ભારતમાં પુલોનાં નિર્માણમાં બેદરકારી રાખવામાં આવે છે તે વાત નવી નથી. એમાં ખૂબ ભ્રષ્ટાચાર થતો હોય છે તે વાત પણ નવી નથી. દરેક સરકારે આ બાબતમાં ઉદાસીનતા સેવી છે (અથવા તેમની મિલીભગત છે) તે પણ એટલી જ જાણીતી વાત છે. મોરબીના ઝૂલતા પુલની હોનારત, આપણી સિસ્ટમની ખામીનું પરિણામ છે. જે દેશમાં માણસના જીવનની કિંમત ન હોય, જ્યાં દંગાઓ કે દુર્ઘટનાઓમાં માણસોનું મરી જવું કર્મોનું ફળ કે ઈશ્વર-ઈચ્છા ગણાતું હોય, ત્યાં સિસ્ટમ નબળી અને ભ્રષ્ટ હોય તેમાં નવાઈ નથી.
દરેક દુર્ઘટનામાં બને છે તેમ, મોરબીની ઘટનામાં પણ છીંડે ચઢ્યો તેને ચોર માનીને ‘ન્યાય’ તોળી લીધાનો સંતોષ લઇ લેવામાં આવશે, પરંતુ આ હોનારત દેશમાં કેવું પોલંપોલ ચાલે છે તેની લેટેસ્ટ સાબિતી છે, અને એ છેલ્લી પણ નહીં હોય.
ભારતમાં, 1977થી 2017 સુધીના સમયગાળામાં 2,130 પુલો તૂટી પડ્યાની ઘટનાઓ બની છે. એમાં ગરનાળાં કે ફૂટબ્રિજની તો વાત જ નથી. આ બધા પુલો કાં તો તેના નિર્ધારિત ઉદેશ્યમાં નિષ્ફળ ગયા છે અથવા નિર્માણની વિવિધ અવસ્થાઓમાં તૂટી પડ્યા છે. દેશની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ સાયન્ટીસ્ટ ડો. રાજીવ ગર્ગનો અભ્યાસ કહે છે કે દેશમાં પુલ તૂટી પડવાનાં મુખ્ય કારણોમાં પ્રાકૃતિક દુર્ઘટના (80 ટકા), પૂર (50 ટકા), ધરતીકંપ (26 ટકા), ઘસારો (10 ટકા), વધુ પડતો ભાર (4 ટકા), ડિઝાઈન (4 ટકા) અને માનવીય ભૂલ (3 ટકા) છે. ડો. ગર્ગ નોંધે છે કે ભારતમાં પુલ નિષ્ફળ જવાની સરેરાસ ઉંમર 34.5 વર્ષની છે, જે ઘણી ઓછી કહેવાય. અમેરિકામાં એ ઉંમર 52 વર્ષની છે. વિડંબના એ છે કે આટલા મોટા દેશમાં આ પ્રકારનો અભ્યાસ એક માત્ર ડો. રાજીવ ગર્ગના નામે જ બોલે છે.
છેલ્લા ચાર દાયકામાં બનેલી પુલ તુટવાની ઘટનામાં કુલ કેટલાં લોકોનાં મોત થયાં તેના પણ કોઈ અધિકૃત આંકડા નથી, પરંતુ મીડિયાના અહેવાલોને આધાર માનીએ, તો છેલ્લા બે દાયકા(2001થી 2019)માં નાના-મોટા પુલ તુટવાથી કુલ 460 લોકોનાં મોત થયાં છે. તેમાં આ મોરબીનો આંકડો (135) ઉમેરીએ તો તે સંખ્યા 595 થાય છે. આ બધી ઘટનાઓમાં અલગ-અલગ કારણો હતાં, પણ એમાં એક સામ્યતા પુલોની કમજોરીની હતી. જૂનાં પુલો તૂટે એ તો સમજમાં આવે, પણ નવા કે નિર્માણાધીન પુલો તૂટે તેમાં માનવીય બેદરકારી જ કારણભૂત હોય, અને તેનું એક માત્ર કારણ ભ્રષ્ટાચાર જ હોય.
એવું નથી કે આ કોઈને ખબર નથી, પણ કોઈ બોલતું નથી અથવા બોલે છે તો સિલેક્ટીવ બોલે છે. યાદ છે, 2016માં કોલકત્તામાં ફ્લાયઓવર તૂટી પડ્યો અને તેમાં 27 લોકોનાં મોત થયાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું? તેમણે મમતા બેનરજીની સરકારને નિશાન બનાવતાં કહ્યું હતું કે, “આ દૈવી કૃત્ય એટલા માટે છે કે આ હોનારત ચૂંટણી ટાણે ઘટી છે, જેથી લોકોને એ ખબર પડે કે તેમની પર કેવી સરકારનું શાસન છે. ઈશ્વરે એ સંદેશો આપ્યો છે કે આજે આ પુલ પડ્યો છે, કાલે તે પૂરા બંગાળને ખતમ કરી દેશે. તમારા માટે ઈશ્વરનો સંદેશો બંગાળને બચાવાનો છે.” આ હોનારત એક્ટ ઓફ ગોડ નહીં, એક્ટ ઓફ ફ્રોડ છે, એમ વડા પ્રધાને કહ્યું હતું.
જે સામાન્ય માણસને ખબર છે તે વડા પ્રધાનને પણ ખબર છે; પુલોના નિર્માણમાં ભ્રષ્ટાચાર થાય છે. બસ, એના વિશે કશું થતું નથી. થાય છે તો ખાલી ભાષણબાજી. આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તેટલા પૂરતા એક્શન લેવાય છે, પણ સમાચારોની શ્યાહી સુકાઈ જાય, પછી બધું રાબેતા મુજબ થઇ જાય છે. ગમે તેની સરકાર હોય, ભારતમાં અમુક બાબતો ક્યારે ય બદલાતી નથી, તેનું કારણ એ છે કે આપણે બદલાવનો દેખાડો કરીએ છીએ પણ પાયામાં આપણને માનવ જીવની કિંમત નથી.
પશ્ચિમના દેશો આટલો વિકાસ કરી શક્યા છે, તેનું કારણ ઈશ્વરની મહેરબાની નથી. તેનું કારણ ત્યાં માનવીય જીવનનું ઘણું મૂલ્ય છે. સ્વાસ્થ્ય હોય કે શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ન્યાયિક વ્યવસ્થા, ત્યાં દરેક સિસ્ટમના હૈયે પ્રત્યેક જીવનું મહત્ત્વ છે. એવું નથી કે ત્યાં ભ્રષ્ટાચાર નથી થતો. થાય છે અને ઘણો મોટો થાય છે, પરંતુ એ આમ લોકોના જીવના ભોગે નથી થતો. નાગરિકોના જાન-માલની રક્ષા ત્યાંની સરકારો માટે પહેલી પ્રાથમિકતા હોય છે અને લોકો સરકાર પાસે તેનો જવાબ માગી શકે છે. માત્ર ભારત જેવા થર્ડ વર્લ્ડના દેશોમાં જ ભયાનકમાં ભયાનક દુર્ઘટનાઓમાં સરકારોના પેટનું પાણી નથી હાલતું.
ભારતમાં રોડ-રસ્તા અને પુલનું નિર્માણ દરેક સ્તરે દૂઝણી ગાય જેવું છે. એકદમ પાયાની કહેવાય તેવી આ જરૂરિયાતોમાં પણ છ પ્રકારના લોકો તેમનાં નાણાંકીય હિતો સાધતા હોય છે; રાજકારણીઓ, બાંધકામ વિભાગ, પ્રોજેક્ટના ઈજનેરો, રોડ જ્યાં બંધાતો હોય ત્યાંના સ્થાનિક લોકો, બાંધકામ કરનારી કંપની અને તેના કર્મચારીઓ.
આપણાં શહેરમાં આપણે રોડની જે દશા જોઈએ છીએ તેના માટે આ છ લોકો જવાબદાર છે, કારણ કે રોડ બનાવવાના વિચારથી શરૂ કરીને તેને પૂરો કરવાની પ્રક્રિયા સુધી અલગ-અલગ સ્તરે સંડોવાયેલા લોકો આ કામને “માથાનો દુઃખાવો” ગણે છે અને “ગમે-તેમ” કરીને તે પતે અને જાન છૂટે તેની રાહ જોતા હોય છે. ઉપરથી નીચે સુધીની આવી માનસિકતામાં આપણને, સારો કે ખરાબ, રોડ કે પુલ મળે છે તે જ એક મોટો ચમત્કાર છે.
ગયા એપ્રિલ મહિનામાં બિહારમાં ગંગા પરનો નિર્માણાધીન પુલ તૂટી પડ્યો ત્યારે રોડ પરિવાન અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “આપણી પાસે એવી વ્યવસ્થા નથી જે પુલની આયુમર્યાદા કે ટકાઉપણું નક્કી કરી શકે. આપણે અત્યાર સુધી આ ક્ષમતા હાંસલ કરી શક્યા નથી.” આ બતાવે છે કે આટલાં વર્ષોમાં આપણે કેટલું દુર્લક્ષ્ય સેવ્યું છે અને કેવી રીતે બેજવાબદાર સિસ્ટમ પેદા થઇ છે. બિહારની એ જ હોનારત બાબતે ગડકરીએ તેમના સચિવને પૂછ્યું, તો બાબુએ જવાબ આપ્યો હતો કે જોરથી પવન અને ઘેરું ધુમ્મસ આવ્યું એટલે પુલ તૂટી ગયો. મંત્રીજીએ બાબુને કહ્યું હતું, “તમે આઈ.એસ.એસ. ઓફિસર છો છતાં આવી વાતો કરો છો? પવનથી પુલ તૂટતો હોય?”
ખાટલે મોટી ખોડ એ છે કે રોડ-રસ્તા અને પુલમાં રાજકારણીઓના જ રસ અને હેતુ વધુ હોય છે એટલે તેમાં પ્રોફેશનલ ક્ષમતા વિકસી શકી નથી. પશ્ચિમમાં તમે રાજકારણીઓને પુલોના ઉદ્ઘાટન કરતાં જોયા છે?
2018માં, વારાણસીમાં એક ફ્લાયઓવર તૂટી પડ્યો તેમાં 18 લોકોનાં મોત થયાં હતાં. તે વખતે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે યુ.પી. સ્ટેટ બ્રિજ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેનેજીંગ ડિરેકટર રાજન મિત્તલ સહિત છ લોકો સામે પગલાં ભરવાનો આદેશ કર્યો હતો. 2016માં, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પી.ડબલ્યુ.ડી. વિભાગનો હવાલો સંભાળ્યો હતો, ત્યારે તેમણે આ જ મિત્તલને પાણીચું પકડાવી દીધું હતું. કેમ? કારણ કે તેઓ અખિલેશના કાકા અને વિરોધી શિવપાલ યાદવના ‘ખાસ’ મનાતા હતા. શિવપાલને પણ ત્યારે મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. 2017માં, ભા.જ.પ. સત્તામાં આવ્યો, ત્યારે મિત્તલની એમ.ડી. તરીકે વાપસી થઇ હતી. આ વખતે તેઓ પી.ડબ્લ્યુ.ડી. મંત્રી અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના ‘ખાસ’ હતા.
મોરબી હોનારતમાં જે નીચલા સ્તરના લોકોને પકડવામાં આવ્યાં હતા, તેમાં આ બ્રિજનું સંચાલન કરતી ‘ઓરોવા’ કંપનીના એક મનેજરે સ્થાનિક કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે કંપનીએ તો ખૂબ કામ કર્યું હતું, પણ આ દુર્ઘટના ઈશ્વરની ઈચ્છા હશે એટલે બની હશે.
વધતા ઓછા અંશે, દેશનાં તમામ પાટનગરોમાં આવી જ રીતે ‘ઈશ્વર’ની ઈચ્છાઓ પ્રમાણે થાય છે. આને જ ભગવાનના ભરોસે જીવવાનું કહે છે.
લાસ્ટ લાઈન :
“સત્તા માણસને ભ્રષ્ટ નથી બનાવતી; મૂર્ખાઓ જ્યારે સત્તામાં આવે ત્યારે સત્તા ભ્રષ્ટ થાય છે.”
— જ્યોર્જ બર્નાડ શો, ઇંગ્લિશ નાટ્યકાર
પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 06 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર