
રવીન્દ્ર પારેખ
રાજકીય પક્ષોનું લક્ષ્ય હવે ચૂંટણી જીતીને સત્તા મેળવવાનું અને સત્તામાં ટકી રહેવાનું હોય છે ને એને માટે જે કરવું પડે તે સંકોચ વગર કરતા હોય છે. કારણ કે પ્રજાના મતો પક્ષોને સત્તામાં લાવે છે અથવા સત્તામાંથી દૂર કરે છે, એટલે પ્રજા ચૂંટણી વખતે યાદ આવતી હોય છે ને પછી પ્રજા યાદ કરે છે અથવા તો યાદ અપાવે છે. એ ઉપરાંત પક્ષોની અંદરોઅંદર સ્પર્ધા ચાલતી રહે છે ને અમુકને પછાડીને આગળ કેવી રીતે અવાય કે વિપક્ષો સાથે પરસ્પર વિરોધી વિધાનો દ્વારા સર્વોપરિતા કેવી રીતે સિદ્ધ થઇ શકે, એમાં જ સમય જતો હોય છે ને વચ્ચે વચ્ચે પ્રજાનું સ્મરણ થાય કે મરણ થાય તો થોડાં કામો વિકાસને નામે થતાં હોય છે.
પ્રજા પણ ચૂંટણી આવે ત્યારે હરખાતી કે હડકાતી રહે છે ને કયો પક્ષ કેવી કેવી લહાણીઓ કરે છે, તે લાળ ટપકાવતી જોઈ રહે છે. પક્ષો પણ જાણે છે કે પ્રજાને ટુકડા ફેંકીશું તો જ એ મત ઢીલા કરશે. આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી છે એટલે લાલુપ્રસાદ, શરદ યાદવ અને નીતીશકુમાર ચૂંટણી મામલે જે પાણીએ મગ ચડે તે ચડાવવામાં વ્યસ્ત છે. તેમાં નીતીશકુમારે સત્તામાં ટકી રહેવા અને ફરી મુખ્ય મંત્રી બનવા કમર કસી છે. ચૂંટણીમાં વીજળી મફત-નો કીમિયો કામ કરી જાય છે, તેવું નીતીશકુમારે અન્ય રાજ્યોની ચૂંટણીમાં જોયું છે, એટલે તેમણે 125 યુનિટ વીજળી મફત આપવાનું એલાન કર્યું છે. નીતીશકુમારનું એવું છે કે એ વાયદામાં નહીં, પણ તરત દાન મહાપુણ્યમાં માને છે, એટલે 1 ઓગસ્ટ, 2025થી જ 125 યુનિટ મફત વીજળીની લહાણી તેમણે કરી છે.
આ નુસખો દિલ્હીની ચૂંટણી જીતવામાં આપ પાર્ટીના સર્વેસર્વાં અરવિંદ કેજરીવાલને કામ લાગ્યો, તે પછી ઘણાં રાજ્યોમાં મફત વીજળીનો નુસખો સફળ રહ્યો છે. પાવર આપીને પાવર હાંસલ કરવામાં કેજરીવાલને દિલ્હીની ગાદી 2015 અને 2020માં મળી. વીજળીના એ જ ટુકડા આમ આદમી પાર્ટીએ ઉત્તરાખંડ, ગોવા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં પણ ફેંક્યા. પંજાબમાં તો એ જ વીજળીએ આપને સત્તાનું મોઢું દેખાડ્યું છે. એ જ વેપલો કાઁગ્રેસે કર્ણાટકમાં કર્યો ને સત્તા મેળવી. ગમ્મતની વાત એ છે કે એક તરફ વીજળીની તીવ્ર અછત છે ને બીજી તરફ રાજ્યોને મફત વીજળીની લહાણી કરવાનું પરવડે છે. મફત વીજળીએ અનેક પ્રશ્નો સર્જ્યા છે, પણ કોઈ પક્ષ મફત વીજળી સિવાયનું વિચારવા બહુ તૈયાર નથી. તે એટલે કે સત્તા મેળવી આપવામાં તે મદદરૂપ થાય છે.
દેખીતું છે કે નીતીશકુમાર એનો લાભ લેવાનું ન ચૂકે. એમણે પહેલી વખત બધી શ્રેણીના ઘરેલું વીજ ઉપભોક્તાઓ માટે મફત વીજળી આપવાનો નિર્ણય લીધો છે. આનો લાભ 1.67 કરોડ પરિવારોને મળશે. એમની સંમતિથી એમની છતો પર કે સાર્વજનિક સ્થળો પર સૌર ઊર્જા તંત્ર ઊભું કરી તેનો લાભ આપવાની વાત પણ છે. આ વ્યવસ્થાનો ખર્ચ નિર્ધન પરિવારો માટે સરકાર ઉઠાવશે, એટલું જ નહીં, અન્ય વર્ગોને પણ સરકાર સહાય કરવાની કોશિશ કરશે. એ પણ છે કે એક તરફ મફત વીજળી આપવાની યોજના આવી છે, તો બીજી તરફ બિહારમાં સબસીડીનો ખર્ચ વધી રહ્યો છે. વિત્તીય વર્ષ 2025-‘26નો સબસીડીનો ખર્ચ 32,718.31 કરોડથી વધીને 35,819.11 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. કમાલ એ છે કે આજ નીતીશકુમારે મફત વીજળી આપવાનો ભરસક વિરોધ કરેલો ને એમણે જ એ યોજના લાગુ કરી છે. આમે ય જીભને હાડકું હોતું નથી એટલે લવારા કરવાની યોજના કોઈ પણ લાગુ કરી શકે છે. આ જ 10 જુલાઈએ બિહારી મુખ્ય મંત્રીએ સામાજિક સુરક્ષા પેન્શન વધારવાની વાત પણ કરી છે. કેવળ રાજ્યની મહિલાઓને જ સરકારી નોકરીમાં અનામત આપવાના નિર્ણયની અસર પણ વોટ બેંક પર પડશે એવું લાગે છે.
બિહાર સરકારે નક્કી કર્યું છે કે 2025થી 2030 સુધીમાં એક કરોડ નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. એમ થતાં રાજ્યના યુવાનોને આર્થિક સદ્ધરતા મળશે, ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રાજ્યમાં રોકાણની તકો વધશે. ચૂંટણી વર્ષમાં બિહાર સરકાર 8 હજારથી વધુ પંચાયતોમાં લગ્ન મંડપ બનાવશે. એને માટે સરકારે 40 અબજથી વધુ રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત બિહારના યુવાનો માટે 686 કરોડ ખર્ચવાની વાત પણ છે. 18થી 28 વર્ષના લાખેક યુવાનોને ઇન્ટર્નશિપ માટે 4થી 6 હજાર આપવાનું બિહાર સરકારનું કમિટમેન્ટ છે. વળી ‘દીદી કી રસોઈ’ યોજનામાં થાળી 40ને બદલે હવે 20 રૂપિયામાં આપવાની વાત છે. નવી એ.સી. બસ ખરીદવા સરકાર ૨૦ લાખ આપવાની વાત કરે છે ને તેને માટે સરકારે 150 બસો ખરીદવા માટે 30.60 કરોડ જુદા ફાળવ્યા છે. નીતીશ કેબિનેટે લોકકલાઓને બચાવવા ગુરુને માસિક 15,000, સંગીતકારને 7.500 અને શિષ્યને 3.000 આપવાનું ઠરાવ્યું છે. દિવ્યાંગો માટે સિવિલ સર્વિસ પ્રોત્સાહન યોજના નામની નવી યોજના શરૂ કરાઈ છે, જેમાં BPSC અથવા UPSCની મુખ્ય પરીક્ષાની તૈયારી માટે 50 હજાર અને ઈન્ટરવ્યૂની તૈયારી માટે 1 લાખ આપવાનું ઠરાવાયું છે.
લગભગ 15 વર્ષ સુધી મુખ્ય મંત્રી રહી ચૂકેલા નીતીશકુમાર જીતવા માટે કોઈ પણ ખેલ ખેલવામાં ઉસ્તાદ છે, તે સાથે જ પ્રજાની નાડ પારખવામાં પણ માહેર છે. એ ગઠબંધન કરી શકે તો ઠગબંધન કરવામાં પણ સંકોચ ન રાખે. રંગ બદલવાનું કાચિંડો એમની પાસેથી શીખતો હોય તો નવાઈ નહીં ! નીતીશકુમારે મહિલા મતોનો મહિમા એવે વખતે કર્યો છે, જયારે મહિલાઓના મતનું ઝાઝું મૂલ્ય ન હતું. તેમાં ઉમેરો એ થયો છે કે બિહારની મૂળ મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત લાગુ કરાઈ છે. આમ તો બિહારમાં મહિલાઓ માટે અનામત છે જ, પણ જે નોકરી મહિલાને અપાતી તે બિહારની જ હોય એ નક્કી ન હતું, એટલે વધારાની બીજી 35 ટકા અનામત માત્ર બિહારની જ મહિલાઓને નોકરી મળે એ માટે લાગુ કરાઈ છે. દેખીતું છે કે બિહારની મહિલા મતદાતાઓ આવો લાભ આપનારને મત આપવાનું વિચારે જ ! આ જોઇને રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે કહ્યું કે પોતે સત્તા પર આવશે તો 100 ટકા ડોમિસાઈલ લાગુ કરશે. કોઈ 200 ટકા જાહેર કરે તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ. આ રાજકારણ છે ને પાછું ચૂંટણીનું છે, એટલે એમાં કંઇ પણ થઇ શકે.
મહિલાઓને સરકારી નોકરી બિહારમાં જ આપવાની વાત ભલે થાય, પણ એવું બીજા રાજ્યો પણ ઠરાવે તો બિહારીઓને કામ ન મળે એમ બને. એ અંગે નીતીશકુમારે કે તેજસ્વી યાદવે કોઈ યોજના બનાવી છે કે આ ખાલી ચૂંટણી જીતવાનો સ્ટંટ માત્ર છે? નીતીશકુમાર પોતે વાતે વાતે U-TURN લેવા માટે પંકાયેલા છે. તેમણે જ વિજ્ઞાનના યોગ્ય શિક્ષકો ન મળતા અગાઉ ડોમિસાઈલ સ્કિમ રદ પણ કરી હતી.
સાચું તો એ છે કે બંધારણ ડોમિસાઈલ પોલિસીનું સમર્થન નથી કરતું. બંધારણ દરેકને જાતિ, લિંગભેદ, ધર્મ, સંપ્રદાય વગર ભારતમાં ગમે ત્યાં રોજગાર મેળવવાનો અધિકાર આપતું હોય, તો ડોમિસાઈલ પોલિસી એ અધિકારને સીમિત કરે છે, એવું નહીં? ડોમિસાઈલ એક મર્યાદા સુધી ઠીક છે, પણ તે આડેધડ કોઈ રાજ્ય લાગુ કરે ને તેવું બધાં રાજ્યો કરવા માંડે તો કોઈ નાગરિક અન્ય રાજ્યમાં બંધારણીય અધિકાર ગુમાવે એમ બને, તો એ ઈચ્છવા જેવું ખરું? ભવિષ્યમાં આસામમાં આસામી, મહારાષ્ટ્રમાં મરાઠી, ગુજરાતમાં ગુજરાતી, બંગાળમાં બંગાળી જ નોકરી કરે એ સ્થિતિ દેશહિતમાં હોય એવું લાગે છે?
વારુ, આ બધું ખરેખર અમલમાં આવે તો રાજ્યનું ને દેશનું કલ્યાણ થઇ જાય, પણ એવું કલ્યાણ આજ સુધી તો થયું નથી. ચૂંટણીમાં નીતીશકુમાર હારી જાય તો કંઇ નહાવા નીચોવવાનું ન રહે, પણ જીતી જાય, જેના ચાન્સ વધારે છે, તો મતદારો આ બધી યોજનાઓના અમલ અંગે ક્યારે ય પૂછશે ખરા? આમાંની ઘણી યોજના રદ્દ થાય કે નામ પૂરતી અમલમાં આવે તો નીતીશકુમારને પડકારવાનું ભાગ્યે જ બને. અગાઉ મહિલાઓને દર મહિને સ્પર્ધામાં 1,000થી 2,500 ફાળવવાની જાહેરાતો રાજ્ય સરકારોએ ચૂંટણી પહેલાં કરેલી, પણ ચૂંટણી જીત્યા પછી દિલ્હી, મહારાષ્ટ્ર સરકારે લાચારી વ્યક્ત કરતાં સહાયની રકમમાં કાપ મૂકેલો. એવું નીતીશ સરકાર ચૂંટણી જીતે તો ન જ કરે એમ માનવાને કોઈ કારણ નથી.
વધારે આઘાતજનક તો એ છે કે પ્રજાને સ્વમાન કે ગૌરવ જેવું ન હોય તેમ તે સહાયની ભીખ લઈને મતદાન કરે છે. કમ સે કમ રાજકીય પક્ષો તો એમ જ માને છે કે થોડા ટુકડા ફેંકો તો પ્રજા પૂંછડી પટપટાવતી મત પોતાની તરફેણમાં નાખી જશે. એવું ન હોય તો આ રાજકીય પક્ષો ચૂંટણી વખતે જ લહાણી કરવા કેમ નીકળે છે? એ તો નીકળે, પણ પ્રજા તેમના ઈરાદાઓ ન પારખવા જેવી મૂરખ ન થઇ શકે. આ એ જ પ્રજા છે, જેણે દાયકાઓનાં શાસનો બદલ્યાં છે. તે મૂરખ બનતી હોય એવું લાગે તો પણ તે સત્તાને મૂરખ બનાવી શકે છે, એ કોઈ પણ રાજકીય પક્ષોએ ભૂલવા જેવું નથી –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જુલાઈ 2025