Opinion Magazine
Number of visits: 9709490
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેકિસ્કન ડ્રગ લોર્ડ એલ મેન્ચોનું ભારત કનેક્શનઃ ડ્રગ લોર્ડના મોતથી કાર્ટેલ નથી અટકી જતું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 March 2026

મેક્સિકન ડ્રગ લોર્ડ એલ મેન્ચો એવી સપ્લાય ચેનનો માસ્ટરમાઇન્ડ હતો જેનો કાચો માલ ભારતીય ધરતી પર તૈયાર થતો હતો

ચિરંતના ભટ્ટ

એણે ક્યારે ય કોઈ ઇન્ટરવ્યુઝ નહોતા આપ્યા. તાજેતરનો કહી શકાય તેવો એનો કોઈ ફોટોગ્રાફ પણ નથી. વર્ષો સુધી, વેસ્ટર્ન હેમિસ્ફિયરનો “મોસ્ટ વૉન્ટેડ” માણસ જેલિસ્કોના પહાડોમાં ધુમ્મસની માફક ફરતો રહ્યો અને લોકો માત્ર તેનો ચહેરો કેવો હશે તેની કલ્પના કરતા રહી ગયા. ફેબ્રુઆરીની 22મી તારીખે મેક્સિન સ્પેશ્યિલ ફોર્સિઝે તાપાલ્પાના પહાડી વિસ્તારના કમ્પાઉન્ડમાં નેમેસિયો ઓસેગુએરા સર્વાન્ટેસ (Nemesio Oseguera Cervantes) ઉર્ફે ‘એલ મેન્ચો'(El Mencho)ને ચારેબાજુથી ઘેરી લીધો. તેણે પોતાના બૉડીગાર્ડ્ઝ સાથે આસપાસના જંગલોમાં ભાગી જવાની પૂરી કોશિશ કરી, પણ તેની પર દિલધડક એન્કાઉન્ટર પછી મેક્સિકો શહેર જનારા હેલિકોપ્ટરમાં મોતને ભેટ્યો. એનું મોત પણ એવું થયું જાણે તે મરતી વેળાએ પણ જાતને લોકોની સામે આવવા દેવા નહોતો માગતો. અહીં આપણે વૈશ્વિક સ્તરે ચાલતા ડ્રગ કાર્ટેલ્સની વાત કરીએ છીએ. નાનકડી ગલીઓમાં વેચાતા ગાંજાનું આ બધા સામે કોઈ ગજું નથી, પણ આ ડ્રગ લોર્ડ્ઝની જિંદગી પર બનેલી સિરીઝ હોંશે હોંશે જોવાતી હોય ત્યારે તેમનું નેટવર્ક, તેમની પહોંચ, તેમની પકડ અને છટકબારીઓ વિશે જાણવું કોઈ વેબ-સિરીઝ જોવા જેટલું જ રસપ્રદ હોય છે. 

એલ મેન્ચોનું મૃત્યુ એક મહત્ત્વની ક્ષણ હતી, પરંતુ તેના ગણતરીના કલાકોમાં જ ‘જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ’ (CJNG) એ અડધા મેક્સિકોને અરાજકતાથી ભડકે બાળ્યું. આ હિંસા નબળાઈની નહીં, પણ સંસ્થાકીય ‘મસલ મેમરી’નું પ્રદર્શન હતું. 252 રસ્તાઓ જાત થયા અને ગુડાલજારા, જ્યાં જૂનમાં FIFA વર્લ્ડ કપની મેચોની યજમાની થવાની છે, તે અચાનક એક ભેંકાર શહેરમાં ફેરવાઈ ગયું. એરલાઇન્સે પશ્ચિમ મેક્સિકોમાં ફ્લાઇટ્સ રદ્‌ કરી દીધી. અહેવાલો મુજબ, CJNGના ફાઇનાન્શિયલ ચીફ “એલ તુલી”એ માર્યા ગયેલા દરેક સૈનિક દીઠ 20,000 પેસોની ઓફર કરી હતી; જો કે સાંજ સુધીમાં તેમને પતાવી દેવાયા. અંતે એ સાબિત થયું કે, આ ગુનાખોરીના મશીનને ચાલુ રહેવા માટે ટોચ પર બેઠેલા માણસની જરૂર નથી.

વિશ્લેષક ક્રિસ ડાલબીના મતે, આ કોઈ કંપનીના CEOને હટાવવા જેવું છે. CEO જાય પણ કંપની (વેપલો) ચાલુ રહે છે. ‘કિંગપિન સ્ટ્રેટેજી’ હંમેશાં સફળ નથી થતી; 2016માં ‘એલ ચાપો’ પકડાયો ત્યારે પણ હિંસા વધી હતી. આપણે દાઉદ અને છોટા રાજન વગેરેની ગેંગમાં થયેલા વિભાજનો વિશે સાંભળ્યું છે, ફિલ્મો જોઈ છે, વૈશ્વિક સ્તરે પણ ગુનાખોરીની બબાલો એવી જ હોય છે. એલ મેન્ચોના મોત પછી તેની ગાદી કોણ સંભાળશે એવી કોઈ સ્પષ્ટતા નથી એટલે મેક્સિકો અત્યારે આ જનરેશનનો નવો ડ્રગ લોર્ડ કોણ બનશે તે નક્કી કરનારા એક ખતરનાખ યુદ્ધમાં પ્રવેશી રહ્યું છે. 

તમને એમ થશે કે આપણને દાઉદમાં રસ છે બાકી બઘું ઠીક પણ એલ મેન્ચોની વાર્તાનું એક બીજું પાસું છે જેના પર પશ્ચિમી દેશો ધ્યાન નહીં આપે અને આ એવી બાબત છે જેની ચિંતા ભારતે કરવી જોઈએ. CJNG એ માત્ર મેક્સિકોના માથાનો દુખાવો નહોતો. તે દુનિયાના ગુનાહિત સંગઠનોમાંનું એક સૌથી આધુનિક સંગઠન બની ગયું હતું. તેનું મહત્ત્વ વધ્યું તેનું કારણ હતું તેની સપ્લાય ચેનમાં આવેલું પરિવર્તન. દક્ષિણ અમેરિકાથી જોખમી દરિયાઈ માર્ગેથી ઉત્તરમાં કોકેઈન મોકલવામાં છ મહિનાનો સમય લાગે, દરેક બંદરે પકડાઈ જવાની ધાસ્તી હોય. આવામાં CJNGએ કૃત્રિમ નશીલા પદાર્થો એટલે કે સિન્થેટિક ડ્રગ્ઝમાં ઝંપલાવ્યું. CJNGએ પ્રિકર્સર્સ(રાસાયણિક કાચો માલ)માંથી મેથામ્ફેટામાઈન અને મેફેડ્રોન બનાવવાનું શરૂ કર્યું. આ કાચા માલ માટે ચીન, તુર્કી અને ભારત જેવા પૂર્વીય દેશો તરફ વળ્યા. 

ભારતનું ફાર્માસ્યુટિકલ સેક્ટર વિશ્વમાં ત્રીજા ક્રમે છે, જે ડ્રગ માફિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ન્યૂઝમીટરમાં વરિષ્ઠ ક્રાઇમ જર્નાલિસ્ટ મનીષ પચૌલીના એક રિપોર્ટ અનુસાર મેથામ્ફેટામાઈન અને મેફેડ્રોન પ્રતિ કિલો આશરે રૂ. 2 કરોડમાં વેચાય છે અને તે ભેળસેળિયું હોવા છતાં અસરકારક હોય છે. તેની સરખામણીમાં એટલા જ જથ્થામાં કોકેઈનની કિંમત રૂ. 6 થી 8 કરોડ હોય છે. સસ્તું ઉત્પાદન, એટલી જ અસર, સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ અને દરિયાઈ માર્ગે પકડાઈ જવાનું કોઈ જોખમ નહીં: CJNG માટે ભારત માત્ર કાચા માલનો સ્રોત નહોતો, પરંતુ અહીં ઉત્પાદન(manufacturing)ની એક મોટી તક હતી.

US DEAના 2025ના રિપોર્ટ મુજબ, કાર્ટેલ્સ હવે સરળતાથી મળતા ફિનાઈલ-2-પ્રોપાનોન અથવા P2P જેવા કેમિકલ્સનો ઉપયોગ કરે છે, જે ભારતમાંથી પણ મેળવવામાં આવે છે. ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝે અલગથી દસ્તાવેજી પુરાવા આપ્યા છે કે CJNG તેના મુખ્ય ઓપરેશનલ માળખાના ભાગરૂપે ચીન, ભારત અને તુર્કીમાંથી આ કેમિકલ્સ મેળવે છે.

ભારતમાં માત્ર કાચા માલના વેપાર સુધી આ ખેલ મર્યાદિત નથી. આ કાર્ટેલે દિલ્હી-NCR, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબમાં મેથામ્ફેટામાઈન અને મેફેડ્રોન બનાવતી ગુપ્ત પ્રયોગશાળાઓ સ્થાપી છે. નવેમ્બર 2024માં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગ્રેટર નોઈડાના ગૌતમ બુદ્ધ નગરના એક ઔદ્યોગિક વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પર દરોડો પાડ્યો હતો. મનીષ પચૌલીએ ટાંક્યા અનુસાર, ત્યાં તેમને માત્ર સાધનો અને રસાયણો જ નહીં ફેક્ટરી સ્થાપવા માટે આવેલો મેક્સિકન કાર્ટેલ ઓપરેટિવ પોતે ઝડપાયો હતો

મનીષ પચૌલી ચોંકાવનારી બાબતો ટાંકે છે. ભારતીય દરિયાઈ સીમામાંથી 6,000 કિલોગ્રામ મેથામ્ફેટામાઈન (કિંમત આશરે રૂ. 6,000 કરોડ) જપ્ત કરાયું, જે CJNG અને ચીની નેટવર્ક સાથે જોડાયેલું હતું. 

પોલીસવાળાનો છોકરો ગુનેગાર બને એવું તો આપણે ફિલ્મોમાં જોયું છે, અમુક પોલીસવાળા ભ્રષ્ટ હોય એવું આપણા સમાજનું સ્વીકારાયેલું સત્ય છે. તમને કદાચ એટલે નવાઈ નહીં લાગે પણ એલ મેન્ચો પોતે પોલીસ અધિકારી હતો. નેવુંના દાયકાની શરૂઆતમાં તે ગ્વાડલજારા મ્યુનિસિપલ પોલીસમાં જોડાયો અને પછી ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો. કેલિફોર્નિયામાં હેરોઈન સંબંધિત ગુનાઓમાં જેલની સજા કાપ્યા બાદ તે મેક્સિકો પાછો ફર્યો અને ‘મિલેનિયો કાર્ટેલ’માં આગળ વધતો રહ્યો. 2007ની આસપાસ તેણે બીજા ગુનાખોરો સાથે મળી CJNGની સ્થાપના કરી. 

વિશ્લેષક ક્રિસ ડાલ્બીના શબ્દોમાં કહીએ તો, તેણે જે સંગઠન ઊભું કર્યું તે જીતવાની બાબતે ‘લગભગ ચંગીઝ ખાન જેવી પદ્ધતિ’ ધરાવતું હતું, વિરોધીઓનો સફાયો કરવો અને દરેક હત્યાકાંડનો ઉપયોગ પ્રાદેશિક વર્ચસ્વનો સંદેશ આપવા માટે કરવો. અમેરિકાએ તેના પર 1.5 કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. પણ ગયા અઠવાડિયે તાપાલ્પાની ઘટના પહેલાં તે ક્યારે ય પકડાયો નહોતો.

તેના મૃત્યુનો ભારત માટે શું અર્થ છે? નેટવર્કમાં થોડો વિક્ષેપ ચોક્કસ આવશે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અકબંધ છે. ગ્રેટર નોઈડા નેક્સસમાં પકડાયેલ તિહાર જેલનો વોર્ડન સાબિત કરે છે કે કાર્ટેલની પહોંચ આપણી સંસ્થાઓ સુધી થઈ ચૂકી છે. જ્યારે કોઈ કાર્ટેલ આઘાતમાં હોય ત્યારે તેના પર પ્રહાર કરવાનો કિંમતી મોકો હોય છે, પણ આવી તકો લાંબો સમય નથી રહેતી.

ભારતની ફાર્માસ્યુટિકલ ઇકોસિસ્ટમ સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન માટે જરૂરી એવા કેમિકલ બ્લોક્સનો સપ્લાય હજી પણ કરે જ છે. CJNG દ્વારા સ્થાપિત સ્થાનિક નેટવર્ક, જેમાં ઉદ્યોગપતિઓ, કેમિસ્ટ્સ અને ભ્રષ્ટ અધિકારીઓ સામેલ છે, તે તેમના વિદેશી હેન્ડલરના મૃત્યુથી ભાંગી નથી પડવાનું. એ લોકો થોડો વખત શાંત રહેશે, ધંધો ધીમો કરશે. કાર્ટેલનું નેતૃત્વ બદલાશે પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે તે જેમ છે એમ જ રહેતું હોય છે. 

ભારતે હવે માત્ર પોલીસ કાર્યવાહીથી સંતોષ માનવાને બદલે ‘રેગ્યુલેટરી આર્કિટેક્ચર’ મજબૂત કરવું પડશે. પહેલું, ડિજિટલ ટ્રેકિંગ: P2P જેવા કેમિકલ્સના ઉત્પાદન અને નિકાસનું રીઅલ-ટાઇમ ટ્રેકિંગ અનિવાર્ય છે. બીજું, સંકલિત તપાસ: NCB, DRI અને કસ્ટમ્સ વચ્ચે મજબૂત સંકલન હોવું જોઈએ. અને છેલ્લે, નાણાંકીય દેખરેખ: શેલ કંપનીઓ અને શેડો પેમેન્ટ ચેનલો પર કડક નજર રાખવી પડશે. કેમિકલ ટ્રેકિંગ જેટલી જ તીવ્રતાથી જો ‘મની ટ્રેઈલ’ની તપાસ કરવામાં આવે, તો આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટેની શક્યતાઓ મર્યાદિત થઈ જશે.

મેક્સિકોમાં કાર્ટેલ અત્યારે ઘવાયેલું છે, આવામાં જે માણસ નવો લીડર બનશે તે પોતાની જાતને સાબિત કરવા મચી પડશે. એલ મેન્ચોના મોતથી જે સંકટ ખડું થયું છે તેમાં નવો ડ્રગ લોર્ડ યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ન્યુ એશિયન માર્કેટમાં પોતાની પહોંચ ફેલાવવા પર ધ્યાન આપશે. ભારત તો પહેલેથી જ CJNGની સપ્લાય ચેનનો હિસ્સો છે એટલે તેનું મહત્ત્વ ઘટવાને બદલે વધવાની શક્યતા મોટી છે. 

મેક્સિકોમાં અત્યારે ઉત્સવનો માહોલ છે. ત્યાંના ગુનાહિત સંગઠન માટે આ બહુ મોટો ફટકો છે પણ યાદ રાખવું કે એક ડોન મરે ત્યાં બીજો ઊભો થતા વાર નથી લાગતી. સપ્લાય ચેન નવા લોકો અને નવી સિસ્ટમ સાથે અનુકૂલન સાધી લે છે. ભારત મેક્સિકો નથી એ ખરું પણ મેક્સિકો પણ પહેલેથી આવો દેશ નહોતો. છતાં ય ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમે સપ્લાય રૂટ, સંસ્થાઓ અને પૈસાના ખેલમાં પોતાની જાતને એ હદે ઊંડે ઉતારી દીધો છે કે એકાદ મોટું માથું મરી જાય તો તેમનું કામ બંધ નથી થઈ જતું. સીધું ઉદાહરણ છે બિન લાદેનનું, તેના મોત પછી અલ કાયદા કાયમ માટે નાશ નહોતું પામ્યું. આંતક અને ગુનાની દુનિયામાં નવા લોકો ખડા થઈ જ જતા હોય છે. 

બાય ધી વેઃ 

આપણે એ શોધવાનું છે કે એલ મેન્ચો હોય કે ન હોય, પણ ભારત સાથે CJNGની પ્રવૃત્તિઓનું સંકળાયેલું હોવું આપણી ઇન્ટેલિજન્સ ક્ષેત્રની કઈ ખામીઓ છતી કરે છે? 6,000 કિલો ડ્રગ્સનું ઝડપાવું કે NCRમાં મેક્સિકન ઓપરેટિવ્સની હાજરી એ કોઈ નાની ઘટનાઓ નથી, પણ મોટા સંકેતો છે. અત્યારે કાર્ટેલમાં અરાજકતા છે, ત્યાં નવો માણસ ગોઠવાય તે પહેલાં આ તંત્રને તોડવું જરૂરી છે. એલ મેન્ચો મરી ગયો છે, કાર્ટેલ નહીં. તેણે ભારતમાં ગોઠવેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપમેળે પડી નહીં ભાંગે. તેની કડીઓ શોધીને તે ફરી કામે લાગે તે પહેલાં આ નેક્સસને જડમૂળથી ઉખેડવું અનિવાર્ય છે. આમ તો પાબ્લો એસ્કોબારે પોતાને માટે ઊભા કરેલા ઝૂનું પણ ભારત કનેક્શન છે પણ, “વો કહાની ફિર કભી…”

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 માર્ચ 2026

Loading

1 March 2026 Vipool Kalyani
← એક નાનકડી શિબિરથી શું થાય ?

Search by

Opinion

  • એક નાનકડી શિબિરથી શું થાય ?
  • મુજે ઈન્સાફ નહીં મિલા !
  • ચલ મન મુંબઈ નગરી—330
  • સમરસ ગ્રામ પંચાયત, સમરસતા અને સમાનતા
  • લગ્ન નોંધણીના નવા નિયમો તુક્કાથી વિશેષ કૈં નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved