જ્યાં મૂળભૂત લોકશાહી પણ ન હોય ત્યાં આતંકવાદી જૂથનો પ્રભાવ રહેવાનો જ છે જે શિક્ષણ જેવી અનિવાર્યતા પર સીધી અસર કરે છે
યુદ્ધ કે કોઇ પણ રાજકીય તણાવ જ્યારે કોઇ દેશને પકડમાં લે, ત્યારે તેનાં પરિણામ જોખમી જ હોય છે. એમાં પણ રાજકારણની અસ્તવ્યસ્ત સ્થિતિમાં આતંકવાદી જૂથો અથવા તો કટ્ટરવાદી જૂથ જ્યારે આ સંજોગોમાં પ્રવૃત્ત થઇ જાય, ત્યારે સ્થિતિ વણસવા માંડે. અફઘાનિસ્તાન એ આવા સંઘર્ષમય સંજોગોનું ઉદાહરણ છે. યુ.એસ.એ.ના સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યારે કાયમી યુદ્ધની ટીકા કરનારાઓએ અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડેનના આ પગલાંને વખાણ્યું ખરું પણ અફઘાન સરકારનું પડી ભાંગવું, તાલિબાનની પકડ ફરી મજબૂત થવી અને અલ-કાયદાની હિંસક પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાની વકીની ચિંતા પણ ઘણાંએ વ્યક્ત કરી. હિંસાના કિસ્સા તો બનવા જ માંડ્યા છે, પણ સ્ત્રી અધિકારો, સ્વાસ્થ્ય અને શિક્ષણની દિશામાં અમેરિકન સૈન્યનની હાજરીમાં જે પણ થોડું ઘણું કામ થયું હતું તેની પર જોખમ તોળાઇ રહ્યું છે અને આ જોખમ ટાળવાના રસ્તા હોઇ તો શકે છે, જેમાં સૈન્યના હોવા કે ન હોવાથી કોઇ સીધો ફેર પડતો નથી, પણ એ રીતે આ સંજોગોને નાણવાની, તે અંગે કંઇ કરવાની તસ્દી કોણ લેશે તે એક મોટો પ્રશ્ન છે.
યુ.એસ.એ. માટે ‘એન્ડલેસ વૉર’ – અનંત યુદ્ધનો દેખીતો અંત હશે પણ છતાં ય જે અનંત યુદ્ધો રાજકીય સત્તાકીય સંઘર્ષવાળા દેશમાં ચાલી રહ્યા છે, તે હાંસિયામાંથી બહાર ભાગ્યે જ આવે છે અને તે ચાલતા રહે છે. અહીં ખાસ કરીને શિક્ષણ અને તેમાં ય વળી સ્ત્રીઓનાં શિક્ષણની સ્થિતિની વાત છે.
અફઘાનિસ્તાનથી જ શરૂઆત કરીએ તો છેલ્લાં ૨૦ વર્ષમાં શિક્ષણની સ્થિતિ ત્યાં સુધરી અને વિદેશી દાતાઓની મદદને પગલે પ્રાથમિક શિક્ષણનો પાયો ત્યાં મજબૂત બન્યો. છતાં પણ ત્યાં શિક્ષણની ગુણવત્તામાં બહુ દેખીતો ફરક ન આવી શક્યો કારણ કે મોટા ભાગે અફઘાની છોકરીઓને સ્કૂલમાંથી ઉઠાડી લેવાય છે, ખાસ કરીને સંજોગોમાં સહેજ પણ અસ્થિરતા આવે ત્યારે. યુ.એસ. આર્મીની હાજરીથી જે ફેર પાડી શકાયો તે ટકી જાય તે જરૂરી છે. તાલિબાને હમણાં જાહેરાત કરી છે કે તેઓ મહિલાઓને શિક્ષણ મળે અને તેઓ કામ કરી શકે તે દિશામાં કામ કરશે. છતાં પણ તાલિબાની સમાજમાં મહિલા અને પુરુષો વચ્ચે જે ભેદભાવ રખાય છે તે બદલાઇ જશે, તેવું કંઇ માની લેવાનું જોખમ લેવાય તેમ નથી. આ વર્ષે મે મહિનામાં અફઘાનિસ્તાનના એક માત્ર ‘ફોરવર્ડ’ ગણાતા શહેર કાબૂલમાં કન્યા શાળા પર બૉમ્બ ઝિંકાયો જેમાં અફઘાનિસ્તાનની હઝરા કોમ્યુનિટીની છોકરીઓના મોત થયા હતા. આ હુમલાના કલાકો પછી કાબૂલના છોકરાઓ આ હુમલામાં ઘવાયેલી છોકરીઓને લોહી આપવા હૉસ્પિટલ્સમાં બેઠા હતા, બચી ગયેલી છોકરીઓએ પોતે સ્કૂલમાં તો જશે જ તેવો ઇરાદો વ્યક્ત કર્યો હતો અને કાબૂલની એક ટેકરી નીચે ઘણાં મા-બાપે પોતાની મૃત દીકરીઓને દફન કરી હતી. દફનવિધિ પછી જમીન પર તેમણે ચૉકથી એક જ શબ્દ લખ્યો – ‘એજ્યુકેશન’. અફઘાનિસ્તાનના લોકો જાણે છે કે તેમને શિક્ષણ અને તેમાં ય ખાસ કરીને સ્ત્રી શિક્ષણ ઊગારશે, આજે અફધાનિસ્તાનની શાળાઓમાં ભણતા ૯ મિલિયન બાળકોમાંથી ચાળીસ ટકા જેટલી છોકરીઓ છે. અફઘાનિસ્તાનમાં કન્યા શિક્ષણ ગેરકાયદે ગણાતું અને ત્યારે સિક્રેટ સ્કૂલમાં છોકરીઓ ભણવા જતી, છાની રીતે કેટલા ય ઘરમાં કન્યા શાળાઓ ચાલતી. આવી કન્યાશાળાઓમાં સંઘર્ષ વચ્ચે ભણેલી છોકરીઓ મોટી થઇને પોતે ત્યાં શિક્ષણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું હિંમતભર્યું કામ કરતી રહે છે.
ઇરાક એક બીજો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, સંઘર્ષની પકડમાં છે. એમાં પાછી મિડલ ઇસ્ટના દેશોમાં જો કોઇ સરકાર શિક્ષણમાં સૌથી ઓછું રોકાણ કરતી હોય તો તે ઇરાકની સરકાર છે. ઇરાક સ્ત્રીઓએ આઇસીસને કારણે બહુ બધા અત્યાચાર વેઠ્યા છે જેમાં જાતીય હિંસા પણ બાકાત નથી. વળી ખતના જેવી માન્યતાઓ પણ ત્યાં અમુક સમાજમાં પ્રચલિત છે. ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ ધી લેવન્ટ – આઇસિલ જે સુન્ની જેહાદી કટ્ટરવાદી જૂથ છે તેની હેઠળ જે પણ વિસ્તારો હતા ત્યાં ફરજિયાત તેમનો પોતાના અભ્યાસક્રમ લાગુ કરાયો જેમાં હિંસા અને જેહાદને પ્રોત્સાહન અપાતું હોય. આ વિસ્તારોમાં સ્ત્રીઓનાં શિક્ષણનાં કોઇ ઠેકાણાં ક્યારે ય નથી રહ્યાં. અહીં બાળકોના પ્રાથમિક શિક્ષણની વાત તો પછીની છે પણ તેમના દસ્તાવેજોનાં ઠેકાણાં ન હોવાના કિસ્સા પણ અગણિત છે. ઘણા ગ્રામીણ વિસ્તારોમાં પરિવારો જ દીકરીઓને શાળાએ નથી જવા દેતાં. ખાડી યુદ્ધ પહેલાં જે સંજોગોમાં અહીં દીકરીઓ ભણી શકતી હતી તે સ્તર હજી પાછું મેળવી જ નથી શકાયું અને ૧૨ વર્ષથી વધુ વયની છોકરીઓમાં નિરક્ષરતાનું પ્રમાણ પુરુષોની સરખામણીએ બમણું છે. આજથી પાંચ વર્ષ પહેલાં ઇરાકની શાળાએ જતી છોકરીઓની સંખ્યા ૪.૨ મિલિયન હતી. યુદ્ધ અને આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે કોઇ એક સ્થળે ન રહી શકનારા પરિવારો માટે શિક્ષણ એક લક્ઝરી છે.
સંશોધનોમાં આ સાબિત થયું છે કે સતત સંઘર્ષમાં રહેતા મુસ્લિમ દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું જ હોય છે અને તેમાં ય છોકરીઓ માટે શિક્ષણ મેળવવું વધારે અઘરું રહ્યું છે. આરબ સ્ટેટ્સમાં તો છોકરાઓની સરખામણીએ માત્ર ૫૪ ટકા છોકરીઓ જ સ્કૂલ જઇ શકે છે અને દસ વર્ષ જૂના આ આંકડામાં બહુ મોટો ફેર પડ્યો પણ નથી. અફઘાનિસ્તાન અને ઇરાક પર વાત અટકતી નથી પણ ઇથોપિયા, નાઇજિરિયા, કોટે ડઇવોઇર, નાઇજર, બુક્રીના ફાસો અને યેમન જેવા દેશોમાં સ્ત્રીઓ પર અને શાળાએ જતી છોકરીઓ પર થતી હિંસાના બનાવો બહુ જ સામાન્ય છે. નાઇજિરિયામાં સ્કૂલે જતી છોકરીઓના અપહરણ થઇ જતાં હોય છે. શાળાઓ પર આતંકી જૂથોના હુમલાને પગલે મા-બાપ દીકરીઓને સ્કૂલમાંથી ઊઠાડી લેતાં હોય છે. બોકો હરામ જેવા કટ્ટરપંથી જૂથોએ કો-એજ્યુકેશન આપનારી પાકિસ્તાની સ્કૂલ્સને ધમકીઓ પણ આપી છે.
જો કે મિડલ ઇસ્ટમાં જ્યાં છોકરીઓના શિક્ષણનાં ઠેકાણાં નથી ત્યાં ટર્કીમાં સ્કૂલિંગમાં જેન્ડર ગૅપ ઘટાડવા પર પહેલાં જ કામ થઇ ચૂક્યું છે કુવેત, યુ.એ.ઇ., બહેરીન, મલેશિયા, ઇન્ડોનેશિયા અને લિબિયા જેવા દેશોમાં છોકરીઓ શિક્ષણમાં છોકરાઓ કરતાં આગળ છે. મુસ્લિમ દેશોમાં અંદર અંદર જ આ તફાવતનું કારણ છે નીતિઓ – ત્યાં સરકાર શિક્ષણમાં હજી પણ પૂરતું રોકાણ નથી કરતી અને જ્યાં સરકાર નીતિ બદલે છે ત્યાં સુધાર દેખાયો જ છે. પાકિસ્તાન કરતાં કન્યા શિક્ષણને મામલે બાંગ્લા દેશ કરતાં પાછળ છે. નાઇજિરિયા જેવા દેશ જ્યાં સ્વાસ્થ્યની સમસ્યાઓ જ તોતિંગ હોય ત્યાં શિક્ષણને પ્રાથમિકતા ન મળે તેનું કારણ એ કે માનવ વિકાસને ક્યારે ય અગ્રિમતા જ ન અપાઇ.
જ્યાં મૂળભૂત લોકશાહી પણ ન હોય ત્યાં આતંકવાદી જૂથનો પ્રભાવ રહેવાનો જ છે જે શિક્ષણ જેવી અનિવાર્યતા પર સીધી અસર કરે છે.
બાય ધી વેઃ
મુસ્લિમ દેશોએ સમજવું રહ્યું કે શાળામાં જેન્ડર ગૅપ્સ ઘટે તે જરૂરી છે. યુનિસેફ જેવી સંસ્થાઓ ‘કોન્ફ્લિક્ટ ઝોન્સ’માં કામ કરતી રહે છે. બધી મુસ્લિમ દીકરીઓ મલાલા નથી બની શકતી તે ખરું, પણ મલાલા જેવી પ્રેરણા મુસ્લિમ વિશ્વમાં રહેતી દીકરીઓ માટે દિશાસૂચન ચોક્કસ કરે છે. જે મુસ્લિમોને આર્થિક રીતે પોસાય તેવું હોય છે તેવો પશ્ચિમી દેશોમાં જઇને દીકરીઓને ભણાવે છે જો કે ઇસ્લામોફોબિયાની જાળમાંથી તેઓ હંમેશાં બચી જાય તેવું જરૂરી નથી અને તે બીજા જ પ્રકારનો સંઘર્ષ હોય છે. ધર્મને નામે થતો કટ્ટરવાદ અને સર્વાંગી વિકાસનો વિરોધ મુસ્લિમ દેશોમાં સ્થિરતાથી વંચિત લોકોને તેની શક્યતાઓથી દૂર રાખે છે, તે વસ્તુ આ સમાજ જ્યારે સમજી શકશે ત્યારે શિક્ષણની શક્તિથી થતા બદલાવો તેઓ સ્વીકારવા સક્ષમ બનશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ઑગસ્ટ 2021