Opinion Magazine
Number of visits: 9506059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન રણી, ન ધણી, એ જ કહાણી?

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|2 April 2016

‘કેગ’નો હેવાલ છેક છેલ્લે દા’ડે, લગભગ છેલ્લે કલાકે, ગૃહમાં મૂકવો એ તો રઘુકુલરીતિ પેઠે અફર રવૈયો રહેલો છે. 

વિચાર્યું હતું કે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આઇ.આઇ. પંડ્યા જેવા સર્વ રીતે સજ્જ ને સિનિયર અધ્યાપકની સરખામણીએ ખાસા જુનિયર અધ્યાપકને વિભાગીય વડાપદે બેસાડવાનો જે અશૈક્ષણિક બેત રચાયો (જેવું પૂર્વે ભરત મહેતાના કિસ્સામાં પણ થયું હતું), એની વાતથી કે પછી સરકારી ઉર્દૂ અકાદમીનું પારિતોષિક હર્ષ બ્રહ્મભટ્ટે ન સ્વીકાર્યું એવા કોઈ ઉલ્લેખ સાથે જાહેર જીવનમાં અપેક્ષિત ધોરણો એક પા અને સરકારી તેમ જ બીજાં સત્તાપ્રતિષ્ઠાનોની રસમ બીજી પા, એ વિષાદપ્રેરક વિસંગતિ વિશે કાંક વાત કરીશું.

પણ, શુક્રવાર સવારનાં છાપાં જોયા ત્યારે આ બંને નાની છતાં મોટી વાતો છેક જ નાની લાગી! ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે (ગેરહાજર-સસ્પેન્ડેડ-વિપક્ષની એસીતેસી સાથે) રાજ્યની યુનિવર્સિટીઓને એક છત્ર જેવી કરી નાખી સ્વાયત્તતાને નામે સૂનકાર, ધરાર એટલો જ ભેંકાર સૂનકાર, પ્રવર્તાવવાનો ખયાલ શિક્ષક મુખ્યમંત્રીના નેતૃત્વ તળે હુંકારભેર પ્રગટ થયો અને સરકારી કામગીરી વિશે કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ કહેતાં ‘કેગ’નો હેવાલ હંમેશની જેમ સિફત અને સલુકાઈથી ગૃહ ચર્ચા જ ન કરી શકે એ રીતે છેક છેલ્લે દિવસે રજૂ થયો.

આ હેવાલમાં રાજ્યની આરોગ્યસેવા ખાડે ગઈ હોવાતી માંડીને ખાસા 19,000 કરોડ રૂપિયા જેટલી જે તે કામ માટે ફાળવાયેલી રકમ નહીં વાપરી શકાતા પાછી મોકલવી પડ્યા સહિતની વિગતો જ વિગતો છે. જળપ્લાવિત જમીન-વેટલેન્ડ-બાબતે બેતમા બેદરકારી, નિરમા સીમેન્ટ પ્લાન્ટ જ્યારે બંધારાને ગ્રસી જવા તડેપેંગડે હતો ત્યારે અપાયેલી જાનદાર લડત પછી અને છતાં, જારી હોય તેને વિશે અને મિશે શું કહેવું.

હમણાં ગૃહમાં મુક્ત ને પુખ્ત ચર્ચા બાબતે અલ્લાયો જ અલ્લાયો હોવાનો ઉલ્લેખ કર્યો પણ આ ઉલ્લેખ હજુ વધુ સખોલ ચર્ચા માગી લે છે. ગૃહ મળવાના દિવસોનું ઉત્તરોત્તર સંકોચાતા જવું અને પ્રશ્નોત્તરીના કલાકનો રચનાત્મક કસ કાઢવાને બદલે ભળતા બેત અજમાવવા એ અહીં રાબેતો બની રહ્યો છે. મતલબ, ખાટલે મોટી ખોટ (અને ખોડ) દાયિત્વ અને ઉત્તરદાયિત્વ કહેતાં ‘એકાઉન્ટેબિલિટી’ની છે. યુનિવર્સિટીઓની સ્વાયત્તતા ગ્રસી જતો ખરડો તો માનો કે વિપક્ષની ગેરહાજરીમાં ફૂલેકું ફેરવી ગયો, પણ ભૂતકાળમાં વિપક્ષ ગૃહ બહાર ન કઢાયેલો હોય ત્યારે પણ ‘કેગ’નો હેવાલ છેક છેલ્લે દા’ડે, લગભગ છેલ્લે કલાકે, ગૃહમાં મૂકવો એ તો રઘુકુલરીતિ પેઠે અફર રવૈયો રહેલો છે.

