[1]
નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ 25 ડિસેમ્બર 2024ના રોજ, ગુજરાતની કથળેલી કાયદો વ્યવસ્થા / મહિલાઓની અસુરક્ષા અંગે મારો ઈન્ટરવ્યૂ લીધેલો; તેના મહત્ત્વના મુદ્દાઓ:
સવાલ : ગુજરાતની 10 વર્ષની બાળકી પર રેપ કરી, ગુપ્તાંગમાં સળિયો નાખી તેની હત્યા કરવામાં આવી. અને બીજી ઘટનામાં એક વૃદ્ધા પર બળાત્કાર થાય છે. શાળાનો શિક્ષક બાળા પર રેપ કરી હત્યા કરે છે. આવી બીજી ઘટનાઓ પણ બની છે. કોલકાત્તામાં રેપ-મર્ડર થાય તો ગુજરાતના મુખ્ય મંત્રી ધરણા પ્રદર્શન કરે છે, પણ ગુજરાતમાં જ બનેલી આ બન્ને શરમજનક ઘટના અંગે મુખ્ય મંત્રી ચૂપ છે ! આપ શું કહો છો?
જવાબ : છેલ્લી બે ઘટનાઓ બની તે વધુ ગંભીર છે, કેમ કે નાની બાળા પર આ જ આરોપીએ એક મહિના અગાઉ બળાત્કાર કર્યો હતો. બીજી ઘટનામાં વૃદ્ધા પર યુવાને બળાત્કાર કરી જેલમાં ગયેલ આરોપી જામીન પર છૂટીને ફરી વખત વૃદ્ધા પર બળાત્કાર કર્યો. બન્ને આરોપીઓએ રીપીટ ક્રાઈમ કર્યું છે. સરકાર આ બાબતે ચિંતિત હોવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં રેપ-મર્ડરની ઘટના બની ત્યારે ગુજરાતમાં સત્તાપક્ષે ગોકીરો બોલાવ્યો હતો. પરંતુ આ બન્ને ઘટનાઓ બન્યા બાદ નાગરિકોને / વિક્ટિમ પરિવારને સંતોષ થાય તે પ્રકારનું કોઈ નિવેદન સત્તાપક્ષના કોઈ નેતાએ આપ્યું નથી. આ બાબત ગંભીર છે. આનો અર્થ એ છે કે સરકારને નાગરિકો પ્રત્યે નિસબત હોવી જોઈએ તે દેખાતી નથી. એક મહિના પહેલા બાળા પર રેપ થયો તેની ફરિયાદ પોલીસે કેમ લીધી નહીં? અથવા વિક્ટિમ પરિવાર બળાત્કાર જેવી ગંભીર ગુનાની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશને જતાં કેમ અચકાય છે? તેની તપાસ કરવી જોઈએ. બીજા કેસમાં કોર્ટે આરોપીને જામીન પર છોડ્યો અને એ આરોપી ફરી વખત વૃદ્ધા પર રેપ કરે છે. આ અત્યંત પાશવી કૃત્ય છે. આવા કૃત્યો બાબતે સરકાર ચિંતિત હોવી જ જોઈએ. સરકાર અને પોલીસ વિભાગે મનોમંથન કરી, ગંભીર ગુનાની ફરિયાદ નોંધાય તેવો માહોલ અને તેવો નાગરિકોને વિશ્વાસ અપાવવો જોઈએ, પણ હાલના તબક્કે આવું જોવા મળતું નથી.

રમેશ સવાણી અને તુષાર બસિયા
સવાલ : સરકાર કહે છે કે અમે કોઈને છોડીશું નહીં ! અમે તાત્કાલીક ન્યાય અપાવીશું. તમે પોલીસ વિભાગમાં ફરજ બજાવી છે. હજુ કાર્યવાહીમાં શું ઘટે છે?
જવાબ : પ્રથમ તો આજે પોલીસ, પોલીસ નથી રહી; વેઠિયા મજૂર જેવી બનાવી દીધી છે. પોલીસ પોતાનાં મુખ્ય કામો કરી શકતી નથી. એક તરફ જગ્યાઓ ખાલી છે, બીજી તરફ VIP બંદોબસ્તના નામે 4-5 દિવસ તેને રોકી રાખવામાં આવે છે. પોલીસ નેતાઓની સુરક્ષામાં જ રોકાયેલી હોય છે. નાગરિકોની સુરક્ષા એમના માટે મહત્ત્વની રહી નથી. પોલીસ પાસે ગુનાની વિઝિટ કરવાનો સમય નથી. પોલીસ નથી સરખું વિલેજ વિઝિટેશન કરતી. સ્થળ પર લખવાનો ક્રાઈમ મેમો ઓફિસમાં બેસીને રાઈટર લખે છે. એક ઉદાહરણ આપું. એટ્રોસિટી એક્ટમાં બળાત્કાર / હત્યા / મિલકતને આંગ ચાંપવી વગેરે ગુનાઓ બને ત્યારે જિલ્લા SP તથા કલેક્ટરે ગુનાની વિઝિટ કરવાની હોય છે. પરંતુ આવા ગંભીર ગુનાઓમાં SP / કલેક્ટર સ્થળ વિઝિટ કરતા નથી કે સ્થળ વિઝિટ દરમિયાન નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે તે કરાવતા નથી. વંચિતો / દલિતો / આદિવાસીઓને વિશ્વાસ અપાવવા જે એક્ટ બન્યો છે તેનું પાલન બરાબર થતું નથી. એટલે એમને સંતોષ નથી. કાયદામાં જે જોગવાઈઓ કરી છે તેનો અમલ પણ કરતા નથી.
સવાલ : તો રાજ્યની કથળેલી હાલત માટે બ્યુરોક્રસી જવાબદાર છે?
જવાબ : તેના માટે બ્યુરોક્રસી તથા રાજકીય નેતાઓ જવાબદાર છે. રાજ્યના વડાએ વિચારવું જોઈએ કે પોલીસ ફોર્સ બંદોબસ્તમાં રોકાઈ રહે છે, તો એ બીજું કામ શું કરે? એ નાગરિકોની સુરક્ષા કરશે? પેટ્રોલીંગ કરશે? નાઈટ કરશે? રેકર્ડ વ્યવસ્થિત રાખશે? એ સરખું ચાર્જશીટ કરશે? વિટનેસના નિવેદનો વ્યવસ્થિત લેશે? આમાંનું કશું થતું નથી ! બધું કામ રાઈટરો કરે છે. રાઈટર લખે તે SP / પોલીસ કમિશનર તથા જજ વાંચે છે. આ હાલત છે.
સવાલ : હમણાં રાજકોટમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ કહ્યું હતું કે રાજ્યના 6,800 ક્રિમિનલ પર ચાંપતી નજર રાખવા 6,800 પોલીસને રોક્યા છે. ગુનાઓ ખૂબ ઘટ્યા છે. પરંતુ પરિસ્થિતિ જુદી છે. તમે શું કહો છો?
જવાબ : પોલીસ વડાની વાત ખોટી છે તેમ બળાત્કારની આ બન્ને ઘટનાઓ કહે છે. એક મહિના પહેલા આરોપી રેપ કરે અને ફરી વખત તે આરોપી રેપ કરે અને બાળાની હત્યા કરે / વૃદ્ધા પર બળાત્કાર સબબ જેલમાં પૂરાયો આરોપીને કોર્ટ જામીન પર છોડે અને ફરી વખત એ જ આરોપી વૃદ્ધા પર બળાત્કાર કરે; એનો અર્થ એ છે કે ક્રિમિનલ પર ચાંપતી નજર રાખવાની વાત ખોટી છે. બીજું, ક્રાઈમ ઘટે છે તે મોટો ભ્રમ છે. જ્યારે બેરોજગારી / મોંઘવારી / નફરત-ધૃણા સતત સમાજને પીડી રહી હોય ત્યારે ક્રાઈમ ઘટે તે વાત કોઈ રીતે ગળે ઊતરી શકે નહીં. ક્રાઇમ હંમેશાં આર્થિક અને સામાજિક સ્થિતિના કારણે બને છે. આર્થિક કારણ વધુ કારણભૂત છે. ઠગાઈ / વિશ્વાસઘાત / ચોરી / ઘરફોડ / લૂંટ વગેરે ગુના પાછળ આર્થિક પરિબળ હોય છે. ક્રાઇમ ઘટ્યું હોય તો કઈ રીતે ઘટ્યું છે તે જોવું જોઈએ. ગુજરાતના પોલીસ સ્ટેશનમાં કોઈ નાગરિક જાય તો તેની FIR નોંધાય છે ખરી? જો FIR નોંધાતી હોય તો નાગરિકો FIR નોંધાવવા હાઈકોર્ટમાં કેમ જાય છે? હાઈકોર્ટના આદેશ બાદ FIR નોંધાય છે તે શું સૂચવે છે? એ સૂચવે છે કે સરકાર અને પોલીસ સાચી દિશામાં કામ કરતી નથી. એટલે હાઈકોર્ટે કામ કરવું પડે છે. હાઈકોર્ટ ફરિયાદ નોંધવાનો હુકમ કરે તેનો અર્થ એ છે કે પોલીસ તંત્ર કામ કરતું નથી. સરકાર કામ કરતી નથી. આ બાબત કોઈ ગંભીરતાથી લેતું નથી. ખરેખર તો આ બાબત મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીએ ગંભીરતાથી લેવી જોઈએ. હાઈકોર્ટને FIR નોંધવાનો હુકમ કેમ કરવો પડ્યો તે પ્રાથમિક સમજની વાત છે. આટલી પ્રાથમિક સમજ મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી ધરાવતા નથી, એ અફસોસની વાત છે.
સવાલ : આ બાબતો મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને સમજાતી નથી, એવું કહેવા માંગો છો? શું બ્યુરોક્રસી સરકાર પર હાવી છે?
જવાબ : મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને પોતાના નાગરિકોની ચિંતા હોવી જોઈએ. એમને ચિંતા કઈ છે? ગુનાઓ ઘટ્યા છે એ બતાવવું છે. મહિલાઓ સામેના આટલા ગુના ઘટ્યા, SC-ST સામેના આટલા ગુનાઓ ઘટ્યાં છે એવું ખોટું સર્ટિફિકેટ લઈને છાતી ફૂલાવવી છે, એ મૂળ સમસ્યા છે. કોઈ પણ લોકપ્રિય મુખ્ય મંત્રી હોય; લોકોને પ્રતિબદ્ધ મુખ્ય મંત્રી હોય તો તે નીચે સૂચના આપે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવે તો નોંધી લેવી. જો ફરિયાદ નોંધવામાં ન આવે તો જે તે પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હું જ્યારે પોલીસ વિભાગમાં જોડાયો ત્યારે એ સ્થિતિ હતી કે બોગસ ફરિયાદીઓ મોકલવામાં આવતા હતા. જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાય તો સંબંધિત પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરતા હતા. મને કહો કે 2001થી લઈ 2024 દરમિયાન આખા ગુજરાતમાં એક પણ એવા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરેલ છે, કે જેણે ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હોય ! એક પણ કિસ્સો જોવા નહીં મળે. એનો અર્થ એ છે કે સરકાર ઈચ્છે છે, રાજ્યના પોલીસ વડા ઇચ્છે છે કે ભલે ગુનાનું બર્કિંગ થાય; ભલે ગુનાનું મિનિમાઈઝેશન થાય; ગુનાઓ પોલીસ ચોપડે ઓછા ચડે; ગુલાબી ગુલાબી ચિત્ર ગુજરાતનું દેખાય તેવું સરકાર ઇચ્છે છે, પોલીસ વડા પણ એવું ઇચ્છે છે.
સવાલ : એમ કહી શકાય કે ગુનાને ઓછા દેખાડવાની પોલીસની ગુના બર્કિંગ કરવાની કાર્યરીતિ સરકારને ગમે છે. વાસ્તવમાં ક્રાઈમ વધ્યું છે, પણ રાજ્યની સ્થિતિ બતાવવા માટે પત્રકારોને NCRBના આંકડાઓ જ ધ્યાને લેવા પડે છે. ગુનાઓ નોંધાય જ નહીં તો તે NCRBના આંકડામાં કઈ રીતે આવે? સાચા આંકડા મળે નહીં.
જવાબ : પોલીસ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ અરજીમાં લે છે. અરજી રાખી મૂકે છે. આ રીતે ગુનાઓ ઘટે જ ! આ રીતે ઘટેલાં ગુનાની વાહવાહી પણ કરવામાં આવે છે. એના માટે ગર્વ લેવામાં આવે છે. પરંતુ શું મુખ્ય મંત્રી અને રાજ્યના પોલીસ વડા એ જાણતા નથી કે ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, કોમ્યુનલ ધૃણાનું વાતાવરણ છે, એ સ્થિતિમાં કોઈ દિવસ ગુના ઘટે નહીં, ગુના વધે; એટલી સાદી સમજ એમને નહીં હોય?
સવાલ : એનો મતલબ એ છે કે રાજ્યની હાલની સ્થિતિ માટે પોલિટિકલ અને પોલીસ બન્નેની નિષ્ફળતા છે?
જવાબ : બન્ને એના માટે જવાબદાર છે. બ્યુરોક્રસી એટલે રાજ્યના પોલીસ વડા સરકારને સાચું કહી શકતા નથી. ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરનાર સામે પગલાં લેવાતાં નથી. એનો મતલબ છે કે હળીમળીને, સમજૂતીથી ગુનાનું બર્કિંગ થઈ રહ્યું છે. આ હોમ મિનિસ્ટરને ગમે છે. અમારે ત્યાં ગુનાઓ ઘટ્યા છે, અમારે ત્યાં સુશાસન છે. ગુનાનું પ્રમાણ ઘટવાથી સુશાસન સ્થપાઈ જતું નથી. લોકોને જઈને પૂછો કે પોલીસ તમારી ફરિયાદ લે છે? લગભગ 90% લોકો કહેશે કે પોલીસ ફરિયાદ લેતી નથી ! હમણાં જ થોડા સમય પહેલા વસ્ત્રાપુરમાં ડિઝિટલ મીડિયાના વરિષ્ઠ મહિલા પત્રકારનું લેપટોપ / પાકીટ કારમાંથી ચોરાઈ ગયું. તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ગયાં. પોલીસે કહ્યું કે અરજી આપી દો ! અરજી લઈ લીધી અને અરજી એમને એમ રાખી. પછી ઊહાપોહ થયો ત્યારે તેમની FIR નોંધી ! જો વરિષ્ઠ પત્રકાર સાથે આવું થતું હોય તો ગુજરાતના સામાન્ય નાગરિકો સાથે શું થતું હશે? તેનો એક અંદાજ તમે લગાવી શકો છો.
[28 ડિસેમ્બર 2024]
•
[2]
ગેરપ્રચાર, સિંદૂર ચોપડેલા પથ્થર જેવું કામ કરે છે !
સવાલ : સરકારની, પોલીસની જવાબદારીની વાત આપણે કરી પણ નાગરિકોની જવાબદારી હોય કે નહીં? દિલ્હીમાં નિર્ભયાના ઘટના બાદ જબરજસ્ત ઊહાપોહ થયો હતો. નાની બાળા સાથેની ગુજરાતની આ ઘટના માટે નાગરિકોમાં કોઈ અવાજ જોવા મળતો નથી. આવું કેમ?
જવાબ : કોણ બોલશે? કથાકારો બોલશે, ધર્મગુરુઓ બોલશે, પત્રકારો બોલશે, લેખકો બોલશે, નાગરિક સંગઠનો બોલશે, આ બધા તો સત્તાપક્ષની ચાપલૂસી કરે છે. તો અવાજ કઈ રીતે ઊઠશે? ગુજરાતમાં કોઈ નાગરિક સંગઠન છે, જે સરકાર સામે લડતું હોય? સરકાર સામે અવાજ કરતું હોય. નાગરિકો નેતૃત્વહીન છે. નાગરિકોમાં ઉગ્ર આક્રોશ છે, અમારું કોઈ સાંભળતું નથી. પણ એ કોને કહે? નથી મીડિયા એને હાઈલાઈટ કરતું કે નથી નેતાઓ ધ્યાન આપતા. વિપક્ષની પણ ક્રેડિટ નથી રહી. એ બોલે તો પણ લોકો એમને મહત્ત્વ આપતા નથી. ચારેબાજુ નૈતિક ધોવાણ થઈ ચૂક્યું છે. આ નૈતિક ધોવાણ કરનાર સત્તાપક્ષ છે, એના સંગઠનો છે. જે વારેવારે સંસ્કૃતિની વાત કરે છે. વારેવારે ધર્મની વાત કરે છે. સંસ્કૃતિ માટે ત્રિશૂળ, તલવાર વહેંચે છે. કઈ સંસ્કૃતિ માટે હથિયાર વિતરણ કરે છો? શું 10 વરસની બાળા પર આવું કૃત્ય થાય તો તેમાં સંસ્કૃતિ નષ્ટ થતી દેખાતી નથી? તમે કહો, RSS / VHP / બજરંગ દળ કે કોઈ સંસ્કૃતિ રક્ષક સંગઠનોએ અવાજ ઊઠાવ્યો છે? આવો એક દાખલો ગુજરાતમાંથી બતાવો ! એનો મતલબ એ છે કે સત્તાપક્ષ અને તેમની બધી સંસ્થાઓ પણ જે કંઈ ક્રાઈમ થઈ રહ્યું છે એમાં મૌન છે. એટલે અવાજ ઊઠતો નથી. બીજું શહેરી વર્ગ થોડો જાગૃત છે, દિલ્હીમાં આવી ઘટના બને તો ઊહાપોહ થાય. આ ઘટના ભરુચમાં બની છે. અને તે આદિવાસી બાળા ભોગ બની છે. આપણે ત્યાં ધર્મની / જ્ઞાતિ / જાતિ / વર્ણની રાજનીતિ છે, તે વચ્ચે આવે છે. ભોગ બનનાર આદિવાસી છે એટલે એટલો ઊહાપોહ નહીં થાય. આની જગ્યાએ જો કોઈ ઉચ્ચ વર્ણની દીકરી હોત તો લોકોએ થોડો અવાજ કર્યો હોત. આ રીતે મૂંગા રહેવું અને મૂંગા રાખવા તે સરકારનું / સત્તાપક્ષનું કામ છે. એટલે જ સરકાર આપણને જ્ઞાતિ / જાતિ / વર્ણમાં વહેંચી રહી છે. એટલે જાગવું જરૂરી છે. જો આપણે જ્ઞાતિ / જાતિ / વર્ણમાં રહીશું તો આ પ્રકારના બનાવો બનશે અને આ પ્રકારના બનાવોમાં તમે બોલી પણ નહીં શકો, એ સ્થિતિ આવશે.
સવાલ : હવે સમય બદલાયો છે. અગાઉ આવી ઘટનાઓ બનતી ત્યારે મુખ્ય મંત્રી પર દોષારોપણ થતું. લોકો રાજીનામું માંગતા. હવે કહેવાતા બુદ્ધિજીવીઓ કહે છે કે આમાં મુખ્ય મંત્રી / ગૃહ મંત્રી શું કરે, આમાં પોલીસે ધ્યાન આપવાનું હતું. આવું પરિવર્તન કેમ?
જવાબ : રાજ્યના કોઈ પણ ખૂણામાં રેપની ઘટના બને તે માટે મુખ્ય મંત્રી / ગૃહ મંત્રી સીધી રીતે જવાબદાર નથી, પરંતુ એકનો એક આરોપી 10 વરસની બાળા પર ફરી રેપ કરે; એકનો એક આરોપી જામીન મુક્ત બની ફરી વૃદ્ધા પર બળાત્કાર કરે, ત્યારે સરકારે જાગવાની જરૂર છે. એક આરોપી ફરી વખત કેમ ગુનો કરે છે? તંત્ર લાચાર કેમ છે? Preventive Actions – અટકાયતી પગલાં કેમ કાચાં પડ્યા? શું કાયદામાં કડક જોગવાઈ નથી? કાયદામાં જોગવાઈ છે જ. પણ આપણે અટકાયતી પગલાં લઈ શકતા નથી. પોલીસ VIP બંદોબસ્તમાં રોકાયેલી રહે છે. પોલીસ કામ કરી શકતી નથી. પોલીસ મુક્ત હોય તો આરોપી સામે બરાબર પગલાં લીધાં હોત, અને તેની પર વોચ રાખી હોત. તો આ બન્ને ઘટનાઓમાં આરોપી ફરી વખત રેપ કરી શક્યો ન હોત ! રેપ થયો તે માટે પોલિસી-મેકરની જવાબદારી નથી; પરંતુ મુખ્ય મંત્રી / ગૃહ મંત્રીની જવાબદારી એટલે ઠરે છે કે આવા ગંભીર ગુનાની ફરિયાદ કેમ ન લેવાઈ? એવું તે કેવું તંત્ર છે કે 10 વર્ષની બાળા પર રેપ થાય અને માતાપિતા ફરિયાદ પણ ન કરે? એવી નિષ્ઠુરતા કેમ છે તંત્રમાં? શા માટે માતાપિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ન ગયા? આ અંગે મુખ્ય મંત્રી / ગૃહ મંત્રીએ જાગવાની જરૂર છે કે નહીં? એટલાં માટે એમની જવાબદારી થાય. મૃદુ / સંવેદનશીલ જેવા શબ્દો વાપરીને સુશાસન બતાવો તે ન ચાલે. ખરેખર તો લોકો સાથે એમનું એટેચમેન્ટ નથી રહ્યું, લોકોથી કપાઈ ચૂક્યા છે. એવાં ગુલાબી ભ્રમમાં રહે છે કે લોકોની કોઈ ચિંતા જ નથી. એના કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. હવે જો પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર નહીં થાય તો હું માનું છું કે આવી ઘટનાઓ આપણે અટકાવી શકીશું નહીં.
સવાલ : લોકો દોખજમાં જીવતા હોય તેવી સ્થિતિ રાજનેતાઓએ કરી દીધી છે. છતાં સત્તા પલટો પણ આપણે જોતાં નથી. શું લોકોમાં કોઈ રોષ નથી, એવું માની શકાય?
જવાબ : ઘણાં લોકો આ સ્થિતિ માટે લોકોને જવાબદાર ગણે છે. વોટ તો એને આપે છે ! પરંતુ હું લોકોને જવાબદાર નથી ગણતો. લોકોની લાચારી છે. બે ટકના રોટલાની ચિંતા કરે, પોતાનું પેટ ભરવાની ચિંતા કરે કે આ બધું સમજે? ગોદી મીડિયા જે રીતે એક તરફી પ્રચાર કરી રહ્યું છે અને આપણને ધર્મનો નશો કરાવી રહ્યું છે, એ સામાન્ય લોકો સમજી શકશે? નહીં સમજી શકે. ચૂંટણીમાં ક્રિમિનલને ટિકિટ આપવામાં આવે છે. ચૂંટાય એ જ લક્ષ્ય હોય છે. એવા લોકો ચૂંટાય પણ જાય છે. મોરબીમાં 135 લોકોના મોત થયા છતાં ત્યાં સત્તાપક્ષનો ભવ્ય વિજય થયો ! આ સૂચવે છે કે લોકોને સંદર્ભથી કાપી નાખવામાં આવ્યા છે. એ સંદર્ભ એ છે કે નફરત-ધૃણાની રાજનીતિ અને મતપ્રાપ્તિ માટે ધર્મવાદ અને રાષ્ટ્રવાદનો બેફામ ઉપયોગ. ચૂંટણીપંચ પણ કંઈ કરતું નથી. તો એના કારણે સત્તાપક્ષને મજા આવી ગઈ છે. એટલે કદાચ રોજે આવા કિસ્સાઓ બને તો પણ એ જ ચૂંટાવાના છે. એમણે આખું તંત્ર ગોઠવી રાખ્યું છે. એમના માટે મોટામોટા કોર્પોરેટ કથાકારો પ્રચાર કરવાના છે, સ્વામિનારાયણ સંતો પ્રચાર કરવાના છે. બીજા ધર્મગુરુઓ પ્રચાર કરવાના છે. એમના માટે કોર્પોરેટ લોબી પ્રચાર કરવાની છે. એના માટે નાણાં છે, એના માટે ચૂંટણીપંચ છે, એના માટે પોલીસતંત્ર છે. ગુંડાઓ છે. એટલે સત્તાપક્ષ ચૂંટાય છે. તે લોકપ્રિય છે, તે સારાં કામોના કારણે ચૂંટાય છે તે ભ્રમ છે. એ ચૂંટાય છે આયોજનપૂર્વકના ગેરપ્રચારના કારણે. હવે આમાં લોકો જાગૃત કઈ રીતે બને? લોકો પાસે વિકલ્પ જ નથી. સ્વતંત્ર મીડિયા છે? જે થોડાં સ્વતંત્ર મીડિયા છે એને પણ કચડી નાખવામાં આવે છે. એક પત્રકારને કાઢવા આખી ચેનલ ખરીદી લેવામાં આવતી હોય તો એ શું સૂચવે છે? એ સૂચવે છે કે કોઈ અવાજ જોઈએ નહીં ! સરકાર સામે અવાજ ઈચ્છતા નથી ! અમે જે કામ કરીએ છીએ તે પવિત્ર કામ કરીએ છીએ, અમે માત્ર નેતા નથી પણ દેવદૂત છીએ, નોન બોયોલોજિકલ છીએ; એમ એ પ્રસ્થાપિત કરી દે છે. એટલે લોકોને માનવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેમ કોઈ સિંદૂર ચોપડેલા પથ્થરમાં વિશ્વાસ બેસી જાય છે, પગે લાગે છે, તે રીતે ગેરપ્રચારના કારણે લોકો સત્તાપક્ષને માને છે ! લોકોના કામ કર્યા છે એટલે ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો આવી છે તે ભ્રમ છે. આ એક પ્રકારની ગોઠવણ છે.
સવાલ : જો સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારતી નથી તો રાજ્યનું ભવિષ્ય શું લાગે છે?
જવાબ : રાજ્યનું ભવિષ્ય દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે. નાગરિકોને વધારેને વધારે સહન કરવાનું આવશે, તે ચોક્કસ છે. પોલિસી લેવલે આખી વ્યવસ્થા ભાંગી પડે ત્યારે આજે આદિવાસી બાળા ભોગ બની છે, વૃદ્ધા ભોગ બની છે, કાલે બીજા ભોગ બનશે. ત્યારે તમે અવાજ કરી શકો તેવી સ્થિતિ નહીં રહે. આમાં કોઈ સારા સંકેતો મળતા નથી. સરકાર ખરેખર જાગે છે કે નહીં? સરકાર ખરેખર લોકો પ્રત્યે પ્રતિબદ્ધ છે કે નહીં? આ સવાલ નાગરિકોના મનમાં ઊઠ્યા છે. સરકારે પણ વિચારવું જોઈએ કે લોકોની સુરક્ષા માટે બેઠાં છીએ, નહીં કે તાલ તાશીરા માટે. સરકાર જો પરિવર્તન નહીં લાવે અને માત્ર જાહેરખબરથી સુશાસન સ્થાપી દેશે તો આગળ જતાં પરિસ્થિતિ વણસશે !
સવાલ : આવી જઘન્ય ઘટનાઓ બને ત્યારે મુખ્ય મંત્રી/ ગૃહ મંત્રી બે શબ્દો બોલી શકે, પણ એવું પણ બન્યું નથી !
જવાબ : બિલકુલ, રાજ્યના વડાની ફરજ છે કે આવી ઘટનાઓ બને ત્યારે નાગરિકોમાં વિશ્વાસ પ્રગટે તેવા બે શબ્દો કહે. તો નાગરિકો સુરક્ષાનો અહેસાસ પણ કરી શકે. મુખ્ય મંત્રીએ કહેવું જોઈએ કે અમે વિચારમંથન કરીશું અને અમે એક્શન લઈશું તેની ખાતરી આપું છું. આટલું જો મુખ્ય મંત્રી કહે તો લોકોને તંત્રમાં વિશ્વાસ બેસે.
સવાલ : આવું મુખ્ય મંત્રી કહેતા નથી તેનું શું કારણ હોઈ શકે?
જવાબ : તેઓ એવું માને છે કે આપણે આવું સ્વીકારીશું તો ખરાબ દેખાશે. પણ એ એમની ખોટી માન્યતા છે. તંત્રની ખામી છે. કોર્ટની પણ ખામી છે. જજે આરોપીને જામીન પર છોડ્યો ન હોત તો તે ફરી વખત બળાત્કાર કરી શક્યો ન હોત ! મુખ્ય મંત્રીએ એ કહેવું જોઈએ કે ‘આવા તંત્રની અમે પુનઃ વિચારણા કરીશું.’ લોકોમાં વિશ્વાસ બેસે તેવાં પગલાં લેવાવાં જોઈએ.
http://xn--ndco.rs/
29 ડિસેમ્બર 2024
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર