
રવીન્દ્ર પારેખ
મોંઘવારીની બૂમ કાયમ પ્રજામાંથી જ ઊઠે છે. એ બૂમ કોર્પોરેટરથી માંડીને સાંસદોમાંથી ઊઠતી નથી, કારણ ભાવ વધે તેમ પ્રજાને પૈસાની ટાંચ પડે છે, જ્યારે સત્તાધીશોને, હોજરી ભરવાની આગોતરી વ્યવસ્થા થઈ જાય છે. પગાર વધારા માટે હડતાળ પ્રજા પાડે છે. એ સાંસદોએ પાડવી પડતી નથી. એમને પગાર કે ભથ્થાં વધારા માટે કારણો હાથવગાં હોય છે. ઘણી વાર તો પગાર કે ભથ્થાંમાં થતો માસિક વધારો કોઈ નોકરિયાતના માસિક પગાર કરતાં પણ વધારે હોય છે. આ વધારા માટે કોઈ સાંસદ કે ધારાસભ્ય કે કોર્પોરેટરને વાંધો નથી હોતો, એટલું જ નહીં, ઢગલો વાંધાઓ પાડનાર વિપક્ષો પણ આ મામલે એક થઈ જાય છે. કોઈને આ વધારો ક્યારે ય વધારે લાગતો નથી. હજી તો સાંસદોનો 24 ટકા પગાર વધારો 24મીએ જાહેર જ થયો છે, ત્યાં ગુજરાત વિધાનસભા ગૃહમાં આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તથા કાઁગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ તમામ ધારાસભ્યોની ઇચ્છાનો પડઘો પાડતા હોય તેમ પગારમાં તથા ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ કરી છે, તે સાથે જ પૂર્વ ધારાસભ્યોને અન્ય રાજ્યોને અપાતાં પેન્શનની સમકક્ષ પેન્શન આપવાની માંગ પણ દોહરાવાઈ છે. સરકારે પેન્શનને મામલે ફોડ પાડ્યો નથી, પણ ગ્રાન્ટ દોઢ કરોડથી સીધી વધીને પાંચ કરોડ થઈ જાય તો નવાઈ નહીં !
આમ તો સાંસદો કે ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં વધારો થઈને જ રહે છે, પણ અન્ય નોકરિયાતોને વધારો આપવામાં સરકારનો હાથ કાયમ તંગ રહે છે. મોટે ભાગે તો હડતાળ કે વિરોધ વગર પ્રજાની ગાડી પાટે ચડતી જ નથી. જેમનો વિરોધ વાંઝિયો છે એ બેન્ક પેન્શનર્સ, પત્રકારો કે નાના પેન્શનર્સનું પેન્શન અપડેટ થતું જ નથી. સરકાર જાણે છે કે એવા વિરોધીઓથી તેને કૈં નુકસાન નથી, એટલે એ લોકો તો લેખામાં જ નથી. બેન્ક પેન્શન અપડેટ કરવાને મામલે કે મેડિક્લેમમાં પ્રીમિયમ ઘટાડવાને મામલે યુનિયન લીડર્સ કેન્દ્રીય નાણાં મંત્રી સાથે બેઠકો કરતાં રહે છે ને પરિણામ બીજી નવી બેઠકમાં આવે છે. બેઠકો થતી રહે છે, પણ પરિણામ મળતું નથી.
એક સમય હતો જ્યારે 1960ની આસપાસ સ્કૂલના વિદ્યાર્થીઓને, વાલીની વાર્ષિક આવક 900 હોય તો EBC માફી મળતી. છે ને કમાલ, કે 900 જેવી આવક માફીને પાત્ર હતી ! એ પછીના વર્ષોમાં પણ શિક્ષકનો કે પત્રકારનો કે ઇવન બેંક ક્લાર્કનો પગાર શરૂઆતમાં 500 રૂપિયા માંડ હતો. ઘણાને તો એથી ય ઓછો પગાર મળતો. એ રિટાયર થાય ત્યારે જે પેન્શન બંધાતું તેમાં ચીંથરાં ય ન આવતાં. એ પછી પગાર વધ્યા, પેન્શન પણ વધ્યું, પણ હજી સિનિયર્સને મોંઘવારીના પ્રમાણમાં પેન્શન અપડેશનનો લાભ મળ્યો નથી તે દુ:ખદ છે. સાંસદોનું પેન્શન સીધું 6,000 વધીને, 25,000નું 31,000 થયું, તો કેટલાકને આજની તારીખમાં પગાર જ 6,000 ન હોય તો તેનું પેન્શન કેટલુંક હોય તે સમજી શકાય એવું છે.
દેશભરના 75 લાખથી વધુ, વિવિધ વર્ગના પેન્શનરોને EPF-95માં 417, 541, 1250 જેવું પેન્શન મળે છે, તે કેવી રીતે જીવતા હશે તે તેઓ જ જાણે, તેઓ 65-70ની ઉંમરે ‘આત્મનિર્ભર’ હોવા જોઈએ, પણ લાચાર છે, દયાપાત્ર છે, અપમાનિત છે. સંતાનો, ઓછાં પેન્શનિયાં માબાપને સાચવી લે તો નસીબ, બાકી, એટલાં પેન્શનમાં તો મરવાનું ય મોંઘું પડે એ સ્થિતિ છે. જો કે, નિવૃત્ત કર્મચારી મંડળે વડા પ્રધાનને આવેદન આપી માસિક પેન્શન 7,500 કરવા રજૂઆત કરી છે. સરકાર પેન્શનમાં જ 6,000નો વધારો જરા ય સંકોચ વગર કરી શકે, તો આ 75 લાખથી વધુ વૃદ્ધોની ચામડી ઢંકાઈ રહે એટલું થાય તો ય ઉપકાર જ થશે.
સરકારને એ વાતનો પણ સંકોચ નથી કે પૂર્વ સાંસદોની ટર્મ પૂરી થતાં પેન્શન ઉપરાંત વધારાનું પેન્શન 2,000થી વધારીને 2,500 કર્યું, તો બીજી તરફ ઘણાં ક્ષેત્રોમાં પેન્શન નકારીને પેન્શનરોનું ભવિષ્ય જ રૂંધી નાખ્યું છે. એ તો ઠીક, નિવૃત્તિ પછી પેન્શન વગેરે લાભો ન આપવા પડે એટલે સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયકોથી ચલાવે છે. સરકાર સાંસદોને કે ધારાસભ્યોને ભલે આપે, પણ તે સાથે જ જેમણે જિંદગી ખર્ચી છે એમને નિવૃત્તિ પછીનાં લાભો આપવામાં કંજૂસાઈ કરે એ શરમજનક છે. ફુગાવો સાંસદોને લાગતો હોય તો સામાન્ય માણસ પણ એનો ભોગ બને એવું, નહીં? સાંસદોનો 1 લાખનો પગાર 1.24 લાખ થઈ જતો હોય ને તેનું એરિયર્સ એપ્રિલ, 2023થી અપાવાનું હોય, તો બીજા લાખો વંચિતોનો વિચાર કરવાનો કે કેમ?
2006માં સાંસદોનો પગાર 12,000 હતો, તે 2025 સુધીમાં 933 ટકા વધીને 1,24,000 થઈ જતો હોય, તો એ વાજબી છે એવું ન પુછાય, પણ એવું જરૂર પુછાય કે બીજા કોના પગારમાં 19 વર્ષમાં 933 ટકાનો વધારો થયો છે? પગાર ઉપરાંત દૈનિક ભથ્થું 2,000 હતું, તે પણ 500 વધીને 2,500 થયું છે. આ વખતના પગાર વધારાની ખૂબી એ છે કે તે ફુગાવાને અનુરૂપ છે. જો કે, ફુગાવો ઘટે, તો પગાર પણ ઘટે કે કેમ તેની કોઈ ચોખવટ નથી. પડે છે ત્યારે સઘળું પડે છે એ ન્યાયે, સંસદમાં પગાર વધે છે તો બધું જ વધે છે. ટૂંકમાં, લોકસભા અને રાજ્યસભાના 788 સાંસદોને બે વર્ષનું એરિયર્સ જ 45 કરોડ 38 લાખ ચૂકવવાનું થશે. સાંસદોને એ ઉપરાંત 34 મફત હવાઈ મુસાફરી મળે છે. તેમાં 8 મુસાફરી તો તે અન્ય સંબંધી કે સ્ટાફને ટ્રાન્સફર પણ કરી શકે છે. મફતનું 81.5 કરોડ લોકો જ ખાય છે એવું નથી. સાંસદો પણ, મફત રેલવે મુસાફરી કરી શકે છે. રોડ મુસાફરીમાં 16 રૂપિયા પ્રતિ કિ.મી.નો લાભ, હવાઈ કે રેલ મુસાફરી શક્ય ન હોય ત્યારે લઈ શકે છે. અમુક મર્યાદામાં એ લાભ નિવૃત્ત સાંસદોને પણ મળે છે. દિલ્હી નિવાસ દરમિયાન 50,000 યુનિટ મફત વીજળી, 4 લાખ લિટર પાણી, લોકસભાના સાંસદને 1,50,000 અને રાજ્યસભાના સાંસદને 50,000 મફત કોલનો લાભ … મળે છે. તેમને દેશમાં ને અમુક સંજોગોમાં વિદેશમાં સારવાર મફત મળે છે. સાંસદોને મતવિસ્તાર ભથ્થું દર મહિને 70 હજાર મળતું હતું તે 87 હજાર થઈ ગયું છે. એ જ રીતે ઓફિસ ખર્ચ 60,000 મળતો હતો તે 75,000 થઈ ગયો છે. વળી ટકાઉ અને બિનટકાઉ ફર્નિચર ખરીદવા માટે કાર્યકાળ દરમિયાન અનુક્રમે 1 લાખ અને 25 હજાર મળે છે. (એ ખરું કે 2020ના કોરોના કાળમાં એક વર્ષ માટે મંત્રીઓ અને સાંસદોએ 30 ટકા પગાર કાપ વેઠેલો) આ ઉપરાંત સંસદ કેન્ટિનમાં મફતના ભાવે ભોજનનો લાભ પણ સાંસદોને મળે છે. એ જોતાં સોંસરું પૂછવાનું એ થાય કે આમ ધરાયેલાની ભૂખ 933 ટકા વધતી હોય, તો જન્મજાત ભૂખ્યાની ભૂખ કેટલા ટકા વધી હોય ને તેને કેટલું આપવું જોઈએ ને ખરેખર તેને કેટલું અપાય છે? નોકરીઓ લાખોમાં આપવાની વાતો થાય છે, પણ શિક્ષિત બેકારી ઘટતી નથી. બે છેડા ભેગા કરતાં ઘણી વાર છેડો મુકાઈ જતો હોય, ત્યાં વિના વિરોધ બધા છેડા સંસદમાં પગારને મામલે ભેગા થઈ જતા હોય, એ કેવું?
એક તબક્કે સંસદમાં પગાર વધારા માટે ભલામણો કરવી પડતી હતી. એ સ્થિતિ 2018માં બદલાઈ. તે વખતના નાણાં મંત્રી અરુણ જેટલીએ સાંસદોનો પગાર 50,000થી વધારીને 1,00,000 કર્યો. તે પછી ફુગાવાને અનુરૂપ દર પાંચ વર્ષે આપોઆપ પગાર-ભથ્થાં વધે તેવી વ્યવસ્થા પણ તેમણે કરી, એટલે ભલામણો કરવાનું ટળ્યું. કોઈ વાર દેશ કેટલો દેવાદાર છે એના આંકડા બહાર પડે છે, ત્યારે સવાલ થાય કે એ દેવા જોડે સરકારને લેવાદેવા હશે કે એ બોજ જનતાનો જ છે? જો દેવાની ખબર હોય તો આવા ભવ્ય પગાર-ભથ્થાં, સાંસદો કે ધારાસભ્યોને પુનર્વિચાર કરવા પ્રેરે છે ખરા? એની સામે ઓછી આવકને કારણે આર્થિક અસમાનતાના પ્રશ્નો ઉદ્દભવે છે તે ખરું કે કેમ? એક તરફ 100 રૂપિયે નજીકનું લિટર પેટ્રોલ ઠલવાતું હોય ને શહેરી આવક દૈનિક 550 પણ ન હોય કે ગ્રામીણમાં તો એ 450થી ય ઓછી હોય ને તેમાં ય મહિલાઓને તો તેથી ય ઓછું મળતું હોય ને બીજી તરફ દૈનિક ભથ્થું 2,000નું 2,500 રમતમાં થઈ જતું હોય, તો એટલું નક્કી છે કે આ અસમાનતા અહિંસક રીતે સરભર થાય એ અશક્યવત્ છે. પ્રજા જુએ છે. જોઈ રહે છે. વેઠે છે. વેઠી રહે છે. પછી તેની આંખો ફરે તો પૃથ્વી પણ ફરવાનું ચૂકી જાય એમ બને. અમથું નથી કહ્યું, ચેતતો નર સદા સુખી. ન ચેતે તો પછી ઘણું ‘ચેતે’ છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 માર્ચ 2025