= = = = આ સમયને હું મુશ્કેલ કહું છું પણ આમ ફળદાયી ગણું છું. સર્જકતાએ સંપડાવેલાં ફળથી શ્રેષ્ઠ ફળ આ સંસારમાં એકે ય નથી = = = =
= = = = આ મુશ્કેલ સમય દૂર દૂરથી એક જ સંદેશ આપી રહ્યો છે : મેક ઓવર ! જમાનાજૂની અપ્રામાણિક દુષ્ટ અને અન્યાયકર સભ્યતાને તિલાંજલિ આપો = = = =
કોરોના સામે યુદ્ધે નથી ચડવાનું. યુદ્ધ જો કરવું જ હોય તો દરેક વ્યક્તિએ પોતાની જાત સાથે કરવાનું છે. અને યાદ રાખો, યુદ્ધ પછી એક લાક્ષણિક સ્વરૂપની સાચી શાન્તિ પ્રગટતી હોય છે.
જાતને સમજાવવાની છે કે લૉકડાઉન હોય કે ન હોય – હું ઘરમાં જ રહીશ – સરકારે ઊભી કરેલી વ્યવસ્થાને વશ રહીશ – એની ટીકાઓ કરીને જાગ્રત નાગરિક પુરવાર થવાની બાલિશ કોશિશ નહીં કરું – સમજીશ કે ડૉક્ટરો નર્સો અને પોલીસ પોતાના જાનના જોખમે મારા જીવનની રક્ષા કરી રહ્યા છે, હું એમને માનીશ, એમને દમનકારી કહીને એમની નિન્દા નહીં કરું …
ઘરમાં રહેવું એટલે ક્રમે ક્રમે પોતાના આત્માની સમીપે ચાલી જવું. ઘરમાં ને ઘરમાં રહેવાનું એટલે માણસને વિચારો બહુ આવવાના. એને થાય, આસપાસનાં જોડે વાતો પણ કરી કરીને કેટલી કરું? કેમ કે નવું કશું ઘટતું જ નથી બલકે એ-નું-એ જ ઘટે છે. સમાચારોમાં પણ વધ્યે જતા આંકડા સિવાયનું શું છે? જાણીતી ને જોયેલી ફિલ્મો પણ કેટલી જોઉં?
આ મુશ્કેલ સમયમાં આમ ઘટનાતત્ત્વનો લોપ થયો હોય છે ને તેને પરિણામે અનેકાનેક માનસિક ઘટનાઓ ઘટવા માંડી છે. આત્માની સમીપે રહેવાને કારણે આત્મજાગૃતિ સંભવે છે. આત્મનિરીક્ષણનો સુ-અવસર મળે છે.
આત્મનિરીક્ષક વ્યક્તિ ધીમે ધીમે આત્મપરીક્ષક થવા માંડે છે. એને થાય કે – મેં અમુક કામો તો નથી જ સારાં કર્યાં – અમુકને વિશે કેવું ગંદું વિચારેલું – અમુક વચનો અમુકને કહ્યાં તે બરાબર ન્હૉતાં – ‘મિથ્યા મે દુષ્કૃતમ્’ કહેલું ખરું પણ એમ કહેવાનો રિવાજ સાચવવા કહેલું. – ‘સત્યમ્ વદ, ધર્મમ્ ચર’ એમ બીજાંઓને જરૂર કહેતો’તો અને ગાંધીજીનો હવાલો આપીને સૌને જણાવતો હતો કે 'મો સમ કૌન કુટિલ ખલ કામી’ કહીને બાપુ પોતાને વિશે કેટલા સાવધ હતા ને તેથી જુઓ ને, કેવું સરસ કહેતા હતા – એમ કે ‘મારા વિકારને હું જોઈ શકું છું પણ એને હજીયે કાઢી શકતો નથી’ … આમ બીજાઓને આવાં બધાં મહાન સૂત્રો કહી બતાવવામાં મને બહુ બધો આનન્દ આવતો’તો, પણ આજે સમજાય છે કે એ બધું ખોટું હતું, મિથ્યા હતું …
માણસ આમ જાત સાથે વાતો કરતો થઈ જાય છે ને એ પ્રકારે વધુ ને વધુ આત્મમાં ઊંડે ઊતરતો થઈ જાય છે. હવે આપણને ખબર નથી કે દરેક માણસને એક ઊંડાણ જરૂર મળ્યું હોય છે અને તે છે, સર્જકતા.
જુઓ ને, સોશ્યલ મીડિયા અભૂતપૂર્વ ધોરણે વિશ્વ આખામાં એક મહાન આશ્વાસન રૂપે ખીલી ગયું છે – અ મૉર ક્રીએટિવ મૅનિફેસ્ટેશન. રોજે રોજ કેવાં કેવાં રમૂજી જોક્સ ને પિક્ચર્સ ફૉરવર્ડ થઈને આપણા સ્ક્રીન પર દોડી આવે છે. જેમ કે આજે મને મારા દીકરા પૂર્વરાગે એક કાર્ટૂન મોકલ્યું જેમાં મિસ્ટર કોરોના માસ્ક પ્હૅરીને પ્રૅસિડેન્ટ ટ્રમ્પની સામે તીખી નજરે ધસી રહ્યો છે. મજા તો એ છે કે જે લોકો સર્જક ન્હૉતા એ પણ આ સમામાં કવિતા કરવા લાગ્યા છે. છાન્દસ-અછાન્દસની મગજમારી, ગઈ એને ઘેર ! ગઝલ થઈ કે ન થઈ ભગવાન જાણે ! કેમકે સૌને બસ, આત્માને વશ રહીને વ્યક્ત થવું છે.
આ સમયને હું મુશ્કેલ કહું છું પણ આમ ફળદાયી ગણું છું. સર્જકતાએ સંપડાવેલાં ફળથી શ્રેષ્ઠ ફળ આ સંસારમાં એકે ય નથી.
હું જોઈ રહ્યો છું સાશ્ચર્યાનન્દે, કે મારા-અમારા અને ભાષાભવનના કેટલાંયે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ – જેઓને પોતાને પણ વિદ્યાર્થીઓ છે એવાં હવે તો એ સૌ અધ્યાપકો – કંઈ ને કંઈ લઈને મીડિયામાં સ્વછબિ સાથે વ્યક્ત-અભિવ્યક્ત થઈ રહ્યાં છે. જેમ કે, ભરત મહેતા કશી ને કશી ક્રિયાધર્મી ટીકાટપ્પણીથી પરિદૃશ્યને તપાસે છે. જેમ કે, નરેશ શુક્લ શૈશવનાં સંસ્મરણોની ડાયરી લઈ આવ્યો છે. જેમ કે, નિસર્ગ આહીર કંઈક ગહન ગહન પ્રકારનાં કાવ્યો કરી રહ્યો છે. જેમ કે, યોગેન્દ્ર પારેખ એના નિબન્ધસંગ્રહનો એક એક નિબન્ધ ગમ્ભીર મુખમુદ્રા સાથે વાંચી બતાવે છે. જેમ કે, નિયતિ અન્તાણી વ્યાકરણ, ને તેમાંયે સમાસ શીખવી રહી છે. જેમ કે, જિગીષા રાજ એની ‘અનુરક્ત’ કૉલમમાં બધું સરસ સરસ પરિચયાત્મક લખે છે, હમણાં એણે સિલ્વિયા પ્લાથ વિશે લખ્યું. જેમ કે આ સૌમાં સીનિયર તુષાર શુક્લ નિત નવાં વસ્ત્રોમાં જુદી જુદી અદામાં પોઝ તો આપે જ છે પણ દરેક ઉપયોગી પોસ્ટ પર પોતાનો સંગીન પ્રતિભાવ પણ લખે છે.
આ તો મારી નવરી નજરે ચડ્યાં એ, બાકી બીજાં પણ હશે. મને એમના એક શિક્ષક તરીકે રાજીપો થાય છે કે ચાલો, જાગતો આત્મા લઈને આ કપરા કાળમાં આ સૌ મચી તો પડ્યાં છે.
ઉપરાન્ત, કેટલાંક મારાં વાચકો-ચાહકો-મિત્રો પણ મારાથી જોવાયાં છે. જેમ કે, બાબુ સુથાર સરકારની અને તન્ત્રોની ઠીક ઠીક નુક્તેચિની કરી લે છે. જેમ કે, સાગર શાહે કેટલાંક સમુપકારક અને સુવાચ્ય પુસ્તકોની યાદી મૂકી. વિપુલ વ્યાસ નાનાં નાનાં પણ રંગીન સૂત્રો રચીને વ્યક્ત થતો હોય છે. ભાવિષા ઉપાધ્યાય ‘કટ ઍન્ડ પેસ્ટ’-વાળું એનું સમયોપકારક કાવ્ય રજૂ કરતી જોવા મળી. વિજય સોનીને શું યે સૂઝ્યું છે તે ‘નવ્ય અસ્તિત્વવાદ’-ની વાતો લઈ આવ્યો છે. અજય સોની કચ્છમાં બેઠો બેઠો સમાજજોગું કશુંક ને કશુંક સમ્બોધી રહ્યો છે. રમણીક અગ્રાવત સૂચક કાવ્યો કરે છે. અભિજિત વ્યાસ જૂનાં પણ મૂલ્યવાન ચિત્રો વગેરેની યાદ અપાવતો રહે છે. સુરતા ચૌધરી મહેતા કોરોના-સમ્બન્ધી વાંધો લેવા જેવાં કશા પણ પગલાંને એના બુલંદ અવાજે ખખડાવતી રહે છે. કોશા રાવલ હિન્દીમાં રચાયેલાં પોતાનાં કાવ્યો અને સ્વરચિત ચિત્રો સાથે રજૂ થતી હોય છે. જેમ કે, દર્શિની દાદાવાલા રોજ એના સમ્બન્ધીઓને લઘુ રોજનીશી જેવું કંઈક ને કંઈક, પણ અંગ્રેજીમાં, અંગ્રેજીમાં જ, લખી મોકલે છે. કાલે એણે લખ્યું તેને ગુજરાતીમાં કહી બતાવું કે – મારું ઘર મારી સાથે સંતાકૂકડી રમે છે – હાઇડ ઍન્ડ સીક. કહે છે – હું મારા ઘરમાં પૂરેપૂરી રોપાઈ ગઈ છું – ઍબ્સોલ્યુટલિ પ્લાન્ટેડ. અને ઉમેરે છે કે – આ લૉકડાઉન પૂરો થતાં સુધીમાં હું એક વૃક્ષ થઈ જઉં તો નવાઈ નહીં!
સોશ્યલ મીડિયાના આ વિનિયોગને હું આવકારું છું. ભાવિ ગુજરાતી સાહિત્ય એ દિશાએ જ વિકસવાનું છે. મરણશૈયા પરનાં સામયિકો આજે હવે કૉમામાં છે. એમને આયુષ્ય ઈચ્છીએ. વિપુલ કલ્યાણી લન્ડનમાં રહ્યે રહ્યે એમના ‘ઓપિનયન’-માં બીજું તો ખરું જ પણ કોરાના-સમ્બન્ધિત તો ઘણું જ ઘણું ગુજરાતી લેખન સમ્પાદિત કરીને સમયસંદર્ભ જાળવે છે. પણ ‘નિરીક્ષક’ પાક્ષિક સૂચક મેકઓવર સાથે સ્પેશ્યલી હવે દૈનિક થઈ ગયું છે, ને સ-ચિત્ર પણ … મેં તો પ્રકાશભાઈને લખ્યું કે ‘નિરીક્ષક’-ના આ નવ અવતારને જ વળગી રહેજો …
મિત્રો ! આ મુશ્કેલ સમય દૂર દૂરથી એક જ સંદેશ આપી રહ્યો છે : મેક ઓવર ! જમાનાજૂની અપ્રામાણિક દુષ્ટ અને અન્યાયકર સભ્યતાને તિલાંજલિ આપો. એવી નિષ્પ્રાણ જીવનપ્રણાલિકાઓથી છૂટો ને નવા નક્કોર થઈ જીવો. એવા જાતયુદ્ધથી મળશે એ શાન્તિ જ લાક્ષણિક સ્વરૂપે સાચી હશે …
= = =
(April 25, 2020 : Ahmedabad)