Opinion Magazine
Number of visits: 9448778
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોબાઈલનું વળગણ અને સંભવિત દુષ્પરિણામો

હરેશ ધોળકિયા|Opinion - Opinion|2 November 2021

આજકાલ લોકોમાં મોબાઇલ બાબતે જે વળગણ થઈ ગયું છે, તે તપાસવા જેવું છે. દસ વ્યક્તિએ નવ વ્યક્તિ મોબાઇલની ભયાનક ગુલામ થઈ ગઈ છે. તેના દિવસનો મહત્તમ હિસ્સો આ મોબાઇલ લઈ જાય છે. તેને કારણે તે બીજાં કોઈ, ક્યારેક તો બહુ જ મહત્ત્વનાં કામો કરી શકતી નથી. અરે, રાતે બરાબર ઊંઘ પણ લઈ શકતી નથી. વ્યવસ્થિત રીતે ભોજન પણ લઈ શકતી નથી. લોકો સાથે ભળી શકતી પણ નથી. કોઈ કામ નક્કી કરે, તો તે પૂરું પણ કરી શકતી નથી. તેનો હાથ અને આંખ મોબાઇલ પરથી હટતાં જ નથી.

મનોવિજ્ઞાનીઓ આને ‘માણસની જોખમી પળ’ નામ આપે છે. આની ભયાનક અસર કોઈ બાબત પર પડી હોય, તો તે વ્યક્તિની એકાગ્રતા પર પડી છે. દિનપ્રતિદિન લોકોની – ખાસ કરીને યુવાવર્ગની, ભવિષ્યના નાગરિકોની – એકાગ્રતા નબળી પડતી જાય છે. મનોવિજ્ઞાનીઓ તેને ‘એકાગ્રતાની ગરીબાઈ’ કહે છે. તેના આંકડા આપણે જોઈએ તો ચકિત થવા સાથે હચમચી થઈ જવાય. થોડા તપાસીએ.

અભ્યાસીઓ કહે છે કે, નવી સદી શરૂ થઈ (૨૦૦૧થી) ત્યારથી યુવાનોની માસિક ટેક્‌સ્ટ મૅસેજની સંખ્યા વધીને આજે ૩,૪૧૭ થઈ ગઈ છે. એક દિવસના કેટલા મૅસેજ થયા? ૧૧૪ મૅસેજ! જાગૃત સ્થિતિના દસ કલાક! એક વ્યક્તિ લખે છે કે, તેણે તેના કેટલાક સંબંધીઓની એક દિવસ મુલાકાત લીધી, તો બધાના હાથમાં મોબાઇલ હતા. આ વ્યક્તિ આ બધાનાં કેવળ માથાંના ઉપલા ભાગ જ જોઈ શકતી હતી. બધાનાં મસ્તક નીચાં હતાં. તેઓ સતત તેમનો આઇફોન તપાસતા હતા, તેમાં કોઈએ મોકલેલ ટેક્‌સ્ટ મૅસેજ વાંચતા હતા. ફેસબુક પર શું નવું આવ્યું હતું તે તપાસતા હતા અથવા કોઈ વીડિયોગેમ રમતા હતા! આસપાસ શું બનતું હતું, તે બાબતે તેઓ તદ્દન અજ્ઞાત હતા. સાથે, અન્ય જોડે કેમ પ્રત્યાયન કરવું તે પણ જાણતા ન હતા.

અભ્યાસીઓ કહે છે કે, આજનાં બાળકો એક તદ્દન નવી જ વાસ્તવિકતામાં ઊછરી રહ્યાં છે. જ્યાં તેઓ મશીનો સાથે વધારે સંપર્કમાં રહે છે અને તેમનો લોકો સાથેનો સંપર્ક ઘટતો જાય છે. આ બાબત અનેક કારણોસર મુશ્કેલી ઊભી કરે તેવી ઘટના બની રહી છે. બાળકો જ્યારે મોટાં થતાં હોય છે, ત્યારે તેમનો સામાજિક અને સાંવેગિક વિકાસ જ્યારે તેઓ અન્ય લોકો સાથે હળભળે છે અને વાતચીત કરે છે, તેના પરિણામે જ થાય છે. આ પ્રત્યાયનથી જ તેમનું મગજ ઘડાય છે. બાળકો જેટલો ઓછો સમય લોકો સાથે ગાળશે અને જેટલો વધારે સમય ડિજિટલ પડદા સામે જોઈ પસાર કરશે, તેટલો તેનો માનસિક વિકાસ ઓછો થશે.

બાળકોનું સતત ડિજિટલ મશીનો સાથેનું રોકાણ લોકોના સંપર્કના ભોગે થાય છે. તે લોકો સાથે જ સતત ભળે તો જ તે ભાષા કે મૌખિક ભાષા શીખી શકે છે. અવ્યક્ત સંદેશાઓ કેમ વાંચવા તે શીખી શકે છે. આ નવી પેઢી કદાચ કી-બોર્ડ સાથે ઉત્તમ રીતે રમત રમી શકે છે, પણ જ્યારે ચહેરાઓના ભાવો પકડવાનો કે વાતો કરવાનો મુદ્દો ઊભો થાય છે, ત્યારે તેઓ મૂઢ અને મૂંગાં બની જાય છે. આ કારણે જ્યારે તેઓ ટેક્‌સ્ટ કરતી વખતે એકાદ પળ થોભે છે અને મસ્તક ઊંચું કરી કોઈ સામે જુએ છે, તો એ ચહેરાઓ પરના આનંદના, વિસ્મયના, દુઃખના ભાવો પકડવામાં તદ્દન નિષ્ફળ જાય છે, કારણ કે હજી તો ભાવ પકડવા જાય, તે પહેલાં તો બીજો મૅસેજ આવી ગયો હોય છે, જે જોવામાં તે મશગૂલ બની જાય છે.

આજના યુવાનો તેમનો મોટા ભાગનો સમય વર્ચ્યુઅલ જગતમાં વિતાવે છે. તે સતત ટ્‌વિટ્‌સ, સ્ટેટસ અપડેટ, જમવા સમયના ફોટા મોકલવામાં વ્યસ્ત રહે છે. આને પરિણામે જે થોડી પળો પણ તે નવરા પડે છે, તે પળોમાં તે ભયાનક એકલતાનો અનુભવ કરે છે. આ યુવાનો એકબીજા સાથે થોડો સમય વાતો કરવામાં પણ મુશ્કેલી અનુભવે છે. લાંબી, ઊંડાણભરી, બુદ્ધિને સમૃદ્ધ કરતી વાતો કે ચર્ચા કરવાનો તો કોઈ સવાલ જ હોતો નથી. આ ગુલામીથી તે દૂર થઈ શકતો નથી તેથી તે જન્મદિવસ, પાર્ટી, મિત્રો સાથે હરવુંફરવું, ચર્ચાઓ કરવી, સંગીતનો કાર્યક્રમ વગેરે માણી શકતો નથી. કદાચે ત્યાં જાય તો પણ આ બધા વચ્ચે તે સતત મોબાઇલમાં જ જોયા કરે છે.

કદાચ આ લોકો દલીલ કરે કે, આ મશીનોના કારણે તેઓ વિશિષ્ટ કુશળતાઓ શીખે છે. સંભવ છે, સાચી વાત છે, પણ અગત્યની બાબતો, જેવી કે વડીલો કે મિત્રો સાથે આરામથી બેસવું, શાંતિથી વાતો સાંભળવી, વાર્તાઓ વાંચવી, કોઈ સર્જનાત્મક કામ કરવું, કશુંક શીખવું, કોઈ કામ નિરાંતે કરવું અને પૂરું કરવું વગેરે કરી શકતાં નથી. એક તો તે માટે તેમની પાસે સમય જ નથી, બીજું તે કરવા જેટલી ધીરજ નથી, ત્રીજું, મોબાઇલ જોવા સિવાય તેમને બીજી કોઈ ઇચ્છા હોતી જ નથી. તેમનું સંપૂર્ણ ધ્યાન – ફોકસ – માત્ર ને માત્ર આ ફોન પર જ હોય છે. પરિણામે જરૂરી માનસિક કુશળતાઓ તેઓ શીખી શકતા નથી.

એક આઠમા ધોરણની શિક્ષિકા લખે છે કે વર્ષો સુધી તેના વર્ગના વિદ્યાર્થીઓ પુસ્તકો રસથી વાંચતા હતા, પણ હવે આ જ બાળકોને, ફોનના વળગણમાં ફસાયા હોવથી, આ પુસ્તકો વાંચવાની ઉત્તેજના થતી નથી. અરે, સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પણ શાંતિથી વાંચી શકતાં નથી કે સાંભળી શકતા નથી. સાંભળવાની દરેક પળે તેઓ ફોન જોયા કરે છે. તેઓ ફરિયાદ કરે છે કે વાક્યો ખૂબ અઘરાં છે. એક પાનું વાંચતાં તો તેઓ હાંફી જાય છે. આનું કારણ, તે માને છે કે બાળકો સતત જે ટૂંકાં અને ગરબડિયાં વાક્યો ધરાવતા સંદેશા જોયા કરે છે તેના કારણે તેઓ થોડાં લાંબાં વાક્યો વાંચવા સમર્થ બની શકતાં નથી. કોઈ પુસ્તકનું એક પાનું વાંચતાં તો થાકી જાય છે. દરમિયાન પાંચેક વાર ઑનલાઇન જવાની તડપન થાય છે. તે કહે છે કે, એક વિદ્યાર્થીએ નીચું મસ્તક કરી તેના સામે કબૂલાત કરી હતી કે, તેણે આખું વર્ષ લગભગ એક હજાર કલાકો વીડિયોગૅમ્સ રમવામાં વેડફયા હતા. (આ ‘વેડફયા હતા’ શબ્દ શિક્ષિકાનો છે, વિદ્યાર્થીને અનુભવ એવો નથી લાગ્યો!) તે કહે છે કે, એક અલ્પવિરામ જેવો નાનો મુદ્દો શીખવતાં પણ તેને નાકે દમ આવી જાય છે.

અભ્યાસીઓ કહે છે કે, કોરિયા, વિયેટનામ, ભારત, તાઇવાન જેવા જે નવા-નવા દેશો સમૃદ્ધિ તરફ જઈ રહ્યા છે, તેના યુવાનોની સ્થિતિ તો વધારે ખરાબ છે. તેના યુવાનો તો મહત્તમ સમય ગેમિંગ, સોશિયલ મીડિયા, વર્ચ્યુઅલ રિયાલિટી જેવાં ઇન્ટરનેટનાં વળગણોમાં ભયાનક ફસાઈ ગયા છે. તેના પરિણામે આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. યુવાનો એકલતાનો ભોગ બની રહ્યા છે. થોડી વાર પણ નવરા પડે છે, તો મૂંઝાઈ કે ગભરાઈ જાય છે, જે તેમને હિંસક બનાવે છે. સહનશક્તિ શૂન્ય થઈ ગઈ છે. અમેરિકાના આઠથી અઢાર વર્ષના તરુણોના આઠ ટકા આ વળગણના કારણે હૉસ્પિટલોમાં મનોવૈજ્ઞાનિક સારવાર લઈ રહ્યાં છે. તેમના મનની સ્થિતિ દારૂડિયાઓ કે ડ્રગ લેનારાઓ જેવી થઈ ગઈ છે. આપણે ક્યારેક વાંચીએ છીએ કે તેઓ આખી રાત મોબાઇલમાં ફસાયેલા રહે છે અને આખો દિવસ સૂતા રહે છે. તેઓ ભાગ્યે જ નહાય છે કે ભોજન લે છે. આ બાબત જો તેમનાં કુટુંબીજનો અટકાવવાનો પ્રયાસ કરે છે તો તેઓ હિંસક બની તેમને મારવા પણ તૈયાર થઈ જાય છે.

આનું ભયંકર પરિણામ એ આવ્યું છે કે, લોકોની એકાગ્રતાની તાકાત બહુ જ ઓછી થઈ ગઈ છે. અરે, જાહેરાતની કંપનીઓ પણ ફરિયાદ કરે છે કે, આગળ તેમની જાહેરાતો એક મિનિટ પણ ચાલતી હતી, તો પરિણામ  જોવા મળતું હતું, પણ હવે તો અર્ધી મિનિટથી થોડી વધારે લાંબી જાહેરાત ચાલે, તો લોકો જોતા નથી. તેમનું ધ્યાન ભટકી જાય છે. તરત મોબાઇલ જોવામાં વ્યસ્ત થઈ જાય છે. આ બધાના કારણે તેની મનોદશા એવી થઈ જાય છે કે, ‘જે થતું હોય તે થવા દો. મને કશાની પડી નથી.’

એટલે જ નોબલ ઇનામ વિજેતા હર્બર્ટ સાઇમન લખે છે કે “આજે જે માહિતીનો વિસ્ફોટ થયો છે, તેણે એકાગ્રતાની ભયાનક ગરીબી સર્જી છે.”

આના પરિણામે આવનારા સમયમાં સંશોધનો, સર્જનાત્મક કાર્યો વગેરેમાં જબરી ખોટ જશે તેવો સંભવ છે. એ પણ સંભવ છે કે, આવનારા સમયમાં એકાગ્રતા કેળવવા, ટકાવવા સતત દવાઓ લેવી પડશે અને આની શરૂઆત થઈ ગઈ છે.

શું કરશું? આનો જવાબ તો માતાપિતાઓ, શિક્ષકો કે મનોવિજ્ઞાનીઓ જ આપી શકે, જો તેઓ પણ આ રોગનો ભોગ ન બન્યાં હોય તો!

ભુજ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 14 તેમ જ 12

Loading

2 November 2021 admin
← મૂલ્યાંકનપરક વિવેચનાત્મક વિધાનો (4) : ઇવૅલ્યુએટરી સ્ટેટમૅન્ટ્સ :
ભારતી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved