એક વાર વિનોબા ભાવે પોતાના ચા-પાંચ સાથીઓ સાથે ૨૦મી સદીના મહાન ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિને મળવા ગયા. તેમની વચ્ચે આપણા ખપની અને સમજવા જેવી ઘણી વાતો થઈ, પણ છેલ્લો સમજવા જેવો અને આપણા ખપનો સંવાદ થયો એ અહીં ટાંકુ છું. વિનોબાની સાથે જે ચાર-પાંચ જણા આવ્યા હતા તેમના તરફ દૃષ્ટિ કરીને જે. કૃષ્ણમૂર્તિએ પૂછ્યું કે “આ બધા કોણ છે? તમારા અનુયાયી?”
વિનોબાએ કહ્યું કે, “ના, મારા સાથી. અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”
કૃષ્ણમૂર્તિએ માત્ર આટલું જ કહ્યું : “આભાર! સાંભળીને મને રાહત થઈ!”
એ ચાર-પાંચ સાથીઓને વિનોબાએ અનુયાયી તરીકે ઓળખાવ્યા હોત તો કૃષ્ણમૂર્તિએ ઊંડી વેદના અનુભવી હોત અને એટલી સંવેદનશીલતા તેઓ ધરાવતા પણ હતા, પણ જ્યારે વિનોબાએ તેમને સાથી તરીકે ઓળખાવ્યા ત્યારે કૃષ્ણમૂર્તિએ રાહત અનુભવી હતી અને રાહત અનુભવી શકે એટલા તેઓ જાગ્રત પણ હતા.
જે. કૃષ્ણમૂર્તિ જીવનભર એક જ વાત સમજાવતા રહ્યા હતા : તમે તમારું સર્જન બનો, આજુબાજુના વાતાવરણ અને સંસ્કારોનું નહીં. સરેરાશ માણસ પોતાનાં યુગનું કે સમયનું સર્જન હોય છે. આજુબાજુના વાતાવરણનો પ્રભાવ ઝીલતો હોય છે અને એ મુજબ વર્તતો હોય છે. કૃષ્ણમૂર્તિને ચિંતા એ વાતની હતી કે એક તો માંડ એક મનુષ્ય જીવન મળ્યું હોય એમાં યુગપ્રભાવ ઝીલવામાં અને એ મુજબ જીવવામાં આયખું એળે જાય. તેઓ એનાથી પણ વધારે દુ:ખી એ વાતે હતા કે યુગપ્રભાવની બાબતમાં સારાસાર વિવેક કરવાની ક્ષમતા હોવા છતાં મનુષ્ય એ કરતો નથી અને ટોળાંમાં જોડાઈ જાય છે. વિવેક કરવાથી ગ્રંથિમુક્ત થવાય અને ભયમુક્ત પણ થવાય; પરંતુ એ કિંમતી જણસ તેને સમજાતી નથી. એ બુદ્ધ હોય, ગાંધી હોય કે કૃષ્ણમૂર્તિ હોય; ત્રણેયની ચિંતા એક જ વાતે હતી કે માનવી આજુબાજુના વાતાવરણના પ્રભાવમાં આવીને આયખું વેડફી નાખે છે.
ન્યુઝીલેન્ડમાં એક માથા ફરેલા માણસે બે મસ્જિદોમાં હુમલા કરીને દોઢસો જેટલાં મુસલમાનોને મારી નાખ્યાં. એ ઘટના પછી આપણા દેશમાં મેં બહુ થોડા લોકોને ગ્લાનિ પ્રગટ કરતાં જોયાં છે. શા માટે? કારણ કે તેઓ મુસલમાન છે અને મુસલમાન તેને લાયક છે. ફ્રાંસમાં છાપાની ઑફિસ પર હુમલો થાય તો આપણું દિલ પીગળી જાય અને ન્યુઝીલેન્ડમાં મુસલમાન મરે તો દિલને કોઈ અસર ન થાય, બલકે રાજી થાય એવું કેમ? શું કરુણા વ્યક્તિ કે સમૂહસાપેક્ષ હોય છે કે પછી કરુણા શુદ્ધ કરુણા હોય છે?
