હૈયાને દરબાર
જૂની રંગભૂમિનાં નાટકોનો લોકોને નશો હતો એ જમાનામાં! ભાંગવાડીની બાલ્કનીના પગથિયે બેસીને વડીલોના વાંકે, માલવપતિ મુંજ, સંતુ રંગીલી, સાસુના વાંકે, પાનેતર, મંગળફેરા અને સંતાનોના વાંકે જેવાં નાટકો એ જમાનાના લોકોએ મન ભરીને માણ્યાં છે. જૂનાં નાટકોમાં ગીતો નાટકનું મહત્ત્વનું અંગ કહેવાતું. તાજેતરમાં જ સુજાતા મહેતા અભિનીત ‘સુજાતા રંગ રંગીલી’ બહુપાત્રીય એકોક્તિ જોઈને જૂની રંગભૂમિનાં ગીતો તાદ્રશ્ય થઈ ગયાં. સુજાતા મહેતા બહુ આયામી વ્યક્તિત્વ ધરાવે છે. પાત્રોને ઉઘાડી આપે છે. એમણે છેલ્લે, મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ગાયું ત્યારે નાટ્ય અભિનેત્રી મીનળ પટેલે આ ગીતના સંદર્ભમાં કરેલી એક રસપ્રદ વાત યાદ આવી ગઈ. રંગભૂમિનાં કલાકાર મહેશ્વરી તથા મીનળ પટેલ હજુ ય આ ગીત રંગભૂમિ પર રજૂ કરીને વન્સ મોર મેળવે છે. મીનળબહેને આ ગીત સાથે સંકળાયેલી કથા વર્ણવતા કહ્યું કે, "નાટ્યમહર્ષિ પ્રભુલાલ દ્વિવેદીનાં અનેક સફળ નાટકોનાં મુખ્ય અભિનેત્રી અને દેશી નાટક સમાજનો આધાર સ્તંભ કહેવાતાં મોતીબાઈએ મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ગાઈને એટલી પ્રસિદ્ધિ મેળવી કે આ ગીત આજે ય લોકપ્રિય છે, નાટ્યક્ષેત્રે અજરાઅમર થઈ ગયું છે. આ ગીતમાં આધુનિક પતિ અને ગામડાની ગમાર પણ કોઠાસૂઝવાળી પત્નીના સંસારનો ચિતાર અપાયો છે. ‘વડીલોના વાંકે’ નાટકમાં પતિ પોતાની પત્ની અબૂધ-ગમાર હોવાથી એને તેડાવતો નથી ત્યારે એની મા દીકરાને કહે છે કે તું ભણેલો છે તો પત્નીને અહીં લઈ આવી ભણાવ. તારું ભણતર અન્યના જીવનમાં પ્રકાશ ન પાથરી શકે તો એ અંધકારમય જ છે. મને એક વાતનો જવાબ આપ કે પત્ની ભણેલી હોત અને તું અભણ હોત તો એ પત્ની તને નિભાવત? ત્યારે દીકરો કહે છે કે, "જરૂર નિભાવત. સ્ત્રીમાં તો એવી સંવેદના અને શક્તિ છે જ કે એ ગમે તેવા પતિને પણ નિભાવી જાણે. એનું હૃદય એટલું વિશાળ છે કે પુરુષની ખામીને નિભાવી લે છે.”
"તો પુરુષ શું એટલો પામર અને ટૂંકા હ્રદયનો છે કે સ્ત્રીની એક ખામી પણ સ્વીકારી નથી શકતો? તારી જાતને પારસ માને છે તો પથરાને સ્પર્શ કરીને એને પારસ બનાવ.” મા કહે છે.
"તમે ભૂલ સમજાવી તેથી મારી પત્નીને ફરજ નહીં પણ ધર્મ સમજીને એની સાથે લગ્ન જીવન શરૂ કરીશ." દીકરો માની વાત સાથે સંમત થાય છે. ત્યારબાદ દીકરાની ઉપરવટ જઈને મા પુત્રવધૂને ઘરે લઈ આવે છે. સાત વર્ષનાં વહાણાં વાઈ ગયાં પછી પત્ની સાસરે આવે છે. આટલાં વર્ષો પછી પરણ્યાની પહેલી રાત આવે છે. પત્નીને સુહાગરાતે મનમાં ઘણા કોડ છે, પરંતુ લોકહિતના કામસર પતિ મોડી રાત સુધી ઘરે નથી આવ્યો. રાહ જોતાં પરોઢ થઈ ગયું છે તે સમયે અભણ મુગ્ધા નારી મીઠા લાગ્યા ગીત ગાઈને પોતાના મનોભાવ રજૂ કરે છે. ફૂલોની છાબડી લઈને વહેલી સવારે ફૂલો ગૂંથતી મનમાં ગણગણે છે કે મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા …! મારે ખાસ કહેવું જોઇએ કે મેં પોતે જૂની રંગભૂમિમાં કામ કર્યું નથી, પરંતુ મહેશ્વરીબહેને લગભગ દસેક વર્ષ જૂની રંગભૂમિમાં કામ કર્યું છે. એમણે મોતીબાઈવાળો રોલ ભજવ્યો પણ હતો. તેથી મીઠા લાગ્યા … ગીત તેમણે મને ઉમળકાભેર શીખવ્યું, તેથી હું પણ હવે એ ગીત પ્રસ્તુત કરું છું. જૂની રંગભૂમિનાં ગીતોની પ્રસ્તુતિ દ્વારા હું ઘણું શીખી છું. એ કલાકારોનો અભિનય બહુ પ્રીસાઈઝ હોય અને દર્શકો સુધી પહોંચે જ. એ વખતે મોતીબાઈ સિવાય ભાગ્યે જ કોઈ અભિનેત્રી ગુજરાતી હતી. કમલાબાઈ કર્ણાટકી ખૂબ દેખાવડાં. તેઓ આમ તો તમિળ ક્રિશ્ચિયન હતાં ને તેમનું નામ હતું મેકડલીન. વી. શાંતારામ સાથે લગ્ન કરનાર સંધ્યા પણ મૂળ ગુજરાતી જૂની રંગભૂમિનાં. એમનું નામ વિજયા દેશમુખ હતું, પરંતુ આ બધા કલાકારો સરસ ગુજરાતી બોલે. એ જમાનાનાં જૂની રંગભૂમિનાં ગીતો લોકજીભે રમતાં હતાં.
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જેની એક પંક્તિ, ઘેરાતી આંખડીને દીધા સોગંદ મેં, મટકું માર્યું તો તારી વાત રે વિશે સુરેશ દલાલે બહુ સરસ લખ્યું છે કે આંખડીને સોગંદ આપવાની વાત અને મટકું મારવાની મીઠી પૂર્વશરતમાં કેવી અને કેટલી કવિતા છે એ બધું ખોલીને કહેવા બેસીએ તો ઓપરેશન ટેબલ પર પતંગિયાને મૂકવા જેવી વાત છે. નારી સંવેદનાની સુંદર અભિવ્યક્તિ આ ગીતમાં થઈ છે. આ ગીતનો ઉઘાડ થાય એ પહેલાં એક સંવાદ આવે છે કે, જીવતરમાં અમથા ઉજાગરા તો ઘણા ય કિયા હશે પણ વા’લાની વાટ જોતાં હોઈએ અને પગલે પગલે એના આવવાના ભણકારા વાગતા હોય એવો ઉજાગરો તો આજ થિયો. મોતીબાઈ એ આ નાટકમાં ઉત્કૃષ્ટ અભિનય આપ્યો હતો. પ્રભુલાલ દ્વિવેદીએ આ અભિનેત્રી વિશે કહ્યું હતું કે મોતીબાઈ સ્વયમ્ એક કલા છે. આવા તો કંઈ કેટલા ય કલાકારો, સંગીતકારોએ જૂની રંગભૂમિ ક્ષેત્રે યોગદાન આપ્યું હતું.
એ સમયે મહિલા કલાકારોમાં મોતીબાઈ, કમલાબાઈ કર્ણાટકી, કુસુમ ઠાકર, મનોરમા, વત્સલા દેશમુખ, હંસા, રૂપકમલ, શાલિની ઈત્યાદિ નામો બહુ પ્રચલિત હતાં. મોતીબાઈ, કમલાબાઈ એ જમાનાની જાજરમાન અભિનેત્રીઓ ગણાતી. જૂની અને નવી બંને રંગભૂમિમાં કસબ દેખાડનાર કલાકારોમાં મહેશ્વરી, પદ્મારાણી, જયંત વ્યાસ, ઘનશ્યામ નાયક, વનલતા મહેતા, લીલા જરીવાલા, સરિતા જોશી, પ્રતાપ ઓઝા, હની છાયાનાં નામ ઉલ્લેખનીય છે. એ જમાનામાં નાટ્યકલાકારે માત્ર અભિનય જ નહીં, સંગીત અને સામાન્ય નૃત્યની તાલીમ પણ લેવી પડતી હતી. અદાકારને ગાતાં તો આવડવું જ જોઈએ, અને એ માટે ખાસ સંગીતકાર રોકી કલાકારના સૂર પ્રમાણે ગાયન શીખવાડવામાં આવતું હતું. નાટકની પ્રથમ રાત્રિએ તખ્તાને સમુદ્રના પાણીથી સાફ કરવામાં આવતો. તખ્તા પર કંતાનની નવી જાજમ બિછાવાતી. નાટકની પ્રથમ રાત્રી તો એક ઉત્સવ બની જતી એ વાત પ્રાગજી ડોસાએ તેમના એક પુસ્તકમાં વર્ણવી છે. શનિ રવિના પ્રયોગોના એક મહિનાના પ્લાન તો આ એડવાન્સમાં જ બુક થઈ જતા. નાટકની ટિકિટનો ભાવ આમ પાંચ રૂપિયા, પરંતુ શોની પ્રથમ રાત્રિએ ટિકિટોની એટલી પડાપડી થતી કે અમુક નાટકના કાળા બજારમાં રૂપિયા ૧૦૦ના ભાવ પણ બોલાતા હતા.
‘વડીલોના વાંકે’ની સૌ પ્રથમ અભિનેત્રી મોતીબાઈ હતાં અને છેલ્લાં અભિનેત્રી મહેશ્વરી. આ નાટક એટલું બધું શુકનિયાળ ગણાતું કે દર બેસતા વર્ષે બપોરે એનો શો હોય જ. ભાંગવાડી બંધ થયા પછી ૧૯૮૧માં વિનયકાન્ત દ્વિવેદીએ ‘સંભારણાં’ને નામે એને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ‘વડીલોના વાંકે’ નવા સ્વરૂપે ભજવાયું હતું જેમાં મોતીબાઈના સ્થાને ચોથી પેઢીનાં મહેશ્વરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ જમાનામાં નાટકના કલાકારો પગારદાર રહેતા અને સારામાં સારા કલાકારને મહિને રૂપિયા આઠસો-હજારથી વધારે મળતા નહીં. નાટકની ટિકિટના દર આગળની બેઠકોના રૂપિયા ૨૦ અને પિટ ક્લાસ એટલે કે બાલ્કનીના આઠ આના! સાહ્યબો મારો ગુલાબનો છોડ, ધનવાન જીવન માણે છે, નાગરવેલીઓ રોપાવ, બાળપણનાં સંભારણાં જેવાં ગીતો ગુજરાતી રંગભૂમિની આન બાન અને શાન હતાં. યૂટ્યુબ પર સાંભળવાની જરૂર નથી. તમને પોતાનેે જ આ ગીત આવડતું હશે એટલે તમે પોતે જ ગણગણી લેજો.
———————–
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા
જોતી’તી વ્હાલાની વાટ રે
અલબેલા કાજે ઉજાગરા
પગલે પગલે એના ભણકારા વાગતા
અંતરમાં અમથા ઉચાટ રે …
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં
વેરણ હિંડોળા ખાટ રે …
ઘેરાતી આંખડીને દીધા સોગંદ મેં
મટકું માર્યું તો તારી વાત રે …
આજના તો જાગરણે આતમ જગાડ્યો
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે …
• કવિ : પ્રભુલાલ દ્વિવેદી • સંગીતકાર: કાસમભાઈ • ગાયિકા : મોતીબાઈ
——————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 19 સપ્ટેમ્બર 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=578376