Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહનની હૂંડી

શિશિર વિદ્વાંસ|Gandhiana|14 May 2016

વર્ષો પહેલાં સ્વ. પિતાશ્રીએ કહેલી આ વાત છે. ગઈ સદીની શરૂઆતના સમયની આ વાર્તાનાં બધાં પાત્રો તો કાળના પડદા પાછળ વિલીન થઈ ગયાં છે. રહ્યું છે આ માત્ર સ્મરણ.

ભાવનગર એ ગુજરાતનું સંસ્કારધામ છે. આ સંસ્કારધામમાં તે વખતે પુણ્યશ્લોક કૃષ્ણકુમારસિંહજી બાળરાજા તરીકે ગાદીએ બિરાજતા હતા અને સર પ્રભાશંકર પટ્ટણી દીવાન અને બાળરાજા રિજન્ટ (Regent) તરીકે વહીવટ સંભાળતા હતા. જાણે દરબાર આતાભાઈ અને ગગા ઓઝાએ ભાવનગર માટે પુનર્જન્મ લીધો.

આ સમયે ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’ કેળવણી અને સ્વરાજનું કામ કરતી સંસ્થા અંગ્રેજ સરકારની લાલ આંખ હોવા છતાં, સર પ્રભાશંકર પટ્ટણીના આરક્ષણ નીચે ચાલતી હતી.

આ સંસ્થાએ ગુજરાતને જેટલા કેળવણીકારો, સાહિત્યકારો અને કળાકારો આપ્યા છે એટલા ભાગ્યે જ કોઈ સંસ્થાએ આપ્યા હશે. નાનાભાઈ, ગિજુભાઈ, હરભાઈ, તારાબહેન મોડક, મનુભાઈ પંચોળી (દર્શક), મૂળશંકર ભટ્ટ, ન. પ્ર. બુચ, માધવજીભાઈ પટેલ, ચિત્રકાર સોમાલાલ શાહ અને અન્ય દક્ષિણામૂર્તિના આદ્ય કાર્યકર્તાઓમાં અમારા સ્વ. પિતાશ્રી (ગોપાળરાવ વિદ્વાંસ) અને સ્વ. કાકાશ્રી(ભાસ્કરરાવ વિદ્વાંસ)એ કેળવણી અને સાહિત્યના ક્ષેત્રે કરેલા પ્રદાનનું ગુજરાતની જતી પેઢીને સ્મરણ હશે જ.

આવી દક્ષિણામૂર્તિને માથે અચાનક આફત આવી પડી. વાત એમ થયેલી કે સંસ્થાના બધા જ આદ્યકર્તાઓ બત્રીસની સત્યાગ્રહની લડતમાં ભાગ લઈ કોઈ સાબરમતી, તો કોઈ વીરમગામ, તો કોઈ અહમદનગર, તો કોઈ વળી ધુળિયાની જેલમાં કારવાસ ભોગવી પાછા આવ્યા. પિતાશ્રી પણ યરવડા જેલમાં અંગ્રેજ સરકારની મહેમાનગતિ(?) માણીને એકવડિયા શરીરમાં પચાસ રતલ વજન ગુમાવી હાડપિંજર રૂપે પાછા આવ્યા. દક્ષિણામૂર્તિના આ આ બધા હાડપિંજર કાર્યકરોની જ્યારે મિટિંગ મળી ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે તેમની ગેરહાજરીમાં સંસ્થાને માથે દેવું થઈ ગયું છે.

સંસ્થાના નિયામક તરીકે સ્વ. નાનાભાઈએ (નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટે) નિર્ણય કર્યો કે સંસ્થાની જમીન અને મકાનો રૂપે જે અસ્કામતો છે તે વેચીને દેવું ભરપાઈ કરી સંસ્થા બંધ કરી દેવી અને પછી બધા જ કાર્યકરો પોતપોતાને રસ્તે વિદાય લે.

આજની જેમ દેવાળા નિષ્ણાતો(Insolvency Experts)ની સલાહ લઈ પોતાના પૈસા સાબૂત કરી લેણદારોને રખડાવવાનો વિચાર સુદ્ધાં કોઈને આવ્યો નહિ.

આમાં ખાયકીનો તો કોઈ સવાલ જ નહોતો. કારણ કે આ બધા તો અંગ્રેજ સરકારની મોટા પગારની નોકરીને સ્વખુશીથી લાત મારી, દેશને ખાતર ગરીબી સ્વીકારનારા, જાતે કાંતેલી ખાદીના જાડા માદરપાટ જેવાં કપડાં પહેરનારા અને તે પણ ઘડપણમાં શરીર જર્જરિત થઈ જાય ત્યાં સુધી તેને હાથે જ ધોનારા, ધોમધખતા તડકામાં મહાત્માજીનો સંદેશો ગામેગામ પહોંચાડવા ફરનારા અને મહાત્માજીની હાકલ પડે એટલે તરત પત્ની અને પરિવારને ભગવાનને ભરોસે સોંપી જેલમાં જનારા અસલના કૉંગ્રેસી હતા.

આમાં બગાડનો પણ સવાલ નહોતો કારણ કે વિદ્યાર્થીઓની રોટલી પર પા ચમચી ઘી વધારે ચોપડ્યું હોય તે સિવાય બીજા કોઈ બગાડની શક્યતા જ નહોતી.

વાત એમ બનેલી કે ફંડફાળાના ટેકા પર ચાલનારી આ સંસ્થાના પ્રમુખ કક્ષાના બધા કાર્યકરો જેલમાં હતા અને સંસ્થાના બાકી રહેલા કાર્યકરોને કોઈ ફંડફાળો આપે નહિ એટલે એમણે છેલ્લે દેવું કરીને સંસ્થાને ચાલુ રાખી હતી.

દક્ષિણામૂર્તિ બંધ થવાની છે એ વાત મહાત્માજી પાસે પહોંચી. દક્ષિણામૂર્તિના સંસ્થાપક અને નિયામક સ્વ. નાનાભાઈ પર મહાત્માજીનો સંદેશો આવ્યો : “સંસ્થા બંધ કરો એ પહેલાં સંસ્થાના હિસાબના ચોપડા લઈ મને મળી જજો.”

દક્ષિણામૂર્તિનું પુસ્તક-પ્રકાશનખાતું અને હિસાબી કામકાજ પિતાશ્રી સંભાળતા હતા. સાહિત્ય ઉપરાંત ગણિત અને હિસાબકિતાબનો પિતાશ્રીને અત્યંત શોખ. અમારા ઘરખર્ચનો આખા મહિનાનો હિસાબ ડાયરીના એક પાના પર ઝીણી કલમથી મોતીના દાણા જેવા અક્ષરે પિતાશ્રી કાયમ લખતા.

પુણેની ફરગ્યુસન કૉલેજના પ્રાધ્યાપક (અને પ્રિન્સિપાલ) અને ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલય તરફથી ગણિતમાં અસાધારણ પ્રભુત્વ ધરાવનારને જવલ્લે જ અપાતી રૅંગ્લર (Wragler) એ ઉપાધિ હિંદમાં પહેલી જ મેળવનાર સ્વ. રૅંગ્લર પરાંજપેના હાથ નીચે ગણિત (Mathematics) એ મુખ્ય વિષય સાથે બી.એ.(B.A.)ની ઉપાધિ ગઈ સદીનાં શરૂઆતનાં વર્ષોમાં પિતાશ્રીએ મેળવી હતી.

નાનાભાઈ અને હિસાબના ચોપડા લઈ પિતાશ્રી ગાંધીજીના આશ્રમે પહોંચ્યા. પિતાશ્રીના શબ્દોમાં કહું તો “દેશની સ્વતંત્રતાની લડતનો કારોબાર કરનાર મહાત્માજીનું ઘડીકમાં તો પોરબંદરની કોઈ શેરીમાં ગાંધિયાણાની હાટડી ચલાવનારા અને હિસાબમાં ઉસ્તાદ એવા વાણિયામાં રૂપાંતર થઈ ગયું.”. સાદડી પર બેસી સામે નાના મેજ પર હિસાબના ચોપડા ઉઘાડા રાખી વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછતા મહાત્માજીએ બે કલાક સુધી હિસાબ તપાસ્યો, પોતે આશ્રમમાં કરકસરથી કેમ કારોબાર ચલાવે છે એની ટિપ્પણી કરી અને દક્ષિણામૂર્તિના હિસાબનાં સારાં પાસાંનાં વખાણ કર્યાં. હિસાબ-તપાસણી પૂરી થઈ એટલે “હિસાબ તો બરાબર છે.” એવું કથન નાનાભાઈની સામે જોઈને કર્યું.

મહાત્માજીએ પછી આંખો બંધ કરી બે મિનિટ વિચાર કર્યો કે પછી સ્વગત બોલતા હોય એમ કહ્યું કે, “સ્વરાજ અને કેળવણી માટે કામ કરતી સંસ્થા બંધ થવી ન ઘટે.” મહાત્માજીએ પછી આંખો ઉઘાડી મેજનું ખાનું ખોલ્યું અને તેમાંથી જેની સામે પોતે લડત ચલાવતા હતા એવા ઇંગ્લૅન્ડના (અને તે વખતે હિંદના પણ) શહેનશાહની છાપવાળું એક ખાલી પીળું પરબીડિયું (envelope) કાઢ્યું. આ પરબીડિયું બહુ જ સાચવીને પહેલાં એમાં આવેલાં પત્ર માટે ખોલેલું હતું. મહાત્માજીએ બાકી ચોંટેલા ફલેપને અત્યંત કાળજીથી ખોલ્યા; અને પછી સાચવીને એનાં ચાર ત્રિકોણિયા ફલેપ અને એક મોટો ચોરસ ફલેપ ફાડ્યા. મોટો ચોરસ ફલેપ અને ત્રણ ત્રિકોણિયા ફલેપ ફરી વાપરી શકાય એ માટે સાચવીને મેજના ખાનામાં પાછા મૂક્યા. મેજના ખાનામાંથી લગભગ બે ઇંચ જેવી પેન્સિલ કે જેની અણી લગભગ ઘસાઈ ગઈ હતી એ ઉપાડીને ચોથા ત્રિકોણિયા ફલેપ પર તારીખ નાખી, શબ્દોની કરકસર માટે વિખ્યાત એવા મહાત્માજીએ સંદેશો લખ્યો.

ઘનશ્યામદાસજી,

મૈં નાનાભાઈ ઔર ગોપાલરાવ કો આપકે પાસ ભેજતા હૂં. ઠિક કિજીયેગા.

મો. ક. ગાંધી

પછી નાનાભાઈને ચિઠ્ઠી આપતાં કહ્યું કે, ‘આ ચિઠ્ઠી કલકત્તે (કોલકત્તા) જઈને ઘનશ્યામદાસજી બિરલાને આપજો. જુઓ શું થાય છે ?’

પિતાશ્રીના શબ્દોમાં કહું તો ‘મોહનની હૂંડી’ અથવા તો મહાત્માજીનો આ ‘બેરર ચેક’ લઈ અમે બન્ને કોલકત્તા પહોંચ્યા. ત્યાં સ્વ. ઘનશ્યામદાસજી બિરલાની પેઢી પર જઈને જણાવ્યું કે મહાત્માજીએ સંદેશા સાથે અમને મોકલ્યા છે. ઘનશ્યામદાસજીએ તરત બન્નેને પોતાની ચેમ્બરમાં બોલાવી ચિઠ્ઠી વાંચી. નાનાભાઈએ સંસ્થા અંગેની માહિતી અને ગાંધીજીની મુલાકાત અંગે વાત કરી. પિતાશ્રીએ હિસાબના ચોપડા ઘનશ્યામદાસજી સમક્ષ ધર્યા અને મનમાં વિચાર કર્યો કે “પોરબંદરના વાણિયાનું ઑડિટ તો પાસ થયું, હવે આ મારવાડી શેઠનું ઑડિટ કેવું હશે?” ચોપડા સામે જોઈને ઘનશ્યામદાસજીએ તરત કહ્યું કે “ઇસકી કોઈ જરૂરત નહીં હૈ, યે ચિઠ્ઠી બસ કાફી હૈ, આપકો ફૌરન કિતને રૂપયોંકી જરૂરત હૈ?” એ મારવાડી શેઠને પણ પૂરી ખાતરી કે મહાત્માજી ચકાસણી કર્યા વગર ગમે તેવાને ફંડફાળા માટે મોકલે જ નહિ.

પિતાશ્રીએ કહ્યું કે હાલને તબક્કે પાંચ હજાર રૂપિયા મળશે તો તે પૂરા થઈ રહેશે, કારણ કે ફંડફાળાનું કામ હવે શરૂ થશે અને તે સંસ્થાને નભાવી લેશે.’

ઘનશ્યામદાસજીએ તરત એક બુક ઉપાડી દક્ષિણામૂર્તિને નામે પાંચ હજાર રૂપિયાનો ચેક લખી આપ્યો અને ચેક હાથમાં આપતાં આપતાં છેલ્લે શીખ આપી “દેખો ઔર રૂપૈયેકી જરૂરત હો તો ફૌરન યહાં આ જાઈએગા; ઉસ બૂઢેકો તંગ મત કરના.”

“આજની ઘડી અને કાલનો દી” આ દાન પછી દક્ષિણામૂર્તિ બંધ થતી રહી ગઈ. પછી એ વડમાંથી વડવાઈ રૂપે આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિ, સણોસરાની ગ્રામ વિદ્યાપીઠ અને અન્ય સંસ્થાઓ કેમ ઉદ્ભવ પામી એ માટે તો વાચકે ભાવનગરની દક્ષિણામૂર્તિના આદ્ય કાર્યકર, નાનાભાઈના અંતેવાસી અને ગુજરાતના જાણીતા સાક્ષર સ્વ. મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ‘સદ્ભિ: સંગ:’ એ પુસ્તક વાંચવું રહ્યું.

સ્રોત : “અખંડ આનંદ”, સપ્ટેમ્બર 2015માંથી સાભાર)

સૌજન્ય : “ગુર્જરી ડાયજેસ્ટ”, જાન્યુઆરી 2016; પૃ. 14-15

Loading

14 May 2016 admin
← આર્થિક વિકાસ એટલે સ્વતંત્રતા? અમર્ત્ય સેનને પૂછો !
સાત રંગનું સરનામું : રઘુવીર ચૌધરી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved