી અસુખકારી હતી કે ગોવા ને મણિપુરમાં એણે છેવટે ન કરવાનું જ કર્યું … નમોનું જે વિજયવક્તવ્ય, એમાંનો જે ‘ન્યુ ઈન્ડિયા’ નારો, એનું વાસ્તવપ્રવર્તન હવેના દિવસોમાં કેવું હશે તે જાણવાસમજવા સારુ જનસાધારણની દાઝ જાણીને જ એણે આ પાઇલટ પ્રોજેક્ટ સમ્પન્ન કર્યો હશે ને.
જ્યાં સુધી વિચારધારાનો સવાલ છે યથાપ્રસંગ જરૂરી વરખ કાળજી લઈને ‘મેઇકઅપ ઇન ઇન્ડિયા’ અને ‘મેઇકબિલીવ ઇન ઇન્ડિયા’ને ધોરણે નમો-અમિત વિજયકૂચ જારી છે ત્યારે સામે આવીને ઊભો રહેતો સવાલ કદાચ બલકે આ જ છે: 2002થી મોદી સતત ટીકાભાજન રહ્યા છે, અને એમના ટીકાકારો સામે સતત વળતું ટીકાસ્ત્ર એ ઉગામાતું રહ્યું છે કે તમારી ટીકા સાથે એમની વિજયકૂચ પણ જારી છે. એક રીતે આ ઠીક જ છે, પણ 2002ના ઘટનાક્રમ સાથે મોદીકારણ બાબતે શરૂ થયેલી ટીકામાં જો દમ હોય (અને આ લખનારને મતે છે) તો શું આ ટીકા છોડી દેવી? આ ટીકા બારીકીથી તપાસતાં, દેખાય છે એટલી નિ:શેષ નકારાત્મક નથી. નવા અને ન્યાયી સમાજ માટેની જે પણ સમજ અને સપનું હશે એમાં ખોડાઈને આ ટીકાઓ થતી રહી છે. બને કે હવેનો સમય, નવા ને ન્યાયી સમાજની ભૂમિકા ખોલી આપતા વિગતમુદ્દા વધુ વિકસાવવાનો અને ધોરણસર મૂકતા રહેવાનો હોય. કદાચ, ‘ટ્રુથ’ના વિકલ્પે ‘ટ્રોલ’ના મહિમાના આજના દોરમાં એ વિશષ જરૂરી હોય.
એક બીજું સંસારડાહ્યું હિતવચન એ સાંભળવા મળે છે કે જરા તો નવો જમાનો સમજો, ભૈ! અમેરિકામાં ટ્રમ્પની ફતેહ સાથે અંકે થયેલ ઇતિહાસવસ્તુ એ છે કે જમણેરી જયપતાકા હવેના જગતમાં ‘ન્યુ નોર્મલ’ છે. દુનિયાભરમાં જે નવપ્રવાહ આગે બઢી રહ્યો છે, તે એ સ્તો છે જેનો પથ નમો ભાજપે પ્રશસ્ત કર્યો છે. ભારત આજની તારીખે ઇતિહાસનાં બળો સાથે છે. તમે જો આ ન સમજી શકતા હો તો એ તમારી સમસ્યા છે. હવનમાં હાડકાં નાખો મા. ભાઈ, લોકશાહી જેનું નામ એમાં અસંમતિના અવાજને કે સત્તા-પ્રતિષ્ઠાનની ટીકાને ‘હવનમાં હાડકાં’ લેખે ખતવવાનું કોઈ સ્વીકારી શકે નહીં. જો અસંમતિના અવાજને કે સત્તા-પ્રતિષ્ઠાનની ટીકાને અવકાશ ન હોય તો આપણને અપેક્ષિત ‘શાહી’ લોકશાહી નહીં પણ કોઈ ઇતર ‘શાહી’ છે એમ જ કહેવું જોઈશે. કથિત વિકાસયાત્રા સામે આ બધી ડાહી ડાહી પણ વિઘ્નવાર્તા લાગે એવો સંભવ (અને આળ) વહોરીને પણ નાગરિક છેડેથી આ એકબે ટીકાવચનો લાજિમ છે અને રહેશે.
અને ટ્રમ્પનો વિજય ઇતિહાસના લાંબા કેનવાસ પર એવી તો કઈ મોટી બીના કે અક્ષરશ: અકાટ્ય પ્રક્રિયા છે? અમેરિકી લોકશાહી એની બધી મર્યાદાઓ સાથે પણ ટ્રમ્પ તંત્ર સામે વિરોધના પ્રાગટ્ય વિના રહી શકતી નથી.
અમેરિકાએ ‘ચેક્સ ઍન્ડ બેલેન્સ’નો – અંકુશ અને સમતુલાનો – જે સત્તાવિશ્લેષ (સેપરેશન ઑફ પાવર) સિદ્ધાંત સ્વીકાર્યો છે તે ટ્રમ્પ તંત્રને કંઈક ‘રૂક જાવ’ પણ કહી શકે છે તે આ દિવસોમાં આપણે ક્યાં નથી જોયું? પણ વાત માત્ર આટલી જ નથી. વિશ્વસ્તર પર જે જમણેરી ઝંડો લહેરાતો જણાય છે એમાં ઝાવાં અને ઝાંઝવાંનુંયે એક તત્ત્વ નથી એમ નથી. તે સાથે, જેમ દેખીતી આગેકૂચ તેમ પ્રત્યક્ષ પીછેકૂચ પણ જમણેરી મોરચે નથી એમ નથી. હમણાં હોલેન્ડમાં જે પરિણામ આવ્યું એ જુઓ. પ્રમાણમાં ઉદાર એવા નેતૃત્વનાં બળો સામે જરી વધુ જમણેરી ભૂમિકા સાથે જેઓ મેદાનમાં આવ્યા એ હાલ પૂરતાં તો પાછાં પડ્યાં છે. યુરોપીય યુનિયન સામે, કાયમી વસવાટી પ્રવેશ સામે, કુરાન પર પ્રતિબંધથી માંડીને મસ્જિદો બંધ કરવાની હિમાયત સાથે મેદાને પડેલાને જનતાએ જાકારો આપ્યો છે.
દરમ્યાન, ચાલુ વરસે તરતમાં ફ્રાન્સમાં અને થોડા મહિના પછી જર્મનીમાં ચૂંટણી છે ત્યારે શું થશે તે અલબત્ત જોવાનું રહે છે. પણ ઇતિહાસની કોઈ અવશ્યંભાવી પ્રક્રિયા હોય અને નમો ભાજપ એના પર સવાર હોય એમ બારોબાર માની લેવું (અને નાગરિક છેડે હારી ખાવું) એ મનુષ્યજાતિ જે રીતે ઇંચ બ ઇંચ આગળ વધતી રહી છે એને અંગેની નાસમજથી વિશેષ કશું નથી. વસ્તુત: સંકેલાતી વીસમી સદીએ અને બેસતી એકવીસમી સદીએ જે ફુકુયામા સિદ્ધાંત બહુ ગાજ્યો એમાં ઠીક ઠીક દુરસ્તીની જરૂર છે. કેટલીક જો મૂળ સિદ્ધાંતમાં, તો કેટલીક એને અંગેની આપણી સમજમાં. સોવિયેત સામ્રાજ્યના વિઘટન પછી ફુકુયામાએ કહ્યું કે હવે કોઈ બે મહાવિકલ્પો વચ્ચે પસંદગી કરવાની રહેતી નથી. હવે અમેરિકી વિકલ્પ, તમે એને મૂડીવાદી લોકશાહી કહો, બંધારણીય લોકશાહી રાજવટ કહો, એ જ રહે છે.
અહીં કમસે કમ બે કેવિયટ ફુકુયામા સિદ્ધાંત સબબ દાખલ કરવી રહે છે: એક તો, સોવિયેત વિઘટન એ કંઈ પોતે કરીને માર્ક્સવિચારની ઇતિહાસબાદબાકી નથી. બીજું, પશ્ચિમે વિકસાવેલી લોકશાહીમાં ગાંધીના સત્યાગ્રહી પ્રવેશ સાથે જે એક નવું સમાજગતિચક્ર (સોશ્યલ ડાઇનેમિક્સ) શરૂ થયું છે એને તો હજુ એની પૂરી ઇનિંગ્ઝ જ નથી મળી. અહીં લાંબી ચર્ચાનો દરિયો નહીં ડખોળતાં અત્યારે માત્ર એટલું જ કહીશું કે લોકશાહી નવાં ઇંધણ અને નવ્ય ઊંજણ માગે છે. આ નવાં ઈંધણ અને નવ્ય ઊંજણ, એકંદર ઊર્જા – ચયઅપચય – રુધિરાભિસરણ, આ બધું લોકતંત્રને કોણ આપશે? જે પ્રકારનો રાષ્ટ્રવાદ ટ્રમ્પ-નમો ફ્રિક્વન્સી પર, ‘નેશન ફર્સ્ટ’ની તરજ પર, આપણી સામે ઉછાળાઈ રહ્યો છે એ તો લોકશાહીના હાર્દરૂપ આમપહેલ અને સાર્વત્રિક હિસ્સેદારી પર ભાવનાની ભભકે આંજતી બુલડોઝરી બની રહેવા સંભવ છે. ગાંધીચર્ચા તો ખેર છોડો.
પણ નમો-ટ્રમ્પ વિશ્વદર્શનમાં ‘જૉબલેસ ગ્રોથ’ એ ખાસ ચિંતા કે તપાસની બાબત જ કદાચ નથી. નોટબંધીના ગાળામાં જીડીપી વધ્યાનું ધુપ્પલ ચૂંટણી પ્રચારમાં ‘હાર્વર્ડ વિ. હાર્ડવર્ક’ના શબ્દપ્રપંચથી ચાલી ગયું, પણ જ્યારે જીડીપી વાસ્તવિક વધશે તો અને ત્યારે પણ રોજગારી વિસ્તરણ તો સ્થગિત જેવું જ હોવાનું છે. એટલે કે હાલ ભલે તમે ‘બદરીકી દુલ્હનિયાં’ થઈને મહાલો પણ એક સામાન્ય માણસ તરીકે, સરેરાશ બેરોજગાર અગર અર્ધબેકાર તરીકે દસાડા દફ્તરમાં તમારું નામ નથી તે નથી. બેશક, તમે રાષ્ટ્રવાદના બલિ બની શકો છો. પણ એ તમારા નાગરિક હોવાનો મહિમા નથી. આ પ્રક્રિયા જનસાધારણને ઇરોમ શર્મિલાના નેવું મતમાં સમેટી શકે છે અને જાહેર જીવનમાં કોઈ મૂલગામી વિચારને કે માનવકેન્દ્રી અભિગમને અપ્રસ્તુત બનાવી મૂકે છે.
તમે કહી શકો કે ‘ઑક્યુપાય વૉલ સ્ટ્રીટ’ એ ચળવળ ક્યાં ગઈ? જે ચળવળે માર્ક્સથી ગાંધી લગીનાઓની પ્રસ્તુતતા બાબતે આપણને નવેસર ઝંઝેડ્યા ને ઝકઝોર્યા તે ક્યાં છે? અરબ વસંત ક્યાં છે એમ પણ તમે પૂછી શકો. અણ્ણા હજારે-અરવિંદ કેજરીવાલના ચાલુ દાયકાના ઘટનાક્રમને પણ સામે ઉલાળી શકો. જે કરવું હોય તે કરો, પણ ‘બદરીકી દુલ્હનિયાં’ બની રહેવામાં તો સાર્થકતા ન અનુભવો. ડુંગરટોચે બિરાજતા દેવ અને સત્તાના મઠાધીશ, એ શું ઇતિહાસનો કોઈ ચિરજવાબ છે? મનુષ્યજાતિની ઇંચ બ ઇંચ કૂચને તમે એટલી સહેલાઈથી ન તો સીમિત કરી શકો છો, ન તો મૂલવી શકો છો. ગમે તેમ પણ, આ ભાવોદ્રેકની પૂંઠે રહેલ વૈકલ્પિક વિચારો વિશે નાગરિક છેડેથી યથાપ્રસંગ!
સૌજન્ય : ‘લોકશાહીનો તકાદો’, “દિવ્ય ભાસ્કર”, 18 માર્ચ 2017