થોડાં વરસ પહેલાં સીરિયન શરણાર્થીઓનાં એક મૃત બાળકના સમુદ્ર કિનારે પડેલા દેહની તસ્વીર તમે જોઈ હશે. ત્રણેક વરસનું એ ભૂલકું તાજું જ મરણ પામ્યું હશે એટલે જોઇને લાગે કે તે સૂતું છે. ચડ્ડી, ઇન શર્ટ, પગમાં મોજાં સહિત બુટ, વ્યવસ્થિત વાળ ઓળાવેલા અને રૂપરૂપનો અંબાર! એ બાળક સમુદ્રની લહેરો સાથે જાણે લાકડું આગળ – પાછળ ધકેલાય એમ બે પડખે ધકેલાતું હશે. એ તસ્વીર જોઇને અનેક લોકોનાં દિલ દ્રવી ઊઠ્યાં હશે, પણ મારા એક હિન્દુત્વવાદી મિત્રે શું કહ્યું હતું ખબર છે? મને પૂછે કે ‘તમે એ બાળકના મૃતદેહને ધ્યાનથી જોયો? ખૂબ શ્રીમંત પરિવારનું એ બાળક હોવું જોઈએ. એ કોઈ અભાવના કારણે કે ધક્કામુક્કીમાં મરી ગયું હોય એવું લાગતું નથી. તેને જાણીબૂજીને મારી નાખીને, તેના મૃતદેહને સમુદ્રકિનારે મૂકવામાં આવ્યો હોવો જોઈએ.’
તે મિત્ર શું કહેવા માગે છે એ મને સમજાઈ ગયું હતું, પરંતુ એ છતાં મેં પૂછ્યું કે એવું શા માટે કોઈ કરે? તેણે તરત જવાબ આપ્યો: ‘કારણ કે આપણને, એટલે જગતની ગેર-મુસ્લિમ પ્રજાઓને બદનામ કરવા. તમે મુસલમાનોને ઓળખતા નથી. તેઓ કોઈ પણ હદે જઈ શકે એમ છે.
આવું વિચારવા માટે પણ ૫૬ ઈંચની છાતી જોઈએ અને આજના યુગમાં આપણે આવી છાતી ધરાવતા થઈ ગયા છે. ફ્રાંસના મૃત પત્રકારોને હજુ તો ફ્રેંચો અંજલિ આપે અને દુ:ખ વ્યક્ત કરે એ પહેલાં હડી કાઢીને દુ:ખ વ્યક્ત કરનારા આપણા વડા પ્રધાન ન્યુઝીલેન્ડની ઘટના બાબતે ચૂપ છે. તેઓ તો અસ્સલ ૫૬ ઈંચની છાતી ધરાવનારા વીર છે. દિલ ત્યારે જ રડે જ્યારે ‘આપણાં’ કે આપણને માફક આવે એવા લોકો સાથે અઘટિત ઘટના બની હોય અને મનમાં રાજીપો પણ થાય, જો આપણને ન ગમતાં ‘બીજાં’ સાથે કોઈ અઘટિત ઘટના બની હોય. એ બાળકના મૃતદેહને જોઇને આંખ ભીની થવાની જગ્યાએ તેનાં પહેરવેશ નીરખવાની અને એમાં કાવતરાં જોવાં માટેની વિકૃતિ ક્યાંથી આવી હશે?
આજુબાજુના વાતાવરણમાંથી. જો આવું દૃશ્ય ગાંધીજીના યુગમાં જોવા મળ્યું હોત તો કોઈ ડૉ. દ્વારકાદાસ કોટનીસ અભાગીઓની સેવા કરવા ત્યાં પહોંચી ગયા હોત, જેમ તેઓ ચીનમાં પ્લેગના દર્દીઓની સેવા કરવા પહોંચી ગયા હતા. ડૉ. કોટનીસ ચીન ગયા એ યુગપ્રભાવ હતો અને આજે બાળકના મૃતદેહમાં કાવતરાં જોનારાઓ કે ન્યુઝીલેન્ડની ઘટનાથી જરા પણ વિચલિત નહીં થનારાઓ – બલકે રાજી થનારાઓ – પણ યુગપ્રભાવને ઝીલે છે. એ ગાંધીનો યુગ હતો, જ્યારે આજે નરેન્દ્ર મોદી-ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ છે. ત્યારે દિલ દ્રવે એમાં જીવનની સાર્થકતા હતી, જ્યારે આજે ‘બીજાઓ’ને દુ:ખી જોઇને ‘આપણે’ રાજી થઈએ એમાં જીવનની સાર્થકતા છે. ‘બરોબર છે, તેઓ એ જ લાગના છે’ એમ કહેતા શરમ નથી આવતી.
આપણે માણસ મટીને કોઈના વાજિંત્ર બની જઈએ છીએ અને એ પણ ઉત્સાહથી. આજકાલ દેશપ્રેમનું વાજું વાગી રહ્યું છે. પુલવામાં જેવી ઘટનાઓ આ પહેલાં પણ બની છે. ત્યારે રડવું નહીં આવ્યું અને આજે જ કેમ આવે છે? બીજું જવાનોનું જીવન અમૂલ્ય છે એમાં કોઈ શંકા નથી, પણ ગોરખપુરમાં ઓક્સીજનના અભાવમાં પુલવામાં કરતાં પણ બેવડી સંખ્યામાં બાળકો મર્યા ત્યારે એ બાળકનું જીવન સસ્તું હતું? કેટલાંની આંતરડી કકળી હતી? કાશ્મીરમાં બકરવાલની દીકરી સાથે જે ઘટના બની ત્યારે કેટલાં દેશપ્રેમીઓએ શરમ અનુભવી હતી? જો તમે પક્ષપાત વિના મૂલ્યોના પક્ષે અને માણસાઈના પક્ષે નથી ઊભા રહેતા તો તમારા માણસ હોવાપણામાં જ કોઈક ખામી છે.
આગળ કહ્યું એમ જે. કૃષ્ણમૂર્તિની વેદના બે વાતની હતી. એક તો આ અમૂલ્ય આયખું આપણને એક જ વાર માટે મળ્યું છે અને ઉપરથી વિવેક કરવાની ભગવાને શક્તિ પણ આપી છે. એકની એક તક યુગના કુપ્રભાવથી બચીને માણસ તરીકે જીવવાની ક્ષમતા હોવા છતાં આપણે હોંશેહોંશે વેડફી નાખીએ છીએ. એટલે વિનોબાએ જ્યારે કહ્યું કે ‘મારી સાથે આવેલા લોકો મારા અનુયાયીઓ નથી, મારા સાથી છે’ ત્યારે કૃષ્ણમૂર્તિએ રાહત અનુભવી હતી. ચાલો આટલા લોકો તો કમસેકમ સાંકળે બંધાયેલા નથી અને બાંધવામાં આવ્યા નથી. સારાં કામ પણ પોતાના વિવેકથી કરવાં જોઈએ તો નઠારાંનો તો સવાલ જ નથી.
સોક્રેટીસ, બુદ્ધ, ગાંધી, કૃષ્ણમૂર્તિ વગેરેની એક લાંબી સાંકળ છે. એ છે તો સાંકળ પણ મુક્તિ અપાવનારી સાંકળ છે. માણસને માણસ તરીકેની ઓળખ અપાવનારી સાંકળ છે. બીજી સાંકળ માનવીને આંગળિયાત બનાવનારી છે. તમારું આયખું એક જ છે અને સારાસાર વિવેક કરવાની તમારી પાસે શક્તિ પણ છે તો આજે જ પસંદગી કરી લો.
19 માર્ચ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 માર્ચ 2019