નિસબત
હજી તો ‘પિન્ક’ ફિલ્મના મુખ્ય મુદ્દાની પ્રશંસા ચાલે છે ત્યાં જ દિલ્હીમાં કરુણા નામની શિક્ષિકાની ધોળે દિવસે કાતરથી સત્તાવીશ ઘા મારીને હત્યા કરવામાં આવે છે. કાતર નથી બંદૂકની ગોળી કે નથી તલવારનો ગળાકાપ ઘા. એટલે પેલો આદિત્ય નામનો ખૂની ઉપરાછાપરી ઘા કરે છે. વાર લાગી હશે એટલું નક્કી, રસ્તા પર લોકો હશે તે પણ હકીકત. કોઈ આગળ ન આવ્યું. એક ઝનૂનીને કાબૂમાં લાવવા કેટલાં જણ જરૂરી હોય? પાંચ, દસ? દિલ્હીમાં, એ ચોક્કસ વિસ્તારમાં, એટલાંયે ન મળ્યાં?
હવે ચિંતા માત્ર કરુણાની સલામતીની કે આદિત્યના જીવલેણ ગાંડપણની જ નહીં, આ દેશની પ્રજાના વલણનીયે કરવાની. પોતાને કામે જતી એક યુવતીનો પીછો પકડી એને મારી નાખવાની ક્રૂરતાનું કારણ એવું કે યુવતીએ આ છોકરાને ‘ના’ કહી હતી. પુરુષના માલિકીભાવને પગલે, એના ભયાનક અહંકારને પરિણામે, સ્ત્રીએ જીવનથી હાથ ધોઈ નાખવાના આવે એ વાસ્તવિકતા સામે શું કરીશું આપણે?
કરુણાની ઘટના પહેલી નથી. આ પહેલાં ‘ના’ સાંભળવા ન ટેવાયેલા, અને માત્ર એ કારણે આક્રમક બનીને ખૂન કરવા ઘસેલા માતેલા પુરુષોની સંખ્યા ઓછી નથી. ખૂન કરવું, એસિડ છાંટવો કે બળાત્કાર કરવો – આ બધું વરવા, ગંદકીથી ખદબદતા પુરુષ માનસમાંથી બહાર આવે છે. આ પુરુષો કંઈ અભણ અને ગુંડાગર્દીમાં રચ્યાપચ્યા રખડતા જીવો નથી. એ પણ ભણેલા, ક્યાંક નોકરી કરતા, અને ઠીકઠાક લાગતા સામાન્ય માણસમાં ખપી જાય તેવા હોય છે. એમની ખાસિયત કહો તો તે એટલી કે કોઈ સ્ત્રી એમને ‘ના’ પાડે તો એમનું લોહી તપી જાય છે. એ એવા તો બત્રીસ લક્ષણા બહાદુરો છે કે સ્ત્રીની ‘ના’થી એમને મસ્તક વઢાયાની પીડા થાય છે. શૌર્ય અને મહત્તા દેખાડવા માટેનો એમને એક જ માર્ગ ફાવે છે અને તે છે ‘ના’ પાડનાર સ્ત્રીને શિક્ષા કરવાનો.
આ ઘટનામાં તેમ જ આ પ્રકારની આગળની ઘટનાઓમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી તો ખરી પણ કાર્યવાહીમાં સ્ત્રીની પાછળ પડેલા માથાભારે જણને સમજાવીને સમાધાનો કરાવ્યાં. પરિણામે થોડા સમય પછી પરિસ્થિતિ એવી જ રહે અને એમાં એક નવો વળ ચડ્યો હોય, ફરિયાદ કેમ કરી! સ્ત્રીની આ મજાલ કે લાખેણા ગાદીપતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવે?
મૂળ પ્રશ્ન માનસિકતાનો છે. પુરુષોના કાન ‘ના’ ખમી શકે એવા બને તે માટે બાળપણથી જ કંઈક કરવું પડે. અભ્યાસમાં એવી સામગ્રી દાખલ કરવી પડે જેમાં કન્યાના અધિકારોની વાત વણાયેલી હોય. પ્રત્યેક માએ પુરુષ-સંતાનને ખાસ કેળવણી આપવાની રહે, ઘરમાં અને ઘર બહાર સ્ત્રીઓને આપવાના આદરની. આ મુદ્દો સતત અભિષેક માગે છે. નઠોર થયેલા માનસમાં, જડત્વના પડ ભેદીને, એ તત્કાલ નથી પ્રવેશવાનો. એનું પુનરાવર્તન અને રટણ અનિવાર્ય બનશે. એમાં કેટલા યુગ જોઈશે એની ખબર કોને છે?
પોલીસચોકીમાં ફરિયાદ નોંધાવી આવેલી સ્ત્રીને સુરક્ષા અંગે ભરોસો જાગે એવી વ્યવસ્થા આ દેશની મહિલાઓને ક્યારે મળશે તેનીયે ખબર નથી. અત્યાર સુધીની આવી ઘટનાઓમાં ફરિયાદ થઈ હોવા છતાં સ્ત્રીનો જીવ બચાવી શકાયો હોય, કે એના ઉપર થયેલો એસિડનો હુમલો ટાળી શકાયો હોય, એવું ભાગ્યે જ બન્યું છે. કાયદો વ્યર્થ, તંત્ર લાચાર, પ્રજા ડરપોક ને પુરુષો મદોન્મત્ત – ત્યારે મહિલાઓએ અલગ રાજ્યો માગવાનાં જ્યાં એ સલામતી અનુભવે?
પોતાનો પીછો પકડીને પરેશાન કરનાર બાબતે સ્ત્રી બેદરકાર રહી હોય, આવી ગુંડાગીરીને સામાન્ય ગણી એ થશે ખાસ વિચાર ન કર્યો હોય, તો એનોયે વાંક કાઢીએ, પણ ફરિયાદ કરવા છતાં પોલીસની અને પ્રજાની બેવડી નિષ્ક્રિયતાએ એણે જાન ગુમાવ્યો હોય ત્યારે શું? કરુણાના પરિવારના કહેવા મુજબ ફરિયાદ કરવા છતાં આદિત્ય સાથે સમાધાન થાય એવી પોલીસની દાનત હતી. ‘ના’ કહેવામાં જીવનું અથવા અન્ય પ્રકારનું જોખમ રહેલું છે એવો ડર સાથે સ્ત્રીને આ દેશમાં જીવવા વારો આવે એનાથી બદતર દશા કઈ?
આપણા સત્તાધીશોને ‘સ્માર્ટ’ સિટી બનાવવાનો ઉત્સાહ જે પ્રમાણમાં જાગે છે એવો મહિલાઓને પૂરી સલામતી આપવાનો, આદિત્ય વિશે જે થઈ એવી ફરિયાદો આવે ત્યારે પોલીસે તત્કાલ શું કરવું એની સઘન તાલીમ આપવાનો કેમ નથી જાગતો? સ્ત્રીઓ માટે અસુરક્ષિત એવી ‘સ્માર્ટ’ સિટી કેવી હશે?
સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થવા ઝંખે એ વાજબી છે, અને આત્મનિર્ભરતા માટે આવશ્યક પણ. નોકરી માટે એણે ચાર દીવાલોની સલામતી છોડવી પડે એ દેખીતું છે. વળી અત્યારની કપરી ભીંસમાં બે જણની કમાણી કેટલાંયે કુટુંબો માટે અનિવાર્ય હોય છે. પાછળ પડેલા કોઈકને ડરાવી ધમકાવીને સ્ત્રીને સાફ ‘ના’ પાડી હોય ત્યારે એેેેન માથે સતત જોખમ તોળાતું રહે એ સ્થિતિ કોઈ પણ રીતે ચલાવી ન લેવાય, ન લેવાવી જોઈએ. સ્વબચાવ માટે સ્ત્રીઓ શું કરી શકે એની યાદીઓ લાંબી છે, છતાં એનો અમલ થયો હોય એવી માહિતી મળતી નથી. જેની સામે ફરિયાદ કરી છે એ પુરુષ પોતાને કશું નહીં કરે એવો વિશ્વાસ જીવલેણ નીવડી શકે એ યાદ રાખવું ઘટે, ખાનદાની આજકાલ માણસના મરી પરવારેલા, અને દંતકથાનો મોભ્ભો ધરાવતાં લક્ષણોમાં ગણાય છે. અવરજવરવાળા રસ્તા પર કોઈ એમ સરળ રીતે આંતરીને ખૂન ન કરે એમ માનવાનું ભોળપણ સ્ત્રીઓએ છોડવું પડશે.
આમ તો વડાપ્રધાને સ્ત્રીઓ સામેના અપરાધો સંદર્ભે ‘ઝીરો ટોલરન્સ’ની વાત સશક્ત અવાજે કરી હતી, પણ એમ તો ઘણું ઘણુ સશક્ત અવાજે જ કહેવાયું હતું ને! વળી પ્રજાની ‘ટોલરન્સ’તો બેમિસાલ, એમાં ય સ્ત્રીઓની તો વળી અદકી બેમિસાલ. અને ચૂપચાપ આ ખૂની ખેલ જોતાં માણસ નામનાં પૂતળાં ક્યાં જઈને નાંખવા?
મણિબાગ, અબ્રામા, વલસાડ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 20 અને 19