સતત વહેતા પ્રવાહનો વિલય એટલે એનું વિરાટમાં ઓગળી જવું. અનેક ધારાએ વહેતી સરિતા જેવું માવજીભાઈ સાવલાનું જીવન. મારી ડબડબતી આંખે એમના વિશે બે અક્ષર પાડવા બેઠો છું ને મારા શબ્દો કાગળ પર આવે તે પહેલાં જ એ ધારાઓમાં વિલિન થવા લાગે છે. છતાં વહેતાં જળમાં રેખાઓ આંકવાનો થોડો પ્રયત્ન કરી જ લઉં.
દિવાળીની બપોરે અમે વડોદરાથી અંજાર આવ્યા. બે દિવસ પછી દક્ષાબહેન સંઘવી સાથે ફોન પર વાત થઈ ને એમણે સમાચાર આપતાં કહ્યું કે બાપુજીને ઘરમાં જ લપસી જતાં ફ્રેક્ચર થયું છે અને ઓપરેશન કરાવવું પડ્યું છે. શનિવારે હોસ્પિટલમાંથી રજા મળશે. શનિની સાંજે હું ને મારાં પત્ની એમને ઘેર પહોંચ્યાં, મંદ મુસ્કાનથી એમણે અમને આવકાર્યા. શરીર કંઈક ક્ષીણ થયેલું ભાસ્યું. અવાજ ધીમો, કંઈક ઊંડેથી આવતો પણ રણકો તો એ જ. પીડાગ્રસ્ત ચહેરા પર હાસ્યની એવી જ તરોતાજા લકીરો. મનથી પૂરા સ્વસ્થ. એ અવસ્થામાં ય ધીમે સાદે પરિવાર, મિત્રો સૌના ખબર-અંતર પૂછ્યા. કલાકેક બેઠા અને ફરી નિરાંતે મળવાના વાયદા સાથે છૂટા પડ્યા.
સવારે દસ વાગ્યે મિત્ર રજનીકાંત મારુનો ફોન. માવજીભાઈ વિદાય લઈ ગયા – મેં કશેક વાંચેલું : ’Let Death Catch You Alive‘ – તમે ધબકતા હો ત્યારે જ મૃત્યુ ભલે તમને પકડી પાડે – આ માવજીભાઈ પણ ધબકતા જીવન સાથે ભેરુબંધની જેમ મૃત્યુનો હાથ ઝાલી ચાલતા થયા. એ જ મસ્તી, એ જ તોર, એ જ અકબંધ મિજાજ સાથે. મને કવિશ્રી હરીન્દ્ર દવેની આ પંક્તિઓ યાદ આવી જાય છે :
મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો.
ચાર-સાડાચાર દાયકાનો અમારો અનુબંધ. કૉલેજમાં ભણતો એ દિવસોથી જ એમની દુકાને જતો થયેલો. ત્યારે તો કેન્દ્રમાં ‘કચ્છ કલામ’. પછી ફૂટપાથને કાંઠે આવેલી એ ચાની દુકાનનો એક ખૂણો ‘અપ્લાઈડ ફિલોસોફી સ્ટડી સેન્ટર’માં રૂપાંતરિત થતો હું જોતો રહ્યો. દર્શનશાસ્ત્રના આજીવન વિદ્યાર્થી અને થોડો સમય પ્રાધ્યાપક પણ રહી ચૂકેલા માવજીભાઈનું ધ્રુવપદ એવું કે પુસ્તકો, અભ્યાસક્રમો કે ચર્ચાઓમાં અટવાઈ રહેવાને બદલે જિવાતા જીવન સાથે તાલ મેળવે એ જ ખરી ફિલસૂફી.
દુકાનમાં એમની સિંહાસન જેવી ખુરશી એક રીતે તો જોગીના ધૂણા જેવી. દશે દિશાના વાયરા ત્યાં હોંશે હોંશે વાય. ફિલસૂફોથી લઈને ફકીરો કે કલાકારોથી કામદારો – સ્તરે સ્તરના અનેકવિધ લોકોનો ત્યાં આવરો-જાવરો. કશા આયોજન વિના સુનિયોજિત બેઠકો ત્યાં ચાલતી રહે. તીવ્રતમ બૌદ્ધિક ચર્ચાઓથી લઈને જીવનનાં સારભૂત તત્ત્વોની ખરલ ત્યાં ઘૂંટાતી રહે, માવજીભાઈની એ બેઠક અનેકોનો વિસામો, હૈયું ઠાલવવાનું કામ, પ્રેરણાની પરબ … અને ઘણું બધું. એની વધુ વાતો તો એ બેઠકોના કોઈ નિત્યસંગાથી જ કરી શકે.
સતત પ્રવૃત્તિશીલ એવા માવજીભાઈ ભીતરથી ખાસ્સા સ્થિર અને દીપ્તિમંત. જીવન છે એટલે વિપદાઓ તો આવવાની, આવતી રહે. અનેક ઝંઝાવાતો વચ્ચે માવજીભાઈ અડોલ. કોઈ કપરા કાળમાં આપણે એમને આશ્વાસન આપવા ગયા હોઈએ અને આશ્વાસિત થઈને પાછા આવીએ. અડગ ગતિશીલતા અને નિર્મળ હાસ્ય એ એમના વ્યક્તિત્વની આંતર છબી.
તત્ત્વનું ટૂંપણું નહીં પણ રસબસતું દર્શન એ માવજીભાઈનો મંત્ર. અઘરામાં અઘરા વિષય પર પણ સૌને સમજાય એવું સરળ ભાષામાં લખે. ચિત્રકળા હોય કે ચલચિત્રો, લોકસંગીત હોય કે શાસ્ત્રીય સંગીત; અનેકવિધ વિષયોમાં એમની ચેતના રમમાણ. વિશ્વવિખ્યાત દિગ્દર્શક એલિયા કઝાનની વાત પણ ક્યારેક માંડે, તો હોમિયોપથી અને બાયોકેમિક ઉપચાર પદ્ધતિનાં પુસ્તકો પણ આપે. એમને પ્રિય જૂની ફિલ્મનાં ગીતો, ભજનો, પદો, સદૈવ એમના હોઠે અને હૈયે રમતાં હોય.
‘કચ્છ કલામ’ એ એમની કચ્છ અને કાછી સાહિત્યને મળેલી અમુલખ ભેટ. કચ્છી ભાષા, સાહિત્ય, સંસ્કારો અને કચ્છીયતની જાળવણી અને સંવર્ધનને લક્ષતું એ બેનમૂન સામયિક. સામયિક સંપાદનનો એક આદર્શ નમૂનો પણ એ દ્વારા મળી રહે. થોડો સમય ચલાવ્યું, દિશા ચીંધી અને પછી સહજ વિરામ.
‘કિતાબી દુનિયા – વાચનની આનંદયાત્રા,’ ‘વાચન વિશ્વ ઝરૂખે’ કે ‘કિતાબી સફર’ જેવાં એમનાં પુસ્તકો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે એમની વાચનની ક્ષિતિજો કેટકેટલી વિસ્તરેલી હતી. મને એમની પાસેથી અઢળક સાંપડ્યું છે. પુસ્તકોનું અમારું આદાન-પ્રદાન સતત ચાલતું રહે.
કલમ સતત ચાલતી રહે. ‘કચ્છ મિત્ર’, ‘પગદંડી’, ‘ઓળખ’ આદિમાં કૉલમ; સામયિકોમાં સતત લેખન. ‘વિચાર વલોણું પરિવાર’ સાથે તો વરસોનો નાતો. એ બધાના પરિપાક રૂપે નાની નાની પુસ્તિકાઓથી માંડીને અનેક પુસ્તકો પ્રકાશિત થતાં રહે. પ્રવાસ, સ્મરણો, પત્રો, સંકલન, સંપાદનનાં અત્યાર સુધી ૫૦(પચાસ)થી વધુ પુસ્તકો અને અનુવાદનાં ૨૫(પચ્ચીસ)થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં હશે. ફંફોસવા બેસીએ તો હજુ ૧૫-૨૦ પુસ્તકો જેટલું સાહિત્ય લખાયેલું સાંપડે.
અધ્યાત્મ એમનો પ્રાણવાયુ. ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી. એ વિશેનાં પુસ્તકો મળે એ સ્વાભાવિક પણ રશિયન દાર્શનિક ગુર્જિએફ એમને એવા પ્રિય કે એમના વિશે એમણે ચાર પુસ્તકો આપ્યાં. નિસર્ગદત્તજીના દર્શનના નીચોડરૂપ ‘આત્મબોધ’ના ચાર ભાગનો એમનો અનુવાદ મહામૂલો. જે. કૃષ્ણમૂર્તિ, ઝેન, તાઓ, સૂફી …. દર્શનની કેટકેટલી ધારાઓ એમણે જિજ્ઞાસુઓ સમક્ષ ખોલી આપે !
વિશ્વ વિખ્યાત સજર્ક ટૉલ્સટૉયની ‘રીઝરેક્શન’ જેવી બૃહત નવલકથાનો ‘પુનરાવતાર’ નામે સંક્ષિપ્ત અનુવાદ એમણે આપ્યો. તાજેતરમાં જ એની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. દોસ્તોયેવસ્કીની એક લાંબી વાર્તાનો સુંદર અનુવાદ ‘સ્વપ્ન એક બુદ્ધનું’ – લાભશંકર ઠાકરે એનો વિસ્તૃત પ્રવેશક ઉમળકાભેર લખ્યો. ‘એટ્ટીની રોજનીશી’ એમનો યશોદાયી અનુવાદ. જુદા જુદા પ્રકાશકો દ્વારા એની એકાધિક આવૃત્તિઓ થઈ. નોબેલ પુરસ્કારથી સમ્માનિત જર્મન લેખક હરમાન ! ‘સિદ્ધાર્થ’ એમને અતિ પ્રિય. એ કૃતિનું એમણે ગુજરાતીમાં નાટ્ય રૂપાંતર આપ્યું. છેલ્લા કેટલાક સમયથી રવીન્દ્રનાથ એમના ચિત્તમાં રમ્યા કરતા; તો એમના અનુવાદો અને એનાં વિશેનાં પુસ્તકો. – આ તો થોડા અછડતા ઉલ્લેખો બાકી પુસ્તકોની વાતોનો આરો કે ઓવારો નહીં.
સજર્નાત્મક સાહિત્યમાં વાર્તા-લઘુનવલ લખવાની એમની મનીષા. લાભશંકર ઠાકર અને થોડા મિત્રો એમને એ માટે પ્રેરતા રહે. એ રીતે અધ્યાત્મ જીવનના અનુભવોની વણી લેતી એક લઘુ નવલ ‘એક અધૂરી સાધના કથા’ એમની પાસેથી મળી. તો એવી જ બીજી લઘુનવલ દેહાવસાનના થોડા દિવસો પૂર્વે જ એમણે પૂરી કરી – જેના પ્રકાશનની આપણે રાહ જોઈએ. એમની અંગત ડાયરી(નોટબુક્સ)માંથી પણ સંકલન કરવા બેસીએ તો કંઈક અનોખું સાહિત્ય એમાંથી સાંપડે.
સંવેદનશીલોને ભાવુક કરી મૂકતી છેલ્લે પ્રકાશિત થયેલી એમની કૃતિ ‘તું અને હું’ એ એમનાં પત્ની સાકરબહેનના મૃત્યુ પછી એમણે આલેખેલી દાંપત્યજીવનની ભાવસભર સ્મરણગાથા. બે હૈયાંના અનુપમ સાયુજ્યની અનોખી કથા. તા. ૧૫-૧૧-૧૫ની સવારે એ પુસ્તકના શીર્ષકમાંથી ‘અને’ ને હદપાર કરી, ‘તું-હું’ના સાયુજ્યનું અનુસંધાન રચતા તેઓ અનંતમાં વિસ્તરી ગયા. હવે જે ‘અન્-અંત’ છે તેના ‘અંત’ની વાત શી રીતે કરવી ?
અલમ્.
સૌજન્ય : “કચ્છ મિત્ર”
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ડિસેમ્બર 2015; પૃ. 11 & 10