સવાલ એ છે કે સન્માન્ય ધારાસભ્ય, પછી તે સત્તાપક્ષમાં હોય કે વિપક્ષમાં, સરકાર સંસદીય લોકશાહીમાં અપેક્ષિત બંધારણીય રાહે ગૃહને જવાબદાર રહે તે બાબતે સતર્ક ને સક્રિય છે કે કેમ. વિપક્ષને તો માનો કે તમે ગૃહનિકાલ કરી શકો, વિપક્ષ વિશે તો એને વાતે વાતે વિરોધ કોઠે પડ્યો છે એમ કહી અભરાઈએ મૂકી શકો, પણ ભલે સત્તાપક્ષના પણ ધારાસભ્યે પ્રધાનમંડળ ગૃહને જવાબદાર રહે તે માટે સવાલદાર હોવા ને રહેવાપણું છે. સમજાતું નથી, સન્માન્ય ધારાસભ્યોને સરકાર લગભગ ગજવે ઘાલી (કે કોરાણે મેલી) જાહેર બાબતોમાં ધોરાજી ચલાવે તે ઘૂંટડો કેમ કરીને ગળે ઊતરતો હશે. વ્યક્તિગત કામે કાઢવા-કરાવવા કદાચ નાકમોં દાબીદબાવી શકાતાં હશે, પણ જાહેર કામોનું શું. સરકારને ગૃહને જવાબદાર રાખવા મુદ્દે ન રણી, ન ધણી – એ જ કહાણી?આ સંદર્ભમાં આજની તારીખે સૂઝતો સીધોસાદો દાખલો રાજ્યની સરકારી અકાદમીનો છે.

આરંભે જ હર્ષ બ્રહ્મભટ્ટે ઉર્દૂ અકાદમીના પારિતોષિકનો સ્વાયત્તતાને મુદ્દે અસ્વીકાર કર્યાની જિકર કરી. કાગળ પર પણ જે સ્વાયત્તતા હતી એનો સોસાયટી ઍક્ટ હેઠળ રજિસ્ટર્ડ બંધારણનો ઓળિયોઘોળિયો કરીને બારોબાર ઉપરથી પેરાશૂટ શૈલીએ ઉતારેલ પ્રમુખ થકી બધું કામકાજ રોડવવાનું શરૂ થયું એને ચાલુ અઠવાડિયે ખાસું એક વરસ થશે. આ વરસ દરમ્યાન ખૂણેખાંચરે તેમ પ્રસંગે પ્રગટપણે નાનામોટા વિરોધ અવાજો ઊઠતા રહ્યા છે. વિરોધસહીઓ એકત્ર કરાઈ સરકારને  પહોંચાડાઈ છે. સાહિત્યસંસ્થાઓએ વિરોધલાગણી દર્જ કરાવી છે તો સો વરસ વટી ગયેલી પ્રજાકીય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખીય ચૂંટણીમાં સ્વાયત્તતાને મુદ્દે પ્રતિબદ્ધ પ્રમુખને નિર્ણાયક બહુમતીથી ચૂંટી કાઢીને સર્વસામાન્ય સાહિત્યરસિક સમુદાયે પોતાની રૂખ સાફ કરી છે. સાહિત્યપ્રીત્યર્થ સદભાવથી જોડાયેલા વરિષ્ઠ સાહિત્યસેવીઓ સરકારી અકાદમીમાંથી એક પછી એક છૂટા થવા લાગ્યા છે.

રાજ્ય સરકારને આ સંદર્ભમાં, ધ્યાન દોર્યા છતાં, કોઈ પુનર્વિચાર કરવાપણું લાગ્યાના સંકેતો હમણાં સુધી તો નથી. દિલ્હીમાં જ્યારે રાષ્ટ્રીય સ્તરની અકાદેમી બની ત્યારે ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ અને ‘ગ્લિમ્પ્સીઝ ઑફ વર્લ્ડ હિસ્ટરી’ના લેખક જવાહરલાલ નેહરુ એના પ્રમુખ હતા. એમણે કહેલું કે અકાદમીના પ્રમુખ નેહરુ અને વડાપ્રધાન નેહરુ વચ્ચે મતભેદ પડે ત્યારે હું અકાદમીના પ્રમુખ સાથે રહેવું પસંદ કરીશ. કાશ્મીર બાબતે રૂસી વીટોની કુમક ખાસી હતી અને જવાહરલાલ આમ પણ સોવિયેત બ્લોક ભણી કૂણા મનાતા હતા પણ ‘ઝિવાગો’ના લેખક પાસ્તરનાક સાથે મોસ્કોના દુર્વર્તાવ વિશે નિસબત વ્યક્ત કરતાં અકાદમી ખચકાઈ નહોતી. અકાદેમીનો હુંકાર અને સરકાર સમાદર તે શું, એના આ પેરેલલ સામ હાલના ગુજરાતનું ચિત્ર શું છે? નેહરુના સમયમાં મુંદડા પ્રકરણનો મુદ્દો ગૃહમાં એમના જ પક્ષના સાંસદ ફિરોઝ ગાંધીએ ઉઠાવ્યો હતો અને સંબંધિત મંત્રીને લબડધક્કે લીધા હતા. હર સાંસદ/વિધાયકને પોતાના હક્ક અને ફરજ બેઉનો ખયાલ રહે એ સીધોસાદો લોકશાહી હિસાબ છે. એને માટે રાષ્ટ્રવાદી કે સેક્યુલર કે સંપ્રદાયવાદી કશું થવું જરૂરી નથી.

જો ગૃહ પોતાની ફરજ ન બજાવી શકતું હોય અગર સરકાર તેને બજાવવા દેતી ન હોય તો શું? 1974માં ગુજરાત બિહારનાં આંદોલનોએ આ સવાલોનો જવાબ આપેલો છે. ગૃહ અને તેને જવાબદાર સરકાર જો કાનૂની સાર્વભૌમ (લીગલ સોવરેન) છે તો તેને ચૂંટનાર જનતા રાજકીય સાર્વભૌૈમ (પોલિટિકલ સોવરેન) છે. અને તે નાતે એ ગૃહને ‘ચલે જાવ’ ફરમાવી શકતી અપીલમાં એટલે કે આંદોલનમાં ચોક્કસ જઈ શકે છે. 1974 અને ગુજરાત બિહારનાં આંદોલનોનું સ્મરણ, એના સહભાગી (અને આગળ ચાલતાં વડા લાભાર્થી) ભાજપને કરાવવું પડે તે આ પક્ષે પ્રમાણમાં ટૂંકા શાસનકાળમાં મેદ અને કાટ કેટલા પ્રમાણમાં રળેલ છે એનો અચ્છો ખયાલ બિલકુલ સૂત્રાત્મકપણે આપી શકે છે.

ધારાસભ્યો અને પક્ષોની વાત તો ખેર છોડો. અક્ષરકર્મીઓ જો છેક જ અક્કરમી ન હોય તો છત્રીપ્રમુખ સહિત બચીખૂચી અકાદમી પંડે જ ગરવાઈથી ખડી પડીને સ્વાયત્તતા સારુ પથ પ્રશસ્ત કરવાનું નૈતિક સાહસ કેમ ન દાખવી શકે? બને કે આરંભે નિર્દેશેલી વિષાદ પ્રેરક વિસંગતિ એક આહલાદક મન્યુનુંયે રૂપ લઈ શકે.

સૌજન્ય : ‘ગૃહ અને સરકાર’,  “દિવ્ય ભાસ્કર”, 02 અૅપ્રિલ 2016

Loading

2 April 2016 admin
← હું એકલી આખા જગતને બદલી ન શકું.
વિશ્વ રંગભૂમિ દિન અને ગ્રંથ-વિમોચન →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved