મુઝકો તુમ જો મિલે યે જહાં મિલ ગયા
તુમ જો મેરે દિલ મેં હંસે દિલ કા કમલ દેખો ખિલ ગયા
યે ભીગતી હુઈ ફિઝા, બરસ રહી હૈ ચાંદની
તારોં ને મિલ કે છેડ દી, મધુર મિલન કી રાગિની
લે કે કરાર, આયા હૈ પ્યાર ક્યા હૈ અગર મેરા દિલ ગયા
જિસપે ચલ રહે હૈં હમ હૈ પ્યાર કા યે રાસ્તા
ચાંદ ઔર સિતારોં કા, બહાર કા યે રાસ્તા
લે કે કરાર, આયા હૈ પ્યાર ક્યા હૈ અગર મેરા દિલ ગયા
મેરે સુહાને ખ્વાબ સી તુમ મેરે સામને રહો
ઐસી હસીન રાત હૈ દિલ કહે સહર ન હો
લે કે કરાર, આયા હૈ પ્યાર ક્યા હૈ અગર મેરા દિલ ગયા
આ પહેલાના લેખમાં મેં લખેલું કે ગીતા દત્ત પાસે ‘અનુભવ’ ફિલ્મનાં ‘મુઝે જા ન કહો મેરી જાં’ અને ‘કોઈ ચૂપકે સે આ કે’ ગીત ગવડાવનાર સંગીતકાર કનુ રૉય ગીતા દત્તના ભાઈ હતા. સોરી, એ મારી ભૂલ હતી. ગીતા દત્તના ભાઇનું નામ કનુ રૉય નહીં, મુકુલ રૉય હતું. મુકુલ રૉય પણ સંગીતકાર હતા. એમણે ગીતા દત્ત પાસે કેટલાંક સુંદર ગીતો ગવડાવ્યાં હતાં, જેમાંના એક સદાબહાર ગીત ‘મુઝકો તુમ જો મિલે’ને આજે માણીશું. ગીતકાર હતા શૈલેન્દ્ર, ફિલ્મ હતી ‘ડિટેક્ટિવ’. એમાં ગીત દત્ત ઉપરાંત હેમંતકુમારનો કંઠ હતો.
‘આરાધના’ અને ‘અમર પ્રેમ’ જેવી ચિરસ્મરણીય ફિલ્મો આપનાર શક્તિ સામંતે શરૂઆત સસ્પેન્સ થ્રીલર્સથી કરી હતી. 1957માં એમણે ‘શક્તિ ફિલ્મ્સ’ની સ્થાપના કરી. પછીના વર્ષે એમની બે ફિલ્મો રિલિઝ થઈ, ‘ડિટેક્ટિવ’ અને ‘હાવડા બ્રિજ’. પહેલી ફ્લોપ, બીજી અત્યંત સફળ. ‘ડિટેક્ટિવ’માં આઠ ગીતો હતાં જેમાંથી પાંચ ગીત દત્તે ગાયાં હતાં. ફિલ્મ રજૂ થઈ ત્યારે ગીતા દત્ત માંડ અઠ્ઠાવીસ વર્ષની હતી. ‘મુઝકો તુમ જો મિલે’ શાંતિથી સાંભળીએ તો મુકુલ રોયની ધૂન પર હેમંતકુમારના કંઠની ગહનતા સાથે ગીતા દત્તના કંઠની મીઠાશનું જે મધુર સંયોજન રચાય છે તેનો ખ્યાલ આવે. આજે પણ આ ગીત તાજુંમાજું અને મસ્તમીઠું લાગે છે એનું કારણ એ ધૂન અને એ કંઠનું કામણ છે.
મુકુલ રૉય ગીતા દત્તના પ્રતિભાશાળી ભાઈ, સંગીતકાર અને પ્રોડ્યુસર. એમનો ઘોષ રૉય ચૌધરી પરિવાર બ્રિટિશ ભારતના બંગાળના ફરીદપુર જિલ્લાના એક ગામનો શ્રીમંત જમીનદાર પરિવાર હતો. આ સ્થળ હવે બાંગ્લાદેશમાં છે. 1942માં પરિવાર મુંબઈ આવ્યો ત્યારે ગીતા 12 વર્ષની અને મુકુલ 16 વર્ષના. દસ ભાઈબહેનોમાં આ બંને વચ્ચે અજબ નિકટતા અને મૈત્રી હતાં, જે છેક સુધી ટક્યાં.
ઉપલબ્ધ સ્રોતો અનુસાર મુકુલ રૉયે ત્રણ હિન્દી, બે બંગાળી અને એક ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. એમનું કામ જથ્થામાં ભલે ઓછું પણ ગુણવત્તામાં મોટું છે. એમના સંગીતમાં શાંત, પ્રવાહી, લાગણીનીતરતા બંગાળી સંગીતની સુગંધ છે. ‘ગીતા દત્ત – ધ સ્કાયલાર્ક’ પુસ્તક લખવા માટે હેમંતી બેનર્જીને મુકુલ રૉયે ઘણી મદદ કરી હતી. મુકુલ રૉયની હિન્દી ફિલ્મો છે ‘ભેદ’, ‘સૈલાબ’, અને ‘ડિટેક્ટિવ. ‘સૈલાબ’ના નિર્માતા ગીતા દત્ત અને મુકુલ રૉય બંને હતાં. ‘ડિટેક્ટિવ’ના ‘મુઝકો તુમ જો મિલે’ અને ‘સૈલાબ’ના ગીતા દત્તે ગાયેલા ‘હૈ યે દુનિયા કૌન સી’ સહિત મુકુલ રૉયનાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં હતાં.
પશ્ચિમી સંગીતમાંથી પ્રેરણા લેવી મુકુલ રોયને ગમતી. ‘ડિટેક્ટિવ’ના અન્ય ગીત ‘દો ચમકતી આંખો સે’ હેરી બેલફોન્ટના ‘જમૈકા ફેરવેલ’નું મજાનું એડેપ્ટેશન છે. મહંમદ રફીએ ગાયેલું ‘છોડીયે ગુસ્સા હુઝુર’નો ઉપાડ અને ઈન્ટરલ્યુડ પર જિમ રીવ્ઝના 19050ના ‘બિમ્બો’ની અસર હતી. મહંમદ રફી અને ગીતા દત્તે ગાયેલું ‘આ જા કર લે મુકાબલા’ સ્પેનિશ ‘રેડ બુલ’ પ્રેરિત હતું. મૂળ સ્પેનિશ મ્યુઝિક ભારતભરમાં ઘણું લોકપ્રિય થયું હતું કારણ કે બિનાકા ગીતમાલાની સિગ્નેચર ટ્યુનમાં એનો ઉપયોગ થયો હતો. ગમી ગયેલી ધૂનમાંથી પ્રેરણા લઈ પછી એને ભારતીય રંગ અને ઓપ આપવાની કલામાં મુકુલ રૉય માહેર હતા.
પછીથી તેઓ નાસિકમાં સ્થિર થયા હતા. ગીતા દત્ત અને ગુરુ દત્ત અલગ રહેવા લાગ્યા ત્યારે તેમણે મધ્યસ્થી તરીકે એમને ફરી મેળવવા પ્રયત્ન કર્યો હતો. ગીતા જ્યારે જિંદગીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી – એક તરફ અંગત જીવન ભાંગી પડ્યું હતું, બીજી તરફ આર્થિક તકલીફ હતી, ત્રીજી તરફ કામ મળતું ન હતું – ત્યારે મુકુલ રૉય એની પડખે જ હતા. એ સમયને યાદ કરતાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘દાંપત્ય તૂટ્યું એમાં ગીતાએ ખૂબ સહન કર્યું. જેની સાથે જોડાઈ તેનાથી અલગ થઈ, વ્યાવસાયિક રીતે ફરી શરૂઆત કરવા પ્રયત્ન કર્યો તો એમાં સફળ ન થઈ. બાળકોને સંભાળવાનાં હતાં. તે એટલી સંવેદનશીલ હતી કે આટલી બધી માનસિક તાણ સહન કરી શકતી ન હતી. મારો પ્રયત્ન કોઈક રીતે સમાધાન કરાવવાનો હતો. ગીતા અને ગુરુ બંને કદાચ પાછા જોડાત. એમની મળવાની તારીખ પણ નક્કી થઈ હતી. પણ મુલાકાત થાય એ પહેલા જ એક રાતે ગુરુ દત્તે ઊંઘની ગોળીઓ લીધી, સારો એવો શરાબ પણ પીધો અને સવારે ઊઠ્યો નહીં. ગીતાને એવો નર્વસ બ્રેકડાઉન થયો કે છ-સાત મહિના એ પોતાનાં બાળકોને પણ ઓળખી શકતી નહીં. ગુરુ દત્તે એના પરિવાર માટે કોઈ આર્થિક જોગવાઈ કરી ન હતી.’
1964માં ગુરુ દત્ત ગયા, 1972માં ગીતા દત્તે વિદાય લીધી. ત્યાર પછી મુકુલ રૉયે બાળકોનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. દત્ત દંપતીનાં ત્રણ સંતાનોમાંનાં બે દીકરાઓમાંના એકે 35 વર્ષની ઉંમરે અને બીજાએ 54 વર્ષની ઉંમરે વિદાય લીધી. દીકરી નીના હયાત છે, તેમની ઉંમર 62 વર્ષની છે.
‘સૈલાબ’ના દિગ્દર્શક ગુરુ દત્ત હતા. નિર્માતા અને સંગીતકાર મુકુલ રૉય. દસમાંથી આઠ ગીત ગીત દત્તે ગાયાં હતા. ‘ડિટેક્ટિવ’ના આઠમાંથી પાંચ ગીત ગીતા દત્તે ગાયાં હતા. એક ખૂનીને પકડવા કલકત્તા આવેલા પોલીસ અધિકારી લૂન પેની હત્યા થાય છે. મરતા પહેલા સ્ટીમરમાં મળેલી મા શીન (માલા સિંહા) નામની યુવતીને તે એક રિપોર્ટ સોંપે છે. મુસાફરોમાં રાજા (પ્રદીપ કુમાર) પણ છે. મા શીન અને રાજા એકબીજાને ચાહવા લાગે છે, પણ લૂન પેની હત્યા કરનાર ગેંગ હવે મા શીન પાછળ પડી છે. રોમાન્સ, સંગીત અને સસ્પેન્સનું ત્યારની ઘણી ફિલ્મોમાં જોવા મળતું સુંદર મિશ્રણ ‘ડિટેક્ટિવ’માં પણ છે. ફિલ્મમાં જોની વોકર અને બાળકલાકાર ડેઈઝી ઈરાનીની પણ મજાની ભૂમિકાઓ છે.
ગીતકાર તરીકે શૈલેન્દ્રએ મુકુલ રૉય સાથે બે ફિલ્મો કરી, ‘સૈલાબ’ અને ‘ડિટેક્ટિવ’. ‘ભેદ’નાં ગીતો મધુકર રાજસ્થાનીએ લખ્યાં હતાં. એ એમની પહેલી ફિલ્મ હતી. ‘સૈલાબ’માં બીજા બે ગીતકાર પણ હતા, હસરત જયપુરી અને મજરુહ સુલતાનપુરી. આ ત્રણ દિગ્ગજોએ સાથે કામ કર્યું હોય એવી બીજી ફિલ્મ ભાગ્યે જ કોઈ હશે. ‘સૈલાબ’નું ગીત દત્તે ગાયેલું ‘યે રુત યે રાત જવાં’ શૈલેન્દ્રનું લખેલું હતું. શૈલેન્દ્રએ ગીતા દત્ત (અને મહંમદ રફી, ફિલ્મ ‘કાલા બાઝાર’) માટે લખેલા ગીતની પંક્તિઓ યાદ આવે છે, ‘જબ મિલતે હો તુમ ક્યોં છિડતે હૈં દિલ કે તાર, મિલને કો તુમસે મૈં ક્યોં થા બેકરાર, રહ જાતી હૈ ક્યોં હોઠોં પે આ કે દિલ કી બાત..’ કેટલાક ‘ક્યોં’ના જવાબ હોય છે અને નથી હોતા – પણ પ્રશ્નો થવાનું કારણ ગીતમાં જ છે – ‘રિમઝિમ કે તરાને લે કે આઈ બરસાત’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 20 જૂન 2025