બુધન થિયેટર, ગ્રામીણ શિક્ષા કેન્દ્ર, જનસાહસ, મુસ્કાન અને ભાષા એમ પાંચ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવેલ ત્રણ દિવસના પ્રશિક્ષણ કાર્યક્રમમાં શનિવારે હાજરી આપી. તેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવેલા ૪૫ જેટલા વિચરતી અને વિમુક્ત જાતિઓના કાર્યકર્તાઓ સમક્ષ અઢી કલાકના પ્રવચન અને પ્રશ્નોત્તરી દરમ્યાન ચર્ચવામાં આવેલા મુખ્ય મુદ્દા :
(૧) રાજ્ય નામની સંસ્થા મનુષ્યોએ પોતાના અધિકારોના રક્ષણ માટે સ્થાપી પણ એ જ નાગરિકોના અધિકારોને છીનવી લેવાની કાર્યવાહી કરે છે, કાયદા ઘડે છે, નિયમો બનાવે છે. એની સામે અવાજ ઉઠાવવો એ કર્તવ્ય છે.
(૨) આપણે બંધારણ ઘડીને આપણા માટે એ ભારત બનાવ્યું કે જે ઇતિહાસમાં કદી હતું જ નહીં. આ ભારત બનાવવાનો ઉદ્દેશ સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ પ્રસ્થાપિત કરવાનો છે. એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ કે નહીં તેનું મૂલ્યાંકન સતત કરતા રહેવું જોઈએ.
(૩) બંધારણમાં જ આપણે નક્કી કર્યું છે કે ભારતમાં તાનાશાહી કે રાજાશાહી નહીં હોય. આજે ભારતમાં લોકશાહીમાં જ રાજાશાહી સ્થાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એની સામે અવાજ ઉઠાવવો જોઈએ.
(૪) સત્તાનો સ્વભાવ છે કે એ બીજાને પોતાને તાબે રાખે. એવું ન થાય માટે જ બંધારણમાં નાગરિકોના અધિકારો લખેલા છે. એ અધિકારોનું રક્ષણ કરવાનું કામ આપણે શું કરવાનું છે.
(૫) નાગરિકોનું સૌ પ્રથમ કર્તવ્ય છે કે તેઓ પોતાના અધિકારોનું રક્ષણ કરે. નાગરિકોની બીજી બધી જ ફરજો પછી આવે છે.
(૬) કોઈ પણ સત્તાધીશ લાંબો સમય રહે તો તેનામાં તાનાશાહ બનવાનું વલણ આપોઆપ ઊભું થાય છે. ભારતમાં ભલે સંસદીય લોકશાહી હોય, પણ કોઈ પણ વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ બે મુદ્દત કે દસ વર્ષથી વધુ સમય હોદ્દા પર ન રહે તેવો કાયદો થવો જોઈએ.
(૭) આર્થિક અસમાનતા ઘટે તે જોવાની જવાબદારી સરકારની છે. એ બંધારણમાં પ્રકરણ-૪માં લખવામાં આવ્યું છે. અસમાનતા પોતે જ અન્યાય છે. ધનિકો પર વધુ કરવેરા નાખીને ગરીબોનું ભલું કરવું એ રાજ્યનો ધર્મ છે.
(૮) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનો એક અગત્યનો ભાગ છે. એ સ્વતંત્રતા રહે નહીં તો લોકશાહી રહી નથી એમ સમજવું જોઈએ. આ સ્વતંત્રતા આપણે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ એટલે એ જન્મજાત છે. એ બંધારણે આપી નથી, પણ બંધારણે સ્વીકારી છે, એ બંધારણમાં લખવામાં આવી છે.
તા.૦૭-